Shadow The legacy of one generations dream - 2 in Gujarati Moral Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 2

Featured Books
Categories
Share

પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 2

પ્રકરણ ૨: યશની કારકિર્દી: સંઘર્ષ અને સફરની ગાથા

યશે સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. આ પ્રવેશ મેળવવા પાછળની મહેનત સામાન્ય નહોતી; ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના બે વર્ષ તેના માટે ખરી તપસ્યા સમાન હતા. જ્યારે તેના મિત્રો મોજ-મસ્તીમાં કે હરવા-ફરવા જવામાં ધ્યાન આપતા, ત્યારે યશે પોતાના લક્ષ્ય તરફ નજર રાખી. તેણે પોતાના પુસ્તકો સાથે મિત્રતા બાંધી દીધી અને હંમેશા તેમાં જ ખોવાયેલો રહેતો.તેણે રાતોની ઊંઘ અને દિવસનો આરામ છોડી દીધો. સારા માર્ક્સ લાવવા માટે, તેણે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ રાખ્યા. તે જાણતો હતો કે આ ખર્ચ પરિવાર માટે મુશ્કેલ છે, તેથી તેણે પોતાના તમામ શોખ, નાની-મોટી ઈચ્છાઓ અને મિત્રો સાથેની મોજ-મસ્તીને બાજુ પર મૂકી દીધી. તમામ તહેવારો પરિવાર સાથે સાદગીથી ઉજવ્યા, રોજબરોજના ખિસ્સા ખર્ચ પર પકડ મેળવીને બચત કરી, મિત્રો પાસેથી પુસ્તકો લાવી તેનો અભ્યાસ કરીને પોતાની નોટ્સ તૈયાર કરી, અને આમ પુસ્તકોના ખર્ચમાં પણ બચત કરીને ફીની આડકતરી વ્યવસ્થા કરી.લગાતાર બે વર્ષની અથાક મહેનતના અંતે, તેણે ધોરણ ૧૨ સાયન્સમાં ૭૫% માર્ક્સ સાથે સફળતા મેળવી. યશને થયું કે તે સફળ થઈ ગયો, પણ તેની ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી.

*અગ્નિપરીક્ષા*

૭૫% માર્ક્સ આવ્યા એટલે યશને પૂરો વિશ્વાસ હતો કે એન્જિનિયરિંગમાં એડમિશન મળી જશે. પરંતુ તેના મનમાં એક જ વિચાર હતો: સિવિલ એન્જિનિયરિંગ, અને તેમાં પણ જો સરકારી ઇજનેરી કોલેજમાં પ્રવેશ મળે, તો ઓછા ખર્ચે અભ્યાસ પૂર્ણ થઈ જાય.

જિંદગી હંમેશાં માણસની ખરી કસોટી ત્યાં જ કરે છે. માણસ હંમેશા ધારે છે, પણ કોને કેટલું આપવું, ક્યારે આપવું અને કઈ રીતે આપવું — આ કામ તો જિંદગી પોતાની રીતે જ કરે છે. એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ત્યારે યશની કસોટી શરૂ થઈ.

મેરિટ યાદી જાહેર થઈ ત્યારે ૭૫% માર્ક્સને કારણે તેનો રેન્ક ઘણો પાછળ આવ્યો. કુલ ઇજનેરી સીટોની સંખ્યાની સામે તેનો નંબર સીટોની સંખ્યાથી દોઢ ગણો પાછળ હતો. તેમાં વળી, સરકારી ઇજનેરી કોલેજોની સંખ્યા ઓછી. મેરિટ યાદી જોઈને તેના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હોય, તે કોઈ ઊંચા પર્વતની ટોચ પરથી નીચે ખાઈમાં ધકેલાઈ જશે તેવો તેને અહેસાસ થવા લાગ્યો. તેનો ઉત્સાહ ધીમે ધીમે ઓસરવા લાગ્યો.પણ હવે જે થાય તે જોયા કરવા અને ધીરજ રાખ્યા વિના તેની પાસે બીજો કોઈ જ માર્ગ ન હતો.પ્રથમ અને દ્વિતીય રાઉન્ડ પસાર થઈ ગયા. યશને જોઈતી સિવિલ એન્જિનિયરિંગની લાઇન નહોતી મળતી. લાઇન મળે તો ખાનગી કોલેજ મળે, જેની ફી અને અભ્યાસનો ખર્ચ પોસાય તેમ ન હતો, અને સરકારી કોલેજ મળે તો મનપસંદ બ્રાન્ચ ન મળે. તે હિંમત હારી બેઠો હતો.પણ કુદરતે તેના માટે કંઈક અલગ જ લખ્યું હતું! ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં ચમત્કાર થયો. તેને ફક્ત ભુજ સરકારી ઇજનેરી કોલેજમાં જ નહીં, પણ પોતાની મનપસંદ સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં પણ પ્રવેશ મળ્યો. છેલ્લી ઘડીનો આ ફેરફાર જોઈને તે અચંબિત થઈ ગયો. તેણે મનમાં ગાંઠ વાળી લીધી: "હવે તો ફરી ક્યારેય હિંમત હારવાની નથી, હતાશ થવાનું નથી, અને જીવનમાં ક્યારેય પાછા પડવાનું નથી."

*પિતાનો પ્રેરણાત્મક ઠપકો*

યશના આ વિચાર અને નિર્ણયની પરીક્ષા લેવાની કુદરત જાણે રાહ જોઈ રહી હતી. ઘરથી મિલો દૂર નવી કોલેજમાં, નવા વાતાવરણમાં સેટ થવામાં, નવા વિષયોને સમજવામાં અને પસંદગીની કારકિર્દી શરૂ થવાના ઉત્સાહમાં એન્જિનિયરિંગનું પ્રથમ સેમેસ્ટર જોત જોતામાં પસાર થઈ ગયું.યશને લાગ્યું કે ધોરણ ૧૨ના વિષયોનું જ પુનરાવર્તન છે, એટલે ફક્ત રિવિઝન કરવા પૂરતી જ મહેનત કાફી થઇ રહેશે. આ અતિઉત્સાહમાં તેણે ધાર્યું પરિણામ ન મેળવ્યું.પ્રથમ સેમેસ્ટરનું રિઝલ્ટ તેના માટે એક મોટો ઝાટકો બનીને આવ્યું. એન્જિનિયરિંગ જેટલું ધાર્યું હતું એટલું સરળ ન નીકળ્યું. તે મુખ્ય ત્રણ વિષયમાં પાસિંગ માર્ક્સ પણ ન મેળવી શક્યો – એ પણ એવા વિષયો જેમાંથી તે અગાઉ ૧૨ સાયન્સમાં સારા માર્ક મેળવીને પસાર થયો હતો. તેને પોતાની વિચારસરણી પર ખરેખર દાઝ આવવા લાગી, પોતાની બેફિકરાઈ પર ગુસ્સો આવવા લાગ્યો. વધુમાં જે મિત્રોએ ઓછી મહેનતમાં પણ તેના કરતાં વધારે માર્ક્સ મેળવ્યા હતા, તેમની ખુશી જોઈને તેને મનમાં ઈર્ષ્યા થવા લાગી. તે બધાથી અલગ થઈને એકલવાયો રહેવા લાગ્યો, પોતાની નિષ્ફળતાને યાદ કરીને સતત પોતાની જાતને કોસવા લાગ્યો, અને આમ હતાશાએ ફરી તેના મન પર પકડ મેળવવાની શરૂઆત કરી દીધી.

યશ ઉદાસ રહેવા લાગ્યો. "શું વિચાર્યું હતું અને શું થઈ ગયું? હવે શું થશે?" – આ વિચારોમાં જ દિવસો પસાર કરતો. ઘરેથી માતા-પિતાનો ફોન આવે તો પણ તે સરખો જવાબ નહોતો આપતો. તેણે પોતાની નિષ્ફળતાની વાત તો ઘર સુધી પહોંચવા દીધી જ ન હતી.પણ તેનું ઘણા દિવસનું આવું વર્તન અને વ્યવહાર તેના માતા-પિતાથી અજાણ ન રહ્યા. તેમણે દીકરા પાસેથી ઈમર્જન્સીમાં સંપર્ક કરવા માટે લીધેલા મિત્રનો નંબર વાપરી તેની સાથે વાત કરી અને બધી સઘળી હકીકતો જાણી લીધી.આ જાણ્યા પછી એક દિવસ ફોન પર પિતાએ મીઠા ઠપકાના સ્વરૂપમાં તેને સમજાવ્યો:

"બેટા, આ સ્વપ્ન તારું છે, તે પોતે જોયું છે. એ સપના જોતી વખતે તે આટલો વિચાર નહોતો કર્યો. તો પછી આ એક નાનકડી અસફળતા પાછળ આટલો બધો વિચાર કેમ કરે છે? નિષ્ફળતા તો જીવનમાં મળ્યા કરે, પણ એમાંથી કંઈક શીખી આગળ વધવું એ જ માણસની ખરી કસોટી છે. સ્વપ્નનો અમલ કરવા માટે તે આટલો વિચાર નહોતો કર્યો, તો હવે એને પૂરું પણ તારે જ કરવાનું છે. અમે તારા દરેક નિર્ણયમાં સાથ આપ્યો છે, અને અત્યારે પણ સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છીએ. બસ, તું ફરી પાછી મહેનત કર. તારી ભૂલ શોધ, તારી મહેનતમાં ક્યાં કચાશ રહી ગઈ છે તે શોધ, અને ફરી લાગી જા. હજી તારા હાથમાં બાજી છે, એ બાજીને પલટતા શીખી જા."

પિતાના આ શબ્દો યશના મનમાં ઊંડે સુધી જગ્યા કરી ગયા, અને તેને જાણે જીવનમાં કોઈ નવી દિશા મળી ગઈ હોય તેમ તે ફરી પાછો પોતાના મૂળ સ્વભાવ અને લયમાં આવી ગયો.

*હાર-જીત વચ્ચેની પાતળી રેખાનો અનુભવ*

પિતાના પ્રેરણાદાયક શબ્દો પછી યશે મહેનત કરવામાં કોઈ જ કચાશ રાખી નહિ. જ્યારે તેના મિત્રો મોજ-મસ્તીમાં વ્યસ્ત રહેતા, ત્યારે યશ હંમેશા પુસ્તકોમાં ખોવાયેલો રહેતો. તેણે પોતાના જીવનની દરેક ક્ષણનો મહત્તમ ઉપયોગ પોતાની કારકિર્દીના ઘડતર પાછળ કર્યો.બીજા સેમેસ્ટરના રિઝલ્ટમાં તેનું ધાર્યું પરિણામ મળવાનું શરૂ થયું. તેણે તમામ વિષયોમાં સારા માર્ક્સ મેળવીને ફરી પાછું ૭૫% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. સાથોસાથ, અગાઉના સેમેસ્ટરના ત્રણ વિષયો પણ પાસ કર્યા અને તે પોતાના મૂળ સ્વભાવ અને લયમાં પાછો ફર્યો.આ પરિણામ તેની પ્રગતિનું બીજ બની ગયું. તે એટલો ઉત્સાહિત થઈ ગયો કે બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરથી માંડીને ચોથા વર્ષના આખરી સેમેસ્ટર સુધી તે સતત ડિસ્ટ્રિક્શન માર્ક સાથે પાસ થયો. એટલું જ નહીં, તે ક્લાસમાં ટોપર રહ્યો અને બાકીના સેમેસ્ટરોમાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય પૈકીનું કોઈ એક સ્થાન જાળવી રાખવામાં પણ સફળ થયો.

આખરી વર્ષની શરૂઆતથી જ તેણે એન્જિનિયરિંગમાં સૌથી ટફ ગણાતી GATE (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગ) પરીક્ષામાં ઝંપલાવ્યું. તે જાણતો હતો કે GATEની પરીક્ષા પદ્ધતિ એટલી અઘરી હોય છે કે તેમાં ૧૦૦માંથી ૫૦ માર્ક્સ મેળવવા પણ ખૂબ મુશ્કેલ ગણાય છે. તેણે સેમિસ્ટર પરીક્ષાની તૈયારી સાથે-સાથે GATE એક્ઝામ માટે પણ તૈયારી ચાલુ રાખી, અને મહેનતમાં કોઈ કચાશ ન રાખી.યશને વિશ્વાસ હતો કે તેનું પેપર સારું ગયું હતું અને સારા માર્ક્સ આવશે જ. પણ ઉતાવળમાં અને ઝડપી લેવાયેલા નિર્ણયોમાં થયેલી ભૂલ સત્વરે સમજાતી નથી. યશની મહેનતમાં કચાશ નહોતી, પણ સમયની ગણતરીમાં કે અભ્યાસની પદ્ધતિમાં ક્યાંક ચૂક રહી ગઈ હતી, જેનું પરિણામ ચોક્કસ આવવાનું હતું.

GATE એક્ઝામના પરિણામમાં યશે ૧૦૦માંથી ૩૫ માર્ક્સ મેળવ્યા. આ સ્કોર સાથે તેણે સમગ્ર ભારતમાં સારો રેન્ક મેળવ્યો હતો. આ રેન્કના આધારે તેણે ટોચની પબ્લિક સેક્ટર કંપનીઓ (PSUs) માં અરજી કરી દીધી. જોકે, આ સ્કોર પબ્લિક સેક્ટર કંપનીઓમાં સીધી નોકરી મેળવવા માટે જરૂરી ઊંચા મેરિટને પાર કરી શક્યો નહીં, અને તેને PSUમાં નોકરી અપાવવામાં મદદરૂપ ન થયો.જોકે, આ સમયે તેનું એન્જિનિયરિંગનું આખરી સેમિસ્ટર પણ પૂર્ણ થયું, અને તેણે ડિસ્ટ્રિક્શન સાથે પોતાની સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી.યશના સારા શૈક્ષણિક રેકોર્ડ અને GATEના સ્કોરનું સંયોજન તેને એક પ્રતિષ્ઠિત ખાનગી કંપનીમાં સારા પગારની નોકરી અપાવવામાં સફળ થયું.

આમ, યશે પોતાના સ્વપ્નને પૂર્ણ કર્યું: સિવિલ એન્જિનિયરિંગમાં જોબ અને સારો પગાર. કારકિર્દીમાં પોતાની ઈચ્છા મુજબની જોબ અને સારો પગાર મળતાં પરિવાર ખુશ રહેવા લાગ્યો. યશે પોતાની સખત મહેનત અને હિંમત ક્યારેય ન હારવાના સ્વભાવથી સફળતા મેળવી લીધી.

પરંતુ, યશની સફર અહીં અટકવાની નહોતી. હજુ આગળ ઘણી જવાબદારીઓ સાથે તેનું નસીબ તેને રગદોળવા તૈયાર જ હતું......(ક્રમસ:)