ર્ડો. સુમને આપેલા હિમ્મત ભર્યા શબ્દોને સ્વીકારી અનુરાધાએ પોતાના આંસુ લૂછતાં કહ્યું,"તમારી વાત એકદમ સાચી છે. આસ્થા જયારે ભાનમાં આવશે ત્યારે એને વધુ સંભાળની જરૂર પડશે. હું તમારી વાત સારી રીતે સમજી ગઈ છું."
અત્યારસુધી ચૂપ રહેલ કલ્પ પણ બોલ્યો, "તમે ચિંતા ન કરશો. અમે બધા તમારી સાથે જ છીએ."
અનુરાધાએ ફક્ત સ્મિત સાથે જ એ બંનેની વાતને આવકારી હતી. એની નજર ફક્ત આસ્થા પર જ કેન્દ્રિત હતી. એની પરિસ્થિતિને તેઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે જખ્મ મન પર થાય છે એની તકલીફ ખરેખર ખુબ અસહ્ય હોય છે, એ ઘા આજીવન દર્દ આપ્યા કરે છે એ મારાથી વિશેષ કોણ જાણી શકે? મનોમન મંથન કરતા તેઓ ફરી ઊંડા વિચારમાં સરી પડ્યા હતા.
*****************************
"અનુરાધા, ક્યાં છે તું? અનુરાધા.." ઘરમાં પ્રવેશતાની સાથે જ સીધો પોતાના રૂમ તરફ ઝડપભેર જતા ગિરિધર બોલ્યો હતો. ગિરિધરને આમ બેબાકળા થઈને રૂમ તરફ જતા એના મમ્મી જોઈ જ રહ્યા. મનમાં થોડો ઉણો ભાવ પણ જાગ્યો કે, મારી હાજરીની નોંધ પણ દીકરાએ ન લીધી એ અહેસાસની છાપ એમના ચહેરા પર સ્પષ્ટ નજર આવતી હતી, જે પૂજા કરતા ઉભી થતી અનુરાધાના ધ્યાનમાં આવી જ ગઈ હતી. સાસુમાના આવા વ્યક્તિત્વથી થોડું મન એમનું દુઃખી થયું હતું. બધું જ હંમેશની જેમ મનમાંથી દૂર ધકેલી પોતાની પૂજાની સામગ્રીને વ્યવસ્થિત ગોઠવી એ પણ તરત પોતાના રૂમ તરફ વળ્યાં હતા.
ગિરિધર રૂમમાંથી અનુરાધાને શોધતો બહાર આવી જ રહ્યો હતો ત્યારેજ અનુરાધા રૂમમાં પ્રવેશી ચુકી હતી. એને સામે આવતી જોઈ એણે રાહતનો શ્વાસ લીધો હતો.
"ગિરિધર અરે મારા પાગલ પ્રેમીપતિ! ક્યારેક ખરેખર મારી ચિંતામાં પાગલ થઈ જઈશ!" પોતાના બંને હાથને ગિરિધરના ગળામાં વીંટાળતાં પ્રેમથી એક હળવું ચુંબન કપાળ પર કરતા એ બોલી હતી.
"તને ફોન કર્યો એ તે ન ઉપાડ્યો, મને ચિંતા તો થાય ને! તું જાણે જ છે મને ખોટા વિચાર આવે!"
"હા, જાન! મને ખબર છે. પણ મારે આજ પૂજામાં થોડું મોડું થયું અને વળી ફોન રૂમમાં ભુલાઈ ગયો હતો. તમને જોઈને મને યાદ આવ્યું કે, હું ફોન રૂમમાં ભૂલી ગઈ. જરૂર તમે મને ફોન કરતા હશો અને મેં ઉપાડ્યો નહીં એમાં સીધા ઘરે જ આવી ગયા." હસતા હસતા અનુરાધા બોલી હતી.
"તને હસું આવે છે. મારો જીવ તારામાં અટકી ગયો હોય! તું ક્યારેય મારી પરિસ્થિતિ સમજે જ નહીં! એક તો તું પ્રેગ્નેન્ટ છે અને તને કઈ થયું હોય તો?..."ગમગીન અવાજે પોતાનો બળાપો ગિરિધરે ઠાલવ્યો હતો.
"અરે! શું તમે કઈ પણ બોલે છો? હજુ બે જ મહિના થયા છે, નવમો મહિનો બેસી ગયો હોય અને આવી ચિંતા થાય તો કંઈક વ્યાજબી લાગે."
"તને યાદ છે ને? પેલા જ્યોતિષે શું કહ્યું હતું! મને એ જ્યોતિષ પર પૂરો ભરોસો છે. એમનું કથ્ય ક્યારેય ખોટું પડ્યું નહીં."
"બસ...જાજુ ન વિચારો ચૂપ થઈ જાઓ."
*****************************
"અનુરાધા શું વિચારે છે? બહુ જાજુ ન વિચારો! બધું ઠીક થઈ જશે." ર્ડો. સુમનના શબ્દો અનુરાધાને ફરી વર્તમાનમાં ખેંચી લાવ્યા હતા.
"હા, એકવાર આસ્થા પૂર્ણ ભાનમાં આવી જાય એટલે શાંતિ."
"હા, આવી જશે. હવે થોડો જ સમય રાહ જોવ! ચાલો હું જાવ. મારે બધા પેશન્ટને ચેક કરી અને ઓપરેશનમાં પણ જવાનું છે. એ દરમિયાન એવું કઈ લાગે તો તમે બીજા ર્ડોક્ટરને બોલાવી લેજો જેથી આસ્થાને કોઈ તકલીફ ન થાય!"
ર્ડો. સુમન અને કલ્પ બંને પોતાના કામ પતાવવા ગયા અને અનુરાધા આસ્થા પાસે બેઠા હતા.
આસ્થા તરફથી રીસ્પોન્સ મળતાં હતા. એના હાથની આંગળીઓ આજે ઘડી ઘડી હલી રહી હતી. આજ એને પહેલી વખત પોતાનો પગ પણ સહેજ વાળ્યો હતો. એની બધી જ હલચલ પર અનુરાધા મીટ માંડીને બેઠા હતા. તેઓ ભગવાનને પ્રાર્થના જ કરી રહ્યા હતા કે, ઝડપથી આસ્થા સંપૂર્ણ ભાનમાં આવે! આમનેઆમ આજનો આખો દિવસ પણ પૂરો થઈ ગયો હતો.
નવો દિવસ અનેક આશાઓ સાથે બધાના જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યો હતો. અનુરાધાને આજે એવું મનમાં થતું હતું કે, આજ કોઈક ચમત્કાર અવશ્ય થશે! આજે જરૂર આસ્થા ભાનમાં આવશે જ! આસ્થાને એકલી મુકવી નહોતી, આથી અનુરાધાએ કલ્પને ફોન કરી કહ્યું, "તું થોડીવાર આસ્થા પાસે રહે તો હું ગણેશજીની પૂજા કરી લઉં!"
અનુરાધા હોસ્પિટલમાં રહેલ ગણેશજીની પૂજા કરવા નીચે ગયા હતા. એમણે મનોમન પ્રભુને કોઈ સામગ્રી વગર ફક્ત મનના ભાવથી જ ભજ્યા હતા. આંખ એમની બંધ હતી અને તેઓ પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રભુને એકાગ્રચિત્તે ભજી રહ્યા હતા.
આ તરફ આસ્થામાં થોડો સળવળાટ થઈ રહ્યો હતો. આસ્થા સહેજ પોતાના હાથે ચાદરને એની મુઠ્ઠીમાં પકડી રહી હતી. એની હલચલમાં આવ્યો ફેરફાર કલ્પની નજરમાં આવતા એણે તરત નર્સને અને ર્ડોક્ટરને બોલાવી લીધા હતા. ર્ડો. સુમન ઓપરેશનમાં હતા આથી એમના સ્થાને બીજા ડોક્ટર હાજર થઈ ગયા હતા. અહીં આસ્થાના શ્વાસોશ્વાસ ખુબ ઝડપી થઈ ગયા હતા. હજુ આખો બંધ જ હતી પણ સમગ્ર શરીરમાં ચેતના જાગૃત થઈ ગઈ હતી એ ત્યાં ઉપસ્થિત બધા સમજી ચુક્યા હતા.
અનુરાધા પુરા ભાવથી આરતી કરી બાપાને ભજી રહ્યા હતા. આરતી પૂર્ણ થતા એમણે મનોમન બાપ્પાને કહ્યું, "હું હંમેશા કોઈ જ આશા વગર ફક્ત તમારી પૂજા કરું છું. મારી ભક્તિ મેં નીસ્વાર્થ જ કરી છે. આજ હું એ મારી ભક્તિના બદલે મારી દીકરીમાં પૂરતા પ્રાણ માંગુ છું. આ જીવ સાથે મૂર્છિત પડેલ મારી આસ્થામાં ચેતના આપી દે પ્રભુ! મારી ભક્તિને સ્વીકારી તારી હાજરીનો પરચો આપી દે પ્રભુ! મારી આસ્થાને સાચી સાબિત કરવા તું તારી હાજરી પુરાવી દે પ્રભુ.. તારી હાજરી પુરાવી દે!" આટલું કહેતા જ એમની આંખમાંથી આંસુ સરવા લાગ્યા હતા.
આસ્થાને જાણે એ આંસુનો સ્પર્શ થયો અને એનામાં ચેતના જાગી હોય એમ એની આંખ આજે પહેલી વાર ખુલી હતી. પોતાની મુઠ્ઠીની પકડમાં રહેલ ચાદરની પકડ એકદમ મજબૂત કરી એ સફાળી બેઠી થઈ અને જોરથી "મમ્મીમીમી..." શબ્દ બોલી ઉઠી હતી.
અનુરાધા મનને એ શબ્દનો ભાસ થયો અને એમણે આંખ ખોલી. તેમણે સીધી જ ICU રૂમ તરફ દોટ મૂકી હતી. સડસડાટ દોડતા પોતાની લાગણીની દોરીએ એ સીધા જ આસ્થા સામે ઉપસ્થિત થઈ ગયા હતા.
આસ્થાની આસપાસ બીજા લોકો હતા એની હજુ ખબર પડે એ પહેલા જ તેની નજર સમક્ષ પ્રથમ ચહેરો અનુરાધાનો જ ઉપસ્થિત થયો હતો. બંનેની દ્રષ્ટિ એકબીજા પર કેન્દ્રિત થઈ હતી. આંખમાંથી આંસુ બંનેના સરી રહ્યા હતા. બંને એકબીજાને મૌન રહી લાગણીથી સાંત્વના આપી રહ્યા હતા. અદભુત પ્રથમ મિલન બંનેનું કુદરતે કરાવ્યું હતું.
કોણ શું કહે? કઈ બોલે..એ કોઈને સમજાઈ રહ્યું નહોતું. કલ્પ અને ત્યાં ઉપસ્થિત નર્સ તથા ર્ડોક્ટરોએ ર્ડો. સુમનની સૂચના મુજબ આસ્થાને કોઈ માનસિક તાણ ન રહે એ માટે પ્રથમ પ્રશ્ન આસ્થા તરફથી થવા દેવાની સૂચના આપી હતી, જેનું પાલન તેઓ કરી રહ્યા હતા. જો બીપીમાં સાધારણ કરતા અત્યંત વધારો હોય તો જ એક ઈન્જેકશન આપવાનું હતું. પરંતુ ડોક્ટર ખુદ અચરજમાં હતા કે, આસ્થાને ભાનમાં આવતી વખતે બધું જ નોર્મલ હતું. આ ઘટના નરી આંખનો ચમત્કાર જ હતો.
મા અને દીકરી વચ્ચે થતી આપ-લે બધા જોઈ જ રહ્યા હતા. અનુરાધા હવે રૂમમાં અંદર પ્રવેશી રહ્યા હતા.
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻