ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 53
શિર્ષક:- સહજ યોગી
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 53.."સહજ યોગી"
પશ્ચિમના એક બહુ મોટા દાર્શનિકે કહ્યું છે કે સત્ય તો રસ્તા ઉપર જ પડ્યું છે. તેને શોધવાનું છે જ નહિ. માત્ર આંખો જ ઉઘાડવાની છે. રસ્તા ઉપર પડેલા સત્યને આપણે જોઈ નથી શકતા, કારણ કે તે રસ્તા ઉપર પડ્યું છે. નજીકની અને સહજપ્રાપ્ત વસ્તુનું મૂલ્ય સામાન્ય માણસ કદી નથી સમજી શકતો. તેની આંખો દૂર દૂરની અત્યંત કષ્ટસાધ્ય વસ્તુને શોધવામાં લાગેલી હોય છે.
શ્રી ભારતીજીના અવસાનથી મોક્ષ સંબંધી મારી માન્યતાઓ ગૂંચવાઈ ગઈ હતી, તેમાં એક નવી ઘટનાએ ધડાકો કર્યો.
ટેકરા મઠના દ્વારેથી થોડે જ આગળ રમકડાં બનાવનાર એક કુંભાર રહે. જતાં-આવતાં મારી નજર સહજ રીતે તેના ઉપર તથા તેનાં બનાવેલાં રમકડાં ઉપર પડે જ. જ્યારે જુઓ ત્યારે માટીનાં રમકડાં બનાવતો હોય અથવા કોઈ વાર હોકો પીતો હોય. છેલ્લે છેલ્લે તેણે પોતાનું જ પૂતળું બનાવેલું. વૃદ્ધ કાય, મોટી ધોળી મૂછો અને નિર્ભાવ ચહેરો. તેણે બનાવેલું પૂતળું તેના જેવું જ હતું. ખરેખર તે ગ્રામકલાકાર હતો.
આગલી સાંજે જ તેણે પોતાના ત્રણે યુવાન પુત્રો-પુત્રવધૂઓ તથા કુટુંબનાં અન્ય માણસોને વાળુ કર્યા પછી ભેગાં કર્યાં હતાં તથા હોકો પીતાં પીતાં જણાવ્યું હતું કે હવે પરોઢિયાના ચાર વાગ્યે હું દેહ છોડી દેવાનો છું. મારી પાછળ કોઈ રડશો નહિ, બૅન્ડવાજાં-મંગાવીને ભજન-ધૂન કરતાં કરતાં મારી સ્મશાનયાત્રા કાઢજો. મારી પાછળ આવું ને આટલું જમણ કરજો, વગેરે. એ વૃદ્ઘની વાતને માનવા કોઈ તૈયાર ન હતું. કારણ કે તેના નખમાંય રોગ ન હતો. તે પૂર્ણ સ્વસ્થ હતો.
સમય થયે સૌ સૂઈ ગયાં. પેલા વૃદ્ધ પરોઢિયાના બરાબર ત્રણ વાગ્યે ઊઠ્યા, સ્નાનાદિ કર્યું, સૌને ઉઠાડ્યાં અને બરોબર ચાર વાગ્યે દેહ છોડી દીધો. સૌની નવાઈનો પાર ન રહ્યો. સવાર થતાં થતાં તો બૅન્ડવાજાં આવ્યાં અને સૌ નાચવા-ગાવા લાગ્યા. તપાસ કરી તો બધી વાતની ખબર પડી.
મારા વિચારોને ગતિ મળી. જેણે ગીતા-રામાયણ કે ઉપનિષદો જેવા જ્ઞાનના ગ્રંથો વાંચ્યા-ભણ્યા નથી, જેણે જ્ઞાનની ચર્ચાઓ કરી નથી, જેણે ધ્યાન કે યોગ કર્યો નથી, એવો એક સામાન્ય અભણ માણસ આવી રીતે પૂર્ણ સ્વસ્થતાથી યોગીઓના મોતે મરે, અને જેણે કાંચનકામિનીનો પૂર્ણ ત્યાગ કરી ઉચ્ચ તત્ત્વજ્ઞાન પચાવ્યું હોય તે અસંતોષ થાય તેવી રીતે મરે ! શું સમજવું ? ઘણા દિવસો સુધી હું વિચારતો જ રહ્યો – ખરું શું ?
અંતે મને સમજાયું. પેલા કુંભારનું સહજ જીવન હતું. તે ખરા માર્ગ ઉપર હતો. તે ભલો ને તેની માટી ભલી. કોઈ ખટપટ નહિ, અસંતોષ નહિ, ભક્તપણાનો કે યોગીપણાનો કોઈ ડોળ કે આડંબર નહિ. જેવો છું, જે છું તે સહજ રીતે મને જોઈ લો. હું રમકડાં બનાવનાર માત્ર કુંભાર જ છું. તેથી વધુ કાંઈ નહિ.' આ તેનું સરળ તથા સહજ જીવન હતું. તેને પત્ની હતી, બાળકો હતાં, ઘર-સંસાર હતો. છતાં અલિપ્ત હતો. અલિપ્તપણાનો તેણે કદી દાવો ન કર્યો કે ન તો તેવો દેખાવ કર્યો. કારણ કે તેને લોકૈષણા ન હતી. પુત્રૈષણા કે વિતૈષણા પણ ન હતી. સહજ રીતે જે મળ્યું તેથી સંતોષ હતો.
મેં અનેક યોગીઓને નજીકથી જોયા છે. જે દિવસો, અરે મહિનાઓ સુધી રૂમોમાં કે ગુફાઓમાં પુરાઈ રહે છે, શક્તિપાતનો દાવો કરે છે, પોતે ઊંચી ભૂમિકાએ પહોંચ્યા છે, અરે, ભગવાન છે તેવો ડોળ કરે છે. આવા લોકોના પ્રચારસાહિત્યની શેવાળને ભેદીને જો કોઈ ઊંડે જુએ તો તેમને આઘાતજનક જુદી જ વાસ્તવિકતા દેખાશે.
સામાન્ય માણસમાં જે સત્ય તથા ઈશ્વરનું સામિપ્ય હોય છે તે સુપરમૅનોમાં નથી હોતું.
આ બે ઘટનાઓ તથા અન્ય યોગીઓના સામિપ્યથી હું નિર્ણય કરી શક્યો કે સહજ જીવન જ બરાબર છે. રૂમ કે ગુફામાં પુરાઈ રહેવું. દર્શન માટેનો સમય નક્કી કરી દર્શનાર્થીઓ આગળ પરમયોગનો ડોળ કરી દર્શન આપવાં વગેરે સહજ માર્ગ નથી.
પેલા કુંભારનાં દર્શન કરવા કોઈ નહોતું આવતું કારણ કે તે રસ્તા ઉપરનું સત્ય હતું. સસ્તું તથા સહજ હતું, એટલે તેને ઓળખવાની કોઈને પડી ન હતી. પણ ગુફામાં પુરાઈ રહેનારાઓ પાછળ લોકો પાગલ થતા હોય છે, દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે. ભીડ, ભીડને વધારતી હોય છે. અંતે એક સફ્ળ દુકાન, દર્શન આપવા તથા આશીર્વાદ આપવાનો ધંધો ધમધોકાર ચલાવતી થઈ જતી હોય છે. પ્રચારતંત્ર, આયોજન અને યથોચિત આડંબર આવડે તો અહીંના આધ્યાત્મિક ક્ષેત્રના ઉપગ્રહ થવામાં જરાય વાર ના લાગે પણ....હા....સત્ય તો રસ્તા ઉપર જ પડ્યું છે. તમારી આંખ આગળ જ, જોઇ શકાય તો....!
આભાર
સ્નેહલ જાની