nothing is impossible in Gujarati Motivational Stories by sama sayna books and stories PDF | મારા જીવનનો યાદગાર અનુભવ - સંઘષૅથી સફળતા સુધી

Featured Books
Categories
Share

મારા જીવનનો યાદગાર અનુભવ - સંઘષૅથી સફળતા સુધી

શીર્ષક: મારા જીવનનો યાદગાર અનુભવ – સંઘર
લેખિકા: સાયના સમા
નમસ્તે મિત્રો,
મારું નામ સાયના સમા છે. હું જામનગર શહેરમાં રહું છું અને મેં ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. આજે હું તમને મારા જીવનના એક એવા અનુભવ વિશે કહેવા માંગુ છું જે મને હંમેશા યાદ રહે છે. આ અનુભવ કદાચ તમારામાંથી પણ ઘણાને થયો હશે અને આ વાંચીને તમે પણ તમારી જૂની યાદોમાં ખોવાઈ જશો તેવી મને આશા છે.
હું જ્યારે ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી હતી, તે દિવસો મારા માટે ખૂબ જ યાદગાર છે. તમને કદાચ એવું લાગશે કે આ કોઈ સ્કૂલનો અનુભવ હશે, પણ ના! હું જ્યારે ૧૨મા ધોરણમાં હતી ત્યારે રોજ સ્કૂલ જવું મારા માટે સંભવ નહોતું, તેથી મેં ઘરે બેસીને જ મારો બધો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. મનમાં બોર્ડની પરીક્ષાનું ટેન્શન પણ હતું કે હું પાસ થઈ શકીશ કે નહીં? પરંતુ મેં હિંમત ન હારી.
ઘરે બેસીને ભણવું એ એક મોટો પડકાર હતો. મારે ઓનલાઇન ક્લાસની મદદ લેવી પડતી હતી. ઘણીવાર એવું બનતું કે કોઈ વિષયમાં સમજ ન પડે તો મારે જાતે જ ફરી ફરીને વીડિયો જોવા પડતા. ખાસ કરીને અંગ્રેજી અને અન્ય અઘરા વિષયોમાં મહેનત વધી જતી હતી. મારા માતા-પિતાએ મને આ સમયે માનસિક રીતે ખૂબ જ સાથ આપ્યો. તેઓ હંમેશા કહેતા કે "તું તારી મહેનત કર, બાકી બધું ઈશ્વર પર છોડી દે." તેમના આ શબ્દો મને હિંમત આપતા હતા.
પરીક્ષાનો પહેલો દિવસ હતો અને મનમાં અગણિત વિચારો, ટેન્શન અને સાથે એટલો જ ઉત્સાહ પણ હતો. પહેલીવાર પોતાની સ્કૂલ છોડીને બીજા કેન્દ્ર પર જઈને પરીક્ષા આપવાની હતી. જ્યારે મેં સ્કૂલમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંનો માહોલ, શિક્ષકોનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત જોઈને મારું ટેન્શન વધી ગયું. મારી રિસીપ્ટ (Hall Ticket) અને સામાનની  જેમ કે પેન્સિલ,બોલપેન, રબર, ફુટપટ્ટી ,જેવી  તપાસ કરી અને ત્યાં પાણી ની બોટલ લંઈ જવાની મનાઈ હતી કારણ કે વિધાર્થી ઓને પાણી ની સગવડ કરી આપવામા આવી હતી.તે બધી તપાસ બાદ અંદર જવાની પરવાનગી મળી.
પરીક્ષાખંડમાં ગયા પછી જ્યારે પેપર હાથમાં આવ્યું અને શિક્ષકો દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી, ત્યારે મેં ઈશ્વરનું નામ લઈને લખવાની શરૂઆત કરી. એ ત્રણ કલાક મારા માટે ખૂબ કિંમતી હતા. મારે સાબિત કરવું હતું કે ઘરે રહીને પણ જો નિષ્ઠાથી મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. આવી જ રીતે અનેરા આનંદ, ઉત્સાહ અને થોડા ટેન્શન સાથે મારી બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ.
પરીક્ષા પછી દરેક વિદ્યાર્થીની જેમ મને પણ એ જ ચિંતા હતી કે પરિણામ કેવું આવશે? અંતે જ્યારે પરિણામનો દિવસ આવ્યો, ત્યારે સવારે વહેલા ઉઠી ભગવાનને પ્રાર્થના કરીને મેં મારું ઓનલાઇન રિઝલ્ટ જોયું. પરિણામ જોઈને મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો! મેં બે-ત્રણ વાર રિઝલ્ટ ચેક કર્યું, હું સારા ગુણે પાસ થઈ ગઈ હતી. મારી ખુશીનો પાર નહોતો. મેં તરત જ મારા માતા-પિતાને આ સમાચાર આપ્યા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા અને તેમને મારા પર ગર્વ થયો. એ ક્ષણ મારા માટે આખા જીવનની સૌથી મોટી કમાણી હતી.
મિત્રો, આ અનુભવ મારા માટે શ્રેષ્ઠ અને યાદગાર છે કારણ કે તેણે મને પોતાની જાત પર વિશ્વાસ કરવાનું શીખવ્યું. આના પરથી હું એટલું જ કહેવા માંગુ છું કે, જીવનમાં એક પણ વસ્તુ અશક્ય કે અસંભવ નથી હોતી. જો મનમાં મક્કમતા હોય અને સંઘર્ષ કરવાની તૈયારી હોય, તો આપણે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. ક્યારેય હાર ન માનો, કારણ કે દરેક મુશ્કેલી આપણને કંઈક નવું શીખવવા આવે છે.
"Nothing is impossible in this world."