આ દુનિયામાં દરેક પ્રેમકહાની લગ્નના મંડપ સુધી નથી પહોંચતી, અને કદાચ એટલે જ એ અમર બની જતી હોય છે. આ વાર્તા એક એવી સ્ત્રીની છે જેણે જીવનના અંધકારમાં પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું હતું, પણ પછી તેના જીવનમાં એક 'ઉજાસ' આવ્યો—એક એવો માણસ જેણે તેને પ્રેમ કરતા પહેલા તેની જાત સાથે પ્રેમ કરતા શીખવ્યું.
આ વાર્તામાં કોઈ ફરિયાદ નથી, કોઈ વિરહનો આક્રોશ નથી. અહીં તો માત્ર એક શિષ્યાનો પોતાના આદર્શ પ્રત્યેનો એવો નિઃસ્વાર્થ પ્રેમ છે, જે કોઈ પણ બંધન વગર વહે છે. ઘણી વાર આપણે કોઈને પામી નથી શકતા, પણ તેમને ચાહવાનો હક તો ઈશ્વર પણ આપણી પાસેથી છીનવી નથી શકતો.
ન્યૂઝ ચેનલની ઓફિસમાં કીબોર્ડ પર ચાલતી આંગળીઓનો અવાજ અને ચારેબાજુ ફેલાયેલી ભાગદોડ વચ્ચે પણ કાવ્યાના મનમાં એક અજીબ સન્નાટો હતો. તે ડિજિટલ ન્યૂઝ લખતી વખતે દુનિયાભરની વાતો શબ્દોમાં કંડારતી, પણ તેના પોતાના જીવનની વાર્તા ક્યાંક અટકી પડી હતી.
છેલ્લા ત્રણ વર્ષથી તે પોતાના પતિથી અલગ રહેતી હતી. સંબંધના એ વળાંકે તેને માત્ર એકલતા જ નહોતી આપી, પણ તેની અંદર રહેલી 'સ્ત્રી'ને પણ મારી નાખી હતી. અરીસામાં જોઈને કાજલ લગાવવી કે ગમતો ડ્રેસ પહેરવો હવે તેને વ્યર્થ લાગતું હતું. તે જીવતી તો હતી, પણ જાણે શ્વાસ લેવાનું ભૂલી ગઈ હોય તેવું લાગતું.
એક દિવસ ઓફિસના કામના ભાર વચ્ચે તેની નજર તેના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા એક નામ પર અટકી— 'આર્યન સર'.
આર્યન સર તેના પ્રોફેસર રહી ચૂક્યા હતા. એક એવું વ્યક્તિત્વ જેમને આખી કોલેજ માન આપતી. તે દિવસે ખબર નહીં કેમ, પણ કાવ્યાના મનમાં થયું કે એક વાર સરને મેસેજ કરું. તેણે ધ્રૂજતા હાથે એક સાદો 'GM' (ગુડ મોર્નિંગ) નો મેસેજ મોકલ્યો. તેને અપેક્ષા નહોતી કે સર જવાબ આપશે, કારણ કે પ્રોફેસર અને એક પૂર્વ શિષ્યા વચ્ચેના વર્ષોના અંતરને પાર કરવું મુશ્કેલ હતું.
પરંતુ, થોડી જ વારમાં ફોનની સ્ક્રીન ઝબકી. સરનો જવાબ હતો.
એ સાદા જવાબમાં કાવ્યાને વર્ષો પછી કોઈનો 'આદર' વર્તાયો. ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. કાવ્યાએ પોતાના જીવનની કડવાશ, પોતાની એકલતા અને વિખરાયેલા અસ્તિત્વ વિશે બધું જ આર્યન સર સામે ઠાલવી દીધું. તે પત્રકાર હતી, શબ્દો સાથે રમવું તેનો વ્યવસાય હતો, પણ આર્યન સર સામે તે એક નાનકડી બાળકી બની ગઈ હતી જેને બસ કોઈનો સહારો જોઈતો હતો.
આર્યન સરે તેની વાતો શાંતિથી સાંભળી. તેમણે કાવ્યાને રોકી નહીં, ટોકી નહીં. બસ, જ્યારે કાવ્યા બોલી રહી ત્યારે તેમણે એટલું જ કહ્યું, "કાવ્યા, તું તારી જાતને કેમ ભૂલી ગઈ છે? તારા જેવી મજબૂત સ્ત્રીને આ રીતે વિખરાયેલી જોવી મને નથી ગમતી."
એ એક વાક્ય કાવ્યાના હૃદયમાં આરપાર ઉતરી ગયું. તેને લાગ્યું કે આખી દુનિયા તેને 'ત્યજાયેલી' ગણતી હતી ત્યારે કોઈ એક વ્યક્તિ હતી જે તેને 'કિંમતી' ગણતી હતી.
એ રાત્રે કાવ્યાએ વર્ષો પછી અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને જોઈ. તેની આંખોમાં હજુ પણ પાણી હતા, પણ એ પાણીમાં હવે ડૂબી જવાની બીક નહીં, પણ તરી જવાની આશા હતી. આર્યન સર પ્રત્યેનો તેનો આદર હવે ધીમે ધીમે એક એવા અહેસાસમાં બદલાઈ રહ્યો હતો, જેને દુનિયા 'પ્રેમ' કહે છે. પણ શું આ પ્રેમ શક્ય હતો? આર્યન સર પરિણીત હતા અને કાવ્યા પોતાના જ જીવનની લડાઈ લડી રહી હતી.
કાવ્યાએ ડાયરી ખોલી અને પહેલી વાર કંઈક અંગત લખ્યું: "તેમણે હજુ મને સ્પર્શ પણ નથી કર્યો, પણ એમના શબ્દોએ મારા આત્માને સંભાળી લીધી છે."
(ક્રમશઃ...)