મીનાક્ષી ની આંખ ના આંસુ આ સમુદ્ર ના જળ ને વધારે ખારો કરી રહ્યા છે. આટલો વિલાપ શા માટે રાજકુમારી ? વાત શું છે એ તો જણાવો? શશી મીનાક્ષી ને આવી દયનીય સ્થિતિ માં જોઈ નથી શકતી.
મીનાક્ષી શશી ની સામે જોઈ ને રડી રહી છે, એ શશી ને કંઇક કહેવા માંગે છે પણ જીભ સાથ નથી આપી રહી શ...શ...શશી. ઘણાં પ્રયાસ પછી એ ફક્ત શશી જ બોલી શકી અને ફરીથી એ શશી ને બાથ ભીડી એના ખભા ઉપર માથું મૂકી ને નાના બાળક ની જેમ રડવા લાગી.
મીનાક્ષી ને આમ રડતી જોઇને ઘડીભર માટે શશી ને મીનાક્ષી અને પોતાનું બાળપણ યાદ આવી ગયું. જ્યારે મીનાક્ષી ની માતાનું મૃત્યુ થયેલું ત્યારે મીનાક્ષી આમજ તૂટી ગયેલી,.એ દિવસોના દિવસો સુધી આજ રીતે પોતાની સખી શશી ને વળગી ને રડ્યા કરતી.
શશી એ પ્રેમથી મીનાક્ષી ના માથામાં અને પીઠ ઉપર હાથ ફેરવ્યો. મીનાક્ષી ને હંમેશા શશી નો મમતા ભર્યો સ્પર્શ આશ્વસ્ત કરતો, આ મત્સ્ય લોકમાં શશી એક જ તો છે જે એનું સર્વસ્વ છે. સખી, અનુચરી, રાજદાર અને તમામ સુખ દુઃખની સાથી.
શશી ના વ્હાલ સોયા સ્પર્થ થી મીનાક્ષી ના જાણે સાતે કોઠામાં ટાઢક વળી. એણે શશી ને બાથ ભીડી હતી તેનાથી દૂર થઈ અને સૈયા પર બેઠી. શશી પણ એની પડખે જ બેઠી. મીનાક્ષી ના આંસુઓ નો વેગ હવે થોડો ધીરો થયો છે, એ થોડું સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહી છે.
શું થયું રાજકુમારી આટલું વ્યથિત થવાનું કારણ? મીનાક્ષી એ નજર ઊંચી કરી શશી ની આંખ સામે જોયું, મીનાક્ષી ની આંખમાં થી ધીમી ધારે વહેતા આંસુ જાણે કે કહી રહ્યા હતા કે સખી તું ક્યાં અજાણી છે કોઈ વાતથી.
શશી તારાથી ક્યાં કશું અજાણ છે? અજાણ તો હું હતી. કંઈ વાત થી અજાણ હતા તમે જે જાણવા થી આપનું હૃદય આટલું દ્રવી ઉઠ્યું છે? એજ શશી જે તે હમણાં કીધું કે...કે... મીનાક્ષી બોલતા બોલતા અટકી ગઈ. એની જીભ જાણે કે આજે બહુ વજનદાર થઈ ગઈ છે અને એનાથી હલી જ નથી રહી.
શું રાજકુમારી એજ કે હું અજાણતાં જ પેલા માનવ ને પ્રેમ કરવા લાગી છું. આટલું બોલતાં જ મીનાક્ષી ની આંખો ફરીથી ચોધાર આંસુ એ વરસવા લાગી.
પ્રેમ તો જીવન ની શ્રેષ્ઠ અનુભૂતિ છે રાજકુમારી તો તમે આટલા દ્રવિત કેમ થઈ ગયા છો? શશી તું કેમ જાણી જોઇને અજાણ બની રહી છે? શું તું વિસરી ગઈ છે કે એ એક માનવ છે અને હું એક મત્સ્ય કન્યા. તો શું થયું રાજકુમારી, પ્રેમ તો પ્રેમ છે એ તો ગમે તેને, ગમે ત્યારે, ગમે તેની સાથે થઈ શકે છે.
શશી શું વ્યર્થ પ્રલાપ કરે છે? ક્યારેય કોઈ જળચર અને પૃથ્વી નિવાસી ની વચ્ચે પ્રેમ સંભવ છે? આ વાત નો તો વિચાર માત્ર પણ અશક્ય છે. મીનાક્ષી વ્યથિત પણ છે અને ખિન્ન પણ. અશક્ય હોત તો તમને એ માનવ સાથે પ્રેમ થયો જ ના હોત ને રાજકુમારી, ઈશ્વરની બનાવેલી સૃષ્ટિ માં શું યોગ્ય છે અને શું અયોગ્ય એતો એ પોતે જ નિર્ધારિત કરે છે. આપણે બધા એ તો બસ ઈશ્વર ની ઈચ્છા પ્રમાણે ચાલવાનું જ હોય છે.
શશી મારી ભૂલ ને ઈશ્વર ની ઈચ્છા ના કહીશ. ભૂલ? કઈ ભૂલ રાજકુમારી. એ જાણવા છતાં કે હું એક મત્સ્ય કન્યા છું, હું સાગર નિવાસી છું છતાં મે એક પૃથ્વીવાસી માનવ ને પ્રેમ કર્યો એ ભૂલ શશી. મીનાક્ષી ના શબ્દો માં વ્યાકુળતા છલકાય છે.
સમજી વિચારી ને તો સોદા થાય રાજકુમારી મીનાક્ષી, પ્રેમ તો સહજ ભાવે થઈ જાય. તમને થયેલા પ્રેમનો પ્રેમથી સ્વીકાર કરો. પ્રેમ નો સ્વીકાર કરું? શશી જેને હું અજાણતાં પ્રેમ કરી બેઠી છું એ માનવ ને તો આ વિશે જાણ પણ નથી અને એ મને પ્રેમ નથી કરતાં શશી, એતો નિર્દોષ ભાવ થી મારી સામે પોતાની વ્યથા રજૂ કરે છે. એ બિચારા માનવ ને તો અંદાજ પણ નથી આ વાત નો.
તો તમે તમારા હૃદય ની વાત એમના સુધી પહોંચાડો. એ શક્ય જ નથી શશી, એ પૃથ્વી નિવાસી છે નાતો એ અહીં હંમેશ ને માટે રહી શકે છે કે ના તો હું ક્યારેય પૃથ્વી પર જઈ શકું છું આ પ્રેમ સંબંધ શક્ય જ નથી શશી. નહિ મારા તરફ થી આ વાત ની જાણ ક્યારેય એ માનવ ને નહિ થાય.
પણ રાજકુમારી, બસ શશી હવે આગળ એક શબ્દ નહિ બોલતી. મારું કાર્ય એ માનવ ને કોઈ પણ ભોગે એમને એમની દુનિયા સુધી પહોંચાડવાનું છે અને હું એ કરી ને જ રહીશ આ સિવાય અન્ય કોઈ વિચાર વ્યર્થ માત્ર છે. મીનાક્ષી એ પોતાનું મન મક્કમ કરી લીધું અને પોતાની વ્યથા ને હૃદય ના કોક ખૂણે ધરબી દીધી.
શશી હવે કંઇ પણ આગળ બોલી શકે તેમ ન હતી, બસ પોતાની સખી ની વિવશતા ને અસહાય બની ને નીરખી રહી.
ક્રમશઃ...........