જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની દરેક પરિસ્થિતિને જોવાનો આપણો અભિગમ પણ બે પ્રકારે હોય છે. પછી એ કોઈ વ્યક્તિ માટે હોય કે સંજોગો માટેનો. એક અભિગમ છે, નકારાત્મક એટલે કે નેગેટિવ અને બીજો અભિગમ છે, હકારાત્મક એટલે કે પોઝિટિવ. જીવનમાં બેમાંથી કયો અભિગમ રાખવો તે નક્કી કરવા માટે બંનેને ઓળખવા જરૂરી છે.
પોઝિટિવ અને નેગેટિવ ઓળખવાની પારાશીશી એ છે કે, જે બીજાને દુઃખ આપે અને પોતાને દુઃખી કરે, બળતરા કરાવે એ બધું જ નેગેટિવ છે. જ્યારે તેનાથી વિરુદ્ધ એટલે કે જે પોતાને સુખ આપે અને બીજાને પણ સુખી કરે તે બધું પોઝિટિવ છે. આપણને સુખ જોઈતું હોય તો પોઝિટિવ રહેવું અને દુઃખ જોઈતું હોય તો નેગેટિવ થવું. દુઃખી થવું કોને ગમે? કોઈને નહીં. એટલે જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ.
પોઝિટિવ દ્રષ્ટિનું મુખ્ય લક્ષણ છે કે, તે અવળામાંથી સવળું શોધી કાઢે છે. જીવનમાં ભારે મુશ્કેલીઓ આવી પડે તોય પોઝિટિવ અભિગમવાળાને ક્લેશ, બળતરા, ઈર્ષ્યા, ઝઘડા કે કકળાટ ઊભા નથી થતા. તેમને જીવનમાં નિષ્ફળતા આવે તો પણ તે નાસીપાસ થઈને બેસી નથી રહેતા. ઊલટું, પોઝિટિવ દૃષ્ટિવાળી વ્યક્તિનું કોઈ અપમાન કરે ત્યારે તેમને વિચાર આવે કે, “મારું આવું અપમાન કરે તો મને દુ:ખ થાય છે, તો મારે કોઈનું અપમાન ન કરવું જોઈએ.” પછી તેઓ પોઝિટિવ તારણ કાઢીને આગળ વધે છે. મનમાં બદલાની ભાવના, વેર કે ફરિયાદ નથી રાખતા.
બીજી બાજુ, નેગેટિવ દ્રષ્ટિ મનની શાંતિ હરી લે, ચેન ન પડવા દે. ધારો કે, આપણે કોઈને આપણે પૈસા આપ્યા હોય અને એ વ્યક્તિ પૈસા પાછા ના આપે ત્યારે “એ નહીં આપે તો શું થશે?” એવો નેગેટિવ વિચાર આખી રાત ઊંઘવા ન દે. જ્યારે “પૈસા એના ટાઈમે આવશે, હમણાં તો સૂઈ જઈએ.” એમ પોઝિટિવ વિચાર કરીને ઊંઘી જઈએ તો આખી રાત ન બગડે. એટલું જ નહીં, સતત નેગેટિવ વિચારો આવ્યા કરે તો આપણી આંતરિક શક્તિઓ પણ હણાઈ જાય છે. પારસ્પરિક સંબંધોમાં પણ પોઝિટીવીટી મોટો ભાગ ભજવે છે. આપણને જે વ્યક્તિ પ્રત્યે વારંવાર નેગેટિવ વિચારો આવતા હોય, તે વ્યક્તિ સાથે અંદરથી જુદાઈ ઊભી થાય છે, અંતર વધતું જાય છે. કારણ કે, આપણા નેગેટિવ વિચારોના સ્પંદનો સામાને અવશ્ય પહોંચે છે, પરિણામે સંબંધો વણસે છે.
પોઝિટિવનું ખૂબ મહત્ત્વ છે. પોઝિટિવ દૃષ્ટિની શરૂઆત સંસાર વ્યવહારથી થાય છે પણ તે આધ્યાત્મના પગથિયા ચડીને છેક આત્મા સુધી લઈ જવા સમર્થ છે.
સંત તુકારામના જીવનનો એક સુંદર પ્રસંગ છે. તેઓ એક દિવસ નદીએ નાહીને સીડીઓ ચડી મંદિરે જતા હતા. રસ્તામાં એક માણસ થૂંક્યો! સંત તુકારામનું શરીર અશુદ્ધ થયું. મંદિરે જતા પહેલા શુદ્ધ થવા ફરીથી નદીમાં નહાવા ગયા. બહાર નીકળ્યા તો ફરીથી પેલો માણસ એમના ઉપર થૂંક્યો. સંત ફરીથી નહાવા ગયા. એમ એકવીસ વખત પેલો માણસ સંત તુકારામ ઉપર થૂંક્યો, અને દરેક વખતે બિલકુલ અકળાયા વગર સંત નહાવા નદીમાં ગયા. એમની આટલી સમતા અને આંતરિક શક્તિ જોઈને થૂંકનાર માણસને જબરજસ્ત પસ્તાવો થયો એટલે તેમના પગે પડી ગયો! સામો ગમે તેટલું નેગેટિવ કરે તો પણ આપણે પોઝિટિવ રહીએ તો સામાને પોતાની નબળાઈ સમજાય છે.
આપણને જો કોઈ વ્યક્તિ માટે નેગેટિવ થાય, તો તેની નેગેટિવ ચર્ચાઓ બીજા સાથે કરીએ છીએ. વ્યક્તિમાં તો કોઈ ફેરફાર થતો નથી, ઊલટું આપણી અકળામણ વધ્યા કરે છે. નેગેટિવ વાણી, વર્તનથી સામી વ્યક્તિના અહંકારને ઠેસ પહોંચે છે. એના બદલે વ્યક્તિઓ સાથે પોઝિટિવ રહીએ તો સંબંધોને પણ સાચવી શકાય છે અને આપણને પણ આનંદ રહે છે.