Pohchine Phone karjo in Gujarati Fiction Stories by Bharat(ભારત) Molker books and stories PDF | પહોંચી ને ફોન કરજો

Featured Books
Categories
Share

પહોંચી ને ફોન કરજો

“હવે કંઈક બહાર જવાનું કરો”, આના જવાબમાં જીતુ બોલી ઉઠતો, “આપણે ક્યાંય નહીં જવું, અહીંયા જ સારું છે!” જીતુ એટલે કે જીત પ્રભાશંકર પટેલ, જે મહેસાણા જિલ્લાના ગોજારીયા નો મૂળ વતની. ગામડે સારી એવી જમીન જાગીર, તો પણ અમદાવાદના રકનપુરમાં પોતાની પત્ની આશા, ભાઈ દિનેશ અને ત્રણ વર્ષના દીકરા યશરાજ સાથે રહી પોતાની એક નાની સરખી પગરખાની દુકાન ચલાવતો. જ્યારે-જ્યારે તેના સગા સંબંધીઓ આવી વાતો જીતુને કહેતા, ને બીજા સગા સંબંધીઓના ઉદાહરણ આપતા કે જેઓ વિદેશ જઈ વસ્યા છે, ત્યારે-ત્યારે જીતુ ને તે જગ્યા અને તે પરિસ્થિતિમાંથી નાસી છૂટવાનું મન થતું. જીતુને પોતાના ગામ પ્રત્યે એટલો પ્રેમ કે જ્યારે ગામડે જવાનો મોકો આવે એટલે મન રમવા લાગે, કે ક્યારે બાઈક પર બેસીને કીક મારું અને સીધો પહોંચી ઉભો રહું મારા ગામના ઘરના દરવાજે. જીતુ નું અમદાવાદમાં રહેવું એક એવી મજબૂરી હતી, જે ફક્ત મજબૂરી ના હોય એક જીમ્મેદારી પણ હતી. નાનો ભાઈ દિનેશ અપરણીત. જ્યારે તેના સગપણ ની વાત ચાલે ત્યારે કન્યા પક્ષ સૌથી પહેલા એક જ સવાલ કરે, “રેહવાનું ગામમાં કે શહર માં?” જો છોકરો ગામમાં રેહતો હોય તો ચોકડી મારીદેવાની. ને જો વર પક્ષ તરફથી એવો જવાબ મળે કે, “હાલ રેહઠાણ અમદાવાદ છે” તો કૈક આગળ વાત ચાલે. કારણ અમદાવાદ બીજા શહરો ની સરખામણી માં અલગ જ તરી આવે છે. આ એક શર્ત ની પુરતી થતી હોય ત્યાં તો બીજો સવાલ હાજર જ હોય, “અમદાવાદ માં પોતનું મકાન કે ભાડે રહવાનું?” જો પોતનું મકાન હોય તો-તો વાંધો શું? પણ જો ભાડા ના મકાન માં છોકરો રેહતો હોય તો, તો મન જરા કચવાય, પણ છેવટે અમદાવાદ માં વસે છે એ વાત મન ને મનવા માટે પુરતી થઇ રેહતી. છોકરી પક્ષને ગામડાની સેકંડો વીઘા જમીન જાગીર, ઘર ના બદલે અમદાવાદનું પહેલું 10 બાય 12 નું એક-બે રૂમ રસોડા વાળા મકાનની હેસિયત વધારે લાગતી. એટલે ના છૂટકે પોતાના નાના ભાઈના વૈવાહિક ભવિષ્યને ધ્યાનમાં રાખી, જીતુ જેમ તેમ પોતાના મનને સંયમમાં રાખી, અમદાવાદની હવા જે એક રીતે તેનો દમ ઘોટતી, તેમાં શ્વાસ લઈ દિવસો વિતાવ્યા કરતો હતો. જીતુ તેની પત્ની આશા ને હંમેશા કહેતો, “જે દિવસે દિનિયો પરણે આપણે ગામમાં પાછા”. અમદાવાદના પોતાના ધંધાની વ્યસ્તતા માંથી પણ દર અઠવાડિયે જીતુ એક દિવસ સમય કાઢી અચૂક ગામડે આંટો મારી આવતો. પોતાના મા-બાપ ની ખબર લેતો. પોતાના ખેતરોમાં ફરી ચકાસણી કરી લેતો, કે આગળ શું કામ કરવાનું છે, શેની જરૂર પડશે, ભાજીયા સાથે તેની ચર્ચા કરી લેતો. પાણી પણ વાળી આવતો. ગમાડે થી તાજી શાકભાજી, ઘર નું ઘી, અને ગામ ની ચોક્ખી હવા શ્વાસ માં ભરી, એક અખંડ સ્મિત સાથે અમદાવાદ પાછો ફરતો. જે અહિયાં પગ મુકતા જ અદ્રશ્ય થઇ જતું. તેને યાદ આવતા તેની મા ના શબ્દો, પાછા આવતા પેહલા અચૂક પણે જે તેને કેહતી, “પોકીને ફોન કરેજે”, ને જીતુ ભૂલ્યા વગર ફોન કરીને માં ને જણાવતો કે તે હેમ ખેમ અમદાવાદ પહોંચી ગયો છે. તેને ખબર હતી કે મા નો જીવ છે, ચિંતા કાર્ય વિના રેહશે નહી, જ્યાં સુધી એનો અવાજ સાંભળી ના લે. જીતુ ની પત્ની હમેશા તેને ઠપકો આપ્યા કરતી “તમેં ગામડે જવા માટે કાયમ તૈયાર”. જીતુ તને કેહતો “હાસ તો વળી, ઉભા પગે તૈયાર!". આશા ને જયારે પણ તેમના સંબંધીઓ ના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે યુકે જેવા દેશો માં પહોંચી જવાના સમાચાર મળતા, તો તે પણ તેમના અહીના સંબંધીઓ ની જેમ જીતુને કેહતી, “આપડું કઈ કરો ને બહાર જવાનું”. જીતું તેને કેહતો “મેલ ને ચ્યોય નહીં જવું” ને સાથે-સાથે એમ પણ કેહતો કે “મારી તો ભગવાન ને પ્રાથના છે કે આવતો જનમ ભારત દેશમાં, મેહસાણા જીલ્લા માં, ને ગોઝારીયા ગામમાં જ આપે”. ત્યારે આશા કેહતી “તમે તો છે ને પેલા કુંવા ના દેડકા જેવા” જીતુ હસતા હસતા ઉત્તર આપતો, “તો એવું રાખ તારે...” એમ જોઈએ તો જીતુ ના વિદેશ માં ઘણાખરા ઓળખીતા હતા. સગાય એટલા ને દુર ના સગાય એટલા. ને ગામના લોકો, મીત્રોતો ખરા જ. જયારે-જયારે જીતુ નો ખાસ મિત્ર નિકુંજ પટેલ ઉર્ફ “નીક”, અમેરિકા થી એને વિડીઓ કોલ કરતો ત્યારે ઘર ના બધા સભ્યો સાથે વાતો કરી તેમના હાલ ચાલ પૂછતો. પોતે કેવી સુખ સાહેબીમાં જેવે છે તેની ઝલક બતાવતો. એ બધું જોઈ આશા નું મન લલચાતું ને તે કાયમ કેહતી “જોયું ને, તમારી જોડે જ ગામમાં ફરતા’તા ને! ને હવે કેવા અમેરિકાવાળા સાહેબ થઇ ગયા છે!” જવાબ માં જીતુ કેહતો “અલા, ત્યાં એ કચરા પોતું જ કરે છે”. આશા કેહતી “પણ કમાય છે તો ડોલર માં ને!. નરોડામાં કેવો બંગલો લીધો છે ખબર છે તમને? ને પોતાના નાના ભાઈ ને એસયુવી ગાડી લઇ આપી છે. મેં તો સાંભળ્યું છે કે કાકા-કાકી ને ય લઇ જવાના છે...” “કાકા-કાકી ના વિઝા લાગશે ત્યારે જશે ને” જીતુ બોલ્યો. “એ તો બ્લેક માં લઇ જશે!” આ વ્ક્યો સાથે આશા એ વાત પતાવી. “બ્લેક માં લઇ જશે” આ વાક્ય જીતુ એ પેહલી વખત નહોતું સાંભળ્યું. તેના ગામ ના લોકો અને તેના બીજા ઓળખીતા ગૈરકાયદેસર અમેરિકા કેનેડા, જેવા બીજા દેશોમાં પહોચ્યા હતા. જીવ ના જોખમે, લાખો-કરોડો રુપયા ખર્ચી ને. જીતુ કાયમ બીજા બધાને કેહતો ને વિચાર પણ કરતો કે આ કેવું ગાંડપણ કે આટલા બધા રુપયા ખર્ચી, પોતાનો જીવ જોખમ માં નાખી વિદેશ જવાનું. ત્યાં જઈને પણ છુપાઈ-છુપાઈ ને જીવવાનું ને રાત-દિવસ મજુરી કરે રાખવાની. કોઈ ખબર પૂછનાર નહીં. ને કઈ થઇ જાય તો કોઈ જોનાર નહીં. જીતુ કેહતો “ કે પેલા સોમાલાલ ના વિપુલનો હાલ કેવો થયો’તો તે ખબર છે ને? બેલ્ક માં યુકે જવા નીકળ્યો’તો ૫૦ લાખ ખર્ચી ને. ત્યાં પહોચાયું તો નહીં ને પાછો આયો. એમાં ને એમાં અહી ની બધી મિલકત વેચી કાઢી. પેલું કેહવાય ને વિનાશ કાલે વિપરીત બુધ્ધિ, એવું”. આશા પણ પાછી ના પડતી જીતુ ની આ દલીલ સામે. તે કેહતી કે, “એક દાખલો શું પકડીને બેઠા છો, બીજા બધા જે પહોંચી ગયા એ જોવો ને!”

જયારે-જયારે લગ્ન પ્રસંગે બધી સ્ત્રીઓ ભેગી થતી ત્યારે અહીની ત્યાની બધી વાતો પછી વાત ફરીને વિદેશ જવા માટે કોની-કોની ફાઈલ ચાલે છે, કે હાલમાં જ કોણ-કોણ વિદેશ પહોંચી ગયા, ત્યાં આવી અટકતી. ને પછી એ જ વિષય પર આગળ વધતી. એક બીજા પર વટ પાડવા માટે સ્ત્રીઓ પોતાના અને તેમના સગા-સંબંધીઓના અતિશયોક્તિ ભર્યા કિસ્સાઓ કેહતી. આ કિસ્સાઓ સાચા જ હશે કે સાચા જ છે, એવું માનવા માટે બીજી સ્ત્રીઓ નું મન સેજ પણ ખચકાતું નહીં કારણ વિદેશ જવા માટે મેહસાણા જીલ્લા નો પટેલ સમાજ ગમે તે હદે જવા તૈયાર. એમાં કોઈ સ્ત્રીએ મધુબેન ની દીકરી ડિમ્પલની વાત કાઢી. કે કેવી રીતે ડિમ્પલે કેનેડા માં કાયમ વસવાટ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. કેમ કે કોઈ કારણસર ડીમ્પલ ની કેનેડા માટે ની ફાઈલ સતત ખારીજ થતી આવી. ડિમ્પલે કેનેડા ના સ્થાઈ રેહવાસી સાથે અહી ગુજરાત માં લગન કાર્ય., વિધિવત રીતે. અરે પ્રીવેડિંગ શૂટ કર્યું, લગન ના ગરબા, આખા ગામને જમણવાર. છોકરો જાન લઇ આવી ડિમ્પલે ને તેડી ગયો. પણ ૧૦-૧૨ મહિના પછી ખબર મળી કે ડીમ્પલ ના છુટા-છેડા થઈ ગયા છે. પણ હા હવે ડિમ્પલે કેનેડા નો પી.આર ધરવતી નાગરિક થઇ ગયી છે. એટલે કે લગ્ન ના એ બધા રીતી-રીવાજો, ને બધા પ્રસંગો એક ડોળ હતો. ડિમ્પલ અને એને કેનડા લઇ જનાર એના પતિ સાથે પેહલા જ કોન્ટ્રાક્ટ કરી લીધો હતો કે જે ઘડીએ ડિમ્પલે ને કેનેડાનો પી.આર. મળશે, તે જ ઘડી એ તેના પતિ ને છૂટાછેડા આપી દેશે. આવી બધી વાતો સાંભળી ને આશા નું મન ચકરાતું, કે જેમને વિદેશ જવું છે તે લોકો કેવી-કેવી નવી તિકડમ શોધી કાઢે છે. એને થતું કે એનો જીતુ આવી બાબત માં કેમ પાછો પડે છે? આશાને થતું કે ગામ ના સાવ અભણ લોકો અમેરિકા પહોંચી ગયા, બસ એનો જીતુ જ અહીં રહી ગયો. જીતુ ની બોલી ના લેહકા પર થી જ ખબર પડી જાય કે મેહસાણાનો મૂળ વતની છે. એમ તો જીતુ બી.કોમ. ગ્રેજુએટ. આગળ ભણ્યો હોત તો કદાચ સી.એ. પણ થઇ જાત. પણ એને તો જમીન સાથે જોડાઈ રેહવા માં વધારે રસ હતો. એ કેહતો કે મારા પુરખાઓ નો વરસો કેમ ના આગળ વધારું? અને પોતાના અઢી વરસ ના દીકરા ને પણ જમીન સાથે ના લગાવ ની વાત એવી રીતે એ નાના મગજ માં ઉતારી હતી કે, યશરાજ ને પૂછો કે મોટો થઇ ને શું બનીશ? તો યશરાજ જવાબ આપતો, “ખેડૂત!” પણ એક મજબુરીએ જીતુ ને વ્યાપારી બનવ્યો હતો. આશા ને કોઈ પૂછતું કે તમે ફાઈલ મૂકી છે? કે ક્યારે મુકશો? ત્યારે તેની પાસે કોઈ જવાબ ના રેહતો અને તે ભોંટપ અનુભવતી. અમુક સ્ત્રીઓ આશા ને સલાહ આપતી કે જેટલું જલ્દી બને અમેરિકા કે બીજા કોઈ દેશમાં જતા રહો. હમણાં જ ઉમર છે સાહસ કરવાની. ને ત્યાં જઈ ને બીજુ પારણું બંધાય તો પછી જનમનાર ને સેહલાય થી ગ્રીન કાર્ડ મળી જાય, એટલે તમારી કાયમ ની ચિંતા મટી જાય. આશા મંદ હસતી ને કેહતી કે “વાત તો સાચી”. લોકો ની એવી વાતો થી પણ આશાનું મન લલચાવતા કે, ફલાણાએ તો ગયા પછી તેમના પરિવારને લાખો રુપયા મોકલ્યા, એ પણ એક વરસ માં જ! ત્યારે આશા ને થતું કે કેમ ના આપણે પણ વિદેશ જઈ આર્થિક રીતે સધ્ધર બની પોતાનું ભવિષ્ય સાચવી લઈએ?

દિવાળી ની રજાઓ માં જીતુ જયારે ગામડે પોતાના ઘરે આવતો, એટલે સવારે નાહી ને ઘર થી બહાર પગ પડે, પછી તો દિવસ ભર ગામ માં જ ફરવાનું, ને વાતો કરવાની. ખાવા પીવાનું પણ ધ્યાન ના રહે. કાં તો વાતો એ ચઢ્યો હોય કે પછી ખેતરો માં નીકળી પડ્યો હોય. આશા તેને ફોન લગાવી બોલાવતી. ત્યારે મન થાય તો આવતો, નહીં તો કેહતો કે સાંજે બપોર નું તેના હિસ્સા નું વધેલું ખાય લેશે. એનું રાત નું જમવાનું ના બનાવે. બેસતા વર્ષના દિવસે સરસ નવા કપડા પેહરી, જીતુ માં-બાપ ના પગે લાગી જઈ બેસતો ચબૂતરે. ત્યાં બધાને નુતન વર્ષ ની શુભેચ્છાઓ થી વધાવતો. જે રસ્તે મળતા અમને પણ. ચબૂતરે બેઠા-બેઠા જીતુ મોબાઈલ માં થી તેના બધા મિત્રો અને સગા વહલાઓ ને નુતન વર્ષ ના હર્ષ ભર્યા શુભ સંદેશ મોકલી રહ્યો હતો, ત્યારે કોઈએ “જીતયા!” કહી હાંક મારી બોલાવ્યો. જીતુ પેલો અવાજ તો ઓળખી ગયો, પણ તેને એવું લાગ્યું કે તેને ભાસ થયો છે, તે છતાં કોણે હાંક મારી એ જોવા માટે જીતુ વળી ને જોવે છે તો તેને તેની નજર પર ભરોસો નથી થતો. અને ક્ષણ ભર માં જ એની આંખો માં વિશ્વાસ અને ચમક ભરી ઉઠે છે. તે તરત ઉભો થઇ બોલી ઉઠે છે, “ઓહો નીકા...” તેનો ખાસ મિત્ર નિકુંજ પટેલ ઉર્ફ નીક ત્યાં ઉભો હોય છે. બન્ને ખુબ જ હર્ષપૂર્વક એક બીજા ને ભેટી પડે છે. “લ્યા ક્યારે આયો?” જીતુ પૂછે છે. “કાલ રાતે જ આયો” નિકુંજ જવાબ આપે છે. જીતુ કેહ છે, “કીધું હોત, તો તને એરપોર્ટ લેવા ના આવત”. નિકુંજ કેહ છે, “યાર મારે બધા ને સરપ્રાઈઝ આપવાની હતી”. “સારું-સારું આવ બેસ. બહુ દાડે આયો તું તો”, કહી જીયું નિકુંજ ને બેસવા માટે દોરી જાય છે. ફક્ત વીડિઓકોલ પર જ એક બીજા ને ખબર પૂછતા મિત્રો એ સામસામે બેસીને ભૂતકાળ થી માંડીને વર્તમાન સુધી ને બધી વાતો કરી. બપોર નો સુરજ તપવા લાગ્યો વાતો તો ખૂટવાની નહોતી પણ પેટ ને શાંત કરવાનું પણ જરૂરી હતું. એટલે નિકુંજ એ ચર્ચા પર અલ્પવિરામ મૂકી ઘરે જવા નીકળ્યો. જીતુ ખુશી-ખુસી ઘરે ગયો. આશા ને નવાઈ લાગી કે એવું તે શું થયું કે આજે જીતુ બપોરે જમવા ઘેર આવ્યો ને એ પણ એટલો હરક ભર્યા ચેહરા સાથે? જીતુ એ ઘર ના બધા સભ્યો ને બધી વાત કહી. તો આશા તરત બોલી ઉઠી, “ઘરે ના લઇ આવા જોઈએ એમને”. જીતુ બોલ્યો, “એ આવાનો જ છે તમને બધા ને મળવા”,

“જય શ્રીકૃષ્ણ કાકા!” એવો અવાજ સાંભળતા જ જીતુ સમજી ગયો કે નિકુંજ ઘરે આવ્યો છે. નિકુંજ જીતુ ના બાપુજી ને પગે લાગ્યો, એટલામાં ત્યાં જીતુ ની મા પણ આવી પહોંચી જે આંગણાની બાજુ ના વાડા માં ગાય ને ચારો નાખતી હતી. નિકુંજ અમને પણ “જય શ્રીકૃષ્ણ” કહી પગે લાગ્યો. બાપુજી એ નિકુંજ ને બધી પૂછ પરછ કરી. નિકુંજ એ એમના બધા સવાલો ના જવાબ આપ્યા. નિકુંજ ના દરેક જવાબ પછી પ્રભાશંકર પટેલ “સારું-સારું, બહુ સારું ભાઈ” કહી વાત પૂરી કરતા. જીતુ ની મા એ નિકુંજ ને પૂછ્યું કે તેની પત્ની ક્યાં? અહીં આવી કેમ નહી એની સાથે? તો નિકુંજ સેજ વાર માટે ચુપ રહ્યો ને પછી જવાબ આપ્યો કે, એ આવી છે પણ પેહલા પિયર ગયી છે. ત્યાં થી પછી અહીં આવશે. “આટલા વરસો પછી આવી છે તે પેહલા માં-બાપ ને મળવાનું મન તો થાય ને ભાઈ” નિકુંજ ની વાત ને ટેકો આપતા જીતુની મા એ કહ્યું. એટલા માં જીતુ બહાર આવ્યો. આવતા જ બોલ્યો, “લ્યા એકલો આયો? ભાભી ને ના લાયો? નિકુંજ કઈ જવાબ આપે તે પેહલા જ તેની મા બોલી ઉઠી, “પિયર ગયી છે એ તો”. “સારું-સારું વાંધો નહીં, લ્યા કાલે પૂછવાનું જ રહી ગયું”, જીતુ એ નિકુંજ ને કહ્યું તો નિકુંજ એ પણ જીતુ ને એ જ સવાલ પૂછ્યો “કે ભાભી ક્યાં?”. “આવે છે એ તો” જીતુ એટલું બોલતા ની સાથે જ આશા ઘરમાં થી ત્યાં આવી ને નિકુંજ ને જોતા બોલી, “જાય શ્રી કૃષ્ણ નિકુંજભાઈ”. નિકુંજએ પણ બન્ને હાથ જોડી આદરપૂર્વક આશા ને જાય શ્રી કૃષ્ણ કહ્યું. આગળ આશા એ કહ્યું કે, “વીડિઓ કોલ પર વાતો થતી, ને આજે સામે બેઠા છો, તે સારું કે આયા એટલે વર્ષે”. “હાં ભાભી આવું તો પડે જ ને, ઘણા વર્ષો થયા તા ને આવાનું થયું નહીં.” નિકુંજ બોલ્યો, ને પોતાની સાથે લાવેલી થેલી આશા આગળ ધરી. “આ શું લાયા ત્યારે”, નિકુંજ બોલ્યો “જાતેજ જોઈ લો”. આશા એ થેલી લઇ અંદર થી એક-એક વસ્તુઓ કાઢી જોઈ. તેમાં થી ચોકલેટ, પરફ્યુમ, વગેરે હતું. તે બધી ઈમ્પોર્ટેડ વસ્તુ જોઈ આશા ની આંખો ચમકી ઉઠી. તેના ચહેરા પર થી અસીમ આનંદ છલક્યો. “તે નીકા ને નાસ્તો આલ જે” જીતુ એ આશા ને કહ્યું. આશા બધું ભેગું કરીને કરીને ઉભી થઇ, ત્યાં નિકુંજ બોલ્યો, “ભાભી ઘરે થી ચા નાસ્તો કરી ને નીકળ્યો છું”. આશા ને જીતુ એક સાથે જ બોલ્યા, “નવા વરસ માં મો તો મીઠું કરવું પડે કે નહીં”. બધા હાસ્ય, ને આશા અંદર ઘર માં ગઈ. નિકુંજ એ જીતુ ને પૂછ્યું કે દિનેશ ક્યાં છે. જીતુ બોલ્યો કે “એ તો બધા ફરતા રામ, પગ ટકે છે ક્યાં”. થોડી વાર જીતુ, નિકુંજ, માં-બાપુજી એ આમ-તેમની, ગામ ને લગતી બધી વાતો કરી. આશા બહાર આવી ને જીતુ અને નિકુંજ ને અંદર આવા કહ્યું. અંદર તેણે ટીપોય ઉપર નાસ્તો અને મીઠાઈ તૈયાર રાખી હતી. નિકુંજ અંદર ખુરશી પર બેસતા બોલ્યો, “ભાભી આટલું બધુ તો નહીં ખવાય”, “જેટલું ખવાય એટલું એટલું” આશા બોલી. નીકુંજે મોહનથાળ નો એક નાનો કટકો ખાય લીધો. આશાએ નિકુંજ ને અમેરિકા માં કેવું જીવન છે તેના વિષે સવાલો પૂછ્યા. ત્યાં ના લોકો, ત્યાં વસતા ગુજરાત ના લોકો ને ખાસ એમના પટેલો કેવી રીતે ત્યાં રહે છે, શું, કયું, કેવું કામ કરે છે? ત્યાં કામ મળી રહે છે? એવી બધી વાતો જાણવાની આશા ને ઉત્સુકતા કાયમ રહતી. ભલે ને પછી આશા એ આવા સવાલો અમેરિકા કે વિદેશ થી પાછા આવેલા સંબંધીઓ ને પેહલા પણ પચાસ વખત પૂછ્યા હોય. આજે પણ એને એક સરસ મોકો હતો અને આશાએ એનો ભરપુર લાભ લીધો. જીતુ નિકુંજ ની વાતો થાય એના કરતા આશા નિકુંજએ વધારે વાતો કરી. વાતો-વાતો માં આશા બોલી, “હું તો આમને કહું છું કે નિકુંજભાઈ અમેરિકા છે, તે તમે પણ કઈ જવનું કરો, તે મારું કઈ માનતા જ નથી ને” નિકુંજ ચુપ રહ્યો થોડી વાર, ને પછી બોલ્યો, “એ તો ભાભી, એવું છે ને કે સાહસ કરવું પડે” આશા તરત જ બોલી ઉઠી, “એ જ હું આમને સમજાઉં છું કે માણસએ સાહસ કરવું પડે. લોકો નથી પહોંચી જતા”. નિકુંજ આશા ની વાત સાથે સંમત થતા બોલ્યો, “ભાભી, જે સાહસ કરે એ અમેરિકા પહોંચી શકે. આશાએ નિકુંજ ને જીતુ નો ખાસ મિત્ર સમજી, પોતાના મનની વાત કેહવાનો વિચાર કર્યો. જયારે-જયારે નિકુંજ અને તેની પત્ની વીડીઓ કોલ પર આશા અને જીતુ સાથે વાતો કરતા, તેના પર થી આશા ને એવું લાગ્યું હતું કે નિકુંજભાઈ અને ભાભી સારા વ્યક્તિ છે, મદદરૂપ થાય તેવા છે. આજે લાગ જોતા આશા બોલી, “તે નિકુંજ ભાઈ, આમનું કઈ થાય અમેરિકા જવાનું, એવી કઈ ગોઠવણ થાય તો કરી આપો”. નિકુંજ બોલ્યો, “કોનું આનું?” ને જીતુ ના ચહેરા સામે જોઈ બે ઘડી ચુપ રહ્યા પછી બોલ્યો, “આનું કામ નહીં ત્યાં”. જીતુ નિકુંજ ના ચહેરા સામે જોતો હતો તે ઝટ હસી પડ્યો. ને બન્ને મિત્રો એ આખી વાત હસી માં કાઢી નાખી. પણ આશા નો ઉત્સાહ સાવ ઠરી ગયો. નિકુંજ ના એક વાક્ય પર થી, તેણે તેના પ્રત્યે વર્ષો થી બાંધેલા મંતવ્યો તૂટી પડ્યા હોય એ રીતે. તે ચુપ રહી જીતુ સામે જોઈ રહી. જીતુ તેના ચહેરા ના ભાવ જોઈ હેરાન થયો પણ તે મિત્ર સાથે ક્ષણો વીતવા માટે આતુર હતો. એટલી વારમાં જીતુ ની મા આવી બોલી, “તે ભાઈ માટે ચા નહીં મૂકી?”. આશા તરત ઉભી થતા બોલી, “હમણાં મૂકી દઉં”. નિકુંજ નાં પડતો હતો તે જીતુ બોલ્યો, “લ્યા બહુ દાડે આયો, તે ચા તો પી”. “સારું ત્યારે, પણ એક રકાબી જ આલજો” કહી નિકુંજએ જીતુ ના ચા પીવાના આગ્રહ નો માન રાખ્યો. ચા ને વાતો પતાવ્યા પછી જીતુ ને નિકુંજ નીકળી પડ્યા ગામ માં ફરવા. નિકુંજ ને ગમે ત્યાં જવું હોઈ, તો લઇ જવા માટે જીતુ કાયમ તૈયાર, કહે, “હેડ બેહી જા બાઈક પર” જોકે નિકુંજ ના ઘરે પોતાની ગાડીયો ની ક્યાં કમી હતી?

આશા નું મન નિકુંજની વાત પર જ અટકી ગયું હતું. સતત વિચારતી હતી કે નિકુંજભાઈ આવું કેમ બોલ્યા હશે. રાત્રે જીતુ જયારે ઘરે પાછો આવ્યો ત્યારે આશો નો ઉદાસ ચહેરો જોતા તેને સવાર ની પેલી ક્ષણ યાદ આવી ગયી. જમ્યા પછી જયારે તે અને આશા એકલા બેઠા હતા ત્યારે જીતુએ આશા ને તેની ઉદાસી નું કારણ પૂછ્યું. આશા જે ક્યારની તેના મન ની મૂંઝવણ દબાવી ને બેઠી હતી તે ઝટ-ઝટ બધું બોલી ગયી. જીતુએ તેને પ્રેમ થી સમજાવી કે એવી બધી વાતો ને મન પર લેવી નહીં. ને સાથે એક વચન પણ આપ્યું કે તેને વિદેશ યાત્રા અથવા વિદેશ ફરવાનો જે હરક છે, તો જીતુ એને વિદેશ યાત્રા જરૂર કરાવશે, પણ વિદેશમાં વસવાટ કરવામાં તેને જરા પણ રસ નથી. આશએ સેજ વાંધો ઉઠાવ્યો કે વિદેશ વસવાટ માં શું ખોટું છે? જીતુ ને અંદાજો આવી ગયો કે આ ઘડી એ આશા ને જવાબ આપ્વો એટલે ખોટી ચર્ચા તકરાર માં પડવા જેવું છે. એટલે એ તો ગયો પથારી માં ને બોલ્યો, “સારું હવે ઊંઘવા દે”. જીતુ આંખો બંદ કરી આડો પડ્યો. ને પાસે બેસી આશા એને બધા કારણો જણાવતી ગઈ કે વિદેશ વસવાટ થી તેમની જિંદગી કેવી સરસ રીતે બદલાઈ જશે. થોડી વારમાં જ તો જીતુ ના નસકોરા સંભળાવવા લાગ્યા ને આશા પણ નિસાસો નાખી સુઈ ગઈ.

ગામડાઓ માં તો આસો મહિના ના દશેરા થી વાતાવરણ માં અચાનક પલટો આવી જતો હોય છે. ને કારતક મહિનામાં રાત્રે ને વેહલી સવારે ઠંડી નો ચમકારો ટાળવો અઘરો. એમાં પાછુ ખેતરોમાં વાળેલા પાણી ના લીધે જો સેજ પણ પવન ફુંકાતો હોય ત્યારે ચારે બાજુ ઠંડક પસરી જતી હોય છે. એવી કે લોકો રાત્રે ઘરમાં થી નીકળે તો ધાબળું, સ્વેટર-ટોપી લઈને જ નીકળે. જુવાનીયા આ ઠંડક સહન કરી લેતા, પણ જયારે રાત્રે ચબૂતરે બેસતા ત્યારે તાપણું સળગાવતા, કારણ તાપણા ની ઉષ્મા એમની વાતો માં ઉર્જા ભરતી. આવી જ એક રાતે તાપણા ની ફરતે, ચબૂતરે જીતુ, નિકુંજ, દિનેશ, અને ગામના બીજા છોકરાઓ-પુરશો બેઠા હતા. ઘણા વર્ષો પછી આવેલો નિકુંજ મુખ્ય આકર્ષણ નો કેન્દ્ર હતો. બધા એને અમેરિકા માં તેની જીવનશૈલી કેવી તેને લગતા સવાલ પૂછતા. ક્યારેક સવાલો સાવજ વિચિત્ર કે વાહિયાત હોતા અને ત્યાં ઉપસ્થિત બધા તેની મજા માણતા. જેમ કે “હેં લ્યા નીકા, ત્યાં અમેરિકા માં વિમલ મળે?” કે પછી “હેં અમેરિકા માં એવું થતું હોય છે મેં સાંભળ્યું કે...?” ક્યારેક કોઈએ કહેલી કે સાંભળેલી વાત ની નિકુંજને પૂછી ખાતરી કરતા. નિકુંજ અમુક વાતો નો જવાબ આપતો ને અમુક વખતે સામે સવાલ કરતો. એમાં થી પણ રમુજ, હસી મજાક ઉભરતો હતો ને સારો એવો માહોલ જામી ગયો હતો. તેવામાં કોઈ બોલ્યું, “લ્યા નીકા મને લઇ જા અમેરિકા, જે ખર્ચો થાય તે કરીશું”. નિકુંજ બોલ્યો, “હું ક્યાંથી લઇ જવાનો?, એજન્ટ નો નમ્બર આપું તને એ તારું સેટીંગ કરશે, ક્યાંય જો મેળ પડે તો”. બીજું કોઈ બોલ્યું કે, “સારું, તારા ભાઈબંધ જીતુ ને તો લઇ જઈશ કે નહીં?” તરત નિકુંજ બોલી ઉઠ્યો, “એનું કામ નહીં”. અમુક લોકો આ વાત સાંભળી હસ્યા ને જીતુ, દિનેશ ને બીજા એક બે જણ ચુપ રહ્યા. થોડી વાર પછી જાણે જીતુ ની સહનશક્તિ ખૂટી ગયી હોય એમ એ બોલ્યો, “કેમ લ્યા? કેમ મારું કામ કેમ નહીં ત્યાં હેં?” નિકુંજ જીતુ ના આવાજ નું વલણ પારખી જતા તેને જે હકીકત લાગતી હતી તે કેહવું યોગ્ય લાગતા તે બોલ્યો, “તારું કામ નહીં, કારણ તારામાં સાહસ નથી”. જીતુ અકળાયો ને બોલ્યો, “કેવો સાહસ જોઈએ કહે જે મને”. જવાબ માં નિકુંજ બોલ્યો, “આજ સુધી અમદાવાદ ની બહર ગયો નથી ને તું અમેરિકા શું જાય. સાહસ વૃતિ જોઈએ, એ ના હોય તો માણસ કઈ જ નાં કરી શકે”. જીતુ હજી ઉગ્ર થતા બોલ્યો, “એવું તો શું છે અમેરિકામાં કે મારું કામ નહીં ને તું ત્યાં બહું કામનો થઇ ગયો?” બીજા બધા એ જોયું કે વાત ઝગડા તરફ જઈ રહી છે, તેમ બન્ને ને શાંત કરવાના પ્રયત્નો કાર્ય. પણ બન્ને જણા જીભાજોડી પર થી પાછા હટતા નહોતા. નિકુંજે મેહણું મારતા જીતુ ને બોલ્યો, “અમેરિકા જવા માટે એક વાર કોશિશ તો કરી જોજે એટલે ખબર પડશે કે તું કેટલા પાણી માં છે”. “હવે તો હું તને વરસ ની અંદર અમેરિકા પહોંચીને બતાવું, ને નાં પહોચું તો મારું નામ બદલી નાખીશ”, બધા ની સામે જોતા જીતુ આગળ બોલ્યો, “આ અહીં જે બધા બેઠા છે ને એ બધા આ વાત ના સાક્ષી”, કહી જીતુ ત્યાં થી નીકળી ગયો. દિનેશ અને બીજા બધા વિચારતા રહ્યા કે હસમુખો જીતુ આજે આટલી નાની વાત પર કેમ અકળાય ગયો? જીતુ એ જેટલો સમય નિકુંજ સાથે પસાર કર્યો આ બે-ત્રણ દિવસ દરમિયાન, ત્યારે તેને એવી અનુભૂતિ થવા લાગી કે નીકો, એના બાળપણનો મિત્ર હવે એ નથી રહ્યો જે અમેરિકા ગયા પેહલા હતો. એના વ્યત્ક્તિવ માં થી સતત છલકાતો અહંકાર જીતુ એ નિહાળ્યો. નિકુંજ જીતુ ને એવો અણસાર આપતો હતો કે જીતુ જીવન માં પાછળ રહી ગયો ને નિકુંજ આગળ નીકળી ગયો. બન્ને ભલે સાથે હતા પણ બન્ને વચ્ચેનું અંતર ખુબ હતું જે ના જોઈ શકાતું હતું કે નાં માપી શકાતું હતું. ગુસ્સામાં જીતુ ઘરે પાછો આવ્યો. તેની પાછળ દિનેશ પણ આવ્યો. જીતુ અંદર આવતા કઈ બોલ્યો નહીં. પણ તેની ચુપ્પી સ્પષ્ટ પણે બોલી ઉઠતી હતી કે કંઇક બરાબર નથી. આશાને જોતાજ તે બોલ્યો, “પેલી થેલી ક્યાં છે?” આશા બોલી, “કઈ થેલી?” જીતુ એ કહ્યું, “કાલ સવારે પેલા એ આપી હતી એ!” આશા બોલી, “કઈ નિકુંજભાઈએ આપી હતી એ?. “હં એ, આપતો મને” જીતુ અકળાયેલા સ્વરમાં બોલ્યો. આશા એ પેલી થેલી કાઢી આપતા પૂછ્યું “કેમ શું થયું?” એના સવાલનો જવાબ આપવાને બદલે જીતુએ આશાને પૂછ્યું “આમાં થી કશું વાપર્યું તો નથી ને?” “ના” આશા એ જવાબ આપ્યો, પણ તે કઈ જ સમજી નહીં. ત્યાં ઉભા દિનેશ પાસે જઈને જીતુ બોલ્યો, “આ હમણાં જ પેલા ને પાછું આપી આય”. દીનેશ ફક્ત જીતુ ના મોઢા સામે જોઈ રહ્યો. જીતુ ફરી બોલ્યો, જા આપી આય”. દિનેશ નું મન પારખી ગયો હોય એમ જીતુ બોલ્યો વાંધો નહીં, “હું જાતે જ આપી દઈશ નહીં તો એના ઘરે મૂકી દઈશ”. આશા ને કઈ જ ખબર પડી રહી નહોતી કે થયું શું છે? તે જાણવાને જીતુ ને બોલી, “પણ કહો તો ખરા થયું છે શું?”. “સુઈ જા છાની માની”, કહી જીતુ ત્યાં થી આવેગ માં નીકળી ગયો. આશા એ દિનેશને પૂછ્યો, પણ તે ઘડી એ કઈ બોલ્યો નહીં. માં-બાપ જે ખાટલા પર પથારી નાખી સુતા હતા, તેમને બધું સાંભળ્યું પણ કશું બોલ્યા નહીં. એમને લાગ્યું કે સવારે ચર્ચા કરીશું. જીતુ ચબૂતરે ગયો, ત્યાં ફક્ત પેલા તાપણા માંથી નીકળતા ધુમાડાના ગોટા હતા ને રાખમાં ફેરવાય જવાની અણીપર આવી ચુકેલા અંગારા. જીતુ નિકુંજના ઘરે ગયો ને ત્યાં એના ઘરના આંગણે જે ઝાપો હતો તેની બહાર પેલી થેલી મૂકી ત્યાં થી ચાલી નીકળ્યો.

રાત ખરેખર શું ઘટના બની હતી કે કોઈ દિવસ ના બને તે હદે જીતુ અકળાયો હતો, તે જાણવા સવારે માં-બાપ અને આશા એ જીતુ ને પૂછ્યું, તો જીતુ કઈ પણ જવાબ આપ્યા વગર બાઈક ચાલુ કરી ક્યાંક નીકળી ગયો. એમ તો જીતુ સદા હસમુખ અને ખીલ્યો-ખીલ્યો રહેતો એકદમ ગલગોટા જેવો, એના જીવન માં હતાશ ક્ષણો કદાચ ખુબ ઓછી જ આવી હતી. એમ કેહવાય તો, તેની ખુશમિજાજી ગમગીનતા ને કાયમ દુર જ રાખતી. પણ જયારે જીતુ નિરાશ-હતાશ થતો, તો તેના ખેતર માં એક બોર હતો ત્યાં બેસી રહેતો. અવિરત નીરવતા પસરેલી રહેતી ત્યાં, પાણી છોડવાનો સમય થયો હોય તો કદાચ મોટર અને ખળ ખળ વહેતા જળ નો જ અવાજ હોય બાકી તો અસીમ શાંતિ. એ ખળ-ખળ વહેતા પાણી નો અવાજ અહલાદક બની જતો હતો. કદાચ એવા શાંતિમય માહોલ માં જીતુ પોતાના અંતર મન ને સાંભળી શકતો હતો. જીતુ નું મન આત્મસમ્માન અને ગ્લાની વચ્ચે ગોથા ખાઈ રહ્યું હતું. એક તરફ અને થતું કે તે આ શું કરી બેઠો? નાનપણ ના મિત્ર સાથે તકરાર યોગ્ય નહોતી. એમ નિકુંજ તો હવે મહેમાન કેહવાય, પાછો ક્યારે આવશે ખબર ને બીજી તરફ એવો પણ વિચાર આવતો કે મિત્રતા માં સમ્માન ની આપ લે એક તરફી ના હોવી જોઈએ. એક મિત્ર બીજા મિત્રને સતત ઉતરી પડે ને બીજો ચુપ ચાપ બધું ખમી ખાય એ પણ તો યોગ્ય નથી જ ને. જીતુ ને થયું કે પોતે અહમ ના વશ માં આવતો જાય છે કે શું? બીજો વિચાર એમ પણ થતો કે અહમ ખરેખર બતાવી કોણ રહ્યું છે? હું કે નિકુંજ? આ બધી મથામણ ની વચ્ચે જીતુ એ નક્કી કર્યું કે જવા દો જે હોય તે. ભલે ને નિકુંજ અહંકારી બની ગયો હોય પણ તે નિકુંજ પાસે માફી માંગી લેશે. જીતુ તે જગ્યા એ થી નીકળી બાહર રસ્તા પર આવ્યો જ્યાં તેણે બાઈક ઉભી કરી હતી. જરા દુર થી તેણે એક ગાડી આવતી જોઈ, ગાડી સેજ નજીક આવી તો દેખાયું કે તે ગાડી નિકુંજ ચાલવી રહ્યો છે. જીતુ ના મન માં થયું કે સારું થયું નીકો અહીં જ મળી ગયો. નિકુંજ ની નજર પડી કે સામે જીતુ ઉભો છે તો તેણે ગાડી ની ગતિ વધારી ને ઝડપે જીતુ ની પાસે થી પસાર થયો. “નીકા! નીકા!” જીતુ એ તેને હાંક લગાવી, પણ નિકુંજ ને તે સંભળાઈ હશે? કે પછી જાણીજોઈને નહીં સાંભળી હોય? ધૂળ ઉડાડતી ગાડી તો આગળ નીકળી ગયી. જીતુ જોઈ રહ્યો ને સમજી ગયો કે જેમ દરેક વસ્તુ ની એક એક્ષપાયરી ડેટ હોય છે એમ એની મિત્રતા નો પણ અંત નજરે પડી રહ્યો હતો.

જે રીતે દાવાનળ ફેલાતો હોય છે એ રીતે ગામ માં કોઈ બનાવની વાત પસરાતી હોય છે. આ વાત, કે જીતુ અને નિકુંજ વચ્ચે બોલા-બોલી થઇ એ માં-બાપ અને આશા સુધી પહોંચી. તેમણે જીતુ ની ગેરહારજી માં દિનેશ ને પૂછી ચોખવટ કરવા કહ્યું કે આખરે થયું’તું શું બંને વચ્ચે? ને ગામવાળા જે બધી વાતો કરી રહ્યા છે એ સાચી કે ખોટી? દિનેશે પછી જરા ખુલી ને બધી વાત કહી નાખી. માં-બાપએ વિચાર્યું કે યોગ્ય સમય આવે ત્યારે જીતુ ને નિકુંજને સમજાવશે. હમણાં સાતમ સુધી ગામમાં કંઇક ને કંઇક પ્રસંગ થતા રેહવાના છે, ત્યારે ભેગા થઇ બંને મિત્રો ના મનભેદ દુર કરી શું. પણ જીતુ તો પાંચમના દિવસે સામન સાથે તૈયાર અમદાવાદ પાછો જવા માટે. બધાને નવાઈ લાગી. થયું કે જે માણસને ગામ બહાર પગ મુકવાનો કંટાળો આવતો, તે આજે તેના ભાડાના મકાન માં પાછો ફરવા અધીરો બની રહ્યો છે.

અમદાવાદ આવતા ની સાથે જ જીતુ એ કામમાં રચી પડ્યો જે પૂરું કરવાનું તેને પ્રણ લીધું હતું. સૌથી પેહલા તેણે પાસપોર્ટ કાઢવા માટે ની બધી પ્રક્રિયા એક એજન્ટ ના સંપર્ક માં આવી પૂરી કરી. એક દિવસ જીતુ ઘરે હતો, ત્યારે તેને એક ફોન કોલ આવ્યો. સામે ની બાજુ થી બધી વાતો સાંભળી જીતુ, “એ સારું” બોલી ફોન કટ કરી આશાને બોલ્યો “હેડ આપડે જવાનું છે”. આશા એ પૂછ્યો કે ક્યાં જવાનું છે? તે જીતુ બોલ્યો, “તું તૈયાર થઈને હેડને ભઈ” આશા તૈયાર થાય ત્યાં સુધી જીતુ એ એક-બે જણા ને ફોન પર વાત કરી લીધી. જીતુ, આશા ને તેમનો નાનો બાબો યશરાજ પહોચ્યા સોલા પોલીસ સ્ટેશન. ત્યાં દિનેશ અને તેમના પાડોશી અર્વિંદભાઈ પહેલેથી જ હાજર હતા. બંને પોતપોતાના નોકરીની જગ્યા એ થી ત્યાં આવી પહોચ્યા હતા. આશા ને ચિંતા થવા લાગી કે શું થયું હશે. પછી અચાનક જ એને યાદ આવ્યું કે પાસપોર્ટ માટે ઓળખ પ્રક્રિયા થતી હોય છે તેની માટે તેઓ આવ્યા છે. પાસપોર્ટ ને વિઝા ને લગતી, શું ને કેવી-કેવી પ્રક્રિયાઓ માં થી પસાર થવું પડતું હોય છે તેની ઘણી વાર ચર્ચાઓ બીજી મહિલો સાથે થઇ હતી. આશાના મન માં ખુશીનું બીજ તો રોપાય ગયું હતું, પણ તેને નારાજગી એ વાતની રહતી કે જીતુ હવે તને કશી વાત કરતો નથી. ચુપ-ચાપ બધુ કામ ચલાવે રાખે છે. પોલીસ સ્ટેશન કયા હેતુ થી આવ્યા હતા તેની પ્રતીતિ થતા આશાને જે જીવમાં જીવ આવ્યો હતો તે થોડી જ વાર નો મેહમાન થયો. કારણ ત્યાં ના પોલીસ વાળાને ખર્ચા-પાણી ના ૧૫૦૦ રુપયા આપવા પડ્યા, તે આશા નો જીવ બળી ગયો. આશા ને થયેલું નાનું અમથું દુખ જાણી જીતુ બોલ્યો, “એમ ને અમે નહીં પહોચતું ફોરેન”. આશા બોલી, “તો પણ આટલા બધા?”. એક જણ ના ૫૦૦!” દિનેશ બોલ્યો. અરવિંદભાઈ બોલ્યા, “મેં કાઢવેલો ત્યારે ૧૦૧ આપેલા”. “તે કેટલા વરસ પેહલા?” દિનેશ બોલ્યો. અરવિંદભાઈ સેજ યાદ કરતા હોય એ રીતે બોલ્યા, “૨૦૧૧ માં”. જીતુ બોલ્યો, “પાસપોર્ટ કાઢવ્યા પછી તમે ક્યાંય બહાર ગયા કેમ નહીં?” અરવિંદભાઈ જરા ઉદાસી ભર્યા અવાજે બોલ્યા, “કઈ મેળ જ ના પડ્યો ને ભાઈ”. આશા સેજ મજાકિયા અંદાજ માં બોલી, “તો બ્લેક માં જવું તું ને” અરવિંદભાઈ બોલ્યા, “બુન બ્લેક માં મેળ ના પડ્યો ને બહુ રુપયા ખર્ચી નાખ્યા, ને હવે મજુરી કરું છું” અમ બધી વાતો કરતા તેઓ ત્યાં થી નીકળી પડ્યા પોતપોતના કામે. ૨૦ દિવસ માં તો પાસપોર્ટ ઘરે આવી ગયો. આશાએ પાસપોર્ટ ખોલી જોયો ને મન માં એવી આશા બાંધવા લાગી કે એક દિવસ એની અંદર અમેરિકા ના વિઝા નો સિક્કો લાગેલો હશે. તે જીતુ ને બોલી, “પાસપોર્ટ તો તરત આવી ગયો પણ પેલો પોલીસવાળો એ ૧૫૦૦ ખોટા ખાય ગયો”. જીતુ બોલ્યો, “તું એ ૧૫૦૦ માં જીવ બાળે છે, આ તો હજી શરૂઆત છે” જીતુ ના આ વેણ સાંભળી આશા ચુપ થઇ પોતાના ઘર કામ માં વળગી ગયી, કારણ જીતુના ભાવવિહીન ચહેરો જોઈ તેનો ઉત્સાહ જાણે ગાયબ થઇ ગયો.

જીતુ આ બધું કેવી રીતે જાણતો હતો? કે વિદેશ જવું સેહલુ નથી. એણે તો કોઈજ દિવસ આ બાબત માં માથું નહોતું માર્યું. કારણ એણે લોકો ને વિદેશ જવા માટે ઢગલો રુપયા નાખતા જોયા હતા. પોતાના પુરખાઓ એ સાચવી રાખલી મિલકત નો પણ પળ વારમાં સોદો કરી દેતા, ફક્ત એક ઘેલછા પૂરી કરવા, “આપડે તો અમેરિકા પોકવું છ”. પોતે પણ હવે એ જ દિશા એ દોડશે, એ વાત જાણતો હોવા છતાં તેને એ વાત પર પોતાના “બોલ” ની કિમતનું આવરણ ચઢાવી ઢાંકી ધીધુ હતું. જીતુ નું લોકો અને બધી ઘટનાઓ નું અવલોકન બહુ ઝીણવટપૂર્વકનું હતું. તેને પૂરે-પૂરો ખ્યાલ હતો કે વરસ તો પલક ના ઝપકારે વીતી જશે. એટલે પાસપોર્ટ હાથમાં આવતા વેત તે આગળ હવે કયા પગલા લેવાના તે માટે વિચારતો થયો. તેણે ઓળખીતાઓ, મિત્રો, વગેરેને ફોન જોડી માહિતી ભેગી કરી કે સૌથી વિશ્વાસુ એજન્ટ કોણ કે જેને ઘણા લોકો ને કાયદેસર અમેરિકા મોકલ્યા હોય. બધા જે-જે નામ સૂચવવ્યા, એમાં એક નામ ફરી-ફરી સંભાળવા મળી રહ્યું હતું, તે હતું ‘ઉમિયા કન્સલ્ટન્સી’ વાળા ‘ગોરધનભાઈ પટેલ” નું. જીતુ તરત સમય કાઢી એક દિવસ પહોંચી ગયો તેમની ઓફીસ પર. ત્યાં ઓફીસ સ્ટાફ જીતુ ને ગોરધનભાઈ સાથે મુલાકાત કરાવા આના કાની કરતા હતા. એપોઇન્ટમેન્ટ લેવી પડશે વગરે વગેરે. જયારે જીતુએ અમુક લોકોના નામો ની ઓળખાણ આપી ત્યારે ગોરધનભાઈ એ મળવાની સંમતિ આપી. જીતુ તેમની કેબીન માં ગયો. તેને તો એક વાક્યમાં જ જે હેતુથી તે ત્યાં આવ્યો હતો જણાવી દીધું, “મારે અમેરિકા જવું છે”. ગોરધનભાઈ ઘણા વર્ષો ના અનુભવી તેમણે શાંતિથી જીતુ ને પૂછ્યું કે જીતુ ભાઈ તમે હાલ શું કરો છો? કેટલું ભણ્યા? કોણે-કોણે જવાનું છે તમારી સાથે કે તમે એકલા જ જવાના?લગન થયા છે ક નહીં? છોકરા છે? વગેરે વગેરે. જીતુ એ તેમના દરેક સવાલ નો જવાબ આપ્યો. ગોરધનભાઈએ જીતુ ને પૂછ્યું કે તે કદાચ એક હકીકત થી વાકેફ હશે, કે પટેલ ને અમેરિકા ના વિઝા મળવા અઘરા છે. જીતુ એ કહ્યું કે તે જાણે જ છે, પણ જીતુ એ પણ જાણે છે કે ગોરધનભાઈ પાસે કોઈ ને કોઈ રસ્તો હશે ખરો અને એટલે જ તે અહીં આવ્યો છે. ગોરધનભાઈ હસીને બોલ્યા, “રસ્તાઓ તો ઘણા છે જીતુભાઈ, પણ એના પર ચાલવું બધાનું કામ નહીં”. આ શબ્દો સાંભળતા જીતુ ના મગજમાં પેલા શબ્દો જે નિકુંજએ એને સંભળાવ્યા હતા તે ગુંજવા લાગ્યા. જીતુ અકળાયો, પણ મગજ પર કાબુ રાખતા તે બોલ્યો, “સાહેબ તમે પેહલા રસ્તો તો બતાવો, પછી ચાલવાનું મારી પર છોડી દો”. ગોરધનભાઈએ જીતુ ને અમેરિકા કેવી રીતે પહોચવું તેનો પ્લાન સમજાવાનું શરુ કર્યું. તેમને કહ્યું કે, “તમે પેહલા બીજા દેશો ના આંટા મારી આવો”. એટલે કે ટુરિસ્ટ તરીકે. જેથી કરીને અમેરિકા ના વિઝીટર વિઝા મળવાની શક્યતાઓ વધી જાય. આ વાત સાંભળી જીતુ વિચાર માં પડી ગયો. એને થયું કે તાત્કાલિક નિર્ણય લેવો કે નાં લેવો? તેનો ગુચવાએલો ચહેરો જોઈ ગોરધનભાઈ જ બોલ્યા, “એવું હોય તો હજી વિચાર કરી જોઓં, બાકી મારા ત્યાં આવનાર ને હું સાચી જ સલાહ આપું છું”. જીતુ ને વાત ગળે ઉતરી ને તે ત્યાં થી નીકળ્યો. બહાર નીકળતા જ જે-જે લોકોએ ગોરધનભાઈ નું નામ સૂચવવ્યું હતું તેમને ફોન કરી બધી વાત જણાવી. એમાં બધા નો સરખો જ જવાબ હતો. “બધા એવું જ કરતા હોય છે”. તોય જીતુ એ થોડો સમય વિચારી લેવાનું યોગ્ય લાગ્યું. અરવિંદભાઈ જીતુ ને ભેગા થયા ને પૂછ્યું કે, “ફાઈલ મૂકી કે નહીં?”. જીતુ એ તેમની સામે પોતાની મુઝવણ કહી સંભળાવી. અરવિંદભાઈ એ કારણ સમજાવ્યું કે કેમ લોકો અમેરિકા માટે ફાઈલ મુકે તેની પહેલા બે-ચાર ફોરેન ટ્રીપ કરી આવતા હોય છે. એના લીધે વિઝા આપવા માટે જે ઓફિસર હોય છે એને એવો ખ્યાલ આવે કે આ બે-ત્રણ દેશ ફરી આવ્યો છે તે હવે અમેરિકા ફરવા જાય છે. અરવિંદભાઈ એ હજી એક જાણકારી આપી કે આ જુગાડ સેજ જુનો છે, પણ ૫૦-૬૦% આ જ કામ કરતો હોય છે. જીતુ બે-ચાર દિવસ વિચાર કાર્ય બાદ ફરી ગોરધનભાઈ ને મળવા ગયો, ને કહ્યું કે તે જ તેને સૂચવે કે પહેલા ક્યાં ફરી આવવું. ગોરધનભાઈ એ થાઈલેંડ ફરવા જવા માટે જે હમણાં તેમની સ્કીમ ચાલી રહી હતી તેના વિષે કહ્યું, સાથે-સાથે કેટલો ખર્ચો થશે તે પણ જણાવ્યું. જીતુ ને ખર્ચો તો પોસાય એવો હતો, જોકે હવે તો એણે નક્કી કરી જ લીધું હતું કે ગમે તે કરીને એને ક્યાં પહોચવું છે. બન્ને પતિ પત્ની એ એવું વિચાર્યું હતું કે દીકરા ને દાદા-દાદી પાસે ગામડે મૂકી જશે. યશરાજ ને તો દાદા-દાદી ની માયા પણ ઘણી. એટલે એમને એક પ્રયોગ કરવાનું વિચાર્યું કે, એક-બે દિવસ યશરાજ ને દાદા-દાદી પાસે રાખી જોઈએ. તેઓ એક રીતે આ પ્રયોગ માં સફળ થયા. યશરાજ ને જયારે મા ની યાદ આવતી ત્યારે એ રડતો ખરો, પણ જયારે દાદા વિડીયો કોલ પર મા સાથે વાત કરાવતા તો માની જતો, છાનો રેહતો. પણ પછી છેવટે તો આશા ને ના રેહવાયુ ને તેને યશરાજ ને પણ જોડે લેવાની ઈચ્છા જીતુ સમક્ષ મૂકી. હવે જીતુ માટે દોડ ધામ વધી ગયી. તાત્કાલિક યશરાજ નો પાસપોર્ટ કાઢવો પડ્યો અને છેવટે, જીતુ આશા અને યશરાજ થાઈલેંડ માં બંગ્કોક, ફુકેત, પતાયા, ફરી આવ્યા. આશા રાજી-રાજી થઇ ગયી. પતિ અને પુત્રની સાથે નો આ વિદેશ સફર ખુબ જ મઝા અપાવનારો રહ્યો. એને જીતુ માટે માન વધી ગયું. હવે તે બેહનપણીઓ અને બીજી સ્ત્રીઓ વચ્ચે રોબ બતાવી શક્તિ કે, “અમે તો થાઈલેંડ ફરી આયા!” ઉમિયા કન્સલ્ટન્સી વાળા ગોરધનભાઈની સલાહ સાથે જીતુ અને આશા નો વિદેશ ભ્રમણ નો યોગ જાણે મેળ ખાતો હતો, એટલે તેઓ દોડ-બે મહિનાની અંદર તો સિંગાપોર, મલેશિયા, અને દુબઈ ફરી આવ્યા ના સિક્કા ધરાવતા પાસપોર્ટ વાળા વ્યક્તિઓ થઇ ગયા હતા. ગોરધનભાઈએ જીતુ ને સૂચવ્યું કે હવે તે ઈચ્છે તો અમેરિકા માટે તૈયારી કરી એક પ્રયત્ન કરી જોવો. જીતુને લાગ્યું કે ગોરધનભાઈ અનુભવી છે તેથી આગળ ડગલું માંડવું જોઈએ. સાથ-સાથે ગોરધનભાઈએ જીતુ ને ચેતવતા કહ્યું કે તમને વિઝા મળવાની શક્યતાઓ એમ તો વધારે છે જ, પણ બની શકે કે તમને કદાચ ના પણ મળે. જીતુ મુઝાયો, પણ આજ નહીં તો કાલ પ્રયત્ન તો કરવાના જ હતા એટલે એણે નિર્ણય કરી જ લીધો કે ગોરધનભાઈની વાત સાથે સંમત થઇને આગળ વધશે. ગોરધનભાઈએ તેમના એક કર્મચારીની સાથે જીતુ ની ઓળખ કરાવી કહ્યું કે, “આ ભાઈ જે ડોક્યુમેન્ટ, માહિતી માંગે તે આપવી. તેઓ તમને વિઝા ઇન્ટરવ્યું માટે શું તૈયારીઓ કરવી કે વિઝા ઓફિસર કેવા-કેવા સવાલો પૂછી શકે છે, અને તેના યોગ્ય જવાબ શું આપવા તે માટે પણ એ ભાઈ તમને તૈયાર કરશે”.

વિઝા ઇન્ટરવ્યું માટે મુંબઈ ના અમેરીકાન કોન્સ્યુલેટ માં હાજર થવા જીતુ-આશા ને સુચના આવી ગયી હતી. બંને જણા ઉત્સાહિત તો ખુબ જ હતા, પણ સાથે-સાથે “શું થશે?” અને નાના યશરાજ ને દાદી-દાદી પાસે મૂકી જવું પડશે અમેરિકા તો કેવું થશે એવો પણ વિચાર સતત મન ને ખૂચ્યા કરતો હતો. બન્ને એ વિચાર્યું કે મુંબઈ વિઝા માટે જતા પહેલા, કુળદેવી ઉમીયામાં ના દર્શન કરી આશીર્વાદ લઈએ. એક વખત હતો કે જયારે આ જીતુ જ પોતાની કુળદેવી ને પ્રાથના કરતો, “કે હેં મારી માં, અમને – અમારા સમાજ ને સત બુધ્ધિ આપ. બધાને જે ગાંડપણ વળગ્યું છે વિદેશ જવાનું તેમાં થી તેમને મુક્ત કર મા”. ને આજે એ જ જીતુ પોતાના વિઝા માટેની કામના પૂર્ણ થાય તે માટે કુળદેવી મા ના ચરણો માં મસ્તક નમાવી મન માં આ સંજોગો થી સજાગ પોતાની જાત પર હસતો હતો. એને થયું કે સમય કેવા-કેવા ખેલ બતાવે છે. સાથે તેણે એ પણ ધારી લીધું કે કુળદેવી મા તેને પોતનો બાળક સમજી તેની નાદાનીને અનદેખી કરી દેશે અને તેની પ્રાથના સ્વીકાર કરશે. જીતુ અને આશા પેહલી વાર મુંબઈ જઈ રહ્યા હતા. એમ તો મુંબઈમાં સગા-સંબંધીઓ એમના ઘણા, પણ ક્યારેય ત્યાં જવાનો મૌકો જ આવ્યો નહી. વિમાન યાત્રા કરી આવ્યા પછી રેલગાડીનો આ સફર, એમાં પંચરંગી લોકો નો પરીચય, કૈક અલગ જ અનુભવ કરાવતો હતો. મુંબઈ તેઓ એક હોટેલ માં રોકાયા. કારણ જો કોઈ સંબંધી ને ત્યાં જઈએ તો કયા કામ થી મુંબઈ આવ્યા છે તે ખબર પડી જાયે, ને તે ખબર તેમને કામ પૂરું થયા બાદ જ પડવી એવું જીતુ-આશા એ નક્કી કર્યું હતું. બીજા દિવસે સવારે તેઓ બાયોમેટ્રીક્સ (આંગળીયો ની છાપ) માટે રવાના થયા. બંને જણા રિક્ષા માં બેસી અમુક એવી જગ્યાઓ થી પસાર થતા જે ગીચ વસ્તીવાળી અથવા જ્યાં ખુબ જ ગંદકી હતી, ત્યારે જીતુ આશાને કેહતો, “આના કરતા આપડું ગોઝારીયા લાખ દરે હારું!” બાયોમેટ્રીક્સનું કામ તો તરત પતિ ગયું. હવે તેઓ પાસે સમય જ સમય હતો એ દિવસ પુરતો. બંનેએ નક્કી કર્યું કે મોડી સાંજ સુધી થોડુ ફરી લઇએ. તેઓ જે જોવા લાયક સ્થળો છે, ત્યાં ફર્યા ને સાંજે જુહુ બીચ ગયા. કે તમે મુંબઈ આવ્યા ને દરિયો ના જોયું તો પછી મુંબઈ માં શું જોયું? ઘણા ખરા વિસ્તારોનું અવલોકન કાર્ય પછી આશા જીતુ ને બોલી, “કેવું કેહવાય હેં, જ્યાં છે ત્યાં બહુ જ સારું છે ને નહીં ત્યાં તો પળ વાર માટે ઉભુંય નાં રેહવાય!”. વેહલી સવારે જીતુ-આશા પહોંચી ગયા કોન્સ્યુલેટ ઓફીસ. ત્યાં પહેલેથી જ લાંબી કતાર લાગી હતી. ફાઈલ સિવાય બીજુ કઈ જ અંદર લઇ જવું નહીં, આ સુચના પેલા ઉમિયા કન્સલ્ટન્સીવાળા ભાઈ એ ખાસ યાદ અપાવી હતી. ક્રમબધ્ધ રીતે તેમની ચકાસણી થઇ, તેમના ડોક્યુમેન્ટ્સ ની પણ અને લગભગ એક કલાક બાદ તેમનો વારો આવ્યો, વિઝા ઓફિસર સામે હાજર થવાનો. માત્ર ૧૦ મીનીટ પછી બન્ને જણા કોન્સ્યુલેટ ઓફીસની બહાર રિક્ષા માટે ઉભા હતા. બન્ને જણ બિલકુલ ચુપ-ચાપ. ચેહરો ગંભીર, અકે બીજા સામે પણ જોવે નહીં. એક રિક્ષા પાસે આવી ત્યારે જીતુ ફક્ત એ જગ્યા નું નામ બોલ્યો જ્યાં તેમની હોટલ હતી. રિક્ષામાં પણ બાને જણા ચુપ-ચાપ. ત્યારે જીતુ ના મોબાઈલ પર દિનેશનો કોલ આવ્યો. જીતુ એ કોલ ઉપાડી બોલ્યો, “હા બોલ” પછી બોલ્યો, “નહીં થયું, ના પાડી,...ખબર નહીં. સારું મુકું છું” કહી જીતુ એ ફોન કટ કર્યો. જીતુ ને વિચાર આવ્યો કે ગોરધનભાઈ સાથે વાત કરી લઉં, તે એમને ફોન જોડ્યો. જીતુએ ગોરધનભાઈને બધી વાત જણાવી. તેની વાતોમાં થી તેની હતાશા ઝલકતી હતી. ગોરધનભાઈ બધી વાત સાંભળી બોલ્યા, કે “છેવટે બધું એ લોકો ના હાથ માં હોય છે”. જીતુ આગળ કઈ જ બોલ્યો નહીં ને ફોન કટ કર્યો. આસ-પાસ ની દુનિયા જાણે નિસ્તેજ બની હોય એમ જીતુ અને આશા જરૂર પુરતું જ એક બીજા ને બોલતા હતા. હોટલમાં થી ચેકઆઉટ કરી, બહાર આવી શું જમવું તેની મથામણ કરતા જીતુને આશાએ કહ્યું કે તેને કઈ જ ખાવાની ઈચ્છા નથી. જીતુ નું મન પણ ઉદાસ હતું તે છતાં તે આશા ને હિંમત આપતા બોલ્યો, “ગાંડી આવું હારી નહીં જવાનું. ને ભૂખ્યા રેહવાથી ખર્ચેલા રુપયા કઈ પાછા મળી જવાના છે? ને ગાડી માં તો શું મળે ને કેવું મળે તેના કરતા કોઈ સારી જગ્યા એ બપોર નું ભાર પેટ જામી લઈએ. જમીને તેઓ પહોચ્યા સ્ટેશન. અમદાવાદ પાછા આવતી વખતે ગાડીના જે ડબ્બામાં બંને જણ હતા, તેમાં તેમને ઘણા બધા ચહેરા ઓળખીતા દેખાયા. તે પેલા જ લોકો હતા જેમને જીતુ-આશાએ વિઝા ની લાઈનમાં જોયા હતા. અમુક જે લોકો સાથે તેમની વાત-ચિત થઇ હતી, તેઓ પણ એ જ ડબ્બા માં હતા. આખા ડબ્બા માં ચર્ચાનો એક જ વિષય ચાલી રહ્યો હતો, તે હતો, “તેમને વિઝા ના મળ્યા?”. એક પરિવાર તો ત્રીજી વખત આવ્યા હતા વિઝા લેવા માટે. ત્રીજી વખત પણ તેમને નિરાશા જ હાથ લાગી હતી. તે છતાં તેઓ કેહતા હતા કે, ફરી પ્રયત્ન કરીશું. પછી તો એવા ઘણા ખરા લોકો ની વાત સાંભળવ મળી જીતુ ને, કે જેમને તે દિવસે વિઝા નહોતા મળ્યા. જીતુ ને લાગ્યું કે તે એકલો જ નથી, તેના જેવા બીજા અસંખ્ય લોકો છે કે જેમનું કામ આજે નથી બન્યું. અને જેઓ એક થી વધારે વાર પ્રયત્ન કરી ચુક્યા છે. અમદાવાદ આવતા સુધી તો આ બધી ચર્ચાઓ ચાલ્યાજ કરી. જીતુએ ઘણા બધા સાથે ઓળખ કરી તેમના ફોન નંબર લઇ લીધા. તેમાં થી એક વ્યક્તિ હતો અસિત પટેલ, તની પાસે થી જરા વિગતસર વાત જાણવા મળી કે કેવી રીતે લોકો વિઝા વગર અમેરિકા પહોંચી જાયે છે. પણ તેમાં જોખમ અને ખર્ચો ખુબ વધારે છે. અસિતએ જીતુ ને કહ્યું કે “કોય ને જો જવું હોય એવી રીતે તો કેહજો, આપડી ઓળખાણ છે. કારણ ઓળખાણ એ સૌથી મોટી ખાણ!” જીતુ એ બધી વાતો ધ્યાન થી સાંભળી, શી ખબર ક્યારે કોઈ સાંભળેલી વાત કામ લાગી જાયે.

આ દરમિયાન આશા-જીતુ યશરાજ ને દાદા-દાદી પાસે એટલે ગામડે તેના માતા-પિતા પાસે મૂકીને મુંબઈ વિઝા માટે ગયા હતા. હવે તે ટેવાય એટલા માટે, કારણ તેમણે તો એવું આયોજન વિચાર્યું હતું કે જો બંને ના વિઝા લાગી જાયે તો પછી યશરાજ ને દાદા-દાદી પાસે રાખી અમેરિકા જશે. જેથી ત્યાં બંને જણ નોકરી કરી શકશે. જોકે તેમણે વિઝા મળ્યા નહીં એ તેમના માટે વિચાર થી વિપરિત જ ઘટના બની ગયી. જીતુ ને તેના મામા ના ઘરે જવાનુ થાયું તમની ખબર કાઢવા. મામા ની તબિયત બગડી હતી ને તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. તે વખતે જીતુ-આશા મુંબઈ ગયા હતા. મામા નો દીકરો કેનેડા અને દીકરી પરણીને ઓસ્ટ્રેલિયા. અહિયાં બીજું કોઈ જ નહીં. હાં, દીકરા નો દીકરો ૭-૮ વર્ષ નો, એમની સાથે રેહતો હતો. માં-બાપ દાદા-દાદી પાસે દીકરાને મૂકી કેનેડા ગયા, કારણ એ જ કે બન્ને જણા નોકરી કરી શકે, વધારે રુપયા કમાય શકે. જીતુ ના મામા ની તબીયાત બગડી હતી ત્યારે પડોશીયો અને દિનેશએ દોડધામ કરી બાજુ સાચવી લીધી હતી. જીતુ-આશા મામા ના ઘરે હતા ને કલ્પેશ વિષે વાતો ચાલતી હતી, કલ્પેશ કેનેડા માં રેહતો મામા નો દીકરો. વાતો ચાલતી હતી તેજ ઘડી એ કલ્પેશ નો ફોન આવ્યો તેના મા ના ફોન ઉપર. જીતુની મામીએ છોકરા ને જણાવ્યું કે જીતુ આવ્યો છે ખબર પૂછવા, તો કલ્પેશ એ તેની સાથે થોડી ઘણી વાતો કરી, આશા સાથે પણ અને પોતના બાપ સાથે વાત કરી તેમની તબિયત ના હાલ પૂછ્યા ને ધ્યાન રાખવા કહ્યું. કલ્પેશએ તેની મા ને પોતાના દીકરા વિવાન વિષે પૂછ્યું, તો મા એ કહ્યું, “આ રહ્યો, મોબાઇલ માં ગેમ રમે છે”. કલ્પ્શ એ દીકારા સાથે વાત કરાવવા કહ્યું. તેની મા મોબાઇલ ફોન લઇ વિવાન પાસે ગઈ ને બોલી, “લે પપ્પા નો ફોન છે વાત કર”. પણ વિવાન મોબાઇલ ગેમ રમવા માં મગ્ન હતો. જીતુની મામી એ ચાર-પાંચ વખત વિવાનની સામે ફોન ધરીને પિતા સાથે વાત કરવા કહ્યું. પણ વિવાન ઉપર દાદી ની આજ્ઞા ની અથવા વિનતી ની કશી જ અસર થતી નહોતી. તેની દાદીએ જયારે હજી એક વખત પ્રયત્ન કર્યો તો વિવાન ચીઢાઈને બોલ્યો, “નહીં કરવી મારે વાત”. “એનું રામવા માં ધ્યાન છે ને એટલે વાત નથી કરી રહ્યો”, કલ્પશ ને તેની મા એ જણાવ્યું. આ બધું જીતુ ધ્યાન થી જોઈ રહ્યો હતો. તેને તે જ ઘડી એ એવો એહસાસ થયો કે કેટલી મોટી ભૂલ કરતા-કરતા બચી ગયો છે. એને થયું કે વિવાન પોતના જન્મ આપનાર મા-બાપ વિશે આત્મીયતા ખોઈ બેઠો છે. આગળ જતા શું એ પોતાના માતા-પિતા સાથે ભળશે ખરો? માં-બાપ થી વિખુટા રહી, આ પરીસ્થિતિ ની માનસિક અસર કેવી થતી હશે તેના વિષે પણ જીતુ ચિંતિત થયો. પણ મામા-મામી ને કઈ કેહ કેવી રીતે? તે જ ઘડીએ એણે મનમાં એ મક્કમ વિચાર કર્યો કે હવે યશરાજને પોતાની સાથે જ અમેરિકા લઇ જવો. જીતુએ મનોમન કુળદેવી ઉમિયા મા ના આભાર માન્ય કે એમણે જીતુ ના હાથે અપકૃત્ય થતા પેહલા જ એને બચાવી લીધો.

સમય પાણીની જેમ હાથ થી નીકળી રહ્યો હતો. ખર્ચા પણ બહુ થઇ ગયા હતા. જીતુ નું મન ગુચવાતું હતું કે ફરી પ્રયત્ન તરત કરે કે થોડી રાહ જોવે? જીતુ અસિત સાથે ફોને પર વાત કરતો ને બંને વચ્ચે સારી એવી મિત્રતા થઇ ગયી હતી. એક રોજ જીતુ સાથે ચર્ચા ચાલતી હતી ત્યારે અસીતએ જીતુ ને કહ્યું, “જો ભાઈ, પેલા ગોરધનભાઈ ગમે તે કહે, કાયદેસર ક્યારે નંબર લાગશે એનો કોઈ ઠેકાણું નહીં. બેલ્કમાં જવામાં એક વાર ખર્ચો થાય, પણ પહોંચી તો જવાય ને”. જીતુ એ કહ્યું, “ને જીવના જોખમ નું શું?” અસિત બોલ્યો, “યાર જોખમ નો સામનો તો કરવો જ પડે. અટલું સાહસ તો કરવું જ પડે”. ‘સાહસ’ આ શબ્દ નો સામનો જીતુ ને કાયમ કરવો પડી રહ્યો હતો. અને લાગ્યું નિયતિ મને કોઈ સંકેત આપી રહી છે કે શું? કે તે હજી સાહસ કરવા માટે પાછો પડે છે. “તે કહ્યું હતું ને કે તારી ઓળખાણ છે. તો મળીયે એમને” અસિત ને કહી જીતું એ વાત પતાવી. રાતે જમતી વખતે આશાએ જીતુ ને સુખડીનો પ્રસાદ આપ્યો. બોલી, “શાંતાબા નો છોકરો જાય છે અમેરિકા તે તેમણે સુખડી મોક્લાઈ છે”. જીતુ બોલ્યો, “આપણે પણ સુખીડી ની પરસાદી કરીશું, તું જોજે, જરા ધીરજ રાખ”. આશા જીતુ સામે જોઈ ને બોલી, “આપડે નથી જવું ક્યાં”. આ વાક્ય આશા ના મુખેથી સાંભળી જીતુ હસવા લાગ્યો. તે બોલી ઉઠ્યો, “કે તું જ મને કેહતી હતી કે હું સાહસ નથી કરતો, જયારે સાહસ કરી રહ્યો છું ત્યારે પાછી હટ કરવાનું કહે છે”. જીતુ ને અસિત નો ફોન આવ્યો તેણે કહ્યું કે એક વ્યક્તિ છે જે આ કામ કરે છે, ઈચ્છા હોય તો તેની સાથે મળાવી દઉં. જીતુએ પેલા વ્યક્તિ સાથે મળવાનું નક્કી કર્યું. ગેરકાયદેસર લોકોને અમેરિકા મોકલે છે, એટલે માણસ ખૂંખાર ગુંડા જેવો હશે. અને મળતી વખતે જરા ચેતી ને. આવા વિચાર જીતુ ના મન માં ઉમટ્યા. પાછુ પેલા માણસએ રાત્રે મોડા મળવા માટે બોલાવેલો. તેથી શંકા વધુ ઘેરાઈ. રાત્રે ૯:૩૦-૧૦:૦૦ ની વચ્ચે જીતુ ગોતા ચોકડી પાસેની એક ચાની કીટલી એ ઉભો હતો. જીતુને એક ફોન કોલ આવ્યો, જવાબ આપતા જીતુ બોલ્યો, “હું તો આવી ગયો છું...સારું”. થોડી વાર પછી એક બાઈક જીતુ પાસે આવી ઉભી રહી. જીતુ એ પેલા બાઈક ચલાવનારા માણસ સામે હસીને હાથ ઉંચો કર્યો, બાઈક ચલાવનાર હતો અસિત. અસિત એ થોડું હસીને માથું હલાવ્યું, તેની પાછળ બીજો એક માણસ બેઠો હતો. જે થોડો ઉમર લાયક હતો. કદ-કાઠી નાની, શરીર મજબુત. બન્ને જીતુ પાસે આવ્યા. અસિત એ જીતુ સાથે હાથ મિલાવી પેલા બીજા માણસની ઓળખ કરાવતા કહ્યું, “આ છે બાબુભાઈ. તારું કામ કરી આપશે”. જીતુ ને આશ્ચર્ય થયું કારણ એના મન પર જે છાપ ઉપસી આવેલી આ માણસ વિશે, તેના થી તે સાવ વિપરીત હતો. જીતુ ના ચહેરા પર જાણે એક પ્રશ્ન ચિન્હ પ્રગટ થયો હોય એમ પેલા માણસ ને જોઈ રહ્યો ક્ષણ ભર, પછી હાથ મિલાવવા હાથ લંબાવ્યો. હાથ મિલાવતા બાબુભાઈ બોલ્યા, “ચાલો ચા પીવા”. જીતુ બોલ્યો, “જમીને જ આવ્યો છું હમણાં, તમારે પીવી હોય તો માંગવું”. એટલામાં અસિત બોલ્યો, “તમે બંને વાત કરો, હું લેતો આવું છું”. અસિત ચા નું કેહવા ગયો ને બાબુભાઈ એ ઈશારો કર્યો એક જગ્યા તરફ ને બોલ્યા કે ત્યાં જઈ ને બેસીએ. બન્ને બેઠા, બાબુભાઈ એ પૂછ્યું, “તમારે એકલા ને જવાનું છે?”. “ના મારી પત્ની અને મારો ત્રણ વર્ષ નો બાબો”, જીતુ બોલ્યો. એટલા માં અસિતપણ ત્યાં આવી એમની સાથે જોડાયો. બાબુભાઈ વાત આગળ ચલાવતા કહ્યું કે, “પહોંચી જશો, પણ જોખમ છે, ખાલી પકડાઈ જવાનું નહીં જીવ નું પણ, અને એની જવાબદારી હું લેતો નથી કે આજ સુધી કોઈએ લીધી નથી. તમારા સફરના તમે પોતે જિમ્મેદાર હશો”. જીતુ ક્ષણ ભાર ચુપ રહ્યો. એક નજર અસિત ના ચહેરા સામે જોયા પછી બોલ્યો, “ખર્ચો કેટલો થશે?” બાબુભાઈ તરત જવાબ આપતા બોલ્યા, “૭૫ લાખ”. રકમ સાંભળીને જીતુ ના કાન ઉચાં થઇ ગયા. એ ચુપ રહી અસિત ના ચહેરા સામે જોવા લાગ્યો. અસિત જાણે એનો ઈશારો સમજી ગયો હોય એમ બાબુભાઈને બોલ્યો, “બાબુકાકા, આટલા બધા રુપયા?”. બાબુભાઈ બોલ્યા, “જો ભાઈ, આ કામ હું અકેલો નથી કરતો, ઘણા બધા લોકો આમાં સામેલ હોય છે, ને બધા ના હિસ્સા હોય છે. ને કામ પાછુ જોખમ વાળું”. જીતુ એટલા બધા રુપયા સાંભળીને જ બેચેન થઇ ગયો હતો. શું પૂછવું, બીજા કયા સવાલ પૂછી શંકા દુર કરવી એ સુજતુ નહતું. ત્યારે પેલો ચા વાળો છોકરો કાંચ ના નાના ગ્લાસમાં ત્રણ ચા લઇ આવ્યો. જીતુ એ અસિત ને ઉદેશી ને બોલ્યો, “મારી કેમ મંગાવી?” અસિત બોલ્યો,”પી ને હવે”. ત્રણે જણાએ ગ્લાસ ઉઠાવી ચાની ચૂસકી લીધી. અસિત એ જ બાબુભાઈ ને સવાલ પૂછ્યો, “કાકા, બધા પૈસા પહેલા આપવાના કે પછી?” બાબુભાઈએ કહ્યું “ત્યાં પહોંચી ગયા પછી”. જીતુ આ વાત સાંભળી ચમક્યો. જીતુ ને આખી વાત જાણવાનું મન થયું, તેણે પૂછ્યું, “કેવી રીતે?”. બાબુભાઈ એ વિસ્તારથી સમજવા વાત શરુ કરી, “એમાં એવું છે ભાઈ, કે અમેરિકાની આજુબાજુ જે પણ દેશ છે, જેમ કે મેક્સિકો, કેનેડા, ક્યુબા ત્યાં તમારે પહોંચવાનું. ત્યાંથી અમારો માણસ તમને બોર્ડેર પાર કરવી અમેરિકા પહોચાડી દેશે”, જીતુ એ પુછય, “આ બધા માં સમય કેટલો લાગે?”. “જેટલા વેહલા તમે આમાં થી કોઈ એક દેશ માં પહોચો એટલો, ને એ તો અમે પહોંચાડી દઈશું. પછી ત્યાં વધારામાં વધારે એક અઠવાડિયું રોકાવું પડે. જયારે બરાબર લગ હોય ત્યારે અમારો માણસ તમને લઇ જાય”, બાબુભાઈ એ સમજાવ્યું. જીતુ એ સવાલ કર્યો, “કયા દેશ માં થી જવું સેહલુ પડે, મેક્સિકો?”. બાબુભાઈ બોલ્યા, “ના મેક્સિકો બાજુ આજ કાલ બહુ ચેકિંગ ચાલે છે. તમારે જો જવું હોય તો કેનેડા થી જવું પડશે. હવે તો ત્યાના વીઝીટર વિઝા પણ સેહલાય થી મળી રહ્યા છે”. ત્રણે જણા એ ચા પતાવી હતી ને વાત પણ હવે અંતિમ તબક્કા માં હતી. તેઓ ત્યાં થી ઉભા થયા, જીતુ એના મિત્ર ને ઉદેશી ને બોલ્યો, “અસલા રેહવા દે પૈસા હું આપી દઈશ!” અસિતએ તેટલી વાર માં તો ચા ની કીટલી પાસે પહોંચી ગયો હતો ને ત્યાં થી હાથ ઉંચો કરી જીતુ ને ઈશારો કર્યો કે પૈસા એ આપી રહ્યો છે. બાબુભાઈ જે જીતુ પાસે ઉભા હતા તે બોલ્યા, “તમારે કામ કરવું હોય ત્યારે કેહ્જો, અને હં કોઈ એ તમારા વતી રુપયા માટે જામીન આપવી પડશે. કે તમે ત્યાં પહોચ્યા ને અહિયાં અમારા હાથ માં રુપયા!” જીતુએ બાબુભાઈ પાસે તેમનો મોબાઈલ નંબર માંગ્યો, તો એ બોલ્યા, “તમારે કામ હોય ત્યારે અસલા ને કહી દેજો, મને ખબર મળી જશે”. જીતુ એ હજી એક સવાલ પૂછ્યો, “તમમારી ઓફીસ ક્યાં છે?” બાબુભાઈ બોલ્યા કે, “મારી કોઈ ઓફીસ જ નથી, અને આવા કામો માટે, આવી બધી ચા ની કીટલીયો જ મારી ઓફીસ છે. એ તો અસલા એ કહ્યું એટલે નહીં તો હું કોઈને તરત મળતો નથી.” છુટા પડતા પેહલા જીતુ એ બાબુભાઈ ને એક વિચિત્ર સવાલ પૂછ્યો, “માનો કે અમેરિકા પહોચ્યા પછી જો કોઈ તમને રુપયા નાં ચુકવે તો?” બાબુભાઈ સેજ મલકાઈ ને બોલ્યા, “રુપયા કઢાવતા અમને ક્યાં નથી આવડતું”. બાબુભાઈ ના વાણી ની જે લય હતી તે સાંભળી જીતુ ના શરીર માં એક પ્રકારની ધ્રુજારી તરંગી ગયી. “સારું ત્યારે” કહી બાબુભાઈ અસીતની બાઈક પર બેસી નીકળી ગયા. જીતુ આખા રસ્તે વિચાર કરતા પાછો ફર્યો. એનું મન એવું તે ઘેરાઈ ગયું હતું તે વિચારોથી કે આખી રાત તે ઊંઘી ના શક્યો. ઘણા પ્રશ્નો પણ પહાડો ને જેમ ઉભા હતા. જીતુ ને શું નિર્ણય લેવો તે સમજાતું નહોતું. એને વિપુલનો દાખલો યાદ આવતો તો એને થતું કે આવી રીતે ગેરકાયદેસર જવામાં ફસાય તો નહીં જવાય ને. અને બીજા કિસ્સા પણ ખબર હતા કે એના ગામ ના લોકો સફળતાપૂર્વક અમેરિકા પહોંચી ગયા હતા. પછી વિચારો ને વિચારો માં એને પડઘા સંભળાવા લાગ્યા, “સાહસ!, સાહસ!” આ શબ્દો ની ગુંજ સીધી એના મન ને જોડતી હતી આશાએ બોલેલા વાક્યો સાથે કે “સાહસ તો કરવું પડે” ને નિકુંજ એ મારેલા મ્હેણાં સાથે “તારા માં સાહસ નથી”. જીતુ એક નિર્ણય પર તો આવ્યો કે તે સાહસ તો ખેડશે પણ મોટા પહાડ જેવો પ્રશ્ન સર કરવાનો હતો તેનો ઉત્તર મેળવવા હવે તે રસ્તો શોધવા લાગ્યો. એને વિચાર આવ્યો કે દુકાન વેચી નાખવી. અમુક લોકો ને પૂછ પરછ કરતા એને ખબર પડી કે એની દુકાન વેચીને પણ ઘણા ખરા રુપયા ખૂટશે. છેવટે એને એ જ રસ્તો સુઝ્યો જે તેને ગમતો નહતો. એ પહોંચી ગયો તેના બાપુજી પાસે ને એમને માંડીને બધી વાત સમજાવી કે તે કઈ રીતે અમેરિકા જવાનું વિચારી રહ્યો છે. એણે બાપુજી આગળ માંગણી કરી કે તેના હિસ્સા ની જમીન તેને વેચવા દે. બાપુજી એ બધી વાત ચુપ રહી સાંભળી લીધી. એમનું મન મૂંઝાતું કે દીકરા ને જવાબ શું આપવો? જીતુએ અધીરાઈ વશ બાપુજી ને ફરી પૂછ્યું કે તેઓ શું એની ઈચ્છા પુરતી માટે સહમત છે કે નહીં? સાથે-સાથે જીતુ એ આશ્વાસન આપતા કહ્યું કે બસ એક વાર એને અમેરિકા પહોંચી જવા દો, પછી આના કરતા વધરે જમીન એ ખરીદી બતાવશે. બાપુજી એ જરા સંકોચ સાથે પોતાની વાત શરુ કરી. “જીતુ બેટા, એમ તો મારા ગયા પછી આ બધું કોનું છે? તમારું જ છે ને પણ...” આટલું બોલ્યા પછી એ અટકી ગયા. જીતુ એ તરત એમનો શબ્દ પકડી પડતા કહ્યું, “પણ શું?” બાપુજી એ કહ્યું કે સાંજે પત્ની અને નાના દીકરા દિનેશ ની સામે આ વાત નો ફેસલો કરશે. સાંજે દિનેશ એની નોકરી પર થી ગામડે પહોંચી ગયો. જમ્યા પછી અખો પરિવાર ચર્ચા માટે બેઠો હતો. જીતુ ને જે ઘેલછા ઉઠી હતી એના થી પરિવાર ના દરેક સભ્યો અજાણ તો નહોતા જ. બાપુજી એ જીતુ ને કહ્યું, “સારું હું તને જમીન વેચવા દઉં પણ મારી એક શરત છે.” “શું?” જીતુએ પૂછ્યું. “કે તારે દિનેશ ને તારી સાથે લઇ જવાનો અમેરિકા” જીતુ એ દિનેશ ની સામે જોઈ કહ્યું, ‘મને કોઈ જ વાંધો નથી”. વચ્ચે મા બોલી, “પણ એના લગન નું શું પછી?” જીતુ સેજ હસ્યો ને બોલ્યો, “એ તો અમેરિકા વાળો મુરતિયો થઇ જશે એટલે સામે થી માંગા આવશે, તું ચિંતા ના કરીશ”. આ રીતે જીતુ જમીન નો સૌદો કરી શકે તે માટે પરિવાર ના સભ્યો સંમત થયા.

બાપુજીનું મન થોડું કચવાતું હતું, પણ સામે તે એ પણ સમજતા હતા ને જાણતા હતા કે અમેરિકા જવા માટે તેમના સમાજ ના લોકો કેવા-કેવા અખતરા કર છે. જો છોકરો અમેરિકા જઈ સરસ રીતે સ્થાપિત થઇ જાય પછી તો કોઈ વાત ની ચિંતા જ નહીં. ડોલર માં કમાશે! એમ પણ ગામ ના ને ઘણા બધા સગા-સંબંધીઓ ગયા જ છે ને. જીતુ કોઈ પહેલો તો નથી જે જઈ રહ્યો હોય કે જવા માટે અલગ-અલગ ધમપછાડા અખતરા કરી રહ્યો હોય. છોકરાઓ નું મન રાજી એમાં જ પોતાનો જીવ રાજી એમ માની બાપુજીએ પોતાના મનને મનાવી લીધું. આશા પિયર માં હતી ને આ બધી વાતો થી અજાણ હતી. એમ તો ફોન પર જીતુ સાથે રોજ વાત થતી. પણ આવી બધી વાતો ની જીતુએ તેને જરા પણ જાણ થવા દીધી નહોતી. ને ઘરના સભ્યો ને પણ કહી રાખ્યું હતું કે આશા ને આ વાત ની જાણ ના થવા દે. દિવસો ખુબ ઝડપ થી વીતી રહ્યા હતા. સમયનું તો એવું જ છે ને, જયારે કાબુ માં રાખવા ઈચ્છો તો ગતિમય બાબી જાય, ને જયારે આપણા ઉપર સમય નું કોઈ બંધન ના લાદેલું હોય ત્યારે તેને પસાર કરવ કોઈ બળ કામ ના લાગે. જોત જોતા માં તો દિવાળી પણ આવી ગયી. જેટલા મો એટલી વાતો, ગામ ના લોકો જીતુ વિશે કરવા લાગ્યા હતા. “બહુ વટ થી કેહતો હતો ને એક વરસ માં જઈને ના બતાવું તો નામ બદલી નાખજો!, ને આ જીતુડો તો હજી અહિયાં જ ગુડાયો છ”. તો કોઈ કહેતુ, “રુપયા ના લીધે પાછો પડી ગયો હશ”. વળી કોઈ કેહતું કે, “જમીન નો સૌદો કર્યો છે એટલે અંદરખાને કઈ ચાલી રહ્યું લાગે છ”. આવી બધી વાતો જીતુ ના કાન સુધી પણ પહોંચી, તને ખબર હતી કે શું કરવાનું છે એટલે બીજા ગમે તે બોલે રાખે એ હવે પાછો નહીં પડે. બસ થોડું મોડું થશે, કદાચ એકાદ મહિનો, પણ પોતે અમેરિકા પહોંચીને જ રહેંશે. એક દિવસ જીતુ અને આશા બેઠા હતા. જીતુ ને લાગ્યું કે સારો મૌકો છે, આજે આશા ને બધી જાણ કરી દેવી જોઈએ. જીતુ એ આશા ને બધી રજેરજ કહી નાખી પોતે કરેલી તૈયારિયો વિશે. આગળ એણે ઉમેર્યું કે બસ હવે તેઓ થોડા જ દિવસો પછી અમેરિકા માં હશે, ભલે ને ગેરકાયદેસર, પણ અમેરિકા માં હશે ખરા. બધી વાત સાંભળ્યા પછી કોણ જાણે કે કેવી બીક આશા નેં અંતર માં ઘર કરી ગઈ હતી કે તે બોલી, “નહીં જવું આપડે. આહિય જ રહીએ”. આશા ની વાત સાંભળી જીતુ ખુબ ખિજાયો. એકદમ કઠોર શબ્દો સાથે તે આશા ને ખરી ખોટી સંભળાવા લાગ્યો કે, “તમે બૈરાઓ કઈ માટી ના બન્યા છો? કે જયારે હું નાં પાડતો, ત્યારે સતત મારા જીવને ડંખતી રહતી કે સાહસ કરો, સાહસ કરો. આ પહોંચી ગયો, પેલો પહોંચી ગયો, આપડે ક્યારે જઈશું? ને હવે જયારે મેં બધું ગોઠવી કાઢ્યું છે, તો ના પડે છે? આ રંગ બદલીને તું શું સાબિત કરવા માંગે છે? જીતુ નો ગુસ્સો આશા સહન કરી ગઈ. અમુક દિવસ સુધી જીતુ આશા સાથે વાતચીત કરવાનું ટાળ્યું. આશા કઈ પૂછે કે કહે તો જીતુ જવાબ નાં આપતો. એને થતું કે જીતુ કેવો બદલાઈ ગયો છે. કાયમ હસતો, હસાવતો, પ્રેમાળ જીતુનું આ કેવું રૂપ? જીતુ એ ધાર્યું હતું તેના કરતા થોડો સમય વધારે નીકળી ગયો હતો. પણ એમને કેનેડા ના વિઝા મળી ગયા હતા ખરા ને એ બધી ગોઠવણ બાબુભાઈ એ કરી આપી હતી ને સામે એટલા રુપયા પણ લીધા હતા. સૌથી પેહલા પોતના ગામ ના હનુમાનજી ના મદિર માં જઈ બધા પૂરી કરી અને ગામ વાસીઓ ને સુખડી ની પરસાદી વહેચી. જીતુ ને લાગ્યું કે હવે ક્રમ સર આવી જ રીતે એક-એક બધા જ કામ પાર પડશે. જીતુ બાબુભાઈ ને મળ્યો કારણ હવે કઈ દિશા માં આગળ વધવું તેના માર્ગદર્શક તે જ હતા. બાબુભાઈ એ સૌથી પહેલા તો જીતુ ને સવાલ કર્યો, “પહેલા તો એ કહે કે બધો હિસાબ કોણ ચૂકવવાનું છે?” હાથ ની આંગળીઓ મસળતા (રુપયા ગણવા માટે કે રુપયા માટે જે ઈશારો વપરાય છે તે) બાબુભાઈ બોલ્યા. જીતુ એ ખીસા માં થી એક કાગળ કાઢી બાબુભાઈ ને આપ્યો ને બોલ્યો, “આ એમનું નામ ને નંબર છે.” બાબુભાઈ એ પેલો કાગળ અસિત ને આપ્યો ને અસિતએ પેલો નંબર ને નામ પોતાના મોબાઈલ માં નોંધી લીધા. નબર અમેરિકાનો હતો. બાબુભાઈ એ પૂછ્યું, “હમણાં વાત થશે? તો જ હું તને આગળ ની બધી જાણકારી આપું નહીં તો જયારે વાત થશે પછી જ” જીતુ એ પોતાનો મોબાઈલ ફોન માં થી વોટ્સેપ કોલ કર્યો. એને પૂરી ખાતરી હતી કે સામે ફોન ઉપાડશે નહીં પણ ફોન ઉપાડ્યો, તે જીતુ તરત જ બોલી ઉઠ્યો, “જયશ્રી કૃષ્ણ કાકા! કેમ છો? આપડે પેલી વાત થઇ હતીને, ત્યાં આવાની, એટલે પેલા ભાઈ જોડે એક વાર વાત કરી લો ને...” જીતુ એ ફોન બાબુભાઈ ને આપ્યો. જીતુ ના હાથ માં થી ફોન લઇ ને બાબુભાઈ બોલ્યા, “હાં જી, તો તમે જવાબદારી લો છો ને? સારું..તમારો નંબર છે. કામ પતિ ગયા પછી અમારો માણસ તમરી સાથે કોન્ટેક કરશે, સારું” કહી બાબુભાઈ એ ફોન જીતુ ને પરત આપ્યો. “હાં તે વાત થઇ ગઈ ને, સારું-સારું, હા-હા... જાય શ્રી કૃષ્ણ” કહી જીતુ એ ફોન પર ની વાત ખતમ કરી. હવે ધ્યાન થી સાંભળ, નહીં તો લખી લે, કે પછી ફોન માં રેકોર્ડ કરી લે. આ આપણી છેલ્લી મુલાકાત” બાબુભાઈ એ જીતુ ને ગંભીરતાથી સમજવતા કહ્યું. જીતુ એ એના મોબાઈલ ફોનમાં રેકોર્ડેર ચાલુ કર્યું, ને બાબુભાઈએ આગળ બોલવાનું, એરપોર્ટ પર થી જ ટુરિસ્ટ માટે સીમકાર્ડ મળતા હોય છે, એ ખરીદી લેજે અને એ સીમકાર્ડ થી જ તારે સંપર્ક કરવાનો એક માણસ નો જેનું નામ છે સ્ટીવનસન. એ કોલ ઉપડશે એટલે ફક્ત એટલું જ બોલવાનું કે કોડ મૂક્લું છું. પછી કોડ મેસેજ માં લખી મોકલવાનો”. જીતુ તરત વચ્ચે બોલ્યો, “કોડે શું છે?” બાબુભાઈ પણ તરત બોલ્યા, “કહું છું ભાઈ, કોડે છે “સ્નોમેન”. એના પછી એ જ તને સામે થી બધી જાણકારી આપી દેશે કે તારે શું કરવાનું. પણ હા તારે કોઈને જરા પણ ખબર નાં પડે એ રીતે કોન્ટેક કરવાનો, શું કીધું?”. “હા સમજી ગયો” જીતુ એ જવાબ આપ્યો. થોડી વાર બાબુભાઈ એનો ચેહરો જોઈ રહ્યા, ને જીતુ ની પાસે આવી, એની સાથે આંખો મિલાવી બોલ્યા, “જીતુ મને એમ તો તું સીધી માણસ લાગે છે, કેનેડા પહોંચી ને કોઈ પણ પ્રકાર ની ચાલાકી કરવાનું વિચારતો નહીં ભાઈ”, બોલતી વખતે બાબુભાઈની પલક એક ક્ષણ માટે પણ ઝબકી નહીં. જીતુ ચિંતા મગ્ન બન્યો. શું બોલવું સુઝે નહીં, ત્યાં તો બાબુભાઈ એ આગળ ચલાવ્યું, “તારી આખી કુંડલી અમારી પાસે છે, અહીંયા કે કેનેડા હોય કે અમેરિકા તને ફસાવતા વાર નહીં લાગે”. ઓંચિંતા, બાબુભાઈ ના આવા તીક્ષ્ણ શબ્દો થી ઘવાયેલા જીતુ એ બાબુભાઈને સવાલ કર્યો, “બાબુકાકા કેમ આવું બોલો છો? તમારી ઉપર વિશ્વાસ રાખીને હું આગળ વધી રહ્યો છું. હમણાં જ મારા કાકા સાથે વાત કરાવી ને! પછી આવું કેમ બોલો છો?” ચેતવવું પડે માણસ ને નહીં તો એનું ચંચળ મન ક્યારે બદલાય કોને ખબર? અને અમારા ધંધા માં કઈ પણ થાય, ફાયદો અમારો જ થવો જોઈએ. અસિત આને પેલા નો નંબર આપી દે, ને હાં અમેરિકા પહોંચે એટલે આ બાબુકાકા ને ફોન કરેજે ખરો”. અસિત એ સ્ટીવનસન નો નંબર લખાવ્યો. બે ઘડી જીતુ અસિત ના ચહેરા સામે જોઈ રહ્યો, કદાચ એટલા માં માટે કે બાબુભાઈ નું વર્તન આમ અચાનક કેમ બદલાયું? અસિતને તો કઈ ફરક પડ્યો ના હોય ચહેરા પર એવા હાવભાવ હતા પણ જીતુ બરાબર નો ડઘાયો હતો. જીતુ ને એક વિચાર એવો પણ આવ્યો કે અસિત તેની પાસે થી રુપયા ખંખેરવા મિત્રતાનો ડોળ કરતો હતો કે શું? પણ હવે એ કરે શું? આગળ વધવું પડે ને બધું અનુકુળ થાય એની રાહ જોવી પડે. જીતુ એ જમીન વેચી હતી તે રુપયા એણે અમેરિકા એના કુટુંબ ના કાકા કે જે ઘણા વર્ષો થી અમેરિકામાં વસ્યા હતા તેમને મોકલી દીધા હતા. ત્યાં પહોચાડનાર ને એ રૂપયા કાકા એ આપવાના હતા.

ગામ ના ગોર મહારાજ એક દિવસ અચાનક ઘરે આવી ચડ્યા. માએ તેમને આદર સત્કાર સાથે ઘર માં બેસાડ્યા. મહારાજએ વાત માંડી પેલા સુખડી ના પ્રસાદ પર થી. તો મા એ જણાવ્યું કે જીતુ આશા એમનો નાનકો ને દિનેશ કેનેડા જવાના છે. મા ને ગોર પાસે થી છોકરાઓ ના ભવિષ્ય વિષે જે આશંકાઓ હતી તેનો ખુલાસો જોઈતો હતો. એટલે મા પૂછ્યું કે “મહારાજ કેવો રહશે એમનો પ્રવાસ ને પછી ત્યાંનું જીવન? સારું હશે ને?” ગોર મહારાજ બોલ્યા, “લાવો જનમ પત્રી જોઈ લઈએ. મા એ તરત ચારેઓ ની જનમપત્રી ગોર સામે મૂકી. ગોર મહારાજે સૌથી પહેલા જીતુ ના જન્માક્ષર જોયા. ગોર મહારાજ થોડીવાર ચૂપચાપ જન્માક્ષરમાં જોતા રહ્યા અને કંઈ જ બોલ્યા નહીં એટલે મા ના મનમાં ઘણા બધા સવાલ ઉદ્ભ્વવા લાગ્ય. “શું થયું મહારાજ?” પોતાની અધિરતાનો અંત લાવતા મા બોલી. ઉંડો નિશ્વાસ નાખી ગોર બોલ્યા, “વિદેશ યોગ નબળો છે, પહોંચવું અઘરું છે”. “વિઝા તો મળી ગયા છે મહારાજ” મા એ કહ્યું. “ત્યાં જઈને પણ સુખ તો નહીં જ મળે” જન્મપત્રિકા વાળી બંધ કરીને એક તરફ મુક્તા ગોર એ કહ્યું. મા ચિંતીત થઈ તેણે ગોર મહારાજને આશા દિનેશ અને યશરાજના જન્માક્ષર જોવા કહ્યું. ગોરએ કહ્યું કે બીજા બધાની કુંડલી જોવું વ્યર્થ છે કારણ એ બધાને લઈ જનાર તો જીતુ છે. મા એ ગોર ને પૂછ્યું કે વિદેશમાં કે વિદેશ યાત્રામાં કોઈ સંકટ નો સામનો ના કરવો પડે એના માટે કોઈ વિધિ કે અનુષ્ઠાન? ગોરે કહ્યું કે અહીંથી જાય જ નહીં એ જ સાચો સચોટ ઉપાય છે. આ પછી ગોરે રજા લીધી ત્યારે ઘરમાં પતિદેવ પ્રવેશ્યા. પત્નીને ચિંતાતુર જોતા પૂછ્યું કે ગોરે એવું તે શું કહ્યું? ગોર એ કહેલી રજેરજ વાત પત્નીએ કહી નાખી. “એવી બધી શંકા મનમાં લાવવાની નહીં, ગોર તો બધું બોલે રાખે” કહી પતિ પોતાના કામમાં વ્યસ્ત થયા. પણ માનું મન ત્યાં જ અટકી રહ્યું. આ દરમિયાન જીતુ ઉંઝા ગયો હતો પોતાની કુળદેવી ના દર્શન કરવા. તેણે દેવી માને પ્રાર્થનામાં શીશ નમાવી કહ્યું કે હવે ક્યારે તમારા દર્શન થશે એની ખબર નથી પણ જ્યારે પાછો આવશે ત્યારે સૌથી પહેલા તમારા દર્શન કરવા પહોંચી જશે.

બધી ગોઠવણ થઈ ગઈ હતી વિઝા ટિકિટથી માંડીને જરૂરી સામાન અને કપડા, વિદેશી ચલણ વગેરે વગેરે. કુટુંબીજનો અને અમુક મિત્રો જીતુ, આશા, યશરાજ અને દિનેશને એરપોર્ટ પર વિદાય કરવા ગયા. જીતુ ની મા રહી રહીને ચારે ને એક જ વાત કહેતી હતી “પોતાનું ધ્યાન રાખજો” “સાચવજો” પોતાના લાડીકા યશરાજ ને તેડીને ગળે લગાડતી તેની આંખમાંથી આંસુ સરી ગયા. બધા સ્નેહીજન વિદેશ જવા વાળા યાત્રીઓને છેલ્લે છુટા પડતી વખતે એક જ વાત કહેતા હતા “પહોંચીને ફોન કરજો” અને એમણે કર્યું એવું જ. ટોરેન્ટો પહોંચતા ની સાથે જ ગામડે વિડીયો કોલ જોડી જાણ કરી કે ચારે જણા સલામત છે. એ લોકો હોટેલમાં રોકાયા છે, શું ખાઈ રહ્યા છે, હોટલની બારીમાંથી બહાર નજારો કેવો છે તે બધી વિગતોના દૂરદર્શન ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામમાં બેઠા તેમના માતા પિતાને કરાવ્યા. કોઈને સેજ પણ શંકા ન જાય એટલે ચારે જણા બે ત્રણ દિવસ ટોરેન્ટો શહેરમાં ફર્યા. એ શહેરની ચકાચોન્ધ જોઈ તેમની આંખોમાં ચમક અને શરીરમાં એક અલગ ઊર્જા ઉત્પન્ન થઈ ઉઠી હતી. ત્યાં ની સગવડતા ભરી જીવનશૈલી તેમના આકર્ષણનું કેન્દ્ર બની રહી. પેલી ઉંચી ઇમારતો, મોટા-મોટા રસ્તાઓ, જાન્યુઆરીના મહિનામાં થતી હિમ વર્ષા… આ નવા અનુભવો એમના માટે રોમાન્ચથી ભરપૂર હતા. મૂળ જે હેતુથી તેઓ કેનેડા આવ્યા હતા, હવે તેને પાર પાડવાનો વારો હતો. બાબુભાઈએ જેવું કહ્યું હતું તે પ્રમાણે જીતુએ એરપોર્ટ પર થી ટુરિસ્ટ માટે મળતો સીમ કાર્ડ મેળવી લીધો. ને પછી કર્યો સ્ટીવનસન ને કોલ, કોડ મોકલવાની વાત કહી ને મેસેજ કરીને કોડ મોકલ્યો. થોડી વાર પછી સ્ટીવનસન નો ફક્ત એટલો મેસેજ આવ્યો, “Reach Winnepeg, Manitoba” જીતુ ને પેહલા તો કઈ ખબર ના પડી. અને એવું લાગ્યું કે આ કોઈ જગ્યા ના નામ હોવા જોઈએ, એટલે એણે ઈન્ટરનેટ પર આવીશે માહિતી મેળવી, તો ખબર પડી કે આ વિનિપેગ કેનેડા માં આવેલા મેનીટોબા નામ ના રાજ્ય નું મુખ્ય શહેર હતું. જીતુ ને થયું કે ત્યાં ચોક્કસ કઈ જગ્યા પર જેવું? એટલે તેણે ફરીથી સ્ટીવનસન નો સંપર્ક કર્યો પણ તે ફોન જ ના ઉપાડે. જીતુ એ તને મેસેજ મીક્લ્યો તો તેનો પણ જવાબ નહીં ને. જીતુ ને થયું કે હવે શું કરવું? થોડી વાર વિચાર કર્યો પછી જીતુ એ સ્ટીવનસન ને મેસેજ મોકલ્યો, “We will reach Winnepeg in 2 days” થોડી જ વાર માં જીતુ ના ફોન પર એક મેસેજ હતો જેમાં લખ્યું હતું, “ok, come here and I guide you ahead” આ મેસેજ વાંચી જીતુ ના જીવ માં જીવ આવ્યો. નહીં તો એને એવી શંકા થવા લાગી હતી કે આ સ્ટીવનસન સરખો જવાબ નથી આપતો ને ભરોસા લાયક નથી. વિનિપેગ કેવી રીતે જવું તેની જાણકારી પણ જીતુ એ ઈન્ટરનેટ પર થી મેળવી લીધી. જતા પહેલા જીતુએ ઘરે જણાવી દીધું હતું કે તેઓ હવે અમેરિકા જવા માટે નીકળી રહ્યા છે અને હવે અમેરિકા પહોંચીને જ ફોન કરશે. હવે એમને કેનેડાના મેનીટોબા રાજ્યના વિનિપેગ શહેર પહોંચવાનું હતું. એટલે ફ્લાઇટ બુક કરી વિનિપેગ જવા રવાના થયા. વિનિપેગ મેનીટોબાનું મોટામાં મોટું શહેર પણ અહીં ટોરેન્ટો ની સરખામણીમાં વસ્તી ઓછી અને બરફ વર્ષા નો જોર વધારે. એરપોર્ટની બહાર નીકળતા જ બરફથી મઢાઈ ગયેલા રસ્તાઓ ને ઇમારતો. ચારે બાજુ પસરેલો સન્નાટો. એમા રસ્તા પર આવજા કરી રહેલી ગાડીઓનો અવાજ જ ફક્ત, ને સ્ટ્રીટ લાઇટ નો ઉજાસ જાણે એક સંગાથ પૂરો પાડતો હતો એક સાવ અજાણ્યા શહેરમાં. કોઈ માણસ બહાર ફરકે નહીં કામ સિવાય. મહેસાણા ની બોલીમાં કહીએ તો નકરો બરફ જ બરફ. ત્યાંથી એક મોટેલમાં રોકાયા. સ્ટીવનસન એ જીતુને મેસેજમાં જણાવ્યું કે તેણે જે એડ્રેસ મોકલ્યું છે ત્યાં બે દિવસ પછી પહોંચી જવું. બે દિવસ પછી જેવા તેઓ સ્ટીવનસન એ મોકલેલા એડ્રેસ પર જવા નિકળવાના હતા તે જ ઘડીએ જીતુને ફોન આવ્યો, એ સ્ટીવનસન નો જ કોલ હતો. જીતુ એ ફોન ઉપાડી વાત કરી, ત્યાં સામેથી સ્ટીવનસન જે રીતે અંગ્રેજીમાં બોલતો હતો તે જીતુને સમજ પડતી નહોતી એટલે સ્ટીવનસન એ મેસેજ કર્યો કે આજે નીકળશો નહીં. હવે એ ફરી જે દિવસે તેમને કોલ કરીને આવવાનું કહેશે ત્યારે જ નીકળવું. બે દિવસ બીજા નીકળી ગયા. સ્ટીવનસન તરફથી કોઈ જ પ્રતિસાદ નહીં. મોટેલ માં રહેવું અને ખાવું ત્યાં સુધી જ પોસાય જ્યાં સુધી ખિસ્સા ભરેલા હતા. જીતુને આ વાતની ચિંતા થવા લાગી. યોજેલુ બધું પાછળ ધકેલાઈ રહ્યું હતું. એક દિવસ હજી વીત્યો રાહ જોતા. તરત બીજા દિવસે તો જીતુ થી રહેવાયું નહીં તેણે સ્ટીવનસન ને ફોન જોડ્યો, પણ વ્યર્થ સાબિત થયું, સ્ટીવનસન ફોન ઉપાડતો જ નહોતો. અહીં રૂપિયા ખુટી રહ્યા હતા ને જો ખીસ્સા પૂરેપૂરા સાફ થઈ જાય તો પછી રોકાવું ક્યાં? જે જગ્યાએ મળવાનું કહ્યું છે ત્યાં સુધી પહોંચવું કેવી રીતે? એવી સમસ્યા ઊભી થઈ જાય તો સમસ્યાનું સમાધાન શું કરવું? તે વિચારમાં જતું મોટલની લોબીમાં ઉભો હતો, ત્યાં તેને એક છોકરો દેખાયો. દેખાવ પરથી તે ભારતીય લાગ્યો. જ્યારે બંને ની નજર એક થઇ ત્યારે પેલો છોકરો જીતુ સામે જોઈ મલકાયો. જીતુ પણ તેને જોઈ, હસીઓને પૂછ્યું “ઇન્ડિયા સે હો”. છોકરાએ કહ્યું “હાં જી”. જીતુ તેની પાસે ગયો, બંને એકબીજા વિશેની માહિતીની આપ લે કરી. જીતુએ જણાવ્યું કે તે ગુજરાતથી આવ્યો છે, તો પેલા છોકરાએ કહ્યું કે તે હરિયાણા નો છે અને કેનેડા ભણવા આવ્યો છે, ને અહીં પાર્ટ ટાઈમ કામ કરે છે. જીતુ એ પેલા છોકરાને પોતાની સમસ્યા જણાવીને પૂછ્યું કે અહીંયા જ આ મોટેલમાં એને કોઈ કામ મળી જાય તો એને મોટી રાહત થઈ જાય અને એની આ મનષા પાછળનું કારણ પણ તેણે પેલા છોકરાને જણાવ્યું. “ઇધર રુકો આપ” કહી પેલો છોકરો ગયો અને દસ મિનિટ પછી પાછો આવ્યો. એણે કહ્યું કે મોટેલ નો માલિક કહે છે કે તે એમને રહેવા દેશે અને ખાવાનું આપશે પણ બદલામાં ત્રણેય સભ્યોએ મોટેલ ની અંદર નું કામકાજ સાચવવું પડશે, રૂપિયા નહીં આપી શકે. જીતુ માની ગયો. તેઓએ જે રૂમમાં રહેતા હતા તે તેમને ખાલી કરવી પડી કારણ હવે તે બીજા કોઈ ગ્રાહકને આપી શકાશે. તેના પરિવારને એક નાનકડી રૂમમાં ખસેડવામાં આવ્યા જે મોટેલમાં કામ કરતા લોકો માટે હતી. જીતુ આશા અને દિનેશ ને દરેક રૂમની સફાઈ નું કામ સોંપવામાં આવ્યો. જીતુ એ પોતાની ગુજરાતી બુદ્ધિ વાપરી અહીં પૈસા બચાવવાનો સરસ રસ્તો શોધી કાઢ્યો હતો. સવારથી સાંજ ક્યાં ક્યારે થઈ જતી તેની તેમને ખબર જ ન હતી. એક બાજુ તેઓ સ્ટિવનસન તરફથી કોઈ ખબર મળે તેની રાહ જોઈ રહ્યા હતા. એમાં ને એમાં પાંચ દિવસ નીકળી ગયા હતા. હજુ કેનેડામાં જ અટવાયેલા છે એવી જાણ મા-બાપ અને અમેરિકામાં જે સંબંધી ને ત્યાં જવાનું હતું તેમને કરી દીધી હતી. એક દિવસ વધારાનો વીતી ગયો. પછીના દિવસે હજી તો જીતુ અને બીજા બધા ઊંઘમાં છે, ત્યાં તો તેના ફોનની ઘંટડી વાગી. જીતુ એ ફોન ઉપાડ્યો તો સ્ટીવનસન સામેથી એક જ વાક્ય બોલ્યો “રિચ ટીલ આફ્ટરનુન”. તેને ફોન કાપી નાખ્યો અને મેસેજ પણ મોકલ્યો. અહીંયા બધાએ ફટાફટ બધી વસ્તુઓ બાંધી લીધી. પોતાના દીકરા માટે ખાસ કરીને ખાવાની વસ્તુઓ, એવું માનીને કે તેઓ તો ભૂખ્યા રહી લેશે પણ નાના ફુલ જેવા શરીર પર ભુખનો ભાર ના પડવો જોઈએ. સ્ટીવનસન એ આપેલા એડ્રેસ પર પહોંચવા માટે કેબ કરી. જગ્યા ૨૦૦ કિલોમીટર દૂર હતી. હાઇવે પર ગાડી જેમ જેમ એક પછી એક મીલ નો પથ્થર સર કરી રહી હતી (જો કે હાલના સમયમાં તો સાઈન બોર્ડ લગાવેલા હોય છે) તેમ તેમના મનમાં એક જ વાત ઘેરાતી હતી કે તેઓ બહુ દૂર નીકળી આવ્યા છે. રસ્તા ની બંને બાજુ બરફના થર, ના કોઈ માણસ કે જાનવર કે પક્ષી હોવાનું પ્રમાણ. સુરજ પણ ટાઢ ના લીધે ઉગવાનું ભૂલી હજી સૂતો હોય એમ ખૂબ જ ઓછો પ્રકાશ. ગુમસુમ વાતાવરણની સીધી અસર જાણે પેલી ગાડીમાં બેઠેલા યાત્રીઓ પર થતી હતી. તેઓએ એક પણ શબ્દ ના ઉચ્ચારીયો કે જાણે પોતે ખૂબ જ ગુસુમ હોય. ડ્રાઇવર પણ છાનોમાનો ગાડી ચલાવે જતો હતો. જીતુ એ ઘડિયાળ જોઈએ તો બપોર થવા આવી હતી. આશાએ પૂછ્યું કે હજી કેટલી વાર લાગશે? દિનેશ ની નજર નેવીગેટર પર હતી, તે બોલ્યો, “હજી અડધો કલાક ખરો”. નેવિગેટરમાં બતાવેલા સ્થળ પર આવી ગાડી ઉભી રહી. ડ્રાઇવર એ ઉતરી તેમનો સામાન કાઢી આપ્યો. બીજા બધા પણ નીચે ઉતર્યા. ક્યાર ના ગાડી માં બેઠા-બેઠા ખાલી ચડી ગઈ હતી. ભાડું ચૂક્યું કે ડ્રાઇવર ત્યાંથી રવાના થઈ ગયો. જે જગ્યા પર તેઓ ઉભા હતા, તે એક બંધ પડી ગયેલી હોટેલ હતી. જીતુને લાગ્યું કદાચ સ્ટીવનસન આ હોટેલની અંદર જ રહેતો હોવો જોઈએ. થોડીવાર આમતેમ જોયું તો કોઈ દેખાયું નહીં. જીતુ એ ફોન લગાવ્યો, સ્ટિવન્સન એ ફોન ઉપાડ્યો નહી એણે મેસેજ મોકલ્યો “વેઇટ ફોર મી”. લગભગ દસ મિનિટ પછી એક ટ્રક તેમના પાસે આવી ઊભી રહી. અંદરથી ઊંચો મજબૂત શરીર વાળો હબસી જીતુ અને બીજા જ્યાં ઊભા હતા ત્યાં આવ્યો, તેણે ત્રણેયના નામ લઇ તેમની ઓળખ કરી લીધી ને ટ્રકમાં ચડી જવા ઈશારો કર્યો. સ્ટીવનસન નો અંગ્રેજી બોલવાનો લેહકો ખુબ જ અસ્પષ્ટ. ફોન પર વાત થાત ત્યારે તે શું બોલે છે? એ જીતુ ને જલ્દીથી પકડી પાડવું અઘરું બનતું, પણ રૂબરૂમાં ઇશારાથી સરસ કામ ચાલી ગયું. ચારેય જણા ટ્રકમાં બેસી ગયા અને જૂની બંધ હોટેલ ની પાસે જ રસ્તો જતો હતો ત્યાં ટ્રક આગળ વધવા માંડ્યો. લગભગ બપોરના સાડા ત્રણ થયા હતા પણ અંધકાર એવો ઘેરાવા લાગ્યો હતો એ જાણે ઘોર અંધારી રાત ની શરૂઆત. જેમ જેમ અંધકાર ફેલાઈ રહ્યો હતો તેમ તેમ ઠંડક ને બળ મળી રહ્યું હતું, સમગ્ર વિસ્તાર પર તેની પકડ મજબૂત મુઠ્ઠીમાં જકડી લેવા. ટ્રક ની અંદર બે-ત્રણ એલઈડી મારફતે થોડો પ્રકાશ હતો, તેમણે જોયું તો બીજા મુસાફરો પણ હતા. તેમાંથી ઘણા ખરા ચહેરાઓ ઓળખીતા હોય એવા લાગ્યા કારણ કે ચહેરા ઉપરથી તરત જ ખ્યાલ આવી જાય કે આ લોકો પણ ગુજરાતી જ છે. અંદર જ્યાં તેઓ બેઠા હતા, ત્યાં જે ગુજરાતી દંપતિ બેઠા હતા તેઓ એમની સામે જોઈ હસ્યા. “ક્યાંના છો” દંપતિ માંથી સ્ત્રીએ આશાને પૂછ્યું. “અમે તો મહેસાણા, ગોઝારીયા”, આશાએ જવાબ આપ્યો. “અમે ચાણસ્મા ના” બોલી પેલી સ્ત્રી એ આગળ પૂછ્યું “પાટીદાર?” “હા અમે પાટીદાર” આશાએ કહ્યું. પેલી સ્ત્રી બોલી “ને અમેય પાટીદાર”. આમ એમના વાતોનો દોર શરૂ થયો. પોતાના નામ-ગામ વિશે, ધંધા વિશે, અમેરિકા જવા માટે કેટલા-કેટલા પ્રયત્નો કર્યા. કેટલા રૂપિયાના નાખ્યા, એ બધી ચર્ચા કરી. એક સુમસામ કોટેજના પ્રાંગણમાં આવી ટ્રક ઉભો રહ્યો. બધા નીચે ઉતર્યા. ઉતરતા જ અનુભવ્યું કે ના આસપાસનું વાતાવરણ કેવું ભયાવહ છે. આશાએ તો પોતાના બાળકને ચાપીને છાતીએ લગાવી તેડી, જીતુને અડીને ઊભી રહી. સ્ટીવનસનની પાછળ તેઓ અંદર કોટેજ માં દાખલ થયા. અંદર મુખ્ય ખંડમાં આવતા જ તેમણે જોયું કે બીજા ઘણા બધા લોકો પણ છે. અમુક લોકો બીજા દેશના હતા એવો અંદાજો એમના દેખાવ અને ચહેરા પરથી આવી જતો હતો. તે લોકો પોતાનો જે એક અલગ સમૂહ બનાવી અંદર બેઠા હતા. ટ્રકમાં થી જે બધા આવ્યા હતે તેઓ પણ એક જગ્યા પર ગોઠવાઈ ગયા. અંદર સ્ટીવનસનએ બધાને ઉદ્દેશી ને કહ્યું કે આજે ૭:૦૦ વાગે અહીંથી નીકળીશું. થોડા અંતર સુધી ટ્રક મુકવા આવશે, પછી ત્યાંથી ચાલતા બોર્ડર પર કરવાની રહેશે. લગભગ પચાસ થી સાઈઠ કિલોમીટર એક રાતમાં ચાલવું પડશે તો જ બોર્ડર પાર કરી શકાશે. એટલે હવે આરામ કરી લો. તેણે આગળ સૂચવ્યું કે બધાની સાથે રહેવું, જો પાછળ રહી ગયા તો કોઈ પણ તમને લેવા નહીં આવે. અને પછી તમારી સાથે ગમે તે થાય તેના તમે જિમ્મેદાર. આ બધી ઘોષણા કર્યા પછી તે ત્યાંથી જતો રહ્યો. તેની સાથે બીજા બે માણસો પણ હતા તેના જેવા જ હબસી. જીતુ, આશા અને યશરાજ એક સાથે બેઠા અને દિનેશ એક બાજુ પર જગ્યા કરી બેઠો. પછી થયું કે થોડો આરામ કરી લઈએ, બધા પોત પોતાની જગ્યાએ સાંકળ-મોકળ આડા પડ્યા. જીતુ ની નજર પડી તો પેલા ચાણસ્મા વાળા રમણભાઈ એ જીતુ ને પાસે આવી બેસવા નો ઈશારો કર્યો. “મેં કહ્યું, આવો ઘડીક વાતો કરએ”, જોકે એમ તો રમણભાઈ એ જીતુ સામે સવાલો ની ઝડી ચાલુ કરી હતી. “તમે કેટલા રુપયા ખર્ચો કર્યો? એજન્ટ કોણ હતો? કેટલા પ્રયાસ પછી બ્લેક માં જવાનો નિર્યણ કર્યો....”ટ્રક માં તો આપડી એટલી કઈ વાતો થઇ નહીં, બૈરાઓ એ બહુ ચલાયું એટલે...” જીતુ સેજ હસી પડતા બોલ્યો, “એક વાર કાયદેસર વિઝા માટે પ્રયત્ન કર્યો, પણ વિઝા લાગ્યા નહીં એટલે આ રીતે બ્લેક માં અમેરિકા જવા નીકળી પડ્યા, એણે ટૂંક માં પતાવ્યું. રમણભાઈ એ તરત કહ્યું, “હારું કર્યું, અમે પાંચ-છ વખત વિઝા ની લાઈને માં ઉભા રહ્યા પણ પટેલ નામ જોઇને ફાઈલ પાછી આપી દે, કેટલાય રુપયા નાખ્યા બોલો....પછી આના મામા કહે કે બ્લેક માં આવતા રહો અમેરિકા જે ખર્ચો થાય હું આપી દઈશ. પહેલા તો આને એકલી ને મોકલવાનો હતો, છોકરાઓ પાસે કોઈ તો જોઈએ ને. પણ એક વાત ખબર પડી પછી થયું કે બન્ને ધણી-બાયડી જોડે જઈએ એ હારું. તમે સપરિવાર જોડે નીકળ્યા એ હારું કર્યું ભાઈ”. હોંકાર માં માથું હલવતા જીતુ એ પૂછ્યું ”કઈ વાત ખબર પડી તમને?” પેલા ભાઈ બોલ્યા, “હવે હું કહું ભાઈ, અમારા ગામ ની એક બઈ બ્લેક માં અમેરિકા ગઈ હતી, આપડી પટેલ જ. પેલીને એકલી જોઇને આ તસ્કરોએ એની મરજી વિરુદ્ધ જે કરવું હતું બધું કર્યું. પેલી પણ સામે કઈ કરી શકી નહીં, કારણ એણે ગમે તે કરીને અમેરિકા પહોંચવું હતું, ને છેવટે આબુરું ને દાવ પર લગાડી એ અમેરિકા પહોંચી. ને જે તની પર વીતેલું એ બધી વાત ઘરે કરી કે આજ પછી આપણા ઘર ની કોઈ પણ સ્ત્રી ને બ્લેક માં એકલી ના મોકલતા...એ તો એનું સારું નસીબ કે છેવટે પહોંચી તો ગઈ. નહીં તો આ લોકો નો ભરસો નહીં, લોકો ને મારી નાખે છે બોડર પેટ્રોલિંગ વખતે ને પોતે ભાગી જાય, તો પછી આ લોકો માટે કોઈ સ્ત્રી ને વેશ્યાવૃત્તિમાં ધકેલતા શું જાય? પણ પેલી બચી ગઈ ખરી...એટલે ભાઈ હું પણ તૈયાર થયો આની સાથે. આજ ના જમાના માં કોઈ નો ભરસો નહીં”. “એના ઘરના લોકો એ કઈ કર્યું નહીં?” જીતુ બોલ્યો. કટાક્ષ માં હાસ્ય પછી રમણભાઈ બોલ્યા, શું કરે? કોને ફરિયાદ કર? કઈ કરવા જાય તો પોતે ફસાય ગુનાહ માં, આ તો ગામ માં કોઈ એક ને વાત ખબર પડે પછી કોઈ ના પેટ માં વાત રહે ખરી? એટલે ખબર પડી. એ બચારી ના લીધે બીજા બધા સાવધાન થઇ ગયા”. જીતુ એ આસ પાસ નજર ફેરવી તે જોયું કે ત્યાં બીજા દેશો માં થી ઘણી બધી મહિલાઓ ફક્ત હતી જે ગેરકાયદેસર અમેરિકા જઈ રહી હતી, તમની સાથે બાળકો પણ હતા. જીતુ ને પેલી બધી સ્ત્રીઓ તરફ જોતા રમણભાઈ બોલ્યા, “આ બધી અહીં લગણ પહોંચી ત્યાં લાગી એમની જોડે હું-હું થયું હશે ને એ તો એ જ જાણે ને બીજો ભગવાન. ભાઈ જમાનો ભરોસો કરવા જેવો નથી! હારું, થોડો આરામ કરી લઈએ હવે” કહી રમણભાઈ આડા પડ્યા. આશા ને યશરાજ જ્યાં આરામ કરી રહ્યા હતા ત્યાં જઈ જીતુ એ પણ શરીર લંબાવ્યું, પણ એનું મન વિચારોના ચકરાવ માં ફસાયું હતું, કે એક થી એક કિસ્સા સાંભળ્યા હતા, કેવી-કેવી કપરી પરિસ્થિતિ વેઠવી પડે છે જે લોકો ગેરકાયદેસર અમેરિકા જાય છે એમને, બસ એ બધા કિસ્સાઓ માં આ એક કિસ્સો જ બાકી રહી ગયો હતો લાગે છે, આત્મા ધ્રુજી ગઈ જીતુ ની ભલે પછી વાત બીજા કોઈ ની હતી, ને વિચરો માં જ જીતુ ની આંખ લાગી ગઈ.

આશા દરવાજો ખોલી ઓરડામાં પ્રવેશે છે, જે સૂર્યના કિરણોથી પ્રકાશીત છે. અમેરિકામાં રહેતા બધા સગા સંબંધીઓ પેલા ઓરડામાં હાજર છે. આશા તે બધાને સામે જોઈને મલકાય છે. સામે પેલા બધા પણ સ્મિત સાથે આશા ને આવકાર આપે છે, તેનું સ્વાગત કરે છે. આશા જોવે છે કે બધા સંબંધો એ સાદા કપડા પહેર્યા છે પણ પોતે જાડું જેકેટ, ટોપીને હાથ મોજા પહેર્યા છે. આ વાત તેને હેરાન કરી મૂકે છે. આશા ને પોતાની હેરાની માં મૂકી દેતા પ્રસંગ નો કોઈ જવાબ મળે તે પહેલા પેલા સંબંધથીઓ આશા ને સવાલ પૂછે છે, “એકલા જ આવ્યા?” આશા ને કેઈ સુજતુ નહોતું તે છતાં તે બોલી, “નાના અમે બધા આયા છે ને, અમે બંને યશરાજ ને દીનેશભાઈ”. બધા પૂછે છે, “બીજા બધા ક્યાં છે” આશા પાછાળ વળીને જુએ છે તો તેની સાથે કોઈ જ નથી. ના તો જીતુ કે યશરાજ કે દિનેશ. તે ગભરાઈને સામેની તરફ જુએ છે, તો બધા સંબંધીઓ આશાને ગંભીર મૌન સાથે તાકી રહ્યા હોય છે. આશા જીતુને અવાજ લગાવતા આમતેમ જુએ છે. શોધે છે. તે જે દરવાજામાંથી પ્રવેશી હોય છે દરવાજાને ખોલીને જીતુને અવાજ લગાવે છે. દરવાજાની બહાર તેને કંઈ જ દેખાતું નથી. તે વળીને તેના સંબંધીઓ સામે જુએ છે, તો તે બધાના ચહેરાઓ અંધકારમાં ઓઝલ થઈ રહ્યા હોય છે. ઓરડાનો પ્રકાશ પણ ધીરે ધીરે ગાયબ થઈ રહ્યો છે. બીક ની મારી આશા દરવાજાની બહાર જીતુ ને અવાજ લગાવતી, તેના દીકરા યશરાજ ને અવાજ લગાવતી ઉભી છે. બહાર એક સીધો રસ્તો છે જેની આજુબાજુ બરફ જ બરફ છે. આશા એ રસ્તા પર દોડતી જીતુને પોકારતી, યશરાજ ને પોકારતી, વિચલિત, દોડતી તે આગળ વધે છે. આસપાસ અંધારું ઘેરાય છે અને બરફ વર્ષા ચાલુ થઈ જાય છે. દોડતી દોડતી તે અટકે છે, કારણ આગળ રસ્તો જ નથી. એ પાછળ વળીને જુએ છે તો ઘાડ અંધકાર અને ઉપરથી બરફની વર્ષા. તેનો શ્વાસ ચડી ગયો હોય છે. છતાં તે જોરથી બૂમ પાડે છે. જીતુ! જીતુ! નામ ના પડઘા પોતાના કાનને અથડાતા આશા ચમકીને આંખો ખોલે છે, તો કોટેજ ના પેલા મોટા ખંડમાં તે ભોય પર આડી પડી હતી. તેની પાસે તેનો દીકરો સૂતો હતો. તે બેઠી થઈ, જોયું તો પાસે જ જીતુ સૂઈ રહ્યો હતો એને નજર કરી તો એક બાજુની તરફ દિનેશ આડો પડી આરામ કરી રહ્યો હતો. આશા ના જીવમાં જીવ આવ્યો. એણે સપનું જોયું હતું. હકીકત માં તો તેઓ બધા સાથે જ સલામત હતા. એવા ખ્યાલ સાથે તેણે હાશકારો થયો. થોડી વાર થઈને એક પછી એક લોકો જાગવા લાગ્યા. એમના બોલવાના ગણગણાટ થી જીતુ પણ જાગી ગયો. તેણે ઉઠીને જોયું તો આશા દીકરાને ખવડાવી રહી હતી. પોતે ભૂખ્યા રહ્યા હતા દિવસ ભર, એટલે દિનેશ ને પણ જગાડી, સાથે થોડો ઘણો નાસ્તો લીધો હતો તે ખાય લીધો.. હવે આખી રાત ચાલવાનું હતું. આશા બોલી “આટલું બધું ચાલી જવાશે?” “આપણે ચાલતા જઈએ છીએ ને અંબાજીના સંઘમાં એવી રીતે હેડી નાખવાનું” હળવાશ થી જીતુ બોલ્યો. આશા એ જીતુને પોતાના ખરાબ સપના વિશે કહ્યું. જીતુએ સલાહ આપી કે નકામી ચિંતામાં પોતાનું બળ વડાફવું નહીં. હવે ખરી કસોટીનો વખત આવ્યો છે. હિંમત સાચવી રાખવી, જયારે પડકાર વાળા અવસર નો સામનો કરવાનો વખત આવે ત્યારે એનો ઉપયોગ કરવો. એટલે હવે મન માં શંકા ના સ્થાને હિંમત ભરી આગળ જ વધવાનું વિચાર. જીતુ એ દિનેશ ને પાસે બોલાવ્યો, ને આશા અને દિનેશ બન્ને ને કહ્યું, “ચેતી ને રહેજો, કોઈની ઉપર પણ ભરોસો કરતા નહીં. દિનેશ, કોઈ માણસ કઈ ખાવા-પીવા આપે તો લેતો નહીં, શું કીધું?” કારણ જીતુ અમુક માણસો ને દારૂ વગેરે નો નશો કરતા જોઈ ગયો હતો જેમાં ઘણા ખરા આપણા દેશ ના જ હતા. ને પેલા લોકો ને એવું કહેતા સાંભળ્યું કે “આવી ટાઢ માં તો દારૂ જ બચાવી શકે”. “આપડે કોઈ દિવસ કોઈ વ્યાસન નહોતું, ભલે ગમે તેટલી ટાઢ કેમ ના હોય આપડે ખામી લેવાની પણ દારૂ ને હાથ ના લગાડતો ભાઈ..” આ વાતોની વચ્ચે સ્ટીવનસન અને તેના માણસો ત્યાં આવ્યા. તેમણે બધાને બહાર એક મોટી ટ્રક ઉભી હતી તેમાં જવા જણાવ્યું. ટ્રક મોટી હતી પણ બધા લોકોને સમાવતા અંદર જગ્યા ખચોખચ ભરાઈ ગઈ, કે ટ્રકમાં મનુષ્યને નહીં પણ ઘેટા બકરાને લઈ જવાઈ રહ્યા હોય. ટ્રક લગભગ એક કલાક ચાલી હશે અને પછી ગતિ ઓછી થઈ. એક વળાંક લીધા પછી ઊભી રહી. આટલી વારમાં કયો રસ્તો, બહાર શું થયું? શું હશે? એ બધી વિગતો થી અંદર બેઠેલા સૌ સાવ અજાણ. એક માણસે પાછળ દરવાજો ખોલ્યો અને એક-એક કરી બધાને નીચે ઉતારવા કહ્યું. જીતું, આશા, દિનેશ જેવા નીચે ઉતર્યા તો જોયું કે બરફના થર પર તેઓ ઉભા છે. જ્યાં નજર કરો ત્યાં બરફ જ બરફ. બહાર આવતા જ ઠંડક શરીરને ધ્રુજારી આપવા શરૂ કરી દીધું હતું. ઉપર આકાશમાં તારાઓ ની ચમક સિવાય કાળા અંધકારનો તોડ નહોતો. સ્ટીવનસન ની આગેવાની માં બધાએ એક પછી એક ચાલવાનું શરૂ કર્યું. અમુક લોકોના અંતર પછી વચ્ચે તેનો બીજો એક માણસ હતો અને સૌથી છેલ્લે એક માણસ. ટ્રક વાળો પાછો ચાલ્યો ગયો. અમેરિકા દેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવા લોકો નો સમૂહ વેરાન બરફીલા વિસ્તારમાંથી ચાલતા પસાર થઈ રહ્યો હતો. બરફના ઢગલાઓ પરથી ડગ માંડવો સાચે જ મહેનત માંગી લઈ રહ્યુ હતું. જે લોકો સાથે નાના બાળકો હતા તેમને વધારે તકલીફ પડી રહી. ખુદને તો સાચવવાના જ પણ સાથે સામાન અને બાળકોને પણ. દિનેશ જીતુ ના દીકરાને પીઠ પર બાંધીને ચાલી રહ્યો હતો. જીતુને આશા પણ વારાફરતી તેને તેડીને ચાલતા હતા. ઠંડા પવનના સુસવાટા ચાલતા ત્યારે આગળ વધવાની હિંમત શરીરમાંથી ખંખેરી લેતા હતા. આ સમૂહ જ્યારે થાક ના લીધે ગતિ ખોઇ બેસતો ત્યારે સ્ટીવનસન અને તેના સાથીઓ અકળાઈને કહેતા કે, “ચાલશે નહીં તો માર્યા જશો”. જાન્યુઆરી નો મહિનો, તાપમાન સતત નીચે પડતું હાડકા થીજવતું હતું. ક્યાંય વિરામ માટે બેસવું કે ઊભું રહેવું પણ જોખમી હતું. આગળ ચાલતા એક જગ્યા પર દેવદારના વૃક્ષ નો ઘેરાવો હતો. સ્ટીવનસનએ ઈશારો કર્યો. બધાને કહ્યું કે ફક્ત પાંચ જ મિનિટનો વિરામ. દેવધરના ઊંચા વૃક્ષોની વચ્ચે બરફના થર પર બેસેલા જીતુને પોતાનું ગામ સાંભરી આવ્યું. મનમાં વિચાર આવ્યો કે પોતે કેટલો દૂર નીકળી આવ્યો છે. તેણે એક નજર આશાને, યશરાજ ને દિનેશને જોઈ લીધું. એના સફરના ભાગીદાર હવે સાજા સરખા પેલી પાર પહોંચી જાય પછી કોઈ ચિંતા નહીં. એને મા બાપની યાદ આવી કે પહોંચીને સૌથી પહેલા એમને જણાવીશ, કે મા તું કાયમ બહુ ચિંતા કરતી હોય છે, કે પહોંચીને ફોન કરજો, તો જો આ તારો જીતુ અમેરિકા પહોંચી ગયો ને સૌથી પહેલો ફોન તને કર્યો!”. આવા બધા વિચારોમાં ખોવાયેલા જીતુને સ્ટીવનસન ના સાથીઓનો અવાજ સંભળાયો કે હવે ચાલવાનું શરૂ કરો.

ભારતીયો, જે આ પ્રદેશના અતિશિત હવામાંથી પહેલીવાર પરિચિત થઈ રહ્યા હતા તેમના માટે સીધી દિશામાં ચાલવું પણ કપરું ચઢાણ સાબિત થઈ રહ્યું હતું. ઠંડકમાં પરસેવો ના વળે કે તરસ ના લાગે પણ શારીરિક શક્તિ ઘટતી જાય. પરિણામ એવું કે અમુક માણસો અને સ્ત્રીઓની સ્થિતિ એવી થઈ ગઈ સતત ચાલીને કે ક્યારે લથડી પડશે એ કહી ના શકાય. અમુક જણથી રહેવાયું નહીં ને ચાલતા અટકી ત્યાં જ જગ્યા પર બેસી ગયા. આશાથી પણ હવે ચલાતું નહોતું. યશરાજ ટાઢના લીધે થતરવા લાગ્યો હતો. આશા એ જીતું ને કહ્યું કે થોડીવાર એ થાકી ખાઈ લે, બીજા પણ નીચે બેસી ગયા હતા. તરત સ્ટીવનસન નો એક માણસ દોડી આવ્યો “ગેટ અપ ગેટ અપ કીપ મુવીગ” નીચે બેઠા હતા તેમને ઠપકો આપવા લાગ્યો. બધાએ સામે જવાબ દીધો કે થોડો થાક ઉતરી જાય એટલે ફરી ચાલવાનું શરૂ કરીએ. પેલો ખીજાઈ બોલ્યો, “મુવ ઓર યુ ડાય” બધા બી ગયા કે આ હથિયાર બંદૂક વડે જીવ લેશે કે શું? પણ પેલા શબ્દો પાછળ કારણ હતું કે બરફ વર્ષા જો શરૂ થઈ જાય તો કામ હજી અઘરું બની જાય. મોસમ સાથ આપે છે ત્યાં સુધી વાંધો નહીં, નહીં તો બરફના થર નીચે દટાઈ મરવું. પેલું કહેવાય ને કે એ કાગનું બેસવું અને ડાળ નું તૂટવું. પેલા હબસીએ બધાને ઉભા કર્યા અને ધીમે ધીમે હિમ વર્ષા શરૂ થઈ. એટલે આગળથી પણ આદેશ થયો કે હવે ઝટ ઝટ પગ ઉપાડો. બધા પોતાના વહલા જીવનો બચાવ માટે શરીરમાં જોશ ભરી, મન મક્કમ કરી ચાલવા લાગ્યા. સ્ટીવનસન કે એના સાથીઓની પરવા પાછળનું એક જ કારણ હતું, કે જો કોઈ વ્યક્તિ ન પહોંચે તો તેની પરની રકમ ગુમાવી પડે. આ લોકો ને એક ખાતરી તો હતી જ કે આવી હાડકા ગાળતી ઠંડીમાં બોર્ડર પેટ્રોલિંગ તો નહીં એટલે જ નહીં જ હોય. બસ બધાને સાચવીને પાર કરાવવું જેથી ખોટ ના જાય. આખો સમૂહ દોડથી બે કલાક ચાલ્યો ચુપચાપ અને ત્યાં સુધી કુદરતની મહેરબાની રહી કે હિમવર્ષા ખુબ જ ધીરે રહી. સ્ટીવનસન એ બધાને સંબોધીને બોલ્યો “આપણે અમેરિકાની બોર્ડર થી ફક્ત 100૦ મીટરના અંતર પર ઊભા છેએ. આ 100૦ મીટર ને પેલી બાજુના 100૦ મીટર જો તમે પાર કરી ગયા તો તમેં અમેરિકામાં પહોંચી ગયા સમજો. એટલે હવે ઝડપ સિવાય તમારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. સ્ટીવનસનએ બધા સમૂહની અલગ અલગ ત્રણ ટુકડી કરી. એક ટુકડીનો તે પોતે આગેવાન હતો, બીજા બે તેના સાથીઓ હતા. જીતુ એ પોતાના દીકરાનો ચહેરો જોઈ ખુબ દયા આવી, પણ પોતે ખુબ જ લાચાર હતો. તેઓ ફક્ત પાંચ-દસ મિનિટના વિરામ સિવાય સતત 11 કલાક ચાલ્યા હતા. આશાના નિસ્તેજ ચેહરા તરફ જ્યારે જીતુએ મુખ કર્યું ત્યારે તે બોલી કે હવે નથી ચાલતું. જીતુએ તેના બંને હાથ પોતાના હાથમાં લઈ કહ્યું કે “આટલું સાહસ તો કરવું જ પડશે”. જીતુના શબ્દનો આશા પાસે કોઈ જવાબ નહોતો. તેની સહનશક્તિ જાણે ખતમ થઈ રહી હતી. મંદ હિમવર્ષા એ તેના મનમાં શંકા ઉપજાવી અને તેને પેલું સપનું યાદ આવ્યું. એવો જ હાલ લગભગ તમામ લોકો જે આવ્યા હતા તેમનો હતો. પણ હવે સેજ માટે હિંમત હારી જવી એ નહીં ચાલે. સ્ટીવનસન નક્કી કર્યું હતું કે બધા એક જ જગ્યાએથી બોર્ડર પાર નહીં કરે, અલગ અલગ જગ્યાએથી અંદર જશે. સ્ટીવેસનએ ઈશારો કર્યો જે લોકો તેની ટુકડી મા હતા તેની પાછળ ચાલવા લાગ્યા. બીજા સાથીની પાછળ બીજી ટુકડીના લોકો અને ત્રીજો સાથી જીતુ, આશા, યશરાજ, દિનેશ અને બીજા પંદર જેટલા લોકો ની સાથે અલગ ફન્ટાઈ ચાલી નીકળ્યો. આ લોકો 10-20 ડગલાં ચાલ્યા હશે ત્યાં તો પૂર ઝડપે પવન શરૂ થયો. નાના બાબાને તેડીને દિનેશ, તેની પાછળ આશા અને છેલ્લે જીતુ. ઠંડા પવનના સુસવાટા હવે ઉડી આવતા ઝપાટામાં ફેરવાઈ ગયા. હિમ વર્ષા પણ ભારે થઈ રહી. સ્ટિવનસનનો સાથી ઘાટો પાડી બોલી રહ્યો, “કીપ મુવિંગ” આગળ શું અને પાછળ શું કશું દેખાતું નહોતું. બસ પેલા હબસીના અવાજને દોરતા આગળ વધવાનું હતું. એટલા માં જીતુ ને એવો એહસાસ થયો કે આશા ગાયબ છે. તેની આગળ જ ચાલતી હતી પણ ક્યાં ગયી? જીતુ એ આસ પાસ જોવા નો પ્રત્યન કર્યો પણ કશું સાફ-સાફ દેખાય નહીં. આશા દેખાતી નથી એટલે તે આશા ને અવાજ લગાવતા ઉભો રહ્યો. આશા તરફથી કોઈ જ પ્રતિસાદ ન મળતા જીતુ હબકી ગયો. જીતુ આસપાસ આશા દેખાય છે કે કેમ તે જોવા માટે જીતુ એટ-એટલા માં ફરી વળ્યો. જીતુ નો અવાજ દિનેશના કાન પર પડ્યો, તે ઘડીક ઉભો રહ્યો એને ખબર પડી ગઈ કે બધા છૂટા પડી ગયા છે, તેણે પોતાના ભત્રીજા ને મજબુત પકડ સાથે તેડી લીધો અને કરવા લાગ્યો જીતુના અવાજ નો પીછો. દિનેશ, “ભાઇ! ભાભી! ની પૂર્ણ તાકાત લગાવી બુમો પાડી રહ્યો હતો. પણ આ બરફીલા તુફાનમાં બધું વ્યર્થ સાબિત થઈ રહ્યું હતું. બરફીલા તોફાને બેકાબુ બનેલા ઘોડાની જેમ તાંડવ ચલાવ્યું હતું. આ તુફાની વંટોળના નીચે બધા અવાજો કાયમ માટે દટાઈ ગયા. સવારના ઉજાસમાં ધોળાશ તો હતી પણ ચમક નહોતી. બરફીલો તુફાન જાણે આવ્યો હતો કે નહીં, વાતાવરણ એવું વહેમ મનમાં ભરી દેતું હતું. બચાવ કામગીરી વાળાઓ એ જોયું તેની સાથે તેમનો જીવ તાળવે બેસી ગયો અને મન ગમગીન બની ગયું. નજરો સામે એક ચાર વર્ષના ભૂલકા નો શવ જે તમણે બફર ના થર નીચે થી બાહર ખોદી કાઢ્યો હતો. તેમને સમજાયું નહીં કે દોષ કોનો, કુદરતનો કે માણસનો? ટ્રક ડ્રાઇવર પાછો વળતા પકડાઈ ગયો હતો. તેની પૂછપરછ વખતે ખબર પડી કે પરદેશી લોકોનો એક સમૂહ અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો છે. બોર્ડર સિક્યુરિટી વાળા તાત્કાલિક કોઈ પગલાં લઇ શક્યા નહીં અને પછી તોફાન શરૂ થઈ ગયો. સવારે પેટ્રોલિંગ કરતા તેમને અમુક વસ્તુઓ ને સામાન નજરે પડ્યો, જેથી શોધક ખોળ શરૂ કરી. બોડર પેટ્રોલિંગ વાળા કદાચ પાછા વળી ગયા હોત જો તેમની સાથે જે સ્નીફર ડોગ્સ ના હોત. શવોને હેલિકોપ્ટરમાં મુખ્ય શહેર સુધી મોકલી દેવાયા. જ્યાંથી આ પાર્થિવ શરીરને તેમના દેશ પાછા મોકલવાના હતા. અમુક કલાકોમાં તો આ ખબર દુનિયાભરમાં વીજળી વેગે ફેલાઈ ગઈ કે ભારતીય મૂળના ચાર નાગરિક જેમાં એક ચાર વર્ષનું બાળક પણ હતું, તેઓ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરતા મૃત્યુ પામ્યા છે. આ સમાચાર ના પ્રસારણ માં ભલે મૃત્યુ પામેલા લોકો ના નામ નહોતા બહાર પડ્યા પણ ગામ નું નામ જાહેર કર્યું હતું ને તે પર થી ગામના સૌને ખબર પડી ગઈ કે કોના જીવનનો આવો કરુણ અંત થયો છે. આખું ગામ શોકમય બન્યું. “અમે બધા સકુશળ અમેરિકા પહોંચી ગયા છીએ...” ફોન પર એવી ખબર મળે એની રાહ જોતા જીતુ ના મા બાપ એવા ડઘાયા કે રડી પણ ન શકે. એમના કુળનો નાશ થઈ ગયો હતો. મા ને ગોરની ભવિષ્યવાણી યાદ આવી, ને તે અચાનક પોક મૂકી રડવા લાગી. બાપના મન નો આક્રંદ કોઈ સાંભળી શકતું નહોતું. તેને સતત એક જ વિચાર થતો હતો કે આ કયા પાપની સજા તેને મળી છે? બધા ગામ લોકો પ્રભાશંકરના ઘરે તેમના દુઃખના સમયમાં સામેલ થવા હાજર તો થયા, પણ જેટલા મો એટલી વાતો થતી હતી. દુઃખ તો એ જ સમજી શકે જેના પર વિતી ચૂકી હોય, બાકી તો દુઃખમાં ખરેખર નો ભાગીદાર ક્યારેય કોઈ થતું નથી કે ના કોઈ  થઈ શકશે. થોડા મહિનાઓ સુધી ગામમાં, “આ ત્યાં ગયો, કે પેલો ત્યાં ગયો, કે પેલો ઓસ્ટ્રેલિયા ગયો કે પેલી કેનેડા ગઈ કે અમેરિકા ગઈ” એવી એકેય વાત ના થઈ. પણ એક દિવસ પ્રભાશંકર ઘરે જઈ રહ્યા હતા અને કોઈને વાત કરતા સાંભળી ગયા કે, બુધાલાલનો જીતુ અમેરિકા પહોંચી ગયો બ્લેકમાં. પ્રભાશંકરને ઘર સુધી પહોંચતા માથે પરસેવો વળી ગયો હતો. ઘરમાં પ્રવેશતા એક ખુરશી પર જઈ બેઠા. પત્ની કઈ કામમાં હતી છતાં નજર પડી હતી કે પતિ અંદર ઘરમાં ગયા છે. કામ પતાવીને અંદર ગઈ તો જોયું કે પ્રભાશંકરના પ્રાણ પંખી ઉડી ગયા છે. જીતુની મા એટલા જોર થી ચિત્કારી ઊઠી કે એના અવાજની એ છેલ્લી ગુંજ હતી. એ ઘટના પછી જીતુની મા વાચા ખોઈ બેઠી, કે પછી હવે એને બોલવા કે ચિંતા કરવા માટે કંઈ જ બચ્યું નહતું. કે કોઈપણ બચ્યું નહતું. સંપત્તિ, મિલકત. જમીન, રૂપિયા-પૈસાની ચાહમાં અને તેને ગમે તે ભોગે પામવા મનુષ્ય નીકળી પડે છે. બસ એક જ વાત ભૂલી જાય છે કે ગમે તેટલું દોડીને સર કરેલી જમીન પછી પણ ભાગ્યમાં આવે છે ચિતા નો અગ્નિ ને રહી જાય છે આ સ્થૂળ શરીરની રાખ. બધુ કમાવેલું અને વસાવેલું રહી જાય છે અહીંયા જ, આ ધરતી પર.

સમાપ્ત