મનુષ્ય શાંતિની પ્રાપ્તિ માટે, જીવનમાં વહેલા-મોડા પણ કંઈક ને કંઈક યોગ સાધના, શાસ્ત્રનું વાંચન, સત્સંગ, ભક્તિ કે ધાર્મિક ક્રિયાઓ કરે છે. તેમાંય આજકાલ ધ્યાન એટલે કે, મેડીટેશન વિશ્વભરમાં ખૂબ પ્રચલિત છે.
ધ્યાન વાસ્તવિકતામાં કરવાની વસ્તુ નથી, એ તો સમજવા જેવી વસ્તુ છે. ભારતીય સંસ્કૃતિમાં યોગસાધનામાં જે ધ્યાન મૂકવામાં આવ્યું છે, તે મનની એકાગ્રતા થાય તેવો યોગ છે. કારણ કે, આ કાળમાં મનુષ્ય ખૂબ અશાંતિ અને તણાવ અનુભવે છે તેનું મુખ્ય કારણ છે મનની ચંચળતા. યોગસાધનામાં મન થોડી વાર સ્થિર થાય છે, એટલે તેનાથી શાંતિ લાગે. પણ જેવું ધ્યાન પૂરું થાય પછી બધું હતું તેવું ને તેવું થઈ જાય. મન ફરીથી ચંચળ થઈ જાય. ધ્યાનમાં ગજબની શક્તિ અવશ્ય છે, પણ તેની સાચી રીત હોવી જોઈએ. જો પદ્ધતિસરનું ધ્યાન થાય તો ધ્યેયનો સાક્ષાત્કાર અવશ્ય થવો જ જોઈએ. ધ્યાનથી તો પરમાત્મા પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
ધ્યાનની સાચી વ્યાખ્યા શું? કોઈ પણ ધ્યેય નક્કી કરવો અને તેની જોડે સાંધો જોડવો તેનું નામ ધ્યાન. જેટલી વાર સાંધો રહે તેટલી વાર ધ્યાન રહે. દાખલા તરીકે, આપણે મુંબઈ જવાનું નક્કી કર્યું હોય અને ટ્રેનની ટિકિટ લઈને સીટ ઉપર બેઠા, પછી મુંબઈનું ધ્યાન સ્વાભાવિક રહે જ, કરવું ના પડે. જેમાં અહંકારે કરીને કંઈપણ કરવું પડે તે ધ્યાન ન્હોય.
મન સાથે એકાગ્રતા થાય તો મનોયોગ થાય. દેહના ચક્રો પર એકાગ્રતા કરે તો દેહયોગ છે. કેટલાક જપ કરે તે જપયોગ, વાણીનો યોગ છે. એ બધાથી ક્ષણિક શાંતિ મળે. પણ એ લાંબું ટકે નહીં. કારણ કે ધ્યાન અને એકાગ્રતામાં બહુ ફેર છે. ધ્યાનમાં તો ધ્યાતા અને ધ્યેય નક્કી થવા જોઈએ. પોતે ધ્યાતા છે. તેની સાથે આપણો નક્કી કરેલો ધ્યેય, આ બંનેનું અનુસંધાન રહે, બીજા શબ્દમાં ધ્યેય અને ધ્યાતા તન્મયાકાર થાય તેને ખરું ધ્યાન કહેવાય. જેમ ઘરમાં કોઈ એક જગ્યાએ કિંમતી હીરો મૂક્યો હોય, અને આપણે એકલા જ એના વિશે જાણતા હોઈએ કે અમુક જગ્યાએ હીરો મૂકેલો છે, તો આપણું ધ્યાન સતત એ જગ્યા પર જ રહ્યા કરે. તેનું ધ્યાન કરવું ના પડે. તેવી જ રીતે ધ્યાતા તો આપણે પોતે છીએ જ. પણ ધ્યેયની જગ્યાએ શું રાખ્યું છે, ધ્યેયની શું કિંમત માની છે, તેના ઉપર ધ્યાનનો આધાર રહે છે.
વીતરાગોએ ચાર પ્રકારનાં ધ્યાન કહ્યા છે. દાખલા તરીકે, કોઈ આપણું અપમાન કરે ત્યારે અંદર અવળાં એટલે કે દ્વેષ પરિણામો ઊભાં થાય, જેની અસર પોતાને તેમ જ સામાને પહોંચે તેને રૌદ્રધ્યાન કહેવાય. હવે આ જ દાખલામાં અંદર ઊભા થતાં પરિણામની અસર પોતાના સુધી જ સીમિત રહે, અને સામાને સહેજ પણ ઝાળ ના પહોંચાડે તો તેને આર્તધ્યાન કહ્યું. ઉપરાંત, “મારું શું થશે?” એવી ભવિષ્યની ચિંતા થાય તો તે પણ આર્તધ્યાનમાં સમાય. બીજી બાજુ, આવા અસર ઉપજાવનારા પ્રસંગોમાં, “આ તો મારાં જ કર્મના ઉદય છે, સામો નિમિત્ત છે, નિર્દોષ છે”, એવું પરિણામ ઊભું થાય તો તેને ધર્મધ્યાન કહેવાય. જ્યારે પોતાનું સ્વરૂપ ‘આત્મા’ છે એવું નિરંતર લક્ષમાં રહે, તેમજ દરેકમાં આત્માનું દર્શન રહ્યા કરે એ શુકલધ્યાન કેહવાય. આ શુક્લધ્યાનનું ફળ મુક્તિ છે.
પોતે જ્યારે સદ્ગુરુ પાસેથી આત્માના ગુણો ફક્ત શબ્દથી જાણે, અને તેને ધ્યેય સ્વરૂપ બનાવે કે એવા ગુણધામ સ્વરૂપી આત્માનો મને સાક્ષાત્કાર થાય, તો પોતે ધ્યાતા બને. પછી ધ્યેય નક્કી થાય. આવા ધ્યેય અને ધ્યાતાના અનુસંધાનથી ધ્યાન એની મેળે ઉત્પન્ન થાય, એ કરવું ના પડે. આગળ વધીને જ્યારે પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષ મળે તો એમની કૃપાથી આત્મસાક્ષાત્કાર પામી જાય પછી શુક્લધ્યાન ઉત્પન્ન થાય.