દે દે પ્યાર દે 2
રાકેશ ઠક્કર
'દે દે પ્યાર દે 2' (૨૦૨૫) અજય દેવગનની નહીં પણ આર. માધવનની ફિલ્મ લાગે છે. કારણ એ છે કે અજય ફિલ્મના મોટાભાગના દ્રશ્યોમાં મૂક દર્શક જેવો રહે છે. જે તેના ચાહકોને નિરાશ કરે એવી વાત હતી. અલબત્ત ફિલ્મે પહેલા વીકએન્ડમાં રૂ.38 કરોડનું ઓપનિંગ મેળવ્યું છે એ અજયના નામ પર જ છે. અને એમાં આધેડ હીરોની લવસ્ટોરી હોવા છતાં આ વર્ષની ટોપ ટેન રોમેન્ટિક ફિલ્મોમાં સૌથી વધુ ઓપનિંગ મેળવવામાં ત્રીજા સ્થાને આવી છે.
અજયનું પાત્ર ફિલ્મના કેન્દ્રમાં છે પણ ઓછું વિકસિત અને વધારે પડતું શાંત લાગે છે. આર. માધવનના ઊર્જાસભર પાત્રની સામે અજયનું પાત્ર નમ્રતા અને ડહાપણમાં એટલું ડૂબી જાય છે કે તે સ્ક્રીન પર ઓછું સક્રિય લાગે છે. બોલિવૂડના હીરો સામાન્ય રીતે ઉગ્ર હોય છે પરંતુ અહીં અજય પાછળ બેસીને નાટકને આગળ વધતા જુએ છે. ક્યારેક તેની તીવ્રતા અનુભવાય છે. તેના પાત્રમાં છુપાયેલો સાચો પ્રેમી અંતે બહાર આવે છે ત્યારે અજયના ચાહકોને પૈસા વસૂલની અનુભૂતિ કરાવે છે.
તે આખી ફિલ્મમાં બહુ ઓછા સંવાદો બોલે છે. જેમાંથી મોટાભાગના છેલ્લા 15 મિનિટના છે. બાકીની ફિલ્મ દરમિયાન તે છેલ્લા 34 વર્ષથી આપે છે એવી અભિવ્યક્તિ આપી રહ્યો હોય છે. અજયે આશિષના સમજુ અને શાંત પાત્રને સરળતાથી ભજવ્યું છે. તેના પાત્રમાં ડહાપણ અને કોમેડીનું સંતુલન છે. ખાસ કરીને તેના પોતાના જૂના આઇકોનિક ફિલ્મોના સંદર્ભોને મજેદાર રીતે વણી લેવામાં આવ્યા છે. એ ચાહકો માટે એક ટ્રીટ સમાન છે.
આર. માધવનનો આ ફિલ્મની ફ્રેન્ચાઇઝીમાં નવો પ્રવેશ છે. તેનું પાત્ર એકદમ શક્તિશાળી છે. તેનો અભિનય આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે. માધવને આયશાના પિતા 'રાકેશ'ના પાત્રમાં જીવ રેડી દીધો છે. તે એક તરફ 'પ્રગતિશીલ' બનવાનો ઢોંગ કરે છે અને બીજી તરફ તેની દીકરીના નિર્ણયથી અકળાય છે. તેના હાવભાવ અને કોમિક ટાઇમિંગ ઉત્તમ છે.
સમીક્ષકોનું કહેવું છે કે માધવન શો-સ્ટોપર છે. તેણે એક આદર્શવાદી, ગુસ્સાવાળા પણ અંદરથી નરમ પિતાનું પાત્ર ખૂબ જ કુશળતાથી નિભાવ્યું છે. દરેક પુત્રીના પિતા એની સાથે જોડાય એવું પાત્ર ભજવ્યું છે. તેથી પિતા-પુત્રીએ એકવાર સાથે જોવા જેવી ફિલ્મ ગણવામાં આવી છે. જાવેદ જાફરી અને પુત્ર મીઝાનના વાસ્તવિક જીવનના સંબંધો રમુજી કોમેડી બનાવવામાં ફાળો આપે છે. રકુલ પ્રીત સિંહ તેની સુંદરતા માટે પ્રશંસનીય છે. આ વખતે તેણીને એક શક્તિશાળી ભૂમિકા મળી છે. જે લેખકે ખરેખર રમુજી રીતે બનાવી છે.
ફિલ્મનું મુખ્ય આકર્ષણ અને સૌથી મજેદાર ભાગ અજય અને આર. માધવન વચ્ચેની ટક્કર છે. બંનેનો સસરા-જમાઈ તરીકેનો ઝઘડો, હાસ્ય અને તણાવ ફિલ્મની હાઈલાઈટ છે. તેમનો મજાકિયો સામનો દર્શકોને ખૂબ મનોરંજન આપે છે. ઉપરાંત આયશાના પિતા અને આશિષ વચ્ચે એકબીજાને નીચા દેખાડવાની કોશિશમાં જે વાતો થાય છે તે સતત હાસ્ય જન્માવે છે.
પહેલો ભાગ સંપૂર્ણપણે હાસ્યથી ભરપૂર છે. આધુનિક માતા-પિતા જ્યારે તેમની દીકરીના વૃદ્ધ બોયફ્રેન્ડને સ્વીકારવાનો પ્રયત્ન કરે છે ત્યારે થતી પરિસ્થિતિગત કોમેડી અદ્ભુત છે. 'લોગ ક્યા કહેંગે' ના ડર સાથે તેમનો ડોળ કરવો હસાવે છે. બીજા ભાગમાં કોમેડીની સાથે ભાવનાત્મક વળાંકો આવે છે. પિતાના અહંકાર અને આદર્શવાદી પ્રેમી વચ્ચે ફસાયેલી દીકરીની કહાણીમાં કોમેડી થોડી ઓછી થાય છે. પરંતુ અંતિમ 20 મિનિટનો ક્લાઇમેક્સ એક સારો અને ભાવનાત્મક સંદેશ આપે છે. 'દે દે પ્યાર દે 2' નો ક્લાઇમેક્સ એક મોટું આશ્ચર્ય છે. એટલે કહેવાયું છે કે કોઈ પાસેથી તેના વિશે સાંભળશો નહીં. એને ફિલ્મમાં જ જુઓ. આખી ફિલ્મમાં કેટલીક ખામીઓ લાગશે પણ તેનો ક્લાઇમેક્સ ટિકિટ ખરીદવા માટેનું એક સારું કારણ ગણી શકાય એમ છે.
આ વખતે દિગ્દર્શક અંશુલ શર્મા છે. દિગ્દર્શક બદલાયા છે અને નવા કલાકારો કાસ્ટમાં જોડાયા છે. છતાં 'દે દે પ્યાર દે 2' એક મજબૂત સિક્વલ તરીકે ઉભરી આવી છે. પુખ્ત વયના કલાકારોની ફિલ્મ હોવા છતાં લેખક લવ રંજન અને નિર્દેશક અંશુલે કોઈ છૂટ લીધી નથી. આ એક સ્વચ્છ અને મનોરંજક ફિલ્મ હોવાથી જોવાલાયક બની છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તેને આખા પરિવાર સાથે જોઈ શકાય છે.
અજય અને રકુલ પ્રીત સિંહ વચ્ચેની રોમેન્ટિક સ્ટોરી પહેલા ભાગ જેટલી મજબૂત જણાતી નથી. લેખન તેમના સંબંધોને પૂરતી ભાવનાત્મક ઊંડાઈ આપી શક્યું નથી. ગીતો સાંભળવામાં સારા છે પણ એક- બે જગ્યાએ લંબાઈ વધારવાનું કામ કરે છે. સારું છે કે ‘ઝૂમ બરાબર ઝૂમ’ ગીત છેલ્લે વૈકલ્પિક જેવુ છે ત્યારે આર. માધવનનું શાનદાર પ્રદર્શન, હાસ્યના દ્રશ્યો અને વાર્તાનો મૂળભૂત સંદેશ એની બધી ખામીઓને ઢાંકી દે છે અને એક સંપૂર્ણ ટાઇમપાસ ફિલ્મ બને છે.