વિશ્વમાં અનેક એવા સ્થળો છે જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતા હોય છે લોકોને પુરાતન સ્થળોની જાણકારી મેળવવાની ઉત્સુકતા હોય છે મોટાભાગનાં સ્થળો અંગે લોકો પાસે માહિતી હોય છે પણ કેટલાક એવા પ્રાચીન સ્થળો અને ઇમારતો અને બાંધકામ છે જે આજેય તેની આસપાસ રહસ્યનું આવરણ ઓઢીને અડીખમ ઉભા છે અને ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ, લેખકો, સંશોધકો અને વૈજ્ઞાનિકોને પડકાર આપી રહ્યાં છે તેમનો અભ્યાસ કરનારાઓ આ ઇમારતો અને બાંધકામોનો અભ્યાસ કરતા જ રહે છે પણ તેમને આ ઇમારતો કેમ બંધાઇ હશે તેમનો ઉપયોગ શો હશે તે અંગે કોઇ નક્કર આઇડિયા હાથ લાગતો નથી.આજે સદીઓ બાદ પણ એ સ્થળો એક પડકાર સમાન જ બની રહ્યાં છે.
ઇલિનોઇસની બહાર આવેલ કોલોન્સવિલેમાં આવેલા એક સ્થળનું નામ કેહોકિયા આમ તો ત્યાં આવેલા ઇન્ડિયન વસાહતીઓ દ્વારા અપાયું હતું.પુરાતત્વશાસ્ત્રીઓનાં મતે તેની સ્થાપના આશરે ૬૫૦ ઇ.સ.માં કરાઇ હશે.આ સ્થળનો ઉપયોગ ત્યાં રહેલા સમુદાયો પોતાના સ્વજનોની અંતિમક્રિયા માટે કરતા હોવાનું જણાય છે પણ આ સમગ્ર સ્થળ તે સમુદાય વિશિષ્ટ હોવાની શાખ પુરે છે.એક અનુમાન અનુસાર તે સમયે આ શહેરમાં લગભગ ૪૦૦૦૦ લોકોની વસ્તી હશે.આ વસાહતીઓ યુરોપિયનોએ અમેરિકામાં પગ મુક્યો તે પહેલા અહી આવીને વસી ગઇ હતી.કેહોકિયા આમ તો માટીનાં વિશાળ ટીલા ધરાવતું સ્થળ છે જે આશરે ૨૨૦૦ એકર જમીન પર વિખરાયેલા પડ્યા છે.તેની ટોચે તેમનાં મુખિયાનું રહેવાનું સ્થળ બાંધવામાં આવ્યું હોવાનું અભ્યાસ કહે છે.આ સાઇટ પર કેટલાક લાકડાનાં પણ બાંધકામ છે જેને સંશોધકોએ વુડહેન્જ નામ આપ્યું છે.આ કેહોકિયા સમુદાય અંગે સંશોધકો સતત શોધ કરી રહ્યાં છે અને નવી નવી માહિતી મેળવી રહ્યાં છે.આ સમુદાય ત્યાં આવીને કેવી રીતે વસ્યો હતો અને તેમણે કેમ આ સ્થળનો ત્યાગ કરી દીધો તે એક સૌથી મોટું રહસ્ય છે.
આયરલેન્ડમાં આવેલ ન્યુગ્રેન્જને પ્રાગૈતિહાસિક સ્થળ માનવામાં આવે છે જેનું બાંધકામ આશરે ૩૧૦૦ ઇ.સ.પુ. કરવામાં આવ્યું હતું આ કામગિરી ઇજિપ્તમાં પિરામીડોની રચના કરાઇ તેના એક હજાર વર્ષ પહેલા કરાઇ હતી.આ બાંધકામ આમ તો એક મકબરાનું છે જે માટી, લાકડા, પત્થરો દ્વારા બનાવવામાં આવ્યું હતું.આ કબર વોટરપ્રુફ છે અને તેનું પ્રવેશદ્વાર સુર્યની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું.અહી વર્ષનાં દરેક દિવસે સુર્યનો પ્રકાશ પહોંચતો રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.પુરાતત્વશાસ્ત્રીઓ માને છે કે ન્યુગ્રેન્ગનો ઉપયોગ એક મકબરા તરીકે થતો હતો પણ તે વાત આજે પણ એક રહસ્ય જ છે.પણ તેનું બાંધકામ જે રીતે સુર્યની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીન કરાયું છે તે બાબત આ સ્થળને વધારે રહસ્યાત્મક બનાવી જાય છે કારણકે તેનું એ પ્રકારનું બાંધકામ કેમ કરાયું છે તે આજે પણ સંશોધકોને માથુ ખંજવાળવા માટે મજબૂર કરી દે છે.
જાપાનમાં યોનાગુની કરતા વધારે પ્રાચીન કોઇ સ્થાપત્ય નથી.આ સ્થળ પાણીનાં પેટાળમાં રયુકુ ટાપુનાં કિનારાની નજીકનાં કિનારે આવેલું છે જેમાં પત્થરોની બાંધણી જોવા મળે છે.આ સ્થળની શોધ ૧૯૮૭માં હેમરહેડ શાર્કની શોધમાં આવેલા ડાઇવરો દ્વારા કરાઇ હતી.આ સાઇટ પર પત્થરો દ્વારા સંખ્યાબંધ બાંધકામ કરાયા છે.આ સાઇટ પર ત્રિકોણાકાર બાંધકામ છે જેને ધ ટર્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ સ્થળે આમ તો પાણીનો પ્રવાહ બહુ તેજ છે તેમ છતાં તે જાપાનમાં ડાઇવરો માટે શ્રેષ્ઠ સ્થળ મનાય છે.આમ તો આ સ્થળને પ્રાકૃતિક માનવામાં આવે છે કારણકે તેની રચના કોઇ મનુષ્યએ નહિ પણ કુદરતે તેના હાથે કરી હોવાનું સંશોધકો માને છે.વૈજ્ઞાનિકો માને છે કે પાણીનાં પેટાળમાં રહેલા ખડકો પર તેજ પાણીનાં સદીઓનાં ધસારાને કારણે આ સ્થળની રચના કાળક્રમે થઇ હશે કારણકે તે કોઇ બિલ્ડરનાં હાથે બનાવાયું હોવાની વાત શક્ય નથી.જો કે તેના પર જે રીતનાં કાપા, સાંધા અને કોર્નર મળે છે તે દર્શાવે છે કે તે કોઇ માનવીનાં હાથે જ રચાયા હશે.આ સ્થળે માનવીનાં મોઢાની પણ રચના જોવા મળે છે.જો કે આ જ બાબત એ પ્રશ્ન ઉભો કરે છે કે યોનાગુનીની રચના કોણે કરી હશે અને તેનો ઉદ્દેશ્ય શો હશે.
પેરૂનાં સુકા રણપ્રદેશમાં નાઝકા નામનાં સ્થળે નાઝકા લાઇન્સ નામે ઓળખાતી પ્રાચીન સાઇટ આવેલી છે જે તેના વિશાળ આકાર અને વિસ્તારમાં દોરાયેલા ચિત્રો અને લાઇનો માટે પ્રસિદ્ધ છે.આ લાઇનો અને ચિત્રોનો વિસ્તાર આશરે પચાસ માઇલનો છે.આ સ્થળની રચના ઇ.સ.પુ.૨૦૦ થી ઇસ.૭૦૦ સુધીનાં ગાળામાં થઇ હોવાનું મનાય છે.આ લાઇન્સનાં સર્જક નાઝકા ઇન્ડિયન્સ આદિવાસી સમુદાય હોવાનું સંસોધકો કહે છે.જો કે અહી વરસાદ વરસતો જ નહી હોવાને કારણે આ લાઇન્સ હજી આજેય સચવાયેલી રહી છે.કેટલીક લાઇન્સ તો ૬૦૦ ફુટની છે જેમાં છોડ, જંતુ અને પ્રાણીઓનાં ચિત્રો જોવા મળે છે.વૈજ્ઞાનિકોને એ વાતની જાણકારી છે કે આ ચિત્રોનું સર્જન કોણે અને કેવી રીતે કર્યુ છે પણ તે કેમ રચાઇ હશે તે આજે પણ તેમનાં માટે રહસ્ય જ છે.આમ તો નાઝકા સમુદાયે તેમનાં ધાર્મિક અનુષ્ઠાનો અને વિધિઓ માટે તેની રચના કરી હોવાનું કહેવાય છે.તેમનાં મતે તે સમુદાયે તેમનાં ભગવાન સ્વર્ગમાં રહીને તેમની આ ભેટને જોઇ શકે તે માટે તેમની રચના કરાઇ હશે.જો કે કેટલાક સંશોધકો તો એમ પણ માને છે કે આ સાઇટનો ઉપયોગ એક સમયે એરફીલ્ડ તરીકે કરાતો હતો ત્યારે તેમની પાસે ઉન્નત પ્રકારનું જ્ઞાન અને ટેકનોલોજી હોવાનું પણ પ્રતિપાદિત કરવાનો પ્રયાસ થયો છે.
જર્મનીમાં આવેલ ગોસેક સર્કલ ધરતી પરનું સૌથી રહસ્યાત્મક લેન્ડમાર્ક માનવામાં આવે છે.આ સ્થળનું બાંધકામ માટી, કાંકરા અને લાકડા વડે કરાયું છે જેમાં સુર્યની ગતિવિધિઓનું આલેખન કરાયું છે.આ ઘરનાં કેન્દ્રમાં ધુળનો એક ટેકરો બનાવવામાં આવ્યો હતો.આ સ્થળમાં ત્રણ પ્રવેશદ્વારો હતા.જે દક્ષિણ પુર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશાને નિર્દેશિત કરતા હતા.આ સ્થળની રચના ૪૯૦૦ ઇ.સ.પુ. કરાઇ હોવાનું મનાય છે.આ સ્થળની રચના નિયોલિથિક સમુદાય દ્વારા કરાઇ હોવાનું મનાય છે.આ સ્થળની રચના બહુ ધ્યાનપુર્વક કરાઇ છે જેને જોઇને લાગે છે કે તેમણે પ્રિમિટિવ સોલાર કે લ્યુનાર કેલેન્ડરની રચના માટે તેની રચના કરી હોવાનું સંશોધકો માને છે.જો કે તેનો ઉપયોગ કેવી રીતે થતો હશે તે હજુ પણ રહસ્યમય છે.એવું માનવામાં આવે છે કે પ્રાચીન યુરોપમાં સુર્યને માનનાર સમુદાય વસવાટ કરતો હશે.આ સ્થળનો ઉપયોગ ધાર્મિક વિધિઓ અને કદાચિત માનવબલિ માટે પણ કરાતો હોવાની માન્યતા છે.જો કે આ વાતને પુરવાર કરી શકાય નથી.જો કે સંશોધકોને એ સ્થળની દિવાલ બહાર અનેક માનવ કંકાલોનાં અવશેષ મળી આવ્યા હતા જેમનાં માથા તેમનાં ધડ પર ન હતા.
પ્રસિદ્ધ માચ્ચુપિચ્ચુની પાસે જ કોજકોની બહારનાં વિસ્તારમાં એક રહસ્યમય સ્થળ આવેલું છે સાકસાહ્યુમાન જેમાં દિવાલની ત્રણ શ્રેણીઓ બનાવાઇ છે.જો કે મજાની વાત એ છે કે આ દિવાલોમાં ૨૦૦ ટનનાં પત્થરો અને લાઇમસ્ટોનનો ઉપયોગ કરાયો છે.આ દિવાલોની રચના ઝીગઝેગ પેટર્નની જેમ કરાઇ છે.સૌથી લાંબી દિવાલ ૧૦૦૦ ફુટની છે જેની ઉંચાઇ લગભગ પંદર ફુટની છે.આ સ્થળ તેની રચનાનાં કાળક્રમની તુલનાએ સારી રીતે સચવાયેલું રહ્યું છે.આ સ્થળની આસપાસનાં વિસ્તારોમાં ભૂગર્ભમાં કેટલીક કબરો મળી આવેલ છે જેને ચિંકાનાસ તરીકે ઓળખવામાં આવે છે જેનો ઉપયોગ આ વિસ્તારમાં આવેલ અન્ય ઇન્કા સ્ટ્રકચર સુધી પહોંચવા માટે કરાતો હોવાનું મનાય છે.સંશોધકો માને છે કે આ દિવાલોની રચના રક્ષણનાં ઉદ્દેશ્ય માટે કરાઇ હશે.જો કે દિવાલ પર જે કેટલાક સંકેતો કોતરાયેલ મળી આવ્યા છે જે દર્શાવે છે કે તેનો કોઇ અલગ જ ઉપયોગ કરાતો હશે.જ્યાંથી કુઝકો શહેર દેખાય છે તે સ્થળની દિવાલની રચના દિપડાનાં માથા જેવી છે આ ઉપરાંત આ દિવાલોની રચના માટે જે કુશળતાનો ઉપયોગ કરાયો છે તે જોતા તેમની કાબેલિયત કેટલી હશે તે કલ્પનાતીત છે તેમણે કઇ રીતે આટલા વજનદાર પત્થરો એકબીજા પર ગોઠવ્યા હશે તે પણ એક સવાલ છે કારણકે આજની ટેકનોલોજી પણ તેમ કરવા માટે નાકાફી છે ત્યારે તે સમયે તેમણે કઇ રીતે આ કામ કર્યુ હશે તે એક સવાલ છે.
પેસેફિક આઇલેન્ડ પર આવેલ ઇસ્ટરનાં સ્ટેચ્યુ આજે પણ લોકો માટે રહસ્યમય છે.આ ટાપુ પર માનવીય મ્હોની આકૃત્તિનાં વિશાળ પત્થરોની શ્રેણી દુનિયાભરનાં સંશોધકો માટે એક વણઉકલ્યો સવાલ છે.આ સ્ટેચ્યુની રચના આશરે ૧૨૫૦થી ૧૫૦૦ની વચ્ચે કરાઇ હોવાનું મનાય છે.આ ટાપુ પર પ્રાચીન સમયે માનવ વસાહતનો વસવાટ હશે અને તેઓ પોતાના દેવતાઓની પુજા માટે તેનો ઉપયોગ કરતા હોવાનું મનાય છે.આ સ્ટેચ્યુની વિશેષતા તેનો માથાનો વિશાળ આકાર તેની મોટી નાક અને ચહેરા પર વિચિત્ર પ્રકારની ભાવભંગિમા તેમને વધારે રહસ્યમય બનાવી જાય છે.સંશોધકો અનુસાર લગભગ ૮૮૭ જેટલા સ્ટેચ્યુની રચના કરાઇ હશે પણ કાળક્રમે તેમાંથી મોટાભાગનાં નાશ પામ્યા હશે આજે ત્યાં ૩૯૪ સ્ટેચ્યુ ઉભા છે જેમાંથી સૌથી વિશાળની ઉંચાઇ ૩૦ ફુટની છે જેનું વજન ૭૦ ટન કરતા વધારે છે.આ સ્ટેચ્યુ હજી પણ અડિખમ ઉભા છે તે પણ એક રહસ્ય જ છે જો કે વૈજ્ઞાનિકો માને છે કે આ પુતળાઓની રચના આ સ્થળે જ નહોતી થઇ પણ ટાપુનાં વિવિધ વિસ્તારોમાં તે બનાવાયા હશે અને ત્યારબાદ અહી તેને ટ્રાંસફર કરાયા હશે.જો કે એક સમયે વસ્તી ધરાવતું સ્થળ કેમ આટલું વેરાન થઇ ગયું તે પણ એક સવાલ છે.
અમેરિકામાં આવેલ જર્યોજિયા ગાઇડસ્ટોન્સને અમેરિકન સ્ટોનહેન્જ તરીકે ઓળખવામાં આવે છે.આ સ્થળની રચના આર.સી.ક્રિસ્ટીયને કરી હોવાનું કહેવાય છે જે અહી ૧૯૭૯માં આવ્યો હતો.આ મુર્તિ પર આઠ અલગ અલગ ભાષાઓમાં વૈશ્વિક શાંતિની પ્રાર્થના કંડારાઇ છે.અમેરિકામાં આવેલા મોટાભાગનાં સ્મારકોમાં ગાઇડસ્ટોનને સૌથી વધારે વિવાદાસ્પદ માનવામાં આવે છે.તેના પર અનેક વખત હુમલાઓ પણ કરાયા છે.જો કે તેની રચના કેમ કરાઇ છે તે એક રહસ્ય છે જો કે ક્રિસ્ટિયનનાં મતાનુસાર તેને એક સ્વતંત્ર સંસ્થાન દ્વારા ત્યાં મોકલાયો હતો.જો કે તે સ્મારકની રચના પોતે કરી છે તેવો દાવો કોઇ સંસ્થા દ્વારા કરાયો નથી.આ સ્મારકની રચના જ્યારે કોલ્ડ વોર તેની ચરમકક્ષાએ હતું ત્યારે કરાઇ હતી.કેટલાક માને છે કે ત્યારે ન્યુક્લિયર યુદ્ધની સૌથી વધારે આશંકા રાખવામાં આવતી હતી અને આ યુદ્ધ બાદ કેવી રીતે સમાજની રચના કરાશે તે અંગે ગાઇડસ્ટોન પર ઉલ્લેખ કરાયો છે અને તેનો ઉદ્દેશ્ય પણ તે જ હોવાનું મનાય છે.
ઇજિપ્તનાં સૌથી લોકપ્રિય સ્મારકોમાં એક છે ગીઝાનો પિરામીડ અને તેની બહાર સ્ફીંકસની પ્રતિમા જેનું શરીર સિંહનું છે અને મ્હો માનવીનું છે.આ વિશાળ પ્રતિમાની રચના એક જ વિશાળ ખડકમાં કરાઇ છે જે ૨૪૦ ફુટ લાંબુ, વીસ ફુટ પહોળુ અને ૬૬ ફુટ ઉંચી છે.આ વિશ્વમાં આ પ્રકારની સૌથી વિશાળ રચના છે.ઇતિહાસકારોનાં મતાનુસાર સ્ફીંકસનું કામ રખેવાળી કરવાનું છે અને તેની રચના મોટાભાગે મંદિરો, મકબરા અને પિરામીડની બહાર કરવામાં આવતી હતી.ગીઝામાં પણ તેની રચના તે માટે જ કરાઇ હતી.આ પિરામીડ ખાફ્રા ફેરોહ સાથે સંકળાયેલું છે અને તેના જ ચહેરાને પ્રતિમાનાં ચહેરામાં કંડારવામાં આવ્યું હોવાનું પુરાતત્વશાસ્ત્રીઓ માને છે.આમ તો આ સ્થળ વિશ્વમાં સૌથી વધારે પ્રસિદ્ધ સ્થળ છે જો કે ઇજિપ્તોલોજિસ્ટો માટે આ પ્રતિમાની રચનાનો ઉદ્દેશ્ય તો સમજાય તેવો છે પણ ક્યારે, કેવી રીતે અને કોના દ્વારા તેની રચના થઇ તે વણઉકલી બાબત છે.જો કે ફેરોહ ખાફ્રા દ્વારા તેની રચના કરાઇ હોવાનું કહેવાય છે જેનો સમય ઇ.સ.પુ.૨૫૦૦નો મનાય છે.જો કે વૈજ્ઞાનિકો માને છે કે તેની રચના તેના કરતા પણ પ્રાચિન છે ખરેખર તો ઇજિપ્તવાસીઓનો સમય શરૂ થયો તે પહેલા આ રચના મુર્તિમંત થઇ ચુકી હતી.આ જ બાબત તેને વધારે રહસ્યમય બનાવનાર બની રહે છે.
સ્ટોનહેન્જને વિશ્વનું સૌથી વધારે રહસ્યમય સ્થળ માનવામાં આવે છે.મધ્યકાળથી જ આ જ સ્થળ ચર્ચાસ્પદ બની રહ્યું છે.આ સ્થળ પરની રચનાનો સમયગાળો ઇ.સ.પુ. ૨૫૦૦નો મનાય છે.આ સ્થળની આસપાસનાં વિસ્તારોમાં કબ્રસ્તાન હોવાનાં પુરાવા સાંપડ્યા છે.જો કે સ્ટોનહેન્જની બનાવટ આજે પણ સૌને અચંબિત કરી મુકનાર બાબત છે.કહેવાય છે કે આજે જે દેખાય છે તેના કરતા અનેક ગણાં તે વિશાળ હશે પણ કાળક્રમે તેમાં ઘસારો લાગી ગયો હોવાને કારણે તે આજનાં સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.આ સ્થળ પરનું બાંધકામ ૧૫૦૦થી ૭૦૦૦ વર્ષ જેટલું ચાલ્યુ હશે.આમ તેની રચના વિશાળ કાળખંડમાં થઇ હશે.કેટલાક માને છે કે તેની રચના નિયોલિથિક સમુદાયે કરી હશે તો કેટલાક માને છે તેની રચનામાં એલિયન્સનો હાથ હશે.કેટલાક માને છે કે આ સ્થળનો ઉપયોગ લોકો ધાર્મિક અનુષ્ઠાનો માટે અને પોતાના પુર્વજોની આત્માની શાંતિ માટે કરાતી પ્રાર્થના માટે કરતા હશે.