લેખ:- શિયાળાને પત્ર
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
ઓ મારા વ્હાલા શિયાળા,
આખરે તુ આવી ગયો! એકદમ મસ્ત ગુલાબી હશે એવી અપેક્ષા. તને ખબર છે ને કે તુ મને કેટલો વ્હાલો છે! આખુંય વર્ષ હું તુ આવે એની રાહ જોઉં છું. ઉનાળો અને ચોમાસુ જરૂરી છે જીવન માટે, પણ મને ગમે તો તુ જ છે. ગરમી મારાથી સહન થતી નથી અને ચોમાસામાં થતું પારાવાર નુકસાન મારાથી જોવાતું નથી.
તુ આવે ત્યારે કેટલી મજા આવે ને? કેટલાં બધાં સરસ મજાનાં શાકભાજી, ફળો અને સ્વાસ્થ્યવર્ધક વસાણાં સાથે લેતો આવે છે. મને તો તુ આવે ને ત્યારે એમ જ થાય કે બસ રસોડામાં જ ભરાઈ રહું! આખુંય વર્ષ ખાવાનું ખાવા માટે મનને મનાવવું પડે છે કે, "થોડું ખાઈ લેને!" અને જ્યારે તુ આવે ત્યારે, "બસ કર હવે, કેટલું ખાશે?" આવું કરવું પડે! પણ શું કરીએ? તુ આવે છે ત્યારે એટલી બધી તાજગી સાથે આવે છે ને કે આપોઆપ જ ખાવાનું મન થાય છે.
લીલી તુવેર, વટાણા, પાપડી, પાલકની તાજી તાજી લીલી લીલી ભાજી, મૂળો અને એની ભાજી - અહાહા! તુ કેટકેટલું લઈને આવે છે. તુવેરનાં દાણાની કચોરી, સાથે ગાજર, બીટ અને ટામેટાંનો સૂપ - કેટલી મજા આવે ખાવાની. વિવિધ શાકભાજીનાં સૂપ પીવાની સાચી મજા તો તુ આવે ત્યારે જ આવે. એકદમ કુદરતી સ્વાદવાળા સૂપ પીને ગજબની તાજગી અનુભવાય. ઉપરાંત વિવિધ ગુણકારી ઉકાળા પીવાની સાચી મજા તો શિયાળો હોય ત્યારે જ આવે!
અને તને ખબર છે, તુ જ્યારે આવે છે ત્યારે મારું સૌથી વધુ પસંદગીનું પીણું અને સૌથી વધારે પસંદ એવી વાનગી લઈને આવે છે. આ બંને વસ્તુઓ માત્ર તારી હાજરી હોય ત્યારે જ મળે છે. આ બે વસ્તુઓ એટલે ખજૂરી તેમજ તાડ પર થતો નીરો અને વિવિધ શાકભાજી ભેગાં કરોને બનતું ઉંબાડિયું. હું તો આખુંય વર્ષ તુ ક્યારે આવે અને આ બંને વસ્તુ મને વારંવાર મળે એની જ રાહ જોતી હોઉં છું.
સાથે સાથે અડદિયા, મેથીપાક, સાલમપાક, જલેબી - રબડી જેવી કેટલીય સ્વાસ્થ્યવર્ધક મીઠાઈઓ પણ ખાવા મળે છે. મને તો આ બધું બહુ ભાવે. તુ આવે ને ત્યારે સૌથી મોટી શાંતિ તો જે દીકરીનાં લગ્ન હોય ને એનાં પિતાને થઈ જાય. ભાતભાતની વાનગી લગ્નમાં બનાવી શકાય. પણ અમારે ગુજરાતમાં તો તુ આવે ને એટલે મોટા ભાગના લગ્નોમાં એકસરખું ખાવાનું જોવા મળે - ઉંધીયું, પુરી, ગાજરનો હલવો અને વિવિધ શાકભાજી નાંખેલ સરસ મજાનો પુલાવ!
અને તને યાદ છે પેલા મારી બાજુનાં ઘરમાં રહેતા હતા એ કાકા? આખુંય વર્ષ તબિયતની કોઈ કાળજી ન રાખે અને જેવી તારા આગમનની શરૂઆત થાય કે તરત જ સવારમાં કસરત કરવા અને ચાલવા નીકળી પડે! એમની જેમ જ કેટલા બધા લોકો શિયાળો આવ્યો નથી ને આખાય વર્ષની તંદુરસ્તી એકસાથે જમા કરવા મંડી પડે છે. કેટલાંક સાયકલ ચલાવવા જાય છે અને કેટલાંક વિવિધ કસરત કેન્દ્રો સાથે જોડાઈ જાય છે.
પણ તને ખબર છે મારા જેવા પણ કેટલાંક લોકો હોય છે? અમને તો તુ આવે ને એટલે દિવસ ટૂંકો અને રાત લાંબી થાય એમાં જ મજા આવે છે. હા, નોકરીને લીધે બહુ વહેલા ઉઠી જવું પડે છે, પણ તક મળે ત્યારે તો વહેલી સવારે ગોદડામા ભરાઈ રહેવાની મજા લેવાનું તો ચૂકતા જ નથી. કેટલી મજા આવે આમ ઊંઘતા રહેવાની!
તુ આવે ત્યારે બધી રીતે સારુ છે, પણ જેણે કાળજી ન લીધી એને શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ ઊભી થઈ જાય છે. અસ્થમાનાં દર્દીઓ માટે તુ આવે ત્યારે કાળજી રાખવી બહુ જરુરી બની જાય છે, નહિતર એમણે હૉસ્પિટલ જવાનો વારો આવે. છતાં પણ 'પહેલું સુખ તે જાતે નર્યા' જે સમજી ગયું હોય એ તારી હાજરીનો ભરપૂર આનંદ માણે છે. કેટલાંક લોકો થોડી ઠંડી પડે એમાં તો તાપણું કરીને એની ફરતે બેસી જાય છે. તાપણું કરે એનો વાંધો નથી, પણ તાપણું કરવા માટેની સામગ્રી વ્યવસ્થિત હોવી જરૂરી છે. કેટલાંક લોકો તો ગમે તેવો કચરો, પ્લાસ્ટિક, રબરનાં ટાયર ને બધું કેટલું બાળે! તને ખબર છે ને કે મારા જેવા હોય જેને ધુમાડાની એલર્જી હોય તો એ બિચારાની તો તાપણું થતું હોય ત્યારે હાલત ખરાબ થઈ જાય!
વિવિધ પહાડી વિસ્તારોમાં તારી હાજરી હોય ત્યારે જે હળવા બરફની ચાદર છવાઈ ગઈ હોય અને હળવી હળવી બરફ વર્ષા થતી હોય એને માણવા સહેલાણીઓ દુરદૂરથી આવતાં હોય છે. ઠંડીમાં થથરી જવાની બીક છોડીને કુદરતી વાતાવરણની મજા લૂંટે છે.
તને કદાચ ખબર જ હશે કે હવે તો લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા વિવિધ સંસ્થાઓ થકી આખો શિયાળો મેરેથોન, વૉકેથૉન, સાયકલ સ્પર્ધા, જોગિંગ સ્પર્ધા, જેવી વિવિધ સ્પર્ધાઓ યોજે છે. તો એની સામે કેટલીક જગ્યાએ લાડુ ખાવાની કે અન્ય શિયાળુ વાનગી ખાવાની સ્પર્ધાઓ પણ યોજાય છે. આ વખતે તો અમદાવાદમાં સાત્વિક ભોજનનો મેળો હાલમાં ચાલી રહ્યો છે. એક તો તુ આવ્યો છે અને ઉપરથી આવું સરસ આયોજન! આ સ્થળની મુલાકાત લેનાર લગભગ દરેકને ખાવાની મજા જ પડતી હશે!
નાનાં બાળકોને વહેલી સવારે સ્કૂલે જવાની આળસ આવતી હોય છે. આવી સરસ ઠંડીમાં પથારી છોડવાનું મન મોટેરાઓને જ ન થતું હોય તો નાનાં બાળકોને કેમનું થાય? આથી જ શિયાળામાં શાળાઓમાં વહેલી સવારે કસરતનો કાર્યક્રમ હોય. ખુલ્લાં મેદાનમાં બાળકો સામુહિક કસરત કરે. આથી એમનું સ્વાસ્થ્ય સારું રહે છે, શરીર મજબૂત બને છે અને કુદરતી વિટામિન ડી મળતાં હાડકાંની મજબૂતાઈ પણ વધે છે.
એટલે આમ જોવા જઈએ તો 'શિયાળો એટલે સ્વાસ્થ્ય, અને સ્વાસ્થ્ય મેળવવા માટેની શ્રેષ્ઠ ઋતુ એટલે શિયાળો.' આળસ ખંખેરી જેમણે તારી હાજરીનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો એણે દવાખાના પાછળ પૈસા ખર્ચવા ન પડે.
ચાલ હવે, તુ પણ કંટાળ્યો હશે આટલું બધું વાંચીને! મારો પત્ર અહીંયા જ સમાપ્ત કરું છું. પણ હા, જવાની ઉતાવળ નહીં કરતો હં. આવ્યો જ છે તો પૂરેપૂરા ચાર મહિના રોકાઈને જ જજે.
બસ એ જ તારી વ્હાલી સખી,
સ્નેહલ જાની.