આજના ઝડપી બદલાતા વિશ્વમાં, જ્યાં ટેક્નોલોજી અને સંચારના સાધનોએ માનવજાતને એકબીજા સાથે વધુ નજીક લાવી દીધી છે, ત્યાં એક વિસંગતિ સ્પષ્ટ દેખાય છે – ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે. આ અસહિષ્ણુતા માત્ર કોઈ એક દેશ કે સમાજ સુધી મર્યાદિત નથી; તે વૈશ્વિક સ્તરે ફેલાઈ રહી છે. જો આપણે ગંભીરતાપૂર્વક વિચારીએ તો સ્પષ્ટ થાય છે કે આ સમસ્યાનું મૂળ ધર્મમાં નથી, પરંતુ માનવ માનસિકતામાં છે. ધર્મ તો હંમેશાથી માનવને સંયમ, કરુણા, સહઅસ્તિત્વ અને માનવતાના માર્ગે દોરી જતો રહ્યો છે. દરેક ધર્મના મૂળ તત્ત્વોમાં પ્રેમ, ક્ષમા, સત્ય અને ન્યાય જ રહેલા છે. હિંદુ ધર્મમાં વસુધૈવ કુટુંબકમનો સિદ્ધાંત, ઇસ્લામમાં રહેમ અને અદલની વાત, ખ્રિસ્તી ધર્મમાં પ્રેમ અને ક્ષમાનું સંદેશો, બૌદ્ધ ધર્મમાં અહિંસા અને કરુણા આ બધા ધર્મો માનવને વધુ સારો બનાવવા માટે જ છે.
પરંતુ આજે એ જ ધર્મ માનવના હાથમાં ટકરાવ, વિભાજન, અહંકાર અને હિંસાનું સાધન બની રહ્યો છે. આ પરિવર્તન ધર્મના સ્વરૂપમાં નથી આવ્યું, પરંતુ ધર્મને સમજવાની, અર્થઘટન કરવાની અને જીવવાની રીતમાં આવ્યું છે. લોકો ધર્મના મૂળ સિદ્ધાંતોને ભૂલીને તેના બાહ્ય રૂપો, રીતરિવાજો અને પ્રતીકોને જ આધાર બનાવી દે છે. પરિણામે, ધર્મ જે સાંત્વન અને શાંતિ આપવાનો હતો, તે વિવાદ અને તણાવનું કારણ બની જાય છે.
આજની અસહિષ્ણુતા માત્ર વિચારો કે મતભેદ સુધી સીમિત રહી નથી; તે વ્યક્તિની ઓળખ અને અસ્તિત્વનો ભાગ બની ગઈ છે. સોશિયલ મીડિયાના યુગમાં, માનવને તેના સારા કાર્યો, માનવતા કે વિચારશીલતા પરથી નહીં, પરંતુ તે કયા ધર્મનો છે, કયા સમૂહનો વિરોધ કરે છે અને કયા ધર્મને અન્યથી શ્રેષ્ઠ સાબિત કરવા મથે છે – એના આધારે ઓળખવામાં આવે છે. પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ માનવું એ સ્વાભાવિક છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની આસ્થામાં આત્મિક શાંતિ અને સુખ શોધે છે. આ વિશ્વાસ પોતે ખોટો નથી. સમસ્યા ત્યાં ઉભી થાય છે જ્યાં આ વિશ્વાસને મજબૂત કરવા માટે બીજાના વિશ્વાસને અપમાનિત કરવો, તેને નીચો ગણવો કે તેના અનુયાયીઓને દુશ્મન તરીકે જોવું પડે.
આજની સૌથી મોટી વિસંગતિ એ છે કે લોકો પોતાના ધર્મને પ્રેમ કરવાને બદલે બીજાના ધર્મથી નફરત કરવા લાગ્યા છે. ધર્મ એક આંતરિક, વ્યક્તિગત યાત્રા હોવી જોઈએ – જેમાં વ્યક્તિ પોતાની આત્માને શુદ્ધ કરે, પોતાના અંતરમાં શાંતિ શોધે. પરંતુ આજે તે જાહેર પ્રદર્શન, રાજકીય હથિયાર અને સામાજિક સ્પર્ધાનું માધ્યમ બની ગયો છે. શ્રદ્ધા હવે શાંતિપૂર્વક જીવવાની વાત નથી રહી; તે શોરબકોર કરવાની, ભીડ ભેગી કરવાની અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની સ્પર્ધા બની ગઈ છે. આ સ્પર્ધામાં માનવ પોતાના મૂળ હેતુને – માનવતા અને પ્રેમને ભૂલી જાય છે.
દુઃખની વાત એ છે કે આ વૃત્તિ કોઈ એક ધર્મ કે સમુદાય સુધી મર્યાદિત નથી. દરેક ધર્મમાં એવા જડબુદ્ધિ અને અવિચારી લોકો છે જે વિચાર અને તર્ક કરતાં ભાવનાઓમાં વહી જાય છે. આવા લોકો માટે ધર્મ જીવન જીવવાની પદ્ધતિ કે આધ્યાત્મિક માર્ગ નથી, પરંતુ એક ઓળખનું કવચ છે જેની પાછળ છુપાઈને તેઓ પોતાની અસુરક્ષા, ભય અને અહંકારને છુપાવે છે. તેઓ ધર્મના નામે ઘૃણા ફેલાવે છે, સમાજને વિભાજિત કરે છે અને પોતાની શક્તિ વધારવા માટે તેને હથિયાર તરીકે વાપરે છે. આવા લોકો ધર્મના સાચા સંદેશને વિકૃત કરીને તેને પ્રભુત્વ અને વર્ચસ્વનું સાધન બનાવી દે છે.
આ અસહિષ્ણુતાના કારણો પણ ઘણા છે. રાજકીય પક્ષો ધર્મને વોટબેંક તરીકે વાપરે છે, મીડિયા અને સોશિયલ મીડિયા પર અફવાઓ અને ફેક ન્યૂઝ ઝડપથી ફેલાય છે, જેનાથી લોકોમાં ભય અને નફરત વધે છે. શિક્ષણની ઊણપ, આર્થિક અસમાનતા અને સામાજિક અસુરક્ષા પણ આને વેગ આપે છે. વિશ્વમાં ઘણા ઉદાહરણો છે યુરોપમાં એશિયન વિરોધી વલણો, એશિયામાં ધાર્મિક લઘુમતીઓ પરના હુમલા, અમેરિકામાં વંશીય અને ધાર્મિક ભેદભાવ આ બધું દર્શાવે છે કે અસહિષ્ણુતા વૈશ્વિક છે.
‘સર્વે ધર્માઃ સમાનઃ’ અથવા ‘સર્વ ધર્મ સમાન’ જેવી ઊંડી માનવીય ભાવના આજે માત્ર ભાષણો, પુસ્તકો, સૂત્રો કે દિવાલો પર લખેલા શબ્દો સુધી સીમિત રહી ગઈ છે. વાસ્તવિક જીવનમાં તેને અપનાવવા માટે સંવેદનશીલતા, ધીરજ, વિચારશીલતા અને સમજણની જરૂર છે. પરંતુ આ મહેનત કરવા કરતાં ઘૃણા ફેલાવવી, કોઈ સમૂહને દુશ્મન બનાવવું અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવું વધુ સરળ લાગે છે. આ સરળ માર્ગ આકર્ષક હોય છે, પરંતુ તે હંમેશા વિનાશ તરફ લઈ જાય છે.
સાચો ધર્મ એ છે જે માનવને વધુ નરમ, વધુ કરુણામય, વધુ માનવીય અને વધુ જવાબદાર બનાવે. જે ધર્મ માનવને કઠોર, અહંકારી, અસંવેદનશીલ અને હિંસક બનાવે છે, તે ધર્મ નથી; તે ભય, અજ્ઞાન અને અંધવિશ્વાસ પર ઊભો થયેલો વિકૃત સ્વરૂપ છે. ભય પર આધારિત ધર્મ ક્યારેય ભગવાન કે સત્ય સુધી પહોંચતો નથી. તે માત્ર ભીડ ભેગી કરે છે, નારા લગાવે છે, દીવાલો ઊભી કરે છે અને સમાજને વિભાજિત કરે છે.
આજની સૌથી મોટી જરૂરિયાત ધર્મને બચાવવાની નથી, કારણ કે સાચો ધર્મ સદીઓથી ટકી રહ્યો છે અને ટકશે. જરૂર છે માનવને બચાવવાની એ માનવને જે ધર્મના નામે પોતાની માનવતા, સંવેદના અને પ્રેમ ગુમાવી રહ્યો છે. સાચો ધર્મ તો એ છે જે માનવને માનવ સાથે જોડે, તૂટેલા સંબંધોમાં પુલ બને, સમાજને વિભાજિત ન કરે પરંતુ એકતા આપે. જ્યારે ધર્મ પ્રેમ અને સંવેદનાનું સ્વરૂપ ધારણ કરશે, પ્રદર્શન અને અંધત્વનું નહીં, ત્યારે જ સમાજ સાચા અર્થમાં પ્રગતિ કરશે અને વિશ્વ શાંતિમય બનશે.
આ માટે શિક્ષણ, સંવાદ અને આંતરધાર્મિક સમજણ વધારવી જરૂરી છે. વ્યક્તિગત સ્તરે પણ આપણે પોતાની આસ્થાને આંતરિક બનાવીએ અને બીજાની શ્રદ્ધાનો આદર કરીએ. ત્યારે જ ધાર્મિક અસહિષ્ણુતાનું અંત આવશે અને માનવતા વિજયી થશે.
સંજય શેઠ