શાળાના વોચમેને બીજા ટ્રસ્ટીનું સરનામું આપ્યું. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં જ આપણા જ ગામના એક બેન રહેતા હતા. આપણે ત્યાં જઈને એમને વાત કરી અને તરત જ એમણે કહ્યું કે તું ફિકર ન કર હું એમને કહીશ એ કરી દેશે. અને ખરેખર એમણે એ ટ્રસ્ટીને વાત કરી ને બીજા જ દિવસે એ શાળામાંથી ફોન આવ્યો કે તમારી દિકરીનું એડમિશન થઈ ગયું છે ફી ભરી જાવ. આ જાણીને આપણને હાશ થઈ કે હવે દિકરી માટે આપણે ફિકર કરવાની જરૂર નથી બધું જ બરાબર સચવાઈ જશે. દિકરીની ફી ભરવા માટે આપણે પહેલાથી જ થોડા થોડા પૈસા જુદા મુકતા હતા જેથી જ્યારે એનું એડમિશન લઈએ ત્યારે તકલીફ ન પડે. અને આપણે બે દિવસમાં દિકરીના એડમીશન માટેની ફી ભરી દીધી. મમ્મીએ એકવાર પણ એમ ન પૂછયું હતું કે તમે પૈસા ક્યાંથી લાવ્યા ? પણ એમ કહ્યું કે દિકરીને પણ મોટી શાળામાં મૂકી છે તો ફી ક્યાંથી ભરશો ? આપણે કહ્યું કે એ બધું થઈ જશે. તો કહે કે ભાણી અહી રહે છે તો પૈસા ખૂટે તો બેન પાસે ન માગતા. આ સાંભળીને તમને અને મને બંનેને એક આંચકો લાગ્યો હતો. બેન આગળ પણ ભાણીને મૂકવા આવ્યા ત્યારે પૈસા આપવાનું કહેતા હતા ત્યારે તમે ના પાડી હતી કે અરે મેં તારી પાસે પૈસા લેવા માટે ભાણીને અહીં નથી રાખી એને ભણાવવા માટે રાખી છે. તો હવે પછી એમની પાસે પૈસા શું કામ માગવાના ? તમે એમને એમ કહી દીધું હતું કે અમે પહેલા પણ બેન પાસે પૈસા નથી લીધા અને હવે પછી પણ નહીં લઈશું. અમે અમારી રીતે સંભાળી લઈશું. આમ કરતા કરતા વાર્ષિક પરીક્ષાઓ આવી ગઈ. હું ભાણીને ભણાવતી જ હતી. દિકરો હજી નાનો હતો એટલે એની પાછળ વધારે મહેનત કરવી પડતી ન હતી. અને પરીક્ષા પતી પછી વેકેશન પડી ગયું. ભાણી તો અહીં જ રહેતી હતી એટલે એણે કહયું કે એને તો એના ઘરે જવું છે થોડા દિવસ. મમ્મીએ કહ્યું કે તું ઘરે જવાનું કહે તો તારી મમ્મી અહીં રહેવા આવે તે ક્યારે આવશે ? એટલે તારે અહીં જ રહેવું પડશે. પણ ભાણી ન માની એટલે મમ્મીએ નાછૂટકે તમને એમ કહેવું પડ્યું કે તું ભાણીને એના ઘરે મૂકી આવ અને બેનને કહેજે કે એને વહેલી મુકવા આવજે એટલે એનાથી અહીં રહેવાય. ભાણી સાથે દિકરાએ બેનના ઘરે રહેવા જવાની જીદ કરી પણ મમ્મીએ ના પાડી દીધી કે ના એ ત્યાં રહેશે નહીં ને બેનને હેરાન કરશે. એને ખાલી ભાણીને મુકવા લઈ જા અને આવે ત્યારે પાછો લઈ આવજે. તમે પણ એમ કહ્યું કે હા એ ત્યાં નહીં રહે. એને પાછો લઈ આવશે. આ બધી વાતમાં મેં તો કંઈ કહ્યું જ ન હતું છતાં તમે અને મમ્મી બંને જણા મને એમ કહેવા લાગ્યા કે એ રાતે ત્યાં રડે તો પાછું લેવા જવું પડે એટલે એને ત્યાં રહેવા નથી મોકલવાનો. ત્યારે મને વિચાર આવ્યો કે મેં દિકરાને નથી કહ્યું કે તું ફોઈને ત્યાં જા. પણ ઘણા સમયથી એ ભાણી સાથે રહે છે એટલે કદાચ એને મન થઈ ગયું હશે એની સાથે જવાનું. છતાં આ લોકો ના પાડે છે. પણ એકવાર એમ ન વિચાર્યું કે અહીં બંને સાથે રહે છે એટલે કદાચ બેનના ઘરે દિકરો રહે પણ ખરો. પણ મમ્મીને તો એમની દિકરી હેરાન થાય એવું કંઈ કરવું જ ન હતું એટલે ના જ પાડી દિકરાને મોકલવાની. દિકરાને પણ કહી દીધું કે તારાથી ત્યાં રહેવા ન જવાય. આ સાંભળી દિકરો કહે હું તો દીદીને મુકવા જવા તો પાછો આવીશ જ નહીં. એટલે મમ્મીએ તમને કહ્યું કે તું એને મુકવા પણ ન લઈ જતો કદાચ ત્યાંથી ન આવે તો ?