⚠️ જાહેર ચેતવણી અને ખુલાસો ⚠️
“આ નવલકથાના મૂળિયાં માત્ર ને માત્ર લેખકની કલ્પનામાં રોપાયેલા છે. આમાં આવતા પાત્રો, ગામના નામ કે ઘટનાઓને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે વાસ્તવિક ઈતિહાસ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નથી. સાણથલી ગામ કે પાત્રો જો કોઈ વાસ્તવિક વ્યક્તિ સાથે મળતા આવે, તો તેને માત્ર કુદરતી સંજોગ ગણવો. આ સત્ય ઘટના નથી, પણ સત્યની નજીક પહોંચવાની એક સર્જનાત્મક કોશિશ છે.”
અર્પણ :
પંચાળની એ ધીંગી ધરાને, જ્યાં પથ્થરોમાં પણ પ્રાણ છે,
અને એ દરેક અસવારને, જેના પગ ભલે તૂટ્યા હોય, પણ હોંસલા અડગ છે.
ભાગ ૧: પંચાળનો શૂરવીર
સમય: એપ્રિલ, ૧૯૯૯
સ્થળ: સાણથલી ગામ, ચોટીલા ( પંચાળ પ્રદેશ )
"ચોટીલાના ડુંગરની પાછળથી સૂરજ દાદા ધીમે ધીમે આકાશની મધ્યમાં આવી રહ્યા હતા. પંચાળની ધરતી એટલે પથ્થરો અને ડુંગરાઓની ભૂમિ, જ્યાં ઉનાળો બેસે ત્યારે આકાશમાંથી જાણે અંગારા વરસતા હોય એવી લૂ વાય. પણ ૧૯૯૯ના એ સમયમાં ગરમીની કોઈને પરવા નહોતી, કારણ કે સાણથલી ગામના પાદરે આજે વાતાવરણમાં એક અલગ જ ગરમાવો હતો. એ વખતે હાથમાં રમાડવા માટે મોબાઈલ નહોતા, પણ ગામના પાદરે વાગતા રેડિયોના સમાચાર અને ઓટલે બેઠેલા વડીલોના ડાયરાથી આખું વાતાવરણ જીવંત હતું."
ગામના ચોરે આવેલા ઘટાદાર પીપળાના ઝાડ નીચે લોક-ડાયરો જામ્યો હતો. મોબાઈલ ફોન હજી ગામડા સુધી પહોંચ્યા નહોતા, એટલે લોકો એકબીજાના મોઢા જોઈને વાતો કરતા હતા, સ્ક્રીન જોઈને નહીં. ખાટલાઓ ઢળાઈ ગયા હતા, અને વડીલોના હાથમાં કસીયાની રકાબીઓમાં ચાના સબડકા બોલતા હતા.
ગામના મુખી મેરુભાએ હોકાની નળી મોઢેથી દૂર કરી ધુમાડાનો ગોટો કાઢતા કહ્યું, "એલા ભઈ, આજની શરત કાંઈ નાની-સૂની નથી હો! વાત આબરૂની છે. પેલા બાજુના ગામથી વિક્રમસંગ આવ્યો છે, અને સાંભળ્યું છે કે એની પાસે મશીન છે, મશીન!"
એક જુવાનિયાએ બીડી સળગાવતા ટાપસી પુરાવી, "હા બાપુ, મેં જોયું! કાળા રંગની નવી નક્કોર 'બુલેટ' છે. ફટ... ફટ... ફટ... અવાજ આવે એટલે ધરતી ધ્રુજે છે. એ કહેતો હતો કે ઘોડાનો જમાનો ગયો, હવે તો એન્જિનનો જમાનો છે."
મેરુભાની આંખમાં પંચાળનું પાણી ચમક્યું. એમણે મૂછે તાવ દીધો, "ભલે એની પાસે વિલાયતી એન્જિન હોય, પણ આપણી પાસે દેવાયત છે! દેવાયત જ્યારે 'પવન' પર સવાર થાય ને, ત્યારે એ જમીન પર નથી ચાલતો, વાદળો સાથે વાતો કરે છે. અરે, ઈ તો આપણો પંચાળનો શુરવીર છે!"
દ્રશ્ય બદલાય છે ગામની વચ્ચે આવેલી દેવાયતની જૂની પણ મજબૂત હવેલી પર.
ઘરના આંગણામાં લીમડાના ઝાડ નીચે એક ખૂંખાર કાઠિયાવાડી ઘોડો બાંધેલો હતો. નામ એનું 'પવન'. સફેદ રંગનો, પગમાં રૂપેરી તોડા અને ગળામાં મોતીની માળા. દેવાયત ઘોડાની પીઠ પર હાથ ફેરવી રહ્યો હતો.
૨૫ વર્ષનો દેવાયત. છ ફૂટની લોખંડી કાયા, ઘઉંવર્ણો વાન, ખભે રેશમી ચોરસો અને આંખોમાં એવો ખુમાર કે સામેવાળાની નજર નીચી થઈ જાય. તેણે સફેદ લિનનનું શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું - ૧૯૯૯ની ફેશન! કમરે ચામડાનો પટ્ટો અને પગમાં મોજડી.
રસોડામાંથી વઘારની એવી તો સોડમ આવી કે દેવાયતનું ધ્યાન ભટકાયું. જમનાબાએ અંદરથી સાદ પાડ્યો, "એ દેવા... ઘોડાને પછી પંપાળજે, પહેલાં પેટમાં બે કોળિયા નાખી લે. ટાણું થઈ ગયું છે."
દેવાયત હસીને રસોડામાં ગયો. ઓસરીમાં પાટલો ઢાળેલો હતો. સામે કાંસાની થાળીમાં જે પીરસાયું હતું, તે જોઈને કોઈ પણ કાઠિયાવાડી નો જીવ લલચાઈ જાય.
જમનાબાએ પ્રેમથી આગ્રહ કરતાં પીરસ્યું હતું. થાળીની વચ્ચે ગરમાગરમ બાજરાનો રોટલો, જે ચૂલા પર ટીપીને બનાવ્યો હતો અને ઉપર ગાયના શુદ્ધ ઘીનું તળાવ ભરેલું હતું. બાજુમાં માટીની તાવડીમાં બનાવેલો રીંગણનો ઓળો - લીલા લસણ, ડુંગળી અને આખા લાલ મરચાંનો એવો તો તીખો વઘાર હતો કે સુગંધથી જ ભૂખ ઉઘડી જાય. જોડે વાટકામાં ઘરનું જમાવેલું સફેદ માખણ, જેમાં સહેજ મીઠું ભભરાવેલું હતું. ખાટા અથાણાંની ચીરી અને ગોળનો ગાંગડો. અને હા, કાંસાના ગ્લાસમાં જીરું અને મીઠું નાખેલી ઠંડી છાશ!
દેવાયતે રોટલાનો બટકો તોડી, માખણ અને ઓળામાં બોળીને મોઢામાં મૂક્યો. સ્વાદની તૃપ્તિ તેના ચહેરા પર દેખાતી હતી.
"વાહ માડી વાહ! તારા હાથના ઓળામાં જે સ્વાદ છે ને, ઈ તો પેલા રાજા-મહારાજાના રસોડામાંય નહીં હોય," દેવાયતે છાશનો ઘૂંટડો ભરતા કહ્યું.
જમનાબા દીકરાની સામે પ્રેમથી જોઈ રહ્યા હતા. "ખાઈ લે મારા હાવજ! આજ તારે ગામનું નાક રાખવાનું છે. પેલો વિક્રમસંગ બહુ ફાટીને ધુમાડે ગયો છે. કહે છે કે ઘોડા હવે ખેતીમાં જ કામ લાગે."
દેવાયત જમીને ઉભો થયો. તેણે મોઢું લૂછ્યું અને માના પગે લાગ્યો. "માડી, જ્યાં સુધી પંચાળની ધરતી પર મારા જેવા અસવાર જીવે છે ને, ત્યાં સુધી ઘોડાની કિંમત બુલેટ કરતા તો વધારે જ રહેશે."
તેણે આંખે કાળા ચશ્મા ચડાવ્યા, માથે કેસરી સાફો બાંધ્યો અને બહાર નીકળ્યો. 'પવન' પર સવાર થઈને જ્યારે દેવાયત ડેલીની બહાર નીકળ્યો, ત્યારે આજુબાજુના ફળિયામાંથી બારીઓ ખુલી ગઈ. સ્ત્રીઓ અને બાળકો આ ‘શુરવીર' ને જોવા ઉમટી પડ્યા હતા.
ગામના સીમાડે આવેલા મોટા મેદાનમાં આજે મેળો જામ્યો હતો. આખું ગામ ઉમટી પડ્યું હતું. એક તરફ વડલા નીચે પંચાયત બેઠી હતી, અને બીજી તરફ જુવાનિયાઓ શરત જોવા આતુર હતા.
મેદાનની વચ્ચે વિક્રમસંગ પોતાની નવી નક્કોર, કાળા રંગની રોયલ એનફિલ્ડ બુલેટ પર બેઠા હતા. બુલેટનું ક્રોમ સૂરજના તડકામાં ચમકતું હતું. વિક્રમસંગે લીવર માર્યું અને ડગ... ડગ... ડગ... ડગ... અવાજે વાતાવરણ ગજવી મૂક્યું. ધુમાડાના ગોટેગોટા નીકળ્યા. વિક્રમસંગે હસીને મેરુભા સામે જોયું, "મુખીબાપા! હજી સમય છે, શરત પાછી ખેંચી લો. આ મશીન છે, મશીન! આને થાક ન લાગે."
ત્યાં જ દૂરથી ડાબલાનો અવાજ આવ્યો. ટબડક... ટબડક... ટબડક...
ધૂળની ડમરીઓ ઉડી અને તેમાંથી દેવાયત 'પવન' પર સવાર થઈને વીજળીની જેમ પ્રગટ થયો. ઘોડાની લગામ તેના ડાબા હાથમાં હતી અને જમણો હાથ હવામાં લહેરાતો હતો. તેણે ઘોડાને બરાબર વિક્રમસંગની બુલેટની બાજુમાં લાવીને ઉભો રાખ્યો. ઘોડાએ જોરથી હણહણાટી કરી અને આગળના બે પગ ઉંચા કર્યા.
દેવાયતે વિક્રમસંગની આંખમાં આંખ નાખીને કહ્યું, "વિક્રમભાઈ! મશીનને થાક ન લાગે સાચી વાત, પણ મશીન પાસે દિલ ન હોય. અને આ પંચાળ છે, અહીં દિલવાળા જીતે, દિમાગવાળા નહીં."
શરત નક્કી થઈ. ગામના તળાવથી શરૂ કરીને સામે દેખાતા ડુંગરની ટોચ પર આવેલા શિવ મંદિર સુધી પહોંચવાનું હતું. રસ્તો સીધો નહોતો. પહેલા કાચો રસ્તો, પછી નદીનું કોતર, અને છેલ્લે ડુંગરનો પથરાળ ચઢાણ.
મુખી મેરુભાએ હાથમાં લીલો રૂમાલ લીધો. "તૈયાર?"
વિક્રમસંગે બુલેટનું લીવર દબાવ્યું. એન્જિન ગરજ્યું.
દેવાયતે પવનની ગરદન પર થાપલી મારી. "તૈયાર!"
રૂમાલ નીચે પડ્યો અને સીટી વાગી!
પહેલા પાંચસો મીટરનો રસ્તો સીધો અને સપાટ હતો. વિક્રમસંગે લીવર ખેંચ્યું અને બુલેટ ગોળીની જેમ છૂટી. ડગ... ડગ... ડગ... કરતી બુલેટ આગળ નીકળી ગઈ. ધૂળની ડમરીમાં દેવાયત થોડો પાછળ રહી ગયો.
ગામના જુવાનિયાઓ બૂમો પાડવા લાગ્યા, "એ દેવા... જલ્દી કર! બુલેટ આગળ ગઈ!"
વિક્રમસંગ આગળ હતો અને પાછળ ફરીને હસ્યો. તેને લાગ્યું કે જીત તેની મુઠ્ઠીમાં છે. પણ દેવાયત શાંત હતો. તેને ખબર હતી કે આગળ શું આવવાનું છે.
જેવો સીધો રસ્તો પૂરો થયો અને નદીનું કોતર આવ્યું, ત્યાં બાજી પલટાઈ. કોતરમાં મોટા પથ્થરો અને રેતી હતી. વિક્રમસંગની બુલેટના પૈડાં રેતીમાં ખૂંપવા લાગ્યા. બુલેટનું બેલેન્સ જાળવવા વિક્રમસંગે સ્પીડ ધીમી કરવી પડી.
બસ, આ જ મોકો હતો!
દેવાયતે પવનને ઈશારો કર્યો. "હા...લ મારા બાપલિયા! હવે તારો વારો!"
“ધરતી ધ્રૂજે ને આભ હલે, જ્યારે આવે મારો અસવાર,
પવન વેગે ઘોડલો, જાણે વીજળીનો ચમકાર!”
પવન તો જાણે આની જ રાહ જોતો હતો. તેણે છલાંગ મારી. પથ્થરો પરથી પાણી વહે તેમ ઘોડો સડસડાટ દોડવા લાગ્યો. બુલેટ ધીમી પડી ગઈ હતી, અને ઘોડો ટબડક... ટબડક... કરતો તેની બાજુમાંથી વીજળીની વેગે પસાર થઈ ગયો. દેવાયતે પસાર થતી વખતે વિક્રમસંગ સામે જોઈને મૂછે તાવ દીધો.
હવે ડુંગરનો ચઢાણ હતો. વિક્રમસંગે બુલેટને પહેલા ગિયરમાં નાખી, એન્જિન ગરમ થઈ ગયું હતું. પણ પવન? પવનના શરીરમાંથી પરસેવો નીતરતો હતો, પણ તેની ગતિ ઓછી નહોતી થઈ. દેવાયત અને ઘોડો એકાકાર થઈ ગયા હતા. જાણે બે શરીર અને એક આત્મા!
મંદિરની ટોચ પર પહોંચીને દેવાયતે લગામ ખેંચી. ઘોડો થંભી ગયો. દેવાયત નીચે ઉતર્યો અને મંદિરનો ઘંટ વગાડ્યો - ટન... ટન... ટન...
ઘંટનો અવાજ નીચે ગામ સુધી સંભળાયો. આખું ગામ ગાજી ઉઠ્યું - "જીત્યો ભાઈ જીત્યો... પંચાળનો શુરવીર જીત્યો!"
વિક્રમસંગ થોડી વાર પછી હાંફતા હાંફતા બુલેટ લઈને ઉપર પહોંચ્યા. દેવાયતે તેમની સામે પાણીનો લોટો ધર્યો. "લ્યો પાણી પીવો વિક્રમભાઈ. મશીન ગરમ થઈ ગયું હશે, પણ અમારું લોહી તો હવે ગરમ થયું છે."
સાંજના આથમતા સૂરજના પ્રકાશમાં દેવાયત ડુંગર પર ઉભો હતો. કેસરી પાઘડી હવામાં લહેરાતી હતી. નીચે આખું ગામ તેની વાહ-વાહી કરતું હતું. દેવાયતને લાગ્યું કે તે દુનિયાનો રાજા છે. તેને શ્રદ્ધા હતી કે તેનો આ સમય ક્યારેય બદલાશે નહીં. તેને ક્યાં ખબર હતી કે આ તોફાન પહેલાની શાંતિ હતી. કાળચક્ર ફરવાની તૈયારીમાં હતું, અને આવતીકાલનો સૂરજ તેના જીવનમાં અમાસનું અંધારું લઈને ઉગવાનો હતો.
(ક્રમશ: ભાગ-૨ માં જુઓ - ગ્રહણ: સૂર્યનો અસ્ત)