શિખાનો ફોન કટ થતા હું બાલ્કનીમાંથી હોલમાં ગયો અને કોઈ પણ જાતના રીએકશન આપ્યા વગર સોફા પર બેસીને ટીવી જોવા લાગ્યો. અવી અને વિકીએ મને પૂછ્યું હતું જેનો જવાબ મે શિખાનો ફોન હતો એવું કહ્યું. મારા દિલમાં પ્રેમનો ઉભરો આવી રહ્યો હતો જેને કંટ્રોલ કરવો ખૂબ અઘરો હતો કારણકે ફાઇનલી હવે મને ખબર પડી ગઈ હતી કે વંશિકાના મનમાં પણ મારા માટે લાગણીઓ ફૂટવા લાગી હતી. અવી અને વિકી મેચ જોવાના શોખીન હતા એટલે ટીવીમાં મેચ ચાલતી હતી. બપોરના ૧૨:૦૦ વાગ્યા જેવો સમય થઈ ગયો હતો અને અમારું જમવાનું પણ હજી સુધી બાકી હતું.
"હું નીચેથી ટિફિન લઈને આવું છું" આવું કહીને હું નીચે આંટીને ત્યાં ટિફિન લેવા માટે ગયો. થોડીવારમાં હું ટિફિન લઈને આવ્યો અને અમે લોકો જમવા બેઠા.
"આપણા આગળના રવિવારનો શું પ્લાન છે ?" મે વિકીને પૂછ્યું.
વિકી :- કોઈ પ્લાન નથી આપણો કેમ અચાનક તે આવું પૂછ્યું ?
હું :- અરે કાઈ નહીં મે તમને કહ્યું હતું ને વંશિકા પણ આપણી સાથે અનાથાશ્રમ આવા માગે છે.
વિકી :- હા આપણે વાત થઈ હતી.
હું :- હા તો એટલે હું વિચારું છું કે આગલા રવિવારે આપણે બધા લોકો જઈએ અને તેને પણ સાથે લઈ જઈએ.
વિકી :- હા કોઈ વાંધો નહીં ચોક્કસ જઈશું અને ભાભીને પણ સાથે લઈ જઈશું. તું એક કામ કર વંશિકાને જણાવી દેજે આપણો આગળના રવિવારનો પ્લાન છે અને નક્કી કરી લેજે કે તે કઈ રીતે આવશે ત્યાં અથવા ક્યાંથી તેને પિકઅપ કરવાની છે.
હું :- હા ચોક્કસ હું એની સાથે વાત કરી લઈશ અને પછી જે કઈ ફાઈનલ થશે તે તમને લોકોને જણાવી દઇશ.
મે અવિ અને વિકી સાથે વાત કરીને આગળના રવિવારનો પ્રોગ્રામ નક્કી કરી દીધો હતો હવે ફક્ત માટે વંશિકા સાથે વાત કરીને એને પૂછવાનું હતું અને મને ચોક્કસપણે ખ્યાલ હતોકે વંશિકા ના નહીં પડે અને આવવા માટે તૈયાર થઈ જશે. અમે લોકોએ જમી લીધું હતું અને હવે અમે લોકો સાવ નવરા ધૂપ હતા. અમારી પાસે કોઈ કામ નહોતું અને રવિવાર હોવાના કારણે આજે ઓફિસ કે ક્લાયન્ટ તરફથી કોઈ ફોન પણ નહોતો આવવાનો. હું સોફા પર બેઠો બેઠો મેચ એન્જોય કરી રહ્યો હતો. અચાનક મને યાદ આવતા મે મારો મોબાઈલ ડેટા ચાલુ કર્યો અને મોબાઈલમાં ચેક કર્યું. વંશિકાનો હજુ સુધી કોઈ પણ મેસેજ નહોતો. કદાચ આજે સવારથી વંશિકા પણ પોતાના કામમાં વ્યસ્ત હશે એવું મને લાગ્યું.
"મને ખૂબ કંટાળો આવે છે યાર ખબર નહીં પડતી કે સૂઝતું નથી." મેં પોતાની જાતને મનમાં સવાલ કર્યો. આજે ઘણા સમય પછી પહેલીવાર કોઈ રવિવાર મારા માટે આવો હતો જે મને ખાલીપો થતો હતો અને મગજ કામ નહોતું કરતું. મને ખૂબ કંટાળો આવતો હતો અને મારું મગજ લેવા દેવા વગર તપી રહ્યું હતું. અવી અને વિકી બંને મારી સાથે હતા પણ મારી પાસે વાત કરવા માટે કોઈ ટોપિક નહોતો. એવું લાગતું હતું કે જાણે આજે હું સાવ એકલો છું. કદાચ વંશિકા સાથે વિતાવેલો સમય મને ઓછો પડતો હતો અને એનો ખાલીપો આજે દિલમાં ઘર કરી ગયો હતો. દર રવિવારે વંશિકાનો મેસેજ આવતો હતો અથવા બીજા કોઈ કામમાં મારો દિવસ જતો રહેતો જેના કારણે મારો સમય વ્યસ્ત રહેતો હતો.
"હું થોડીવાર નીચે જઈને આવું છું." મેં એવી અને વિકિની કહ્યું. હું કદાચ એમજ કોઈ નાના અમથા કામથી જતો હોઈશ એવું બંન્નેને લાગ્યું એટલે એમને મને વળતો સવાલ કર્યો નહીં કે ક્યાં જાય છે અને શું લેવા જાય છે. કારણકે એમણે લોકોને આટલી બધી પણ પંચાયત નહોતી કે અમે લોકો એકબીજાને નાની નાની વાતોમાં ટોકીએ. મે મારું પાકીટ ખિસ્સામાં નાખ્યું અને લિફ્ટની જગ્યાએ સિડી ઉતરીને નીચે તરફ જવા લાગ્યો. નીચે ઊતરીને હું ફલેટની બહાર આવેલી શોપિંગ શોપમાં એક પાન પાર્લર હતું ત્યાં ગયો. હું ઘણા સમય પછી આજે પાર્લર પર આવ્યો હતો. હું ત્યાં જઈને ઊભો રહ્યો અને કહ્યું. "ભાઈબંધ, એક માર્બોલો એડવાન્સ આપો." માર્બોલો એડવાન્સ મારી ફેવરિટ સિગારેટની બ્રાન્ડ હતી. હું કોઈ રેગ્યુલર ચેઇન સ્મોકર નહોતો પણ ભાગ્યે ક્યારેક ઈચ્છા થાય ત્યારે સિગારેટ પીતો હતો અને એમાં પણ ફક્ત આ બ્રાન્ડ પીતો હતો. સૉફ્ટવેર સેક્ટરમાં હોવાના કારણે અમારા માથાનો દુખાવો વધુ રહેતો હતો કારણકે કામમાં મેન્ટલી ત્રાસ રહેતો હતો. આ મેન્ટલી ત્રાસની દવા મારા માટે કોફી અથવા ચા હતી જે રેગ્યુલર પીતો હતો જ્યારે સિગારેટ મારા માટે બીજા નંબરની પ્રાયોરીટી હતી. પાન પાર્લરવાળા ભાઈએ મને સિગારેટ આપી અને મે સિગારેટ પોતાના મોઢામાં મૂકીને લાઇટ વડે સળગાવી. મે સિગારેટનો એક કસ માર્યો અને સિગારેટ મોઢામાંથી કાઢી. ૪-૫ સેકન્ડ પછી મેં મારા મોઢા અને નાકમાંથી ધુમાડો કાઢ્યો. સિગારેટના ૨-૩ કસ માર્યા પછી મારા મગજે મને કહ્યું."બસ, આનીજ જરૂર હતી તને" અને મારા મગજમાં થોડી શાંતિ થઈ. મારા મગજમાં થતું માઇગ્રેન થોડું ઓછું થયું અને મને હવે કંટાળો દૂર થવા લાગ્યો. ઘણા સમય પછી મેં આજે સિગારેટ પીધી હતી એટલે અલગજ ફિલિંગ આવી રહી હતી. વંશિકાના જીવનમાં આવ્યા પછી મારો તણાવ ઘણો ઓછો થઈ ગયો હતો જેના કારણે સિગારેટ પીવાની આદત સાવ ઓછી થઈ ગઈ હતી. હું થોડીવાર ત્યાં પાર્લર પર ઊભો રહ્યો અને આખી સિગારેટ ફૂંકી કાઢી. હવે મને સારું લાગતું હતું અને માથાનો દુખાવો ઓછો થતો હતો. કદાચ આજ કારણ હશે એટલે આજે અચાનક મને સિગારેટ યાદ આવી ગઈ અને હું સિગારેટ પીવા નીચે આવી ગયો હતો. હું હવે મારા ઘરે ગયો અને ફરીવાર સોફા પર જઈને બેસી ગયો. મારા મોઢામાંથી સ્મેલ આવતી હશે જેના કારણે તે બંન્નેને ખબર પડી ગઈ હશે કે હું સ્મોકિંગ કરીને આવ્યો હતો છતાં પણ કોઈએ મને કઈ પૂછ્યું નહીં અને મેં પણ જણાવ્યું નહીં. મને હજી થોડો કંટાળો આવતો હતો એટલે મેં પોતાના મોબાઈલમાં ફરીવાર નજર મારવાની શરૂ કરી અને એટલામાં મારો મોબાઈલમાં રીંગ વાગી અને શ્રેયનો ફોન હતો. મેં ફોન ઉપાડ્યો અને કહ્યું. "શ્રેય કેમ છે ?"
શ્રેય :- મજામાં અને તમે ?
હું :- હું પણ મજામાં. બોલ કઈ અર્જન્ટ કામ હતું ?
શ્રેય :- ના સર કોઈ કામ નહોતું. બસ હું વસ્ત્રાપુર બાજુ આવ્યો હતો એટલે થયું તમને ફોન કરી જોઉં તમે ફ્રી હોય તો તમને મળતો જાઉં.
હું :- હા ચોક્કસ, હું ઘરે જ છું. ક્યારે આવે છે તું ?
શ્રેય :- બસ ફક્ત ૨૦ મિનિટ જેવો સમય લાગશે.
હું :- હા કોઈ વાંધો નહીં આવી જા ઘરે.
મેં ફોન કટ કર્યો અને અવિ અને વિકીને કહ્યું કે શ્રેયનો ફોન આવ્યો હતો અને તે ઘરે આવે છે. અવી અને વિકીએ પણ તેને મળવાની આતુરતા જણાવી. શ્રેય પણ મારા કલીગની સાથે મિત્ર પણ હતો. થોડીવારમાં ઘરની ડોરબેલ વાગી અને મેં જઈને દરવાજો ખોલ્યો. દરવાજા પર શ્રેય હતો અને મેં એને હેન્ડશેક સાથે વેલક્મ કર્યું. અમે લોકો આવીને સોફા પર બેઠા. અવી અને વિકીએ પણ શ્રેય સાથે હેન્ડશેક કરીને તેનું વેલ્કમ કર્યું. શ્રેય ઘણીવાર અમારા ઘરે આવતો જતો હતો જેના કારણે તે અવિ અને વિકીને ઓળખતો હતો. હું થોડો વધુ ખુશ થઈ ગયો હતો કારણકે શ્રેયના ઘરે આવવાથી મારો થોડો ટાઇમપાસ થઈ જવાનો હતો. હું વાત કરું એની પહેલા અવીએ વાતની શરૂઆત કરી.
અવી :- કેમ છે શ્રેય ઘણા દિવસ પછી તું આવ્યો ઘરે ?
શ્રેય :- હા યાર, અહીંયા વસ્ત્રાપુર આવ્યો હતો એટલે થયું ચાલો તમને લોકોને મળતો જાઉં.
વિકી :- હા સારું કર્યું તું આવ્યો. આમ પણ આપણે ઘણા સમય પછી મળ્યા છીએ.
હું :- બોલ શ્રેય શું લઈશ ચા કે પછી ઠંડું ?
શ્રેય :- ના સર કાઈ નહીં બસ થોડીવાર માટે ફ્રી છું. મારે બસ થોડીવારમાં નિકળવું જ છે.
અવી :- ભાઈ આવું થોડું ચાલે. કંઈક લેવું પડશે એક કામ કરીએ આવી ગરમીમાં ચા કરતા ઠંડુ વધુ સારું રહેશે.
શ્રેય :- ઠીક છે બસ તમે ફોર્સ કરો છો તો ઠંડુ પી લઈએ.
હું :- સારું હું ઠંડુ લઈને આવું છું.
હું કિચનમાં ગયો અને ફીઝમાંથી કોલડ્રિંકની બોટલ કાઢી અને ગ્લાસમાં ભર્યું અને બધા માટે કોલ્ડ્રિંક લઈને આવ્યો. અમે બધા લોકો આરામથી ઠંડા કોલ્ડ્રિંકની મજા માણી રહ્યા હતા અને સાથે સાથે વાતો કરી રહ્યા હતા. લગભગ અડધો કલાક જેવો સમય શ્રેય અમારી સાથે બેઠો અને અમે લોકોએ વાતચીત કરી. શ્રેય પોતાના ઘરે જવા માટે નીકળ્યો. હું શ્રેયને દરવાજા સુધી ડ્રોપ કરીને આવ્યો અને અમે લોકો ફરીવાર ગોઠવાઈ ગયા. મેં ઘડિયાળમાં નજર મારી અને જોયું સાંજના ૫:૧૦ જેવો સમય થઈ ગયો હતો. અમારો ઘણો બધો ટાઇમપાસ થઈ ગયો હતો. મેં ફરીવાર મોબાઈલ ચેક કર્યો વંશિકાનો હજુ સુધી કોઈ જવાબ નહોતો. આજનો દિવસ ઘણો અઘરો લાગી રહ્યો હતો. સાંજના ૭:૦૦ જેમતેમ કરીને વાગ્યા હતા. હું ફરીવાર નીચે ગયો અને જમવાનું લેવા માટે ગયો. અમે લોકોએ સાથે બેસીને ડિનર કર્યું. મને એક વાત અજીબ લાગતી હતી કે અવિ અને વિકી કઈ માટીના બનેલા હતા. મને આખો દિવસ કંટાળો આવતો હતો અને તેઓ બંન્ને આરામથી કોઈ પણ જાતના કંટાળા વગર ટીવી સામે ગોઠવાઈને પોતાનો રવિવારનો દિવસ એન્જોય કરી રહ્યા હતા. એમના એક્સપ્રેશન પરથી એકવાર પણ મને એવું નથી લાગ્યું કે આ બન્નેને સહેજ પણ કંટાળો આવ્યો હશે. કોઈ માણસ આવું કઈ રીતે બની શકે મારે પણ આવું બનવું હતું કે એકલા એકલા પણ કંટાળો ના આવે અને ખાલીપો ના લાગે પણ શું કહું દોસ્ત આનેજ તો પ્રેમ કહેવાય છે. આખી દુનિયા તમારી સામે હોય છતાં પણ તમને તમારી જીવનસાથી અથવા પ્રેમિકા વગર સાવ એકલું એકલું લાગે. આજે ખરેખર મારા માટે આ વાત સાચી સાબિત થઈ ચૂકી હતી જેને પણ આ વાત કહી હતી એને ખરેખર સાચી કહી હતી. વંશિકાનો મારા જીવનમાં હવે એક મુખ્ય રોલ આવી ગયો હતો જેના વગર મને મારો રોલ સાવ અધૂરો લાગી રહ્યો હતો. જમવાનું પતાવ્યા પાછું હું ફ્રી થઈને વંશિકાનો મેસેજ કદાચ નહીં આવે તેવી આશા સાથે સુવાની તૈયારી કરીને બેડ પર સૂતો હતો. અચાનક મારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજની લાઇટ ઝબકી અને મેં મારો મોબાઈલ હાથમાં લીધો અને જોયું એમાં વંશિકાનો ટેક્સ્ટ મેસેજ હતો.
" તમે ફ્રી હોય તો વોટ્સએપ ઓન કરો." વંશિકાએ મને મેસેજ કર્યો હતો. મેં તરત મારો મોબાઈલ ડેટા ઓન કર્યો જેમાં પહેલાથી વંશિકાનો હાઈ લખેલો મેસેજ હતો. મેં તેના મેસેજનો હાઈ માં જવાબ આપ્યો અને થોડી સેકંડોમાં વંશિકાનો જવાબ આવ્યો.
વંશિકા :- શું કરો છો મિ રુદ્ર.
હું :- બસ સુવાની તૈયારી કરું છું.
વંશિકા :- બસ આટલા બધા વહેલા આજે ?
હું :- હા મેડમ તમારો મેસેજ આવ્યો એટલે નહિતો અત્યારે સૂઈ ગયો હોત.
વંશિકા :- અચ્છા એટલે મારી રાહ જોતા હતા એમ.
હું :- હા તમારી રાહ જોતો હતો પણ મને આશા નહોતી કે તમારો મેસેજ આવશે.
વંશિકા :- લે આવું કેમ આશા નહોતી ?
હું :- આજે આખો દિવસમાં તમારો એકપણ મેસેજ નથી આવ્યો એટલે મને લાગ્યું કે હવે રાતે પણ નહીં આવે.
વંશિકા :- અચ્છા સોરી યાર હું મેસેજ કરવાની હતી પણ ટાઇમ ના મળ્યો.
હું :- કોઈ વાંધો નહીં થાય હવે ક્યારેક સમય ના પણ મળે મિત્રો સાથે વાત કરવાનો.
વંશિકા :- અરે ના યાર એવું કાંઈ નથી હું તમને જણાવું પણ પહેલા તમે જણાવો તમે જમી લીધું ?
હું :- હા જમી લીધું અને તે ?
વંશિકા :- હા મે પણ જમી લીધું. અચ્છા સોરી યાર તમે આખો દિવસ રાહ જોઈ હશે મારા મેસેજની તેના માટે.
હું :- હું કોઈ ગુસ્સે થોડી છું તારાથી કે તું મને સોરી બોલી રહી છે.
વંશિકા :- અરે આજે થયું એવું ને કે સવારે મારા બાજુમાં મારી એક ફ્રેન્ડ રહે છે. તેણે કહ્યું કે તું ફ્રી હોય તો બપોર પછી આપણે લાલદરવાજા જઈએ તેને શોપિંગ કરવાની હતી અને ઉપરથી ઘરે મારા મામા એમનું ફેમિલી પણ આવ્યું હતું એટલે સવારની બપોર સુધી તો કામમાં અને પછી એમની સાથે બેઠા હતા એટલે વ્યસ્ત હતી. બપોર પછી અમારે લોકોએ લાલદરવાજા જવાનું હતું એટલે એના માટે પણ ટાઇમ કાઢવો પડે એમ હતો. બપોરે જમીને ફ્રી પડ્યા અને બેઠા હતા એટલામાં ત્યાં જવાનો સમય થઈ ગયો. પછી હું અને મારા મામાની છોકરી અમે બંને મારી ફ્રેન્ડ સાથે લાલદરવાજા ગયા. ત્યાં અમે લોકોએ થોડી શોપિંગ કરી અને ફર્યા અને લાસ્ટમાં પાણીપુરી ખાઈને પાછા આવ્યા. હું તમને ફોન કરવાનું વિચારી રહી હતી કે બહાર જઈશ એટલે તમને ફોન કરીશ અને ફોન પર વાત કરીશ પણ આજે મામાની છોકરી સાથે હતી એટલે મને ડર પણ હતો કે તે કદાચ ઘરે કોઈને કાઈ પણ કહી દે એટલે તમને ફોન પણ ના કરી શકે અને મેસેજ પણ કરવાનો રહી ગયો.
હું :- અરે યાર કઈ વાંધો નહીં. અમારો પણ ક્યારેક આવો દિવસ આવી જાય છે ક્યારેક. ડોન્ટ વરી હું કઈ ગુસ્સે નથી કે નારાજ નથી.
વંશિકાએ મને આખી લિસ્ટ મોકલી દીધી હતી મેસેજની. એવું લાગી રહ્યું હતું જાણે તેણે પોતાનું આખા દિવસનું શિડ્યુલ મને મોકલી આપ્યું હોય. બસ ખાલી એક નાની વાત હતી કે આખો દિવસ અમારા વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ. આવડી નાની એવી વાતમાં તેણે આટલું બધું લખીને મોકલી દીધું હતું જેને વાંચવામાં મને ૩-૪ મિનિટનો સમય લાગી ગયો હતો. વંશિકાનો આટલા બધા લાંબા મેસેજનો અર્થ એવો પણ થતો હતો કે તે મારી સામે ફ્રી માઈન્ડ રહેવા માગતી હતી અને કાઈ પણ છુપાવવા નહોતી માગતી એટલા માટે તે પોતાની બધી વાતોનો ખુલાસો મારી સામે પોતાનું દિલ ખોલીને કરી રહી હતી.