Master of 20th century painting in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | વીસમી સદીનાં ચિત્રકલાનાં મહારથી

Featured Books
Categories
Share

વીસમી સદીનાં ચિત્રકલાનાં મહારથી

૧૮૬૦થી ૧૯૭૦નાં ગાળાને આધુનિક સમયગાળો ગણાવવામાં આવે છે.૧૯૭૦ પછીનાં ગાળાને આમ તો અનુઆધુનિક ગાળો ગણાવવામાં આવતો હોય છે.ચિત્રકલા આમ તો આપણી સૌપ્રથમ કલાનું રૂપ છે કારણકે આપણાં પુર્વજો જ્યારે ગુફાઓમાં રહેતા હતા ત્યારે તેમણે પણ પોતાનાં મનોભાાવોને વ્યક્ત કરવા માટે તેનો જ સહારો લીધો હતો.આજે પણ તેના નમુના ઘણી ગુફાઓમાં જોવા મળે છે ત્યારબાદ જ્યારે રાજાશાહીનો યુગ ચરમસીમાએ હતો ત્યારે મોટાભાગનાં દરબારોમાં ચિત્રકારોને સ્થાન અપાતું હતું જે શાહી ચિત્રકારો ગણાતા હતા જેમના કારણે આપણને કેટલાક પ્રાચીનકાળનાં દસ્તાવેજો પ્રાપ્ત થયા છે.જો કે આધુનિક ચિત્રકલાનાં ચિત્રકારોએ એ પુરાણી શૈલીનો વિરોધ કર્યો હતો અને વાસ્તવને દર્શાવવા માટે અલગ જ શૈલીનો ઉપયોગ શરૂ કર્યો હતો જેનો આરંભ ફ્રાંસમાં ૧૮૫૦માં થયો હતો જે ત્યારબાદ અન્ય દેશોમાં પણ વ્યાપક રીતે ફેલાઇ હતી.ઇમ્પ્રેશિનેઝમ બાદ વાસ્તવવાદનું આંદોલન શરૂ થયું હતું.વીસમી સદીમાં પણ આ પ્રકારનાં આંદોલનો ચાલતા જ રહ્યાં હતા જેણે ચિત્રકલાને પાયામાંથી બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.વીસમી સદીમાં જે આંદોલનો થયા તેમાં ક્યુબિઝમ, સરરીયાલિઝમ, એબસ્ટ્રેક્ટ એક્સપ્રેસેનિઝમ અને પોપ આર્ટ સામેલ છે જેને મોને, વિન્સેન્ટ વાન ગોગ, પાબ્લો પિકાસો, ફ્રીડા કાલ્હો અને એન્ડી વોરહોલ જેવા કલાકારોએ દીપાવ્યું હતું.જયોર્જિયા ઓકિફીનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૮૭માં થયો હતો જેને મોર્ડનિઝમનાં પાયાનાં કલાકાર ગણવામાં આવે છે.તેઓ અમેરિકન ચિત્રકાર હતા.અમેરિકન મોર્ડનિઝમ એ કલાકીય અને સાંસ્કૃતિક આંદોલન હતું જે બે વિશ્વયુદ્ધોનાં વચગાળામાં અમેરિકામાં ઉદ્‌ભવ્યું હતું.આ શૈલીમાં ચિત્રકારોએ વાસ્તવને આલેખવા માટે નવા જ પ્રકારની શૈલીનો ઉપયોગ શરૂ કર્યો હતો.જેમાં જર્યોજિયા ઓકીફીએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો.તેમને તેમનાં યોગદાનને કારણે જ મધર ઓફ અમેરિકન મોર્ડનિઝમ તરીકે ઓળખવામાં આવે છે.તેમણે માત્ર અમેરિકા જ નહી પણ વીસમી સદીમાં કલાનાં ક્ષેત્ર પર ઉંડી છાપ છોડી હતી.૧૯૭૭માં તેમને પ્રેસિડેન્સિય મેડલ ઓફ ફ્રીડમથી નવાજવામાં આવ્યા હતા જે અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે.તેમનાં જાણીતા ચિત્રોમાં બ્લેક આઇરિશ સામેલ છે જે ૧૯૨૬માં બન્યું હતું.આ ઉપરાંત કાઉઝ સ્કલ : રેડ, વ્હાઇટ એન્ડ બ્લુ અને રેડિયેટર બ્લિડિંગ - નાઇટ ન્યુયોર્ક સામેલ છે.જેકસન પોલોકનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૧૨માં અમેરિકામાં થયો હતો જેમણે એબ્સ્ટ્રેકટ એકસપ્રેસિનિઝમમાં મહત્વની કામગિરી બજાવી હતી જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખાસ્સી હલચલ મચાવી દીધી હતી.જેકસન પોલોકને ડ્રીપ પેઇન્ટિંગનાં મહારથી માનવામાં આવે છે જેને કારણે ટાઇમ મેગેઝીને પણ તેમને જેક ધ ડ્રીપર તરીકે ઓળખાવ્યા હતા.તેઓ અમેરિકાનાં જાણીતા એબ્સ્ટ્રેકટ આર્ટિસ્ટ હતા અને વીસમી સદીમાં જેમણે ચિત્રકલા પર ઉંડો પ્રભાવ પાથર્યો હતો તે કલાકારોની યાદીમાં સામેલ છે.
હેન્રી મેટિસનો જન્મ ૩૧ ડિસેમ્બર ૧૮૬૯માં ફ્રાંસમાં થયો હતો.પાબ્લો પિકાસો અને માર્સેલ ડચેમ્પની સાથોસાથ હેન્રી મેટિસ પણ એ કલાકારોમાં સામેલ છે જેમણે વીસમી સદીમાં આધુનિક ચિત્રકલામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.આમ તો મેટિસે શિલ્પ કલા અને પેપર કટ આઉટમાં પણ કામ કર્યુ હતું પણ તેમનું મહત્વનું યોગદાન ચિત્રકલામાં મનાય છે.તેમણે જે શૈલીનો ઉપયોગ કર્યો હતો તેને ફુવીઝમ કહેવામાં આવે છે.જેમાં રંગોનો ઉપયોગ અલગ જ રીતે કરાયો હતો.રંગોનાં ઉપયોગનાં મામલે મેટિસને મહાન કલાકાર માનવામાં આવે છે.જો કે મેટિસને તેમનાં જ હરીફ ચિત્રકાર પાબ્લો પિકાસો સાથે શત્રુવટ અને મૈત્રીનો અલગ જ સંબંધ રહ્યો હતો.તેઓ એકબીજા માટે પ્રેરણારૂપ રહ્યાં હતા અને તેઓ એકબીજાનાં કામની પ્રસંશા પણ કરતા હતા.મેટિસે પેપર કટ આઉટની નવી શૈલીનો વિકાસ કર્યો હતો તે જુદાજુદા રંગનાં પેપરને કટ કરીને તેને કોલાઝનું રૂપ આપતા હતા.આ શૈલીમાં તેઓ એકમાત્ર નોંધપાત્ર કલાકાર હતા.તેમની મહત્વી કૃત્તિઓમાં ડાન્સ, ધ જોય ઓફ લાઇફ અને ધ રેડ સ્ટુડિયો સામેલ છે.
વાસિલી કેન્ડિસ્કીનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૬૬માં રશિયામાં થયો હતો જેમણે એક્સપ્રેસિનિઝમ અને એબ્સ્ટ્રેકટ આર્ટમાં મહત્વની કામગિરી બજાવી હતી.આમ તો તેઓ કાયદા અને અર્થશાસ્ત્રનાં શિક્ષક હતા પણ કલાનાં ક્ષેત્રમાં તેમનું પ્રદાન મહત્વપુર્ણ છે.તેઓ ૧૯૧૦માં એક કલાકાર તરીકે ઉભર્યા હતા જેઓને એબ્સ્ટ્રેકટ આર્ટનાં પ્રણેતા માનવામાં આવે છે.તેમણે આ શૈલીમાં પ્રારંભિક કામગિરી કરી હતી જેને પ્રારંભિક એબ્સ્ટ્રેકટ વોટરકલર આર્ટ માનવામાં આવે છે.તેમણે માત્ર ચિત્રકલામાં જ મહત્વનું યોગદાન આપ્યું ન હતું પણ તેમણે પોતાનાં પુસ્તકો વડે તેમનાં પછીનાં કલાકારો પર ઉંડો પ્રભાવ પાથર્યો હતો.તેમને ફાધર ઓફ એબ્સ્ટ્રેકટ આર્ટ ગણવામાં આવે છે.તેમણે કોમ્પોઝિશન, ઓન વ્હાઇટ, ફાર્બસ્ટુડિ કવાર્ડ્રેટ જેવા માસ્ટરપીસની રચના કરી હતી.
એન્ડી વોરહોલનો જન્મ ૬ ઓગસ્ટ ૧૯૨૮માં અમેરિકામાં થયો હતો અને તેઓએ પોપ આર્ટમાં નોંધપાત્ર કામગિરી બજાવી હતી અને તે કારણે તેમને પોપ ઓફ ધ પોપ તરીકે ઓળખવામાં આવતા હતા.તેમણે ચિત્રકલામાં સિલ્કસ્ક્રીનિંગ, ફોટોગ્રાફી,ફિલ્મ અને સ્થાપત્યકલાનો ઉપયોગ કર્યો હતો.તેમનાં ચિત્રો આજે પણ ઉંચી કિંમતે વેચાય છે.તેમની અનોખી શૈલીને કારણે જ તેમને વીસમી સદીનાં મહાન અમેરિકન ચિત્રકારોની યાદીમાં સામેલ કરાય છે.તેમણે મરલિન ડિપ્ટીચ, કેમ્પબેલ સુપ કેન્સ, એઇટ એલ્વીસ જેવાં માસ્ટરપીસની રચના કરી હતી.
આધુનિક ચિત્રકલાનો ઇતિહાસ ક્લાઉડ મોનેનાં ઉલ્લેખ વિના અધુરો ગણાય.મોનેનો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૪૦માં ફ્રાંસમાં થયો હતો અને તેમને ઇમ્પ્રેસિનેઝમનાં પ્રણેતા માનવામાં આવે છે.તેમણે કેન્વાસ પર ચિત્રોનો ઉપયોગ, અલગ જ પ્રકારની મુદ્રાઓ અને રંગછાયાનો જે ઉપયોગ કર્યો છે તે આ પહેલા કોઇ કલાકારે કર્યો નથી.ચિત્રકલામાં ક્રાંતિનો તેમણે આરંભ કર્યો હતો.તેમની શૈલીને આક કારણે જ ઇમ્પ્રેસિનેઝમ કહેવાય છે.તેમણે રંગ, પ્રકાશ અને આકારનો ઉપયોગ કરવાની નવી પરંપરાનો વિકાસ કર્યો હતો.તેમણે નિમ્ફીઅસ નામની શ્રેણીનો આરંભ કર્યો હતો જેમાં તેમણે ૨૫૦ કરતા વધારે ચિત્રોનું સર્જન કર્યુ હતું.તેમની વોટરલિલિ સિરીઝ પણ એટલી જ જાણીતી કલાકૃત્તિ સંપાદન છે.આ ઉપરાંત ઇમ્પ્રેસન, સનરાઇઝ, રુએન કેથેડ્રલ સિરીઝ પણ માસ્ટરપીસ મનાય છે.સાલ્વાડોર ડાલીનો જન્મ ૧૧ મે ૧૯૦૪માં સ્પેનમાં થયો હતો જેને અતિવાસ્તવવાદનાં પ્રણેતા મનાય છે.સરરિયાલઝમને વીસમી સદીમાં સૌથી પ્રભાવક આંદોલન ગણવામાં આવે છે જેણે ચિત્રકલાનાં ક્ષેત્રમાં આમુલ પરિવર્તન આણ્યું હતું.જેમાં ચિત્રકલાનાં આ પુર્વેના તમામ વિચારો અને ફિલોસોફીને રદિયો અપાયો હતો અને સાલ્વાડોર ડાલીનાં ચિત્રો સરરિયાલિઝમનાં મહત્વનાં ઉદાહરણ પુરવાર થયા છે.તેમણે પોતાનાં ચિત્રોમાં પ્રતિકોનો ઉપયોગ કર્યો હતો.તેમનાં ચિત્રોમાં પ્રાણીઓ અલગ જ રૂપમાં રજુ થતાં હતા અને તે અલગ અલગ બાબતોનાં પ્રતિક બની રહેતા હતા.તેમની જાણીતી ચિત્રરચનાઓમાં પિગળતી ઘડિયાલનું ચિત્ર પ્રખ્યાત છે.આ ઉપરાંત ધ પર્સિસ્ટન્સ ઓફ મેમરી, લોબસ્ટર ટેલિફોન, સ્વાન રિફલેક્ટીંગ એલિફન્ટને પણ માસ્ટરપીસ ગણાવાય છે.
ફ્રીડા કાલ્હોનો જ્ન્મ ૬ જુલાઇ ૧૯૦૭માં મેક્સિકોમાં થયો હતો જેમને ચિત્રકલામાં મહાન મહિલા કલાકારોમાં સ્થાન અપાય છે.આધુનિક ચિત્રકલામાં તેમની અનોખી શૈલી અને પ્રતિકાત્મક ચિત્રોએ અલગ જ પ્રભાવ પાથર્યો હતો.૧૭ સપ્ટેમ્બર ૧૯૨૫નાં દિવસે કાલ્હો તેમનાં મિત્ર એલેક્સ સાથે બસમાં મુસાફરી કરતા હતા તે સ્ટ્રીટ ટ્રોલી કાર સાથે અથડાઇ હતી અને આ અકસ્માતમાં કાલ્હોને જીવલેણ ઇજા થઇ હતી.આ ઇજાને કારણે કાલ્હોને જીવનભર લગભગ ૩૫ જેટલા ઓપરેશનોમાંથી પસાર થવું પડ્યું હતું.તે આજીવન તીવ્ર પીડામાંથી પસાર થયા હતા.તે જ્યારે હોસ્પિટલમાં હતાં ત્યારે તેમણે સમય પસાર કરવા અને પીડાને ભૂલવા માટે પેઇન્ટિંગનો સહારો લીધો હતો.તેમનાં ચિત્રોમાં તેમનાં સેલ્ફ પોટ્રેઇટ વધારે જાણીતા બન્યા છે અને આ ક્ષેત્રનાં તે મહારથી મનાય છે.તેમણે ધ ટુ ફ્રીડાઝ, સેલ્ફ પોટ્રેઇટ વીથ થોર્ન નેકલેસ એન્ડ હમિંગબર્ડ, ધ બ્રોકન કોલમ જેવી માસ્ટરપીસની રચના કરી હતી.
વિન્સેન્ટ વાન ગોગનો જન્મ ૩૦ માર્ચ ૧૮૫૩માં થયો હતો.તેઓ ડચ કલાકાર હતા અને તેમણે પોસ્ટ ઇમ્પ્રેસિનિઝમ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.જો કે વાન ગોગને તેમની અસ્થિર માનસિક સ્થિતિને કારણે ભારે વેદનાઓનો સામનો કરવો પડ્યો હતો.તેમનું જીવન તેના કારણે બદતર બની ગયું હતું.તેમણે આ બધાથી કંટાળીને જ પોતાની જાતને ગોળી મારી દીધી હતી અને તેના બે દિવસ બાદ તે મોતને ભેટ્યા હતા.વીસમી સદીમાં જે મહાન ચિત્રકારો થયાં છે તે યાદીમાં વિન્સેન્ટ વાન ગોગનું નામ તેમની અનોખી ચિત્રશૈલીને કારણે ટોચે રખાય છે.તેમનાં જીવનની એ કરૂણતા રહી છે કે તે જ્યારે જીવતા હતા ત્યારે તેમનાં ચિત્રોની કોઇ કિંમત ન હતી પણ તેમનાં મોત બાદ તેમનાં ચિત્રો સંગ્રાહકો માટે ખજાનાથી કમ નથી.એક જ દાયકામાં તેમણે ૨૧૦૦ જેટલી કૃત્તિઓની રચના કરી હતી.જેમાં લેન્ડસ્કેપ, સ્ટીલ લાઇફ, સેલ્ફ પોટ્રેઇટ વગેરે સામેલ હતા.તેમનાં મશહુર ચિત્રોમાં ધ સ્ટારી નાઇટ, ધ સનફલાવર સિરીઝ અને આઇરિશ સિરીઝ સામેલ છે.
પાબ્લો પિકાસોનો જન્મ ૨૫ ઓકટોબર ૧૮૮૧માં સ્પેનમાં થયો હતો જેને આધુનિક ચિત્રકલાનાં મહાન પેઇન્ટરોમાં સ્થાન અપાય છે.વીસમી સદીમાં તેઓ મહાન ચિત્રકારોમાં સ્થાન પામે છે જેણે ચિત્રકલાને અલગ જ ઉંચાઇએ પહોંચાડી છે.તેમનું આંદોલન ક્યુબિઝમનાં નામે મશહુર થયું હતું.તેમની ચિત્રકલાએ કલાનાં ક્ષેત્રમાં ક્રાંતિ આણવાનું કામ કર્યુ હતું.તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ૧૯૦૦ ચિત્રોનું સર્જન કર્યુ હતું.તે તેમની કારકિર્દી દરમિયાન જેટલા લોકપ્રિય થયા હતા તેવી લોકપ્રિયતા અન્ય કોઇ ચિત્રકારને તેમનાં સમયગાળા દરમિયાન મળી નથી.તેમનાં ચિત્રો ઉંચી કિંમતે વેચાય છે પણ તેમની જાણીતી રચનાઓ મ્યુઝિયમમાં સ્થાન પામી છે.પિકાસોનું નામ ગુએર્નિકા, લે ડેમોઇસેલેસ ડી એવિગ્નોન, વીપિંગ વુમેન જેવા માસ્ટરપીસ સાથે સંકળાયેલું છે.