હાર્દિક: કેમ છો મિત્રો! મજામાં? સ્વાગત છે ફરી એકવાર ‘ગીતા : સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’ પોડકાસ્ટ પર.
ગયા એપિસોડમાં આપણે જોયું કે આપણા હીરો ‘અર્જુન’નું ફ્યુઝ ઊડી ગયું હતું. ભાઈ ફુલ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને છેલ્લે હાથ ઊંચા કરી દીધા કે - "કૃષ્ણ, હવે તું જ કે મારે શું કરવાનું?"
આજે આપણે ત્યાંથી જ ગાડી આગળ વધારવાની છે. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે - શાસ્ત્રીજી. વેલકમ શાસ્ત્રીજી!
શાસ્ત્રીજી: જય શ્રી કૃષ્ણ હાર્દિકભાઈ.
હાર્દિક: શાસ્ત્રીજી, હવે મને એમ કહો કે અર્જુને સરેન્ડર કર્યું, એટલે કૃષ્ણએ શું કર્યું? મને તો એમ લાગે છે કે કૃષ્ણએ એને ઊભો કરીને બે-ચાર લાફા માર્યા હશે અથવા મોટિવેશનલ સ્પીકરની જેમ કહ્યું હશે કે - "યૂ કેન ડુ ઇટ! કમ ઓન અર્જુન!"
શાસ્ત્રીજી: ના હાર્દિક, એવું કશું જ નથી થતું. ઉલટું, અર્જુન રડતો હતો અને કૃષ્ણ હસતા હતા. ભગવાન પહેલા તો અર્જુનની મજાક ઉડાવે છે અને પછી એકદમ ભારે ટોપિક પર વાત શરૂ કરે છે. એ ટોપિક એટલે - સાંખ્ય યોગ.
હાર્દિક: સાંખ્ય યોગ? એટલે ગણિત? યાર આ તો બોરિંગ નહીં થઈ જાય? આપણે તો એક્શનની રાહ જોતા હતા અને આ તો અહીં લેક્ચર શરૂ થઈ ગયું!
શાસ્ત્રીજી: ધીરજ રાખ દોસ્ત. આ બોરિંગ નથી, આ 'Identity Crisis' (ઓળખનું સંકટ) નો ઉકેલ છે. કૃષ્ણ અર્જુનને પહેલો જ ડોઝ એ આપે છે કે - "અર્જુન, તું કોના માટે રડે છે? આ શરીર માટે? પણ તું શરીર તો છે જ નહીં!"
હાર્દિક: હેં? હું શરીર નથી? તો હું શું છું? આ જિમમાં જઈને જે બાઈસેપ્સ બનાવ્યા, આ વાળમાં જે જેલ નાખી, એ બધું શું? જો હું શરીર જ ના હોવ, તો પછી આટલો ખર્ચો કોના પર કરું છું?
શાસ્ત્રીજી: બસ, આ જ તો આજની સમસ્યા છે. જો એક સાદું ઉદાહરણ આપું.
તું કાર ચલાવે છે?
હાર્દિક: હા, હમણાં જ નવી લીધી.
શાસ્ત્રીજી: સરસ. હવે જો તારી કારને સ્ક્રેચ પડે, તો તું દુઃખી થાય?
હાર્દિક: અરે જીવ બળી જાય હો સાહેબ!
શાસ્ત્રીજી: બરાબર. તું દુઃખી થાય, પણ શું તું એમ કહે કે "મને સ્ક્રેચ પડ્યો"?
હાર્દિક : ના
શાસ્ત્રીજી : તું એમ કહે કે "કારને સ્ક્રેચ પડ્યો".
કેમ? કારણ કે તને ખબર છે કે ડ્રાઈવર (તું) અને કાર (સાધન) બંને અલગ છે.
કૃષ્ણ અર્જુનને અને આપણને આ જ સમજાવે છે: આ શરીર એક વાહન (Vehicle) છે અને તું (આત્મા) એનો ડ્રાઈવર છે.
ગીતામાં શ્લોક છે:
દેહિનોડસ્મિન યથા દેહે કૌમારં યૌવનં જરા... (૨.૧૩)
હાર્દિક: એટલે શું?
શાસ્ત્રીજી: એટલે કે, જેમ આ શરીરમાં બાળપણ આવે, પછી જુવાની આવે અને પછી ઘડપણ આવે... આ અવસ્થાઓ બદલાય છે, પણ જે જોનારો છે - 'તું' - એ તો એવો ને એવો જ રહે છે ને?
હાર્દિક, તું ૫ વર્ષનો હતો ત્યારે જે 'હાર્દિક' (તારું અસ્તિત્વ) હતો, એ જ અત્યારે છે ને? તારું શરીર બદલાઈ ગયું, પણ તારી Feeling of 'I' (હું હોવાનો ભાવ) બદલાયો?
હાર્દિક: વાત તો સાચી... હું તો એ જ છું, ખાલી હવે દાઢી આવી ગઈ છે અને ટાલ પડવાની તૈયારી છે!
શાસ્ત્રીજી: અને હજી એક સ્ટેપ આગળ જઈએ. કાર હોય તો એનું સ્ટીયરિંગ અને બ્રેક હોય ને?
હાર્દિક: હા તો જ ચાલે ને.
શાસ્ત્રીજી: તો આપણા શરીરની કારમાં 'ઇન્દ્રિયો' (Senses) એ ટાયર છે અને 'મન' (Mind) એ સ્ટીયરિંગ છે.
ઘણીવાર એવું થાય છે કે ડ્રાઈવર (આત્મા) ને સીધું જવું હોય, પણ સ્ટીયરિંગ (મન) હોટલ બાજુ વળી જાય - કેમ? કારણ કે પીઝાની સુગંધ આવી!
હાર્દિક: અરે શાસ્ત્રીજી! આ તો રોજનું છે. ડાયેટ ચાલુ હોય ને પાણીપુરીની લારી દેખાય એટલે બ્રેક વાગી જ જાય.
શાસ્ત્રીજી: બસ, ત્યાં જ ડ્રાઈવરની પરીક્ષા છે. જો તું શરીર હોત, તો તારે પાણીપુરી ખાવી જ પડે. પણ તું આત્મા છે, એટલે તું 'ના' પાડી શકે છે. તું કંટ્રોલ કરી શકે છે.
હાર્દિક: ઓકે, લોજિક સમજાયું. પણ સાહેબ, આત્મા અમર છે એ સાંભળવામાં સારું લાગે, પણ સાચું કહું તો મોતની બીક તો લાગે જ ને? અર્જુનને પણ એ જ ડર હતો ને કે મારા સગા મરી જશે?
શાસ્ત્રીજી: હા. એટલે કૃષ્ણ ત્યાં એક જબરદસ્ત ઉદાહરણ આપે છે. કદાચ દુનિયાનું સૌથી ફેમસ ઉદાહરણ.
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય... (૨.૨૨)
મતલબ: જેમ માણસ જૂના ફાટેલા કપડાં કાઢીને નવા કપડાં પહેરે છે, બસ એમ જ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે.
હાર્દિક: એટલે મૃત્યુ એટલે ખાલી 'કપડાં બદલવા'?
શાસ્ત્રીજી: હા, અથવા આજના જમાના પ્રમાણે કહું તો - "સોફ્ટવેર અપડેટ".
તારો મોબાઈલ જૂનો થઈ જાય, હેંગ થાય, સ્ક્રીન તૂટી જાય... તો તું શું કરે? સિમ કાર્ડ અને ડેટા કાઢીને નવા ફોનમાં નાખે ને?
બસ, આત્મા એ 'સિમ કાર્ડ' છે. શરીર એ 'હેન્ડસેટ' છે. મૃત્યુ એટલે Termination નથી, મૃત્યુ એટલે Transfer છે.
હાર્દિક: વાહ બાપુ! આ મોબાઈલ વાળા ઉદાહરણથી મગજમાં ઉતરી ગયું. એટલે આપણે ખોટા હેન્ડસેટ માટે રડીએ છીએ, સિમકાર્ડ તો સેફ જ છે!
હાર્દિક: હવે શાસ્ત્રીજી, થોડું પ્રેક્ટિકલ પૂછું. આજે ઇન્સ્ટાગ્રામ પર જે ચાલે છે એનું શું? આજની જનરેશનને 'આત્મા' કરતા 'કાત્મા' (કાચમાં દેખાતું શરીર) ની વધારે ચિંતા છે. જો ફોટામાં લાઈક ન આવે તો ડિપ્રેશન આવી જાય. કોઈ કાળું કહે તો ખોટું લાગી જાય. આનું શું કરવું?
શાસ્ત્રીજી: આ બહુ ગંભીર વિષય છે હાર્દિક. ગીતા આને "દેહાભિમાન" (શરીર હોવાનું અભિમાન) કહે છે.જ્યારે તમારી આખી ઓળખ (Identity) તમારા લુક પર આધારિત હોય, ત્યારે તમે દુઃખી થવાના જ છો. કેમ? કારણ કે લુક તો જવાનો જ છે. આજે તમે બહુ હેન્ડસમ છો, પણ ૨૦ વર્ષ પછી? કરચલીઓ પડવાની જ છે.
લોકો બટોક્સ કરાવે છે, સર્જરી કરાવે છે - કેમ? કારણ કે એમને સ્વીકારવું નથી કે "હું બદલાઈ રહ્યો છું".
હાર્દિક: હા હો! પેલી "એન્ટી-એજિંગ" ક્રિમવાળા તો ગજબ લૂંટે છે. મતલબ કે આપણે આપણી વેલ્યુ ચામડીના કલર અને ટાઈટનેસ પર નક્કી કરી લીધી છે?
શાસ્ત્રીજી: એકદમ સાચું. ગીતા કહે છે - તમારી સાચી ઓળખ તમારા વિચારો, તમારું ચારિત્ર્ય અને તમારો આત્મા છે.
જે માણસ સમજી જાય કે "હું આ પેકિંગ (શરીર) નથી, પણ અંદરની પ્રોડક્ટ (આત્મા) છું", તેને ધોળા વાળ આવવાથી કે જાડા થવાથી ફરક નથી પડતો. એ હંમેશા કોન્ફિડન્ટ રહે છે.
હાર્દિક: ચાલો હવે થોડા અટપટા સવાલો ફેંકું છું. ઓડિયન્સના પણ ઘણા પ્રશ્નો છે. તૈયાર?
જો આત્મા અમર હોય, તો કોઈ મરી જાય ત્યારે આપણે રડવું જોઈએ કે નહીં?
શાસ્ત્રીજી: લાગણી છે એટલે રડવું આવે, એ સ્વાભાવિક છે. પણ ગીતા કહે છે - સમજણ સાથે રડવું. દુઃખ એ વાતનું હોય કે હવે આ વ્યક્તિ સાથે વાત નહીં થાય, પણ એ વાતની શાંતિ પણ હોવી જોઈએ કે "એનો નાશ નથી થયો, એની યાત્રા આગળ વધી છે." રડવું એ પ્રેમ છે, પણ ભાંગી પડવું એ અજ્ઞાન છે.
હાર્દિક: બાપુ, તમે કહ્યું હું શરીર નથી. પણ જો મને કોઈ ચીમટી ભરે તો દર્દ તો થાય છે ને? જો હું આત્મા હોવ તો મને વાગવું ના જોઈએ ને?
શાસ્ત્રીજી: બહુ સારો સવાલ છે. જો, તારી ગાડીને કોઈ પથ્થર મારે તો ગાડી પર સ્ક્રેચ પડે, પણ અંદર બેઠેલા તને 'અવાજ' સંભળાય અને 'આંચકો' લાગે ને?
દર્દ એ શરીરની સિસ્ટમ છે જે બ્રેઈન સુધી સિગ્નલ પહોંચાડે છે. તને દર્દની ખબર પડે છે, પણ તું દર્દ નથી.
જ્યારે ડોક્ટર ઓપરેશન કરે અને એનેસ્થેસિયા આપે, ત્યારે શરીર તો ત્યાં જ છે, પણ તારું કનેક્શન કપાઈ જાય છે એટલે દર્દ નથી થતું. મતલબ કે તું દર્દનો સાક્ષી (Observer) છે, ભોગવનાર નહીં.
હાર્દિક: જો હું શરીર નથી, તો શું મારે શરીરનું ધ્યાન નહીં રાખવાનું? જિમ નહીં જવાનું? પીઝા-બર્ગર ઝાપટવાના?
શાસ્ત્રીજી: (હસે છે) ના રે ના! ગાડી તું નથી, પણ ગાડીની સર્વિસ તો કરાવવી પડે ને? તો જ લાંબી ચાલે.
શરીર એ સાધન છે. એને સ્વસ્થ રાખવું એ તારી ફરજ છે. પણ ગાડીને જિંદગી માની લેવી અને આખો દિવસ ગાડી લૂછ્યા કરવી - એ મૂર્ખામી છે. Fitness is good, vanity is bad.
હાર્દિક: આ થોડો રોમેન્ટિક સવાલ છે. લોકો કહે છે "સાત જન્મોનો સાથ". તો શું આવતા જન્મમાં મારી ગર્લફ્રેન્ડ કે વાઈફ એ જ રહેશે? કે પછી સિમકાર્ડ બીજા કોઈ કંપનીના મોબાઈલમાં જતું રહેશે?
શાસ્ત્રીજી: (હસીને) હાર્દિક, તારી ચિંતા વ્યાજબી છે! જો, આત્માનો કોઈ જેન્ડર (Gender) હોતો નથી. આજે જે પુરુષ છે એ કાલે સ્ત્રીના દેહમાં પણ હોઈ શકે.
આપણે ઋણાનુબંધ (Karmic Accounts) થી જોડાયેલા છીએ. એટલે એ જ આત્માઓ ફરી મળી શકે છે, પણ રોલ બદલાઈ શકે. પત્ની કદાચ મિત્ર બનીને આવે, અથવા દુશ્મન બનીને પણ આવે! એટલે ગીતા કહે છે - અત્યારના સંબંધો સાચવી લો, આવતા જન્મનું સસ્પેન્સ રહેવા દો!
હાર્દિક: મને કેવી રીતે ખબર પડે કે હું આત્માના લેવલ પર જીવું છું કે શરીરના?
શાસ્ત્રીજી: જ્યારે તને નાના-નાના અપમાન, શારીરિક તકલીફો કે દેખાવની ટીકાઓ પરેશાન કરવાનું બંધ કરી દે, અને તું અંદરથી સ્થિર રહેવા લાગે... ત્યારે સમજવું કે તું આત્માની નજીક છે. ગીતા આને "સ્થિતપ્રજ્ઞ" કહે છે.
હાર્દિક: ઓ હો હો... શાસ્ત્રીજી આજની વાત તો સોફ્ટવેર હલાવી નાખે એવી હતી
.
એટલે સારાંશ એ છે કે:
૧. આપણે ડ્રાઈવર છીએ, શરીર ગાડી છે અને ઈન્દ્રિયો (Senses) એ તોફાની ટાયર છે.
૨. મૃત્યુ એટલે ખાલી ડ્રેસ ચેન્જ કરવો.
૩. ફિલ્ટર અને મેકઅપ ઉતરી જાય તો ગભરાવું નહીં, કારણ કે અસલી માલ (આત્મા) અંદર છે.
શાસ્ત્રીજી: એકદમ પરફેક્ટ હાર્દિક!
અને શ્રોતાઓ માટે આજની એક એક્સરસાઇઝ છે
આજે અરીસા સામે ઊભા રહીને તમારી જાતને જોજો. અને વિચારજો - "આ દેખાય છે એ હું છું? કે આની પાછળ જે બોલે છે, જે વિચારે છે - એ હું છું?"
તમારી ઓળખ (Identity) તમારા બાયોડેટામાંથી નહીં, પણ તમારા સ્વભાવમાંથી શોધજો.
હાર્દિક: વાહ! તો મિત્રો, અરીસા સાથે વાત કરી લેજો.
આવતા એપિસોડમાં આપણે વાત કરીશું - કર્મયોગ વિશે.
આપણે કામ કરવાનું, પણ ફળની આશા નહીં રાખવાની? તો પછી કામ કરવાની મજા શું આવે યાર? બોસ પગાર ના આપે તો ચાલે?
આવા અઘરા સવાલો લઈને હું આવીશ આવતા અઠવાડિયે.
ત્યાં સુધી, તમારી અંદરના આત્માને રાજી રાખજો! જય શ્રી કૃષ્ણ!
શાસ્ત્રીજી: જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.