ધ રાજા સાબ
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘ધ રાજા સાબ’ (2026) ને પહેલા દિવસે મળેલું રૂ.63 કરોડનું ઓપનિંગ એ વાતની ગવાહી આપે છે કે ભારતમાં ‘બ્રાન્ડ પ્રભાસ’ હજુ પણ અજેય છે. આ કલેક્શન વાર્તાને કારણે નહીં પણ પ્રભાસને પડદા પર જોવા માટે તલપાપડ તેના ચાહકોને કારણે મળ્યું છે. નિર્દેશક મારુતિએ પ્રભાસના સ્ટારડમને સંતોષવા માટે એક્શન, રોમાન્સ, કોમેડી અને હોરર એમ બધું જ એકસાથે મિક્સ કરી દીધું છે. પરિણામે જે મૂળ જોડાણ દર્શકો સાથે થવું જોઈએ તે તૂટી જાય છે. આ બધો જ અતિરેક ફિલ્મનો આનંદ બગાડે છે અને એમ વિચારવા મજબૂર કરે છે કે, ‘શું ખરેખર આ બધું એક જ ફિલ્મમાં જરૂરી હતું?’
વિવેચકોએ એક સ્ટાર આપવાની પણ ના અનિચ્છા દર્શાવી એ ફિલ્મ જગત માટે એક ચેતવણી સમાન છે. કારણ કે જ્યારે ભારતનો સૌથી મોટો સુપરસ્ટાર હોય ત્યારે નિર્દેશકે માત્ર ‘ચલતા હૈ’ જેવી પટકથા પર ફિલ્મ ન બનાવવી જોઈએ. પ્રભાસનું હવે માત્ર 'પેન-ઈન્ડિયા' સ્ટાર હોવું પૂરતું નથી, સ્ક્રિપ્ટનું મજબૂત હોવું અનિવાર્ય છે. પ્રભાસે હવે ક્વોન્ટિટી ને બદલે ક્વોલિટી અને પ્રયોગોને બદલે ચુસ્ત પટકથા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
આ ફિલ્મ પ્રભાસની સૌથી ખરાબ ફિલ્મ ગણાવવા પાછળના કારણો સ્પષ્ટ છે. ‘આદિપુરુષ’માં ઓછામાં ઓછું વિઝ્યુઅલ સ્કેલ હતું. જ્યારે ‘ધ રાજા સાબ’ માં ન તો સાચી હોરર છે ન તો સાચી કોમેડી. એવો પ્રશ્ન થયો છે કે, ‘પ્રભાસે આ સ્ક્રિપ્ટ માટે હા પાડતા પહેલા વાંચી પણ હતી કે કેમ?’ એક સમય હતો જ્યારે પ્રભાસના એક ઈશારે આખું માહિષ્મતી સામ્રાજ્ય હચમચી જતું હતું. આજે તે નબળા VFX અને સામાન્ય કોમેડીમાં ફસાયેલો જોવા મળે છે. પ્રભાસની આંખોમાં હવે પહેલા જેવી તીવ્રતા જોવા મળતી નથી. કદાચ સતત મોટા બજેટની ફિલ્મોનું દબાણ અને શૂટિંગના લાંબા શિડ્યુલ્સ તેને થકવી રહ્યા છે. ‘ધ રાજા સાબ’ માં તે પોતે જ ક્યાંક કન્ફ્યુઝ લાગે છે કે તેણે કોમેડી કરવી કે હોરર.
નિર્દેશકે પ્રભાસની ઇમેજ સાથે જે પ્રયોગ કર્યો છે તે ઊંધો પડ્યો હોય તેમ લાગે છે. સારું ઓપનિંગ એટલે છે કારણ કે ચાહકોને આશા હતી કે કંઈક નવું જોવા મળશે પણ ઇન્ટરવલ સુધીમાં તો એ લોકો પણ માથું પકડીને બેસી ગયા હતા. સોશિયલ મીડિયા પર એવા મીમ્સ ફરી રહ્યા છે કે, ‘ભલે 63 કરોડની કમાણી થઈ પણ એ કમાણી પ્રભાસના પર્ફોર્મન્સની નથી. એ તો અમારા જેવા ભોળા ચાહકોના વિશ્વાસની છે!’ વકરો ભલે ગમે તેટલો મોટો હોય પણ ‘ધ રાજા સાબ’ એ સાબિત કરી દીધું કે માત્ર સ્ટાર પાવરથી ફિલ્મને ઓપનિંગ મળી શકે પણ તેને ક્લાસિક કે હિટ નો ટેગ અપાવવા માટે વાર્તામાં જ દમ હોવો જોઈએ.
પ્રભાસના કરિયરનો આ કદાચ એવો વળાંક છે જ્યાં તેણે સ્ક્રિપ્ટની પસંદગીમાં સાવધાની રાખવાની જરૂર છે. કોઈ ફિલ્મને હોરર-કોમેડી તરીકે ઓળખાવવામાં આવે ત્યારે દર્શકો ‘સ્ત્રી’ અથવા ‘ભૂલ ભૂલૈયા’ જેવી અપેક્ષા રાખતા હોય છે, જેમાં ડર અને હાસ્યનું સંતુલન હોય. આ ફિલ્મમાં હોરરના નામે માત્ર જૂની પુરાણી ટ્રીક્સ અને મોટા અવાજોનો સહારો લેવાયો છે. જે ડરાવવાને બદલે ક્યારેક કંટાળો આપે છે.
હીરોઈનોની વાત કરીએ તો માલવિકા મોહનન અને નિધિ અગ્રવાલને જોઈને એવું લાગે છે કે માત્ર ‘ગ્લેમર ક્વોટા’ પૂરો કરવા જ લેવામાં આવી છે. વાર્તામાં તેમનું યોગદાન એટલું ઓછું છે કે ફિલ્મમાં ન લીધી હોત અથવા તેમના બદલે કોઈ ફોટોગ્રાફ મૂકી દીધો હોત તો પણ વાર્તાને કોઈ ફરક ન પડ્યો હોત. હીરોઈનોની હાજરી માત્ર ગીતોમાં પ્રભાસ સાથે ડાન્સ કરવા પૂરતી સીમિત રહી ગઈ છે.
‘ધ રાજા સાબ’ એવા લોકો માટે છે જેમને મગજ વાપર્યા વગર માત્ર પ્રભાસનો હસતો ચહેરો જોવો ગમે છે. પણ જેઓ વાર્તા, તર્ક અને પ્રભાસના દમદાર પર્ફોર્મન્સના આશાવાદી છે તેમના માટે આ કોઈ સાધારણ ટીવી શો જોવા જેવો અનુભવ બની શકે છે.
સંજય દત્ત જેવો દિગ્ગજ કલાકાર કેમેરા પાછળ ખોવાઈ ગયો હોય તેવું લાગે છે. ભારેખમ VFX અને એનિમેશનના ઓવરડોઝમાં સંજયની અસલ અદાકારી માટે કોઈ જગ્યા જ બચી નથી. જે અભિનેતાની એક નજર દુશ્મનોને ડરાવવા માટે પૂરતી હોય તેને નિર્દેશકે VFX ના આવરણો નીચે દબાવી દીધો છે. નિર્દેશકને કદાચ એવું લાગ્યું હશે કે જો અસલી અભિનય ઓછો પડશે તો VFX થી ગાડું ચલાવી લઈશું પણ તેઓ ભૂલી ગયા કે માણસો ફિલ્મ જોવા ગયા હતા કાર્ટૂન નહીં.
‘ધ રાજા સાબ’ જેવી ફિલ્મો જ્યારે 3 કલાક ખેંચાય છે ત્યારે તેની અસરકારકતા અડધી થઈ જાય છે. જો ચુસ્ત રીતે એડિટ કરીને અઢી કલાકની કરવામાં આવી હોત તો તેનાથી અનેક ફાયદા થઈ શક્યા હોત. જે ઓવરડોઝ નડે છે તે ઓછો થઈ જાત. જે બિનજરૂરી દ્રશ્યો, લાંબા લચક ગીતો અને ખેંચાયેલી કોમેડી સિક્વન્સ મૂકી છે તેને કાપી નાખવામાં આવી હોત તો વાર્તાની ગતિ જળવાઈ રહી હોત. હોરર-કોમેડી જોનરમાં ટાઈમિંગ ખૂબ મહત્વની હોય છે. જો કોઈ જોક લાંબો ખેંચાય તો કંટાળાજનક લાગે અને ડરામણું દ્રશ્ય બિનજરૂરી મોટું હોય તો તેનો ભય જતો રહે છે. ‘મોટું બજેટ’ અને ‘મોટો સ્ટાર’ હોવાના મોહમાં નિર્દેશકો ફિલ્મની લંબાઈ ઘટાડી શકતા નથી. જે અંતે દર્શકો માટે માથાનો દુખાવો બની જાય છે.