Rup Lalana - 2.4 in Gujarati Women Focused by Bhumika Gadhvi books and stories PDF | રૂપ લલના - 2.4

Featured Books
Categories
Share

રૂપ લલના - 2.4

ઓક્ટોબરની રાત બાર વાગ્યા ની આસપાસ જાણે એક નિરવતા પથરાયેલી હોય છે. હવામાં હળવો શિયાળો પહેલી વાર પોતાનું સ્પર્શ કરાવવા આવતો અનુભવાય છે. જાણે કોઈ અંતરંગ મિત્ર ચુપચાપ ખભા પર હાથ રાખે તેમ. ચાંદની આકાશમાં ધીમી, પણ તેજસ્વી લાગી રહી છે. તેની રોશની જમીન પર પથરાઈ રહી છે, વૃક્ષોના પાંદડાં પર ચાંદીની ની પરત ચમકી રહી છે.
       
       હાઇવે ના એક ખૂણેથી આવતા પવનની સરસર માં જાણે કોઈ જૂની કવિતા ગુંજે છે, જેમ ક્યારેક સ્મૃતિમાં હૃદય નું કોઈ જૂનું દ્વાર ખખડે અને હૃદયમાં કોઈ અધૂરી લાગણી જાગે. શહેરની ધમાલ થોડી થંભી ગયેલી છે. લાઈટો કદાચ ઊંઘમાં ડૂબી ગઈ હોય તેમ સ્થિર અને અચેતન છે. પણ આ રાત… એ તો જીવંત છે અને એટલે જ ધીમી ગતી થી ઘેરાતી જાય છે. છતાં ભાવનાઓથી, સંવેદનાઓ થી, યાદોથી, અને ચાંદનીની નરમાશ થી એવું પ્રતીત થઈ રહ્યું છે કે આ ઓક્ટોબરની રાત જાણે થોડી પળ માટે સ્થિર થઈ ગઈ હોય, અને શાંત પણે પોતાના હૃદયની વાત સાંભળવા આમંત્રણ આપતી હોય.

       હવા થોડી ઠંડી, રસ્તો લાંબો ને સન્નાટા થી ભરેલો. હાઈવેની બાજુએ પીળી પડીંગયેલી લાઈટો જાણે કોઈ અધૂરા સ્વપ્નની જેમ ધૂંધળી થતી જાય છે. આ શાંત રાતમાં હાઇવે ના કિનારે એક 33- 34 વર્ષ નો દેખાતો એક યુવાન બેઠો છે. તેના ચહેરા પર થાક છે, પણ સાથે એક ઊંડું મૌન, એવું મૌન જે માણસને તેની અંદર સુધી ખંખેરી નાખે. હાથ માં મોબાઇલ છે અને ખાલી સ્ક્રીન, જેને તે વારંવાર જુએ છે, પણ કોની રાહ જુઓ છે, એ ફક્ત તેને જ ખબર.

       પવન તેના વાળને આમ તેમ ફંગોળી રહ્યો છે.
જાણે રાત તેની પીડા વાંચવા પ્રયત્ન કરી રહી છે.તેની આંખોમાં એક અજાણી ચમક છે જાણે જીવનના રસ્તાઓ એ તેને ઘણું શીખવ્યું હોય,પણ આજે… આ રાતે…તે માત્ર થોડી ક્ષણો માટે થંભી ગયો છે. હાઈવેની લંબાઈ જેવા જ તેના વિચારો પણ ક્યાંક દૂર સુધી ખેંચાતાં જાય છે. કોઈ ખોવાયેલી યાદ, કોઈ અધૂરો સંબંધ, અથવા કોઈ નિર્ણય જે લેવાનો સમય કદાચ આવી ગયો છે.

       આ ઓક્ટોબરની ઠંડી રાત, હાઈવે નો શૂન્ય રસ્તો અને આ યુવાન ત્રણે મળીને જાણે એક નિરવ કવિતા બની ગયા હોય એમ લાગે છે. ત્યાં જ
દૂર અંધારામાંથી એક છાયા ધીમે ધીમે તે યુવાન ની નજીક આવી રહી છે. પગરવ નો અવાજ એવો જાણે કે કોઈ રાત્રિના ગહન અભ્યાસ અને આદત વાળી સખી. એ છાયા નજીક આવી તો સ્પષ્ટ થયું કે એ એક યુવતી હતી. વય કદાચ 30- 32 ની આસપાસ હોય શકે, ચહેરા પર થોડી કર્કશ થાકેલી રેખાઓ પણ આંખોમાં અજાણી ચમક.

       એ એવી યુવતી હતી જેના જીવનનો રસ્તો
સમાજે વારંવાર અવરોધ્યો હતો. શરીરનો વ્યાપાર કરતી પણ દિલમાં ક્યાંક હજી માનવતા અકબંધ હોય એવું લાગે છે. યુવતી ધીમે ડગલે પેલા યુવાન પાસે પહોંચી, એક પળ માટે તેણે યુવાનને ઉપરથી નીચે સુધી જોયો જાણે કે કોઈ મોટી સાયકોલોજિસ્ટ હોય,અને હળવું કર્કશ હસીને તે યુવક તરફ હાથ લંબાવતા બોલી,.....

ઓયે ચિકને એક સિગરેટ દેના.. આજકી રાત બડી બોરિંગ હૈ. 
પેલા યુવાને આંખ ઊંચી કરી, યુવતીના ચહેરા પર કઠિનાઈ ઓની આડી-ઉભી લાઈનો સ્પષ્ટ દેખાતી હતી, પણ તેમાં કોઈ આગ્રહ ન હતો માત્ર થાક અને થોડી માનવીય જરૂરિયાત હતી.

       તે યુવતી યુવાનની બાજુમાં આવીને થોડું અંતર રાખી બેસી ગઈ. ખોળામાં ખભાથી ઉતારેલું પર્સ મૂક્યું,ને પવનથી ઊડતા વાળને પોતાના ચહેરા ઉપરથી સરખા કરતા બોલી,.... 

અરે ઓયે તુજે સુનાઇ તો દેતા હૈ ના યા મેં ઈશારે સે બતાઉ? બહોત તલબ લગી હૈ જલદી સે સિગરેટ દે. હવે યુવતીના ટોનમાં સ્પષ્ટ આગ્રહ પૂર્વક ની માંગણી હતી.

યુવાન થોડો સ્તબ્ધ થઈ ગયો. આવી રાતે, આવી જગ્યા પર, આવી નિર્ભીક અને આટલીઆગ્રહ કરતી માંગણી કરતી યુવતી ? પણ એણે વધારે કંઈ સમજવાની કે જાણવાની તસ્તી ન લીધી, એણે ધીરે થી પોતાના ખિસ્સામાંથી સિગરેટ કાઢી
અને તેની તરફ ધરી. એકજ પળ માટે બંનેની આંખો મળી અને ફરીથી યુવાને નજર નીચી કરી લીધી.

       યુવતીએ સિગરેટ લીધી, એક પળમાં એણે યુવાનની આંખોની ઊંડાઈ માપી લીધી હોય તેમ પોતાના પર્સમાંથી લાઇટર કાઢીને સિગરેટ સળગાવી એક કસ લેતા બોલી.....
    
ખુદ સે ભાગ રહા હૈ, યા કિસીને તુજે અપની જિંદગી મેં સે ભુલા દિયા હૈ? તું ભી ઇસ રાત કે જેસા ગહેરા ઓર અંધેરે સે ભરા ભરા લગતા હૈ. યુવતી એક ઊંડો શ્વાસ છોડતા બોલી.

       તે યુવાન હજી ચૂપ જ બેઠો છે. ઠંડી હવા, ઓક્ટોબરની ઠંડી અને તેની વચ્ચે અચાનક જન્મેલો અજાણ્યો, નિઃશબ્દ સંબંધ.

       યુવાને સહેજ નજર ઊંચી કરી…....
અને પહેલી વાર એ યુવતી સંપૂર્ણ રીતે તેની નજરમાં આવી......

       હાઈવેની પીળી લાઇટ તેના ચહેરા પર પડી રહી હતી, પણ તેના કરતા ચાંદની ના તેજ થી તેનો ચહેરો વધારે ચમકીનેહ્યો હતો. યુવતી ન તો કોઈ સામાન્ય સ્ત્રી હોય તેવી દેખાતી હતી કે ન તો કોઈ જાજરમાન વ્યક્તિત્વની એનામાં છાયા હતી. એની અંદર ક્યાંક દરાર હતી અને ક્યાંક બહાદુરી. બન્ને એકસાથે દેખાતા હતા. તેની આંખો… બહુ થાકી ગયેલી દેખાતી હતી, જાણે ઘણી રાતો થી એ ધરાઈને ઉંઘી જ નથી, પણ છતાં તેમાં કંઈક એવી અજાણી ઊંડાઈ છે કે માણસ થોડા સેકંડ માટે સ્થિર થઈ જ જાય.

       વાળની લટો હવાની સાથે આમ તેમ અસ્તવ્યસ્ત ઊડી રહી છે, જાણે રાત તેને પોતાના તરફ ખેંચી રહી હોય. મેકઅપ ની ઝાંખી લાઈન ચહેરા પર ફંગોળાતી વાળની લટો પાછળથી દેખાતી હતી. એના ગાલ પર થોડી થાકની છાયા, પણ હલકું સ્મિત, એક એવું સ્મિત જે શોરથી નહીં, દર્દમાંથી જન્મે છે. એનાં કપડાં પણ ચમકદાર, તેને જોતા જ જણાય કે જીવનના રસ્તાઓ તેના માટે સરળ નહીં હોય પણ એ એવી રીતે અડીખમ ઉભી રહી હશે કે
 દુનિયાની મુશ્કેલીઓ એ તેને અનેક ક્ષતિઓ તો પહોંચાડી છે પણ તોડી શકી નથી.

       યુવાને જ્યારે તેને પહેલી વાર નજર કરીને જોઈ તો તેને એક પળ માટે સમજ ન પડી કે એને શું જોવા મળ્યું....
દર્દ?
દમદાર હિંમત?
કે ફક્ત એક એકલી સ્ત્રી? જેની નજર એવી પારખું હતી કે બીજા એકલા માણસને ક્ષણવાર માંજ ઓળખી લે.
એ યુવતીની આંખો તે યુવાનને જોઈ રહી હતી,
ન સોહામણી બનવા માટે… કે નતો સહાનુભૂતિ માંગવા માટે…
માત્ર એટલા માટે કે, એ રાતે, એ રસ્તે,
બન્ને કોઈક રીતે એકસરખા તૂટેલા હતા.

                               ક્રમશઃ...................