જ્યારથી માનવજાત પોતાના ઇતિહાસને પુસ્તકોનાં પાના પર કંડારતી થઇ છે, પોતાના વિચારોને રજુ કરતી થઇ છે ત્યારથી માંડીને અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો લેખકોએ પોતાના અનુભવોને અને પોતે જે જાણે છે તેને પુસ્તકોમાં પ્રદર્શિત કરવાની પરંપરા રચી છે અને આ પ્રકારનાં પુસ્તકો વાચકોમાં લોકપ્રિય પણ રહ્યાં છે તો વાર્તામાં રસ ધરાવતા વાચકોને સાહિત્યિક કૃત્તિઓ મળી છે, ઇતિહાસમાં રસ ધરાવતા વાચકોને ઐતિહાસિક પુસ્તકો મળ્યા છે. વિજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનનાં પણ પુસ્તકો લોકપ્રિય બન્યા છે.પણ કેટલાક એવા પુસ્તકો પણ છે જેના હેતુ અંગે પુસ્તક પણ ફોડ પાડી શકતું નથી.અહી એવા પુસ્તકોની વાત કરાઇ છે જેના હોવા અંગે પણ લોકોને કલ્પના નહી હોય.
ધ કોડેકસ મેન્ડોઝા આઝટેક પ્રજાતિ દ્વારા ૧૫૪૧માં લખાયેલું પુસ્તક છે જેમાં આ પ્રજાતિ અંગે તેમનાં રાજાઓ અંગે, તેમની રીત રસમો અંગે અને તેમની સંસ્કૃતિ અંગે વિસ્તારપુર્વક લખાયું હતું.આ પુસ્કત આમ તો સ્પેનનાં રાજાએ લખાવડાવ્યું હતું.આ પુસ્તકને લખવામાં એ સમયે સ્પેનિશ પાદરીએ મદદ કરી હતી જે નાહુતાલ ભાષાને સારી રીતે સમજી શકતો હતો.આ પુસ્તકને એક વહાણમાં સ્પેન રવાના કરાયું હતું પણ તે ક્યારેય ત્યાં પહોચ્યું જ નહી કારણકે સમુદ્રમાં તેને ફ્રેન્ચ ચાંચિયાઓ દ્વારા આંતરવામાં આવી હતી અને તેને લુંટવામાં આવ્યું હતું.આ પુસ્તક ફ્રાંસ પહોચ્યું જ્યાં તેને આંદ્રે થેવેટ નામની વ્યક્તિએ ખરીદ્યુ હતું. આ પુસ્તકમાં તેણે પણ ઉમેરણ કર્યુ હતું.તેમાં બે પર ૧૫૫૩ની સાલ અંકિત કરાઇ હતી.ત્યારબાદ આ પુસ્તક એક અંગ્રેજ રિચાર્ડ હેકલ્યુટે ખરીદી હતી અને તેને તે ઇંગ્લેન્ડ લાવ્યો હતો.જો કે આ પુસ્તકની ભાષા અંગે તેને જાણકારી ન હોવાને કારણે તેને એ પુસ્તક સમજાયું જ ન હતું.આખરે આ પુસ્તક ૧૬૫૯માં ઓકસફોર્ડ યુનિવર્સિટી પહોચ્યું હતું.અહી તે ૧૭૨ વર્ષ ધુળ ખાતુ રહ્યું હતું આખરે કેટલાક અભ્યાસુઓની નજર તેના પર ગઇ હતી અને તે ૧૮૩૧માં કેટલાક દસ્તાવેજોમાં મળી આવ્યું હતું.
લ્યસિફર પ્રિન્સીપલનું પ્રકાશન આમ તો ૧૯૯૫માં થયું હતું અને જ્યારથી આ પુસ્તક પ્રકાશિત થયું છે ત્યારથી તેના વિષયવસ્તુને કારણે ભારે વિવાદાસ્પદ બન્યું છે અને ઘણાંએે તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.આ પુસ્તકમાં દાવો કરાયો છે માનવજાતમાં શેતાનનાં અંશો રહેલા છે અને પ્રકૃત્તિ પણ તે અંશો ધરાવે છે.તેમાં પ્રકૃત્તિ અંગે કહેવાયું છે કે તે હિંસક, ક્રુર અને વિનાશક છે અને અહી વિનાશનું ચક્ર સર્જનનાં ચક્રની સાથે જ ચાલતું રહે છે.આ પુસ્તકમાં બ્લડસ્ટેઇન ઇન પેરેડાઇઝ, વ્હાય હ્યુમન્સ મસ્ટ સેલ્ફ ડિસ્ટ્રકટ જેવા પ્રકરણો છે જે વાચકોની પરીક્ષા કરે તેવા છે.જો કે વિજ્ઞાન પણ આ વાતને સંમતિ આપે છે કે દરેકનાં ડીએનએમાં જ શેતાન રહેલો છે જેનો સામનો દરેકે કરવો રહ્યો.
રિપ્લે સ્ક્રોલ એ અંગ્રેજી પુસ્તક છે જેને જ્યોર્જ રિપ્લેએ લખ્યું હતું જેનો સમયગાળો ૧૪૧૫ થી ૧૪૯૦ની વચ્ચેનો માનવામાં આવે છે.મધ્યયુગીન સાહિત્યની જેમ જ અહી પણ અન્ય વિશ્વની વાત કરાઇ છે અને ક્યારેક તો બાઇબલનાં સંદર્ભોનો ઉપયોગ કરાયો છે પણ આ વાતો એવી રહસ્યમય રીતે લખાઇ છે કે તેનો અર્થ સમજાતો જ નથી અને તે અર્થમાં આ પુસ્તક રહસ્યમય છે.આમ તો આ પુસ્તકનો વિષય પદાર્થને સોનામાં રૂપાંતરિત કરવા અંગેનો છે પણ અહી રૂપકો, પ્રતિકો, રહસ્યાત્મક સુત્રોનો ઉપયોગ કરાયો હોવાને કારણે તે સામાન્ય લોકો જ નહી વિશારદ વ્યક્તિઓને પણ સમજાતું નથી. પંદરમી સદીમાં લખાયેલું પુસ્તક દરેક વાચક માટે ઓનલાઇન ઉપલબ્ધ કરાવાયું છે.
ધ સેતાનિક સ્ક્રીપ્ચર પીટર ગિલમોર દ્વારા લખાયેલું પુસ્તક છે જે ચર્ચ ઓફ શેતાનનો ઉચ્ચ પાદરી હતો.આ પુસ્તક પર આ ચર્ચનાં સ્થાપક એન્ટોન લેવીનાં ધ સેતાનિક બાઇબલનો ભારે પ્રભાવ છે.આ પુસ્તકમાં સેતાનિક બાઇબલમાં જે વાતોનો ઉલ્લેખ છે તેના અંગે નિબંધો લખાયા છે.ગિલમોરે તેના પર પોતાના વિચારો રજુ કર્યા છે.આ પુસ્તકમાં શેતાનને માનનારા સમુદાયનાં લોકોનાં લગ્ન, તેમની રીતરસમ અને ઉત્સવોની માહિતી અપાઇ છે.આ પુસ્તક પણ ઓનલાઇન ઉપલબ્ધ છે.
કોડનો અભ્યાસ કરનારાઓ કે તેનામાં રસ ધરાવનાર લોકો માટે ધ રોન્ક કોડેકસ જાણીતું પુસ્તક છે જે આજે પણ રહસ્યમય છે કારણકે તેનો અભ્યાસ જાણીતા વિદ્વાનો દ્વારા કરાયો હતો પણ તેનો એક શબ્દ પણ તે સમજાવી શકયા નથી. આ પુસ્તક ઓગણીસમી સદીમાં પ્રકાશમાં આવ્યું હતું.આ પુસ્તકમાં ચિત્રોનું આલેખન કરાયું છે પણ તે એટલા રહસ્યમય છે કે તેનું ભાષાંતર પણ શક્ય નથી આમ તો આ કોઇ પ્રાચીન સમયનું પુસ્તક નથી પણ તેનો લખનાર કદાચ કોડનો નિષ્ણાંત હશે એટલે જ કોડને સમજનારાઓ પણ તેના વિશે કોઇ જાણકારી આપી શકતા નથી.જો કે આ પુસ્તકનાં લેખક અંગે કોઇ જ માહિતી પ્રાપ્ત નથી.આ પુસ્તક સૌપ્રથમ ૧૭૪૩માં હંગેરીમાં રોન્ક લાયબ્રેરીમાં મળી આવ્યું હતું.જો કે તેની ભાષા હંગેરિયન નથી.જો કે આ પુસ્તક અંગે લોકોને સારી રીતે ૧૮૩૮માં માહિતી મળી હતી જ્યારે ઇંગ્લેન્ડમાં રહેનાર એક હંગેરિયને તેની આખી લાયબ્રેરી હંગેરિયન સાયન્સ એકેડેમીને દાનમાં આપી હતી.તેને આજની ભાષામાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ ૧૮૪૦માં થયો હતો.ત્યારબાદ ૧૮૮૪ અને ૧૮૯૦માં પણ તેવા પ્રયાસો હાથ ધરાયા હતા જો કે કોઇને તેમાં સફળતા મળી ન હતી.આજે આ પુસ્તક વિશ્વનાં સાહિત્યનાં ઇતિહાસનું સૌથી વધારે મિસ્ટીરિયસ પુસ્તક માનવામાં આવે છે જે દરેક કોડબ્રેકર માટે એક પડકાર બની રહ્યું છે.
ધ ક્રોનિકલ્સ ઓફ પોર્ટેન્ટસ એન્ડ પ્રોફેસી ૧૫૫૭માં કોન્રાડ લિકોસ્થેનિસે લખ્યું હતું.આ પુસ્તકમાં દૈત્ય, રહસ્ય, રહસ્યમય પંથોની માન્યતાઓ અને હેલીનાં કોમેટને જોવા અંગેની વાતો લખાઇ છે.પ્રાચીન ગ્રીકમાં જે માન્યતાઓ પ્રચલિત હતી તે અંગે તેમાં લખાયું હતું.આ પુસ્તકમાં નોસ્ત્રાદમસ અંગે લખાણ છે તો સમુદ્રી દૈત્ય, પ્રાકૃતિક આપદાઓ અને યુએફઓ અંગે પણ લખાયું છે.૧૪૭૯માં અરબી સમુદ્રમાં દેખાયેલા અજાણ્યા સ્પેસ ઓબ્જેકટનો પણ તેમાં ઉલ્લેખ છે.આ પુસ્તકમાં પણ રહસ્યાત્મક ચિત્રોનું આલેખન છે જેમાં બે ચહેરાવાળા રાક્ષસ, પૃથ્વીને ગળી જતા પ્રાણીઓ દર્શાવ્યા છે અને તેની ભાષા પણ મધ્યયુગીન છે.
રહસ્યાત્મક લખાણોની વાત કરીએ તો કોડેકસ સેરાફિનિનસ પણ સૌથી રહસ્યમય છે.આ પુસ્તક ઇટલીનાં કલાકાર લુઇજી સેરાફિનીએ લખ્યું છે જેનો ગાળો ૧૯૭૦નો છે.જો કે તેમાં આલેખન મધ્યયુગીન છે અને જે આલેખનો છે તે સરરિયલ કક્ષાનાં છે.આ પુસ્તક આમ તો ૧૯૮૧માં પ્રકાશિત થયું હતું પણ આજેય તે લોકો માટે એક કોયડા સમાન જ છે.આ પુસ્તકમાં એ પ્રકારનાં શબ્દોનો ઉપયોગ કરાયો છે જે જાણીતી ભાષાઓનાં નથી જ.
નાગ હામાદી ક્રિશ્ચિયન મેન્યુસક્રીપ્ટનો સંગ્રહ છે જે ઇજિપ્તનાં રણ પ્રદેશમાં લગભગ ૧૬૦૦ વર્ષ દટાયેલા રહ્યાં હતા.આ સંગ્રહ ૧૯૪૫માં પ્રથમવાર પ્રકાશમાં આવ્યો હતો.આ પુસ્તકમાં એવી વાતોનો ઉલ્લેખ છે જે ક્રિશ્ચિયન સમુદાય અને ઓથોરિટીને ક્યારેય પસંદ આવ્યા નથી અને તે કારણે અનેક રચનાઓ ગુમ કરી દેવાઇ છે આ રચનાઓ પણ ૧૬૦૦ વર્ષ છુપાયેલી રહી હતી.આ પુસ્તકમાં ગોસ્પેલ ઓફ થોમસની વાતોનો ઉલ્લેખ છે જે ખુબ જ રસપ્રદ પુસ્તક છે.આ પુસ્તકમાં પ્રભુ ઇસુનાં જીવનનો ઉલ્લેખ છે જે તેર ભાગમાં લખાયો હતો.આ પુસ્તકમાં ક્રિશ્ચિયાનિટીનાં પ્રારંભિક ગાળામાં જે માન્યતાઓ પ્રસિદ્ધ હતી તે અંગેની વાત કરાઇ છે.જો કે આ વાતો હાલનાં ચર્ચ અને તેમની માન્યતાઓથી તદ્દન અલગ હોવાને કારણે તે વિવાદાસ્પદ બની રહે છે.
ધ વોયેનિક મેન્યુસ્ક્રીપ્ટ પણ એ પુસ્તક છે જેનો એક પણ શબ્દ કોઇ સમજી શક્યો નથી.આ પુસ્તકમાં પણ એ ભાષાનો ઉપયોગ કરાયો છે જે પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી હતી.આ પુસ્તક પંદરમી કે સોળમી સદીમાં લખાયાનું મનાય છે.આ પુસ્તકનાં લેખક અંગે પણ કોઇ જાણકારી નથી.આ પુસ્તકને વિલ્ફ્રીડ વોયેનિકે ૧૯૧૨માં ખરીદ્યુ હતું જે તેના નામે જ ઓળખાય છે આ સિવાય તેના અંગે કોઇ જ વાત કોઇને ખબર નથી.તેના કેટલાક પાનાઓ પર ખગોળશાસ્ત્રની વાત આલેખિત હોવાનું મનાય છે જો કે તે વાતો પણ ઝોડિયાક પ્રતિકોનાં સહારે કરાઇ છે.કેટલાક આલેખનોમાં ફળો અને છોડવાઓનો ઉપયોગ કરાયો છે.આ પુસ્તકમાં પ્રાચીન સમયનાં વૈદકનો પણ ઉલ્લેખ હોવાનું તેનાં આલેખનોમાં જણાય છે.તેના કાર્બન ડેટિંગથી ખબર પડી છે કે પુસ્તક ૧૪૦૦માં લખાયું હશે.જો કે તમામ ક્ષેત્રનાં વિદ્વાનોએ તેના પર હાથ અજમાવ્યો હતો પણ પુસ્તકમાં શું છે તે અંગે કોઇ પણ કોઇ ખુલાસો કરી શક્યું નથી.મનાય છે કે આ પુસ્તકનો માલિક હોલી રોમન એમ્પરર રુડોલ્ફ બીજા હશે આ પુસ્તકને જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોમાંથી પસાર કરાયું ત્યારે તેમાં એમ્પરરનાં દરબારનાં કેમિસ્ટ અને ફાર્માસિસ્ટ જેકોબસ હોર્કિકીનાં હસ્તાક્ષર મળ્યા હતા.આ હસ્તાક્ષર માત્ર અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં જ દેખાઇ શકે તેવા હતા માનવની આંખ તો તેને જોઇ શકે તેમ નથી.
માઇટ ઇઝ રાઇઝ કે ધ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ પણ પુસ્તકોનાં ઇતિહાસની સૌથી રહસ્યમય કૃતિ છે જે રેગ્નાર રેડબિયર્ડનાં હુલામણા નામે લખાઇ છે.કોઇને પણ તેના મુળ લેખકનું નામ ખબર નથી.માઇટ ઇઝ રાઇટને ઓકસફોર્ડ ઇંગ્લિશ ડિકશનરીમાં સ્થાન અપાયું છે.આ પુસ્તક સૌપ્રથમ ૧૮૯૦માં પ્રસિદ્ધ થયું હતું.ત્યારે ઇંગ્લેન્ડમાં વિકટોરિયન કલ્ચરનો પ્રભાવ હતો અને આ પુસ્તકમાં તે સમયનાં તમામ મુલ્યોને અને માન્યતાઓને પડકાર આપવામાં આવ્યો હતો.માનવામાં આવે છે કે આ પુસ્તકનાં લેખકને આ પ્રકારની વાતો લખવા માટે જેલમાં નખાયો હશે કે મોતને ઘાટ પણ ઉતારી દેવાયો હોય.આ પુસ્તક કોઇપણ પ્રકારનાં સિદ્ધાંત કે માન્યતાઓને માનવાનો ઇન્કાર કરે છે જેના વડે સભ્ય સમાજની રચના થાય છે.આ પુસ્તક માત્ર શારિરીક શક્તિનો સ્વીકાર કરે છે તે માને છે કે જ્યાં સુધી તમે શક્તિશાળી નથી તમે કોઇપણ અધિકારનાં યોગ્ય નથી.આ પુસ્તકનાં વિષયવસ્તુને કારણે તેને હાલ પણ કોઇ પ્રકાશક પ્રકાશિત કરવા માટે તૈયાર નથી જો કે આ પુસ્તક ઓનલાઇન ઉપલબ્ધ છે.આ પુસ્તકને વિશ્વનાં સૌથી ખતરનાક પુસ્તકોમા સામેલ કરાય છે.