આ પ્રશ્નનો જવાબ હા અને ના બંનેમાં છે.
જીવનમાં જે કંઈ પણ બને છે, જન્મથી મરતા સુધી એ બધું જ પ્રારબ્ધ ખરેખર નિશ્ચિત જ છે. પણ જો એમ કહીને માણસ હાથ ઉપર હાથ ધરીને બેસી જાય, અને જીવનમાં કંઈ ન કરે, આળસ અને પ્રમાદમાં સમય વેડફી નાખે તો તે અયોગ્ય થશે. પ્રારબ્ધ નિશ્ચિત હોય તો પછી મનુષ્યએ પુરુષાર્થ શું કરવાનો? પુરુષાર્થ એટલે શું? આપણા હાથમાં શું છે? એ મોટો પ્રશ્ન છે.
લોકો પ્રારબ્ધ ઉપર ભરોસો રાખે છે, ભવિષ્યમાં શું થવાનું છે એ નક્કી છે એમ માનીને જ્યોતિષી, ભૂવાને ત્યાં ચક્કર લગાવે છે. પણ પ્રારબ્ધ જે ભોગવવાનું છે એ બદલી નથી શકાતું. શ્રીરામચન્દ્રજીને પણ રાજ્યાભિષેક થવાનો હતો. પ્રખર જ્યોતિષીઓના કહેવા પ્રમાણે મુહુર્ત કઢાવીને રાજગાદીએ બેસાડવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી. પણ છેલ્લે કૈકેયીના કહેવાથી બધો ફેરફાર થઈ ગયો અને રાજગાદીને બદલે શ્રીરામને વનવાસ મળ્યો, એ પણ ચૌદ વર્ષનો!
“ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે?”
તો શ્રીરામ ભગવાનને પણ ભવિષ્યમાં શું થવાનું છે એ નહોતી ખબર, તો સામાન્ય મનુષ્યોને ક્યાંથી ખબર હોય?
વાસ્તવમાં, પાંચ ઇન્દ્રિયથી આપણને જે જે અનુભવમાં આવે છે એ બધું જ પ્રારબ્ધ છે, પૂર્વનિશ્ચિત છે. પણ સાથે સાથે આજનો પુરુષાર્થ પણ હોવો જરૂરી છે. પુરુષાર્થ બહુ સૂક્ષ્મમાં થાય છે, એટલે કે, એ બહાર દેખાતો નથી. આપણે માનીએ કે મહેનત કરવી, પરસેવો પાડવો એ પુરુષાર્થ છે. પણ જો એવું હોય તો કોઈ મોટો શેઠ એક ફોનનો નંબર લગાવે ને લાખો રૂપિયા પાડે છે, જયારે મજૂર આખો દિવસ પરસેવો પાડે ને તોય બે ટંક ખાવાનું પૂરું પડે છે. પુરુષાર્થ પ્રમાણે ફળ મળતું હોય તો મજૂરને વધારે ફળ મળવું જોઈએ, પણ મળે છે શેઠને. જો લોકો જેને પુરુષાર્થ માને છે, એ સાચો પુરુષાર્થ હોય તો તેનું ફળ બધાને સરખું કેમ નથી મળતું? કારણ કે લોકોને પુરુષાર્થની સાચી સમજણ નથી.
લોકો કહે કે, “મેં આ દુકાન ખૂબ વધારી, ધંધો ખૂબ જમાવ્યો, હું ભણ્યો, હું પહેલે નંબર પાસ થયો.” અને એને જ પુરુષાર્થ કહે છે. પણ એ બધું તો પ્રારબ્ધ છે. આપણે ભાવ રાખવો અને નક્કી કરવું કે “મારે ભણીને સારા માર્કે પાસ થવું છે, ધંધો જમાવવો છે.” અને એ માટે પ્રયત્નો કરવા એ પુરુષાર્થ છે. પછી પરિણામમાં ધંધો જામ્યો કે ના જામ્યો, પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા કે ન આવ્યા એ આપણું પ્રારબ્ધ આવ્યું. ત્યાં સમાધાન રાખવું, અને આપણો અંદર ભાવમાં પુરુષાર્થ ચાલુ જ રાખવો.
બીજું ઉદાહરણ લઈએ. ધારો કે, આપણને વહેલી સવારે ગાડી પકડવાની હોય, વહેલા ઊઠવાનું હોય, એલાર્મ પણ મૂક્યું હોય, તોય સવારે મોડું ઊઠાય. ત્યારે આપણે ઘરના લોકોને ગુસ્સામાં કહીએ કે, “તમે બધા જાણતા હતા કે મારે ગાડી પકડવાની છે, તો કેમ વહેલો ઉઠાડ્યો નહીં?” હવે ત્યારે એવો કકળાટ માંડવાની જરૂર નથી. આપણે લોકોને કહ્યું હોય, પણ એ લોકો ભૂલી જાય એવું પણ બને! અહીં, મોડું ઊઠાયું એ જ પ્રારબ્ધ છે. માટે કોઈનો દોષ નથી. હવે પુરુષાર્થ શો કરવાનો છે આપણે? આગલા દિવસે નક્કી કરવાનું કે વહેલું ઊઠવું જ જોઈએ, એ પુરુષાર્થ છે ત્યાં આગળ!
ટૂંકમાં, ક્રિયા જે થઈ રહી છે, એ પ્રારબ્ધ છે અને આપણો આંતરિક ભાવ એ પુરુષાર્થ છે. આજે જે કંઈ પણ ક્રિયા કરવાની આવે છે એ નિશ્ચિત છે, અને આપણા કર્મ પ્રમાણે ફળ આપે છે, પણ એમાં આપણો ભાવ શું હોવો જોઈએ તે નિશ્ચિત નથી. ભાવથી આજે નવું કર્મ બીજ પડે છે, અને આવતા ભવનું પ્રારબ્ધ નિશ્ચિત થાય છે.