પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો ભણતો હતો. પોણા છ ફૂટ ઉંચો અને દેખાવમાં એકદમ રૂપાળો, બોડીમાં પણ હેલ્ધી એવો હેન્ડસમ હતો. તેને પ્રિયાંશી ખૂબ ગમતી હતી. ઘણી બધી છોકરીઓ તેની પાછળ હતી. પણ તેને તો બસ પ્રિયાંશીમાં જ રસ હતો.
તેને પ્રિયાંશીને કહેવું હતું કે એ તેને ખૂબ પસંદ કરે છે પણ કંઇ મેળ પડતો નહોતો.
બસ તે મનમાં ને મનમાં વિચાર્યા કરતો હતો કે મારા દિલની વાત પ્રિયાંશીને કઈ રીતે જણાવું...?
એક દિવસ પ્રિયાંશીને કોલેજમાં ખૂબ મોડું થઇ ગયુ તો તે દરરોજ જે બસમાં જતી હતી તે બસ આજે તે ચૂકી ગઈ હતી.
બીજી બસ આવે તેની રાહ જોતી તે બસસ્ટેન્ડ ઉપર ઉભી હતી, એટલામાં ત્યાંથી મિલાપ નિકળ્યો. કદાચ તે તેને જોવા માટે જ આવ્યો હતો. તે જાણતો હતો કે પ્રિયાંશી બસ ચૂકી ગઈ હતી...
તેણે આવીને પ્રિયાંશીની સામે જોયું પરંતુ પ્રિયાંશીએ તેની તરફથી પોતાનું મોં ફેરવી લીધું...
શિયાળાનો સમય હતો.. સાંજ પોતાની આભાને સંકોચી રહી હતી અને રાત્રિ પોતાનું સામ્રાજ્ય જમાવી રહી હતી.. ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ હતી...દિવસ વહેલો જ આથમી રહ્યો હતો.. ચારેય કોર અંધકાર જ અંધકાર છવાઈ ચૂક્યો હતો....
મિલાપ થોડો પ્રિયાંશીની નજીક ગયો અને તેને પૂછવા લાગ્યો કે, "બહુ મોડુ થઈ ગયું છે, હું તને બાઇક ઉપર ઘરે ડ્રોપ કરી દઉં?"
તુરંત તો પ્રિયાંશીએ કંઈ જવાબ ન આપ્યો પરંતુ બસ સ્ટેન્ડ ઉપર જે પ્રમાણે સુમસામ થઈ ગયું હતું તે પ્રમાણે તે વિચાર કરવા લાગી કે શું કરવું...?
સૌ પ્રથમ તો તેણે આખાયે બસ સ્ટેન્ડમાં નજર કરી રડ્યા ખડ્યા અપરિચિત માણસો આમતેમ ફરતા હતા ઠંડી અને અંધકાર બંને જામતાં જતાં હતાં, વળી પોતાના ઘર તરફનું કોઈ પણ પેસેન્જર હતું પણ નહીં, બીજી બસ આવશે કે નહીં અને આવશે તો કેટલા વાગે આવશે તેની પણ પ્રિયાંશીને ખબર નહોતી...પ્રિયાંશી અવઢવમાં મુકાઈ ગઈ હતી શું કરું.. શું કરું..? તેમ વિચારી રહી હતી...મિલાપની બાઈક પાછળ બેસી જઉં કે પછી પપ્પાને ફોન કરીને રાજનને લેવા બોલાવી લઉં..??રાજન લેવા આવે તો પણ ઘણો સમય નીકળી જાય અને ત્યાં સુધી અહીં બસ સ્ટેન્ડ ઉપર એકલા ઉભા રહેવું..?ના ના એવું જોખમ નથી લેવું..તેના કરતાં તો...
પરંતુ મિલાપની પાછળ બેસી જઉં અને મને કોઈ જોઈ જાય તો..કોઈ મારા માટે કેવું વિચારે..?
હવે આ પણ ડર તેને સતાવવા લાગ્યો. તેથી તેણે મિલાપને "ના" પાડી દીધી અને કહ્યું કે "હું મારા પપ્પાને ફોન કરીને તેમને અથવા તો મારા ભાઈને મને લેવા માટે બોલાવી લઉં છું, તે આવીને મને લઈ જશે "
મિલાપે પ્રિયાંશીને સમજાવ્યું કે, "અરે ગાંડી થઈ ગઈ છે આવી ઠંડીમાં તારા પપ્પા કે ભાઈ તને લેવા માટે આવશે અને લઈ જશે,ઘણું મોડુ થઈ જશે યાર.. અને ત્યાં સુધી તું બસસ્ટેન્ડ ઉપર આમ એકલી એકલી ઉભી રહીશ તેના કરતાં તો હું તને મૂકી જવું તે બેટર છે અને તને તેમાં વાંધો શું છે?"
પ્રિયાંશી વિચારતી હતી કે શું કરું..?એટલામાં મિલાપે તેને ફરીથી ટોકી, "આટલું બધું શું વિચાર્યા કરે છે બેસી જા હું તને નહીં ખાઈ જઉં.."
પ્રિયાંશી પોતાના વિચારોમાં મસ્ત હતી..આ સમયે તેને મિલાપની વાત યોગ્ય લાગી તેથી છેવટે તેણે બાઈક પાછળ બેસવાની "હા" પાડી...
પરંતુ તે કદી કોઇની પાછળ આ રીતે બેઠી નહોતી તેથી તેને ખૂબજ સંકોચ થતો હતો.. એમાં પાછું મિલાપનું બાઇક પણ સ્પોર્ટસ બાઈક હતું એટલે તેણે મિલાપને પકડીને જ બેસવું પડે...! તે તેના માટે વધારે અઘરું હતું...!
છેવટે તે મિલાપને પકડીને કૂદીને મિલાપની પાછળની સીટ ઉપર ગોઠવાઈ ગઈ..
મિલાપ માટે આજનો ચાંદલિયો સોનાનો બનીને આવ્યો હતો તેની તો ખુશીનો કોઈ પાર નહોતો..આજનો દિવસ તેના જીવનનો યાદગાર દિવસ બનીને રહેવાનો હતો...તે મનમાં ને મનમાં મુશ્કુરાતો હતો...આમ તો પ્રિયાંશી લજામણી ના છોડની જેમ સંકોચાઈને બેઠી હતી પરંતુ ઉબડખાબડ રસ્તા ઉપર અચાનક થતો પ્રિયાંશીનો સ્પર્શ મિલાપ માટે અલભ્ય હતો..તેને તો મનમાં થતું હતું કે બસ આજે તો રસ્તો ખૂટે જ નહીં અને હું આમ જ બાઈક ચલવ્યા કરું અને પ્રિયાંશી મને પકડીને બેઠેલી રહે...
પાછો વચ્ચે વચ્ચે તે પ્રિયાંશીને ટોકતો રહેતો હતો કે, "શરમ ન રાખતી મને પકડીને બેસજે, જો પડી જઈશ તો હસમુખભાઈને મારે જવાબ આપવો ભારે પડી જશે.."
મિલાપના મુખેથી પોતાના પિતાનું નામ સાંભળતા જ પ્રિયાંશી ચોંકી ઉઠી, તેનાથી રહેવાયું નહીં તે મિલાપને પૂછવા લાગી કે, "મારા પપ્પાનું નામ તને ખબર છે..?"
મિલાપને થયું ચાન્સ મળ્યો છે તો મમરો મૂકી જ દેવા દે..એટલે તે બોલી ઉઠ્યો, "જે પસંદ આવી જાય તેની કુંડળી તો કઢાવી જ લેવી પડે ને..!"
પ્રિયાંશી વિચારમાં પડી ગઈ કે આને શું જવાબ આપવો...તેને ચૂપ રહેવું યોગ્ય લાગ્યું..તે મૌન રહી..
ખરેખર બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી હતી... મિલાપ એટલે ખૂબ હેન્ડસમ બોય, ગમે તે છોકરી તેની પર ફીદા થઇ જાય તેવી તેની પર્સનાલિટી... કોલેજમાં પણ બધી છોકરીઓ તેની ફ્રેન્ડ, બધી છોકરીઓને તે એટલો જ ગમતો. કોઈની સાથે લવ અફેર નહિ...પણ બસ, તેને ખુલ્લા મને બધાની સાથે મસ્તી કરીને બોલવા જોઈએ. ફ્રેન્ડશીપ ડે ના દિવસે તે ઢગલો બેલ્ટ લઈ આવે અને છોકરાઓમાં કોઈનેય ન બાંધે અને છોકરીઓ તેની લાઇનમાં ઢગલો હોય. તેનો હાથ પણ ફ્રેન્ડશીપ બેલ્ટથી ભરેલો હોય. કામનો પણ એવોજ... કોઈને પણ કંઈપણ મદદની જરૂર હોય તે મદદ કરવા માટે તુરંત જ દોડી જાય...
મિલાપની ચિત્ર વિચિત્ર વાતો સાંભળ્યા પછી પ્રિયાંશીએ તો બિલકુલ ચૂપ રહેવાનું જ પસંદ કરી લીધું હતું..
પ્રિયાંશીનું ઘર નજીક આવતાં જ મિલાપે પોતાના બાઈકને બ્રેક લગાવી અને પ્રિયાંશીને ઉતરવા માટે કહ્યું..
પ્રિયાંશી મિલાપના સપોર્ટથી બાઈક ઉપરથી નીચે ઉતરી, મિલાપે સ્માઈલ સાથે તેની સામે જોયું અને બોલ્યો, "બાય, ફરી ક્યારેક આવો ચાન્સ આપતી રહેજે.."પ્રિયાંશીને મિલાપની આ વાત બિલકુલ ન ગમી તે ચૂપચાપ પણ થોડી ઝડપથી પોતાના ઘર તરફ ચાલવા લાગી અને મિલાપ તેની હરણી જેવી ચાલને તે જ્યાં સુધી દેખાઈ ત્યાં સુધી નિરખતો રહ્યો અને જાણે જતાં જતાં તેની ખૂશ્બુ ને પોતાના શ્વાસમાં ભરી રહ્યો હોય તેમ એક ઊંડો શ્વાસ લઈને પોતાના બાઈકને રેસ આપીને તે પણ પોતાના ઘર તરફ રવાના થયો.
પ્રિયાંશી ઘરે આવીને બેઠી ત્યારે તેને હાંશ થઈ અને તેના જીવમાં જીવ આવ્યો...તેણે પોતાની મમ્મી પાસે પાણી માંગ્યું અને એક જ શ્વાસે બધું જ પાણી ગટગટાવી ગઈ.
મિલાપ તેના માતા-પિતાનો એકનો એક દિકરો હતો. ભણવામાં તે પહેલેથી જ ખૂબ જ હોંશિયાર, તેના પપ્પા બિઝનેસમેન હતા. તેમની ઈચ્છા મિલાપનું એમ બી બી એસ નું ભણવાનું પૂરું થઈ જાય એટલે તેને ફોરેઇન મોકલવાની હતી.પણ તેની મમ્મી અંજુબેનને મિલાપ એકનો એક દિકરો હતો એટલે પોતાની પાસે જ રાખવો હતો.
દિવસો ઉપર દિવસો પસાર થઈ રહ્યા હતા..
પ્રિયાંશીને મેળવવા માટે તલપાપડ થઈ રહેલો મિલાપ અવારનવાર પ્રયત્ન કરતો રહ્યો કે પ્રિયાંશી તેની તરફ ઢળે પરંતુ પ્રિયાંશીના જીવનનો ગોલ કંઈક અલગ જ હતો...ક્રમશ:~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 6/1/26