આરંભ દ્રવેદી થેરપી રૂમના સોફા પર કોઈ રોલર કોસ્ટર રાઇડ્માં બેઠા હોય એ રીતે ગોઠવાય ગયો ઓલમોસ્ટ પોતાની જાતને આખી સંકોચીને સોફાની એકધાર પર બેઠેલા, શરૂઆતી કાગળિયાની વિધિ પૂર્ણ થતાં જ,આરંભે એ સંકોચ સાથે શરૂ કર્યું,
“જુઓ, ડોકટર એમ મને કોઈ માનસિક તકલીફ નથી, હું એકદમ સ્વસ્થ છું, પણ કશુંક ખટકતું હોય એવું લાગે છે. અને છેલ્લા બે મહિનાથી વિચારું છું કે ઠીક થઈ જશે પણ આ મનની અંદરનો ઉત્પાત કોઈ રીતે શાંત થતો નથી, એટલે મારા એક ખાસ મિત્રે મને કાઉન્સેલિંગ સેશન્સનું સૂચન કર્યું એટલે અહીં તમારી પાસે આવ્યો છું, પણ ખરેખર મને કોઈ માનસિક તકલીફ નથી.”
આટલું કહીને ફરી એક વખત આરંભ એના કોચલામાં ગોઠવાય ગયા, બંને પગ એકબીજાને વીટાળેલ, ઘૂટંણ પર બંને હાથોથી હથેળીઓ એમ ગોઠવેલી જાણે મુંબઈની લોકલ ટ્રેનમાં કોઈએ ગ્રેબ હેન્ડલ પકડેલું હોય, વારંવાર સુકાતું ગળું અને આછો કપાળનો પરસેવો કહેતો હતો કે, આરંભને આ ક્લિનિક સુધી આવવા માટે ઘણો સંઘર્ષ થયો હશે અને તેમણે તેમના ક્ષોભને ત્યજીને આ પહેલી અપોઇન્ટમેન્ટ બુક કરી હશે, જે અમે (માનસિક સ્વાસ્થ્યના વ્યવસાયિકો) 10માંથી 4 લોકોમાં અવારનવાર જોતાં હોઈએ છીએ. માનસિક સ્વાસ્થયની વાત કરવી અને તેની સારવાર માટેના પગલાં લેવા એ હજુ ઘણા લોકો માટે અશોભનીય/આયોગ્ય કાર્ય છે. સૌ પ્રથમ આરંભને થેરપીમાં સહજ (comfortable) કરવા માટે કેટલીક અનૌપચારિક વાતચીત શરૂ કરી અને તેના પછી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
આરંભ સાથેના શરૂઆતી સેશન્સ દરમ્યાન જાણવા મળ્યું કે, તેની અકારણ બેચેનીનું મૂળ કારણ છ મહિના પહેલાંની તેની ઓફિસની એક ઘટના હતું. 42 વર્ષના આરંભ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે, આરંભ પોતાના કામની અંદર ખૂબ ઉત્તમ હતા, 15 વર્ષના કાર્યકાળમાં ન કોઈ ફરિયાદ હતી કે ન કોઈને તેમનાથી ઈર્ષા હતી, બધુ તાજા વલોવેલા માખણ જેવુ સ્મૂધ જતું હતું, ત્યારે એક દિવસ આરંભને તેના સિનિયરે તેમની ચેમ્બરમાં બોલાવ્યા અને પ્રમોશન ઓફર કર્યુ, આ ઓફર સ્વીકારવી કે નહીં તેના માટે એક અઠવાડિયુ મનોમંથન કર્યું અને અંતે નક્કી કર્યું કે તે પ્રમોશન નહીં સ્વીકારે અને જે બીજા એક સહકર્મચારીને મળ્યું પણ અને ફળ્યું પણ. આરંભની મુંઝવણનો આરંભ અહીંથી થયો. વાતની ઊંડાણમાં જતાં જાણવા મળ્યું કે જ્યારે આરંભે પ્રમોશનનો અસ્વીકાર કર્યો હતો ત્યારે તેણે પોતાની જાત સાથે ઘણી ચર્ચા કરેલી જેમાં આ સવાલો મોખરે હતા.
1. પ્રમોશન પછીની જવાબદારીઓ નિભાવવામાં હું નિષ્ફળ જઈશ તો ?
2. લોકો મારી ભૂલોની મજાક ઉડાવશે તો અથવા તો તેમની અપેક્ષાઓ મારા પ્રત્યે ખૂબ વધી જશે તો ?
3. પ્રમોશન પછીનો વર્કલોડ હું હેન્ડલ કરી શકીશ ?
4. અત્યાર જેવી શાંતિથી મારી લાઈફ ચાલે છે શું એવી ચાલશે ?
5. મારા કમ્ફર્ટનું શું ?
આ બધા પ્રશ્નોના ઉત્તરો આરંભને એક ડર તરફ દોરતા હતા, ‘કમ્ફર્ટ ઝોન’ને છોડીને કઈંક નવું કામ કરવાનો ડર, સાહસ કરીને પોતાના લેવલથી ઉપર ઊઠવાનો ભય, તેણે અનુકૂળ થઈ ગયેલા વાતાવરણમાંથી પીડા આપનાર માહોલની અવગણના કરીને નિર્ણય લઈ લીધો કે પ્રમોશન નથી લેવું પણ જ્યારે તેણે જોયું કે તેનો સહકર્મચારી આ પ્રમોશનની કસોટીમાંથી પાર ઉતરીને તેના વિકાસ (growth) ની દિશામાં ઉતારોત્તર પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે પોતે લીધેલા નિર્ણય પર ભારે વસવસો થતો હતો. આ જ કારણથી તેની બેચેની (restlessness) દિવસેને દિવસે વધતી જતી હતી, તેને તેના સહકર્મચારીથી ઈર્ષા ન્હોતી થતી પણ તેને અફસોસ થતો હતો કે તેણે શરૂઆતી પીડાથી ડરીને આટલી મોટી તક હાથમાંથી જવા દીધી, તેને શરમ એ વાતની હતી કે પોતે પોતાની સ્થિતિમાં કમ્ફર્ટેબલ થઈ તેને પોતાના પ્રગતિના બારણાં જાતે જ બંધ કરી દીધા.
થોડા કાઉન્સિલિંગ સેશન્સના અંતે આરંભએ ગુમાવેલો આત્મવિશ્વાસ ફરી પાછો આવ્યો, આરંભ હવે તૈયાર છે તેના કમ્ફર્ટ ઝોનમાંથી ધીરે ધીરે લર્નીગ ઝોનમાં જવા માટે અને અંતે ગ્રોથ ઝોનમાં પહોંચવા માટે અને હવે તેને સેશન્સમાં આવતા સંકોચ પણ નથી થતો. અંતિમ સેશનમાં આરંભે એક યાદી તૈયાર કરી જેમાં એવી એક્ટિવિટીસ હતી જે તેના કમ્ફર્ટને ચેલેન્જ કરી શકે. જેમાં તે નવી ટેક્નોલોજી અને સોફ્ટવેર શીખ્યા અને એ કારણસર તેમની કંપનીમાં એક અતિ મહત્વના(Asset) કર્મચારી બની ગયા.
આરંભ જેવા કેટલાય આરંભ આપણી અંદર છે જે કદાચ આપણા વિકાસને આડે તાળાં મારીને બેઠા છે, પણ એ તાળાંઓની ચાવી આપણી પાસે જ છે, આશા છે કે આપણે સૌ 2026માં પીડા, પરિશ્રમ અને પુરુષાર્થ રૂપી ચાવીઓથી આપણી ઉન્નતિ અને સફળ જીવન તાળાંઓને ખોલી શકીશું અને આપણે પણ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકીશું.
છેલ્લો કોળિયો : ઈંડામાંથી ઇયળ બનતા પીડા તો થઈ હશે ને?, એ ઇયળને કોશેટો બનાવામાં કંટાળો તો આવ્યો હશે ને ? અને કોશેટો તોડીને જયારે પાંખો ફૂટી હશે ત્યારે પતંગિયાને કેવું લાગ્યું હશે ?
ડૉ. હિરલ મહેશભાઇ જગડ (Counselling Therapist, RCT-C, PhD, PGDCP) hirb2624@gmail.com
Images source: Pinterest