✨ વાસ્તવિક જીવનની કથા
"એ મારો ભાઈ છે."... પણ જો તે 'સગો ભાઈ' ન હોય, તો શું સમાજ આ સંબંધને સ્વીકારશે?
સમાજની નજર હંમેશા શંકાથી જુએ છે અને ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે. જ્યારે તમે કોઈને પૂરા દિલથી 'ભાઈ' કહો છો, ત્યારે પણ લોકોને તેમાં 'સગાપણા'ની સાબિતી જોઈએ છે.
આ વાસ્તવિક જીવનની કથા એવા દરેક પવિત્ર સંબંધની વાત છે, જ્યાં લોકોના ચારિત્ર્ય પર ફક્ત એટલા માટે સવાલ ઉઠાવવામાં આવે છે, કારણ કે તેમની વચ્ચે લોહીનું જોડાણ નથી.
તો વાંચો: આ યુવતીએ શંકાની નજર સામે કેવી રીતે પોતાના માનેલા સંબંધની પવિત્રતા સાબિત કરી!
રોજની જેમ બપોરના સાડા બાર વાગ્યે માહી બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી. તેની સાથે તેનો મિત્ર, વિહાન હતો, બંને વાતચીતમાં મશગૂલ હતા.
અચાનક, સામેથી એક છોકરી આવી અને માહીને નામ લઈને બોલાવી. તે બીજું કોઈ નહીં, પણ માહીની જૂની ક્લાસમેટ કીર્તિ હતી. ઘણા સમય પછી મળી હોવાથી માહી પણ તેને જોઈને ખુશ થઈ. Hi-હેલોની ફોર્માલિટી પૂરી થયા બાદ માહીએ નોટિસ કર્યું કે કીર્તિની નજર તેના પર નહીં, પણ તેની સાથે ઊભેલા વિહાન પર વધારે હતી.
થોડું મોડું પણ માહીને સમજાયું કે કીર્તિ તેને મળવા નહીં, પણ એ જાણવા આવી હતી કે માહી કોની સાથે છે અને આ છોકરો કોણ છે. અંતે, તેણે સીધો સવાલ કરી જ દીધો, "માહી, આ કોણ છે?"
માહીએ બિન્દાસ કહી દીધું, "એ મારો ભાઈ છે."
'ભાઈ' શબ્દ સાંભળીને પણ કીર્તિને સંતોષ ન થયો. તેણે તરત બીજો સવાલ કર્યો, "સગો છે?"
✨ સમાજની નજર હંમેશા શંકાના ચશ્મા પહેરીને જ જુએ છે, જ્યાં બે હૃદય મળે ત્યાં લોહીનો હિસાબ માંગે છે.
આ સવાલ પર માહીને ગુસ્સો આવ્યો. એ કહી પણ કહેતી કે ત્યાં જ બસ આવી ગઈ. માહીએ વિહાનને બોલાવ્યો અને બંને બસમાં ચડી ગયા.
કીર્તિ પણ તેમની જ બસમાં ચડી. લગભગ એક કલાકની મુસાફરી પછી માહી અને વિહાનનો સ્ટોપ આવ્યો. બસ માં થી ઊતરી વિહાનને કોઈ કામ હોવાથી તે તરત ત્યાંથી નીકળી ગયો અને માહી પોતાના ઘર તરફ જવા લાગી. માહી એ જાણતી ન હતી કે કીર્તિ પણ તે જ બસ સ્ટોપ પર ઉતરવાની હતી. તેણે ફરી માહીને રસ્તા બચ્ચે કોઈ કારણસર રોકી અને વાતચીતની શરૂઆત કરી. વાતવાતમાં તેણે ફરી પૂછી જ લીધું, "તારો ભાઈ ક્યાં?"
😔 જ્યારે સંબંધો પર સવાલ થાય, ત્યારે ગુસ્સો નહીં, પણ ઊંડું દુઃખ થાય છે.
આ સવાલ સાંભળીને માહી એકદમ ચૂપ થઈ ગઈ. તે સમજી ગઈ કે કીર્તિના મનમાં શું ચાલી રહ્યું છે અને તેણે તેમના સંબંધને કઈ રીતે માની લીધો હશે. આ વખતે માહીને ગુસ્સો ન આવ્યો, પણ ઊંડું દુઃખ થયું. સવાલ ફક્ત વિહાન સાથેના સંબંધનો નહોતો, પણ આડકતરી રીતે તેના ચારિત્ર્ય પર પણ સવાલ થઈ રહ્યો હતો.
હવે માહીએ વધારે ચૂપ રહેવાનું નહોતું. તેણે શાંત પણ સ્પષ્ટ સ્વરમાં કીર્તિને કહ્યું, "હા, સાંભળ, તે મારો સગો ભાઈ નથી. અમે બંને સાથે ક્લાસ કરીએ છીએ, અને તે મને તેની મોટી બહેન માને છે."
માહીના આ સીધા જવાબથી કીર્તિના ચહેરા પર કોઈ શરમ નહોતી, પણ તે એક ક્ષણ માટે ગૂંચવાઈ ગઈ. માહીએ ઊંડો શ્વાસ લીધો અને વાત પૂરી કરી.
"જો કીર્તિ, હું જાણું છું કે તું શા માટે શંકા કરે છે. પણ યાદ રાખજે, સંબંધો લોહીના બંધનથી નહીં, લાગણીના દોરથી પણ બંધાય છે. વિહાન અને મારો સંબંધ માન, વિશ્વાસ અને સ્નેહનો છે. 'ભાઈ' શબ્દને દુનિયાની કોઈ સાબિતીની જરૂર નથી. માનેલો સંબંધ પણ એટલો જ પવિત્ર હોય છે, જેટલો સગો."
એટલું કહી માહી ત્યાંથી ગૌરવ સાથે નીકળી ગઈ. કીર્તિ પાસે હવે બોલવા માટે કોઈ શબ્દ નહોતા. માહીના અડગ જવાબે માત્ર તેના સવાલને જ નહીં, પણ સમાજની વિચારધારાને પણ ખોટી સાબિત કરી દીધી હતી.
માહી જ્યારે પોતાના ઘર તરફ ચાલી, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેણે ફક્ત વિહાન સાથેનો પોતાનો સંબંધ જ નહીં, પણ માનેલા સંબંધોનું સન્માન પણ જાળવી રાખ્યું હતું. સમાજ ગમે તે વિચારે, પણ માહી માટે આ બંધન લોહીના સંબંધ જેટલું જ અમૂલ્ય હતું.
"કોઈ સંબંધ 'સગો' છે કે 'માનેલો', એનાથી કોઈ ફેર પડતો નથી. ફેર પડે છે માત્ર વિશ્વાસથી જોડાયેલી પવિત્ર લાગણીથી.
તમને શું લાગે છે? શું સંબંધોમાં લોહીનો હિસાબ જરૂરી છે, કે પછી લાગણી, વિશ્વાસ અને સ્નેહથી બંધાયેલો સંબંધ વધુ અમૂલ્ય હોય છે?
તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જણાવો.
_Miss chhoti ✍️