Irshya thava pachhadna karan shu hoy chhe in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | ઈર્ષ્યા થવા પાછળના કારણ શું હોય છે?

Featured Books
Categories
Share

ઈર્ષ્યા થવા પાછળના કારણ શું હોય છે?

ઈર્ષ્યાનું મુખ્ય કારણ:

ઈર્ષ્યાનું મુખ્ય કારણ છે સ્પર્ધા. સ્પર્ધા એક એવી વસ્તુ છે જે કોઈને જીવનમાં ઊભી નહીં થઈ હોય એવું નહીં હોય. સ્પર્ધા ક્યાં નથી? નાનપણથી મોટા થઈએ ત્યાં સુધી દરેક વ્યક્તિને “હું આનાથી મોટો થાઉ”, “હું સૌથી આગળ વધું.” એવીબીજાથી ચડિયાતા થવાની સ્પર્ધા જન્મે છે. સ્પર્ધામાં કમ્પેરિઝન એટલે કે સરખામણી શરૂ થાય છે કે આની પાસે વધારે, મારી પાસે ઓછું! નાના હોઈએ ત્યારે રમકડાં કે કપડાં માટે સરખામણી થાય. મોટા થઈએ ત્યારે ભણવામાં સ્પર્ધા. યુવાનોમાં સારા દેખાવા માટે સ્પર્ધા. આગળ વધીને પૈસા કમાવામાં, કારકિર્દી માટે, નોકરીમાં પ્રમોશન માટે કે ધંધો જમાવવા માટે સ્પર્ધા. પછી સમાજમાં પ્રતિષ્ઠા અને સ્ટેટસ માટે પણ સ્પર્ધા અને સરખામણી થયા કરતા હોય છે. આવી સ્પર્ધા “હેલ્ધી કોમ્પિટિશન” ન રહેતા જ્યારે આગળ વધે છે, ત્યારે તેમાંથી ઈર્ષ્યા જન્મે છે.
ઈર્ષ્યાનું બીજું નામ છે અદેખાઈ. અદેખાઈ એટલે બીજાની ચડતી ‘ન દેખી શકવાનો’ રોગ. બીજું કોઈ વધારે સફળ થાય, પોતાનાથી વધારે આગળ વધે, બીજા પાસે પોતાનાથી વધારે કંઇક હોય કે બીજી વ્યક્તિ આપણાથી વધારે ખુશ હોય તે બધું સહન ના થવું એટલે ઈર્ષ્યા. બીજી કોઈ વ્યક્તિને પોતાના કરતા વધારે આદર-સત્કાર કે માન-પાન મળે ત્યારે પણ ઈર્ષ્યા ઊભી થાય છે. ઈર્ષાળુ વ્યક્તિને જેના પ્રત્યે ઈર્ષ્યા હોય એ વ્યક્તિ ઉલટું નિષ્ફળ જાય, એનું ઘટે, એ પાછળ પડે કે એ દુઃખી થાય, તો તેમાં પોતાને ખુશી લાગે છે. આવી ખુશીને પાશવી આનંદ કહેવાય છે. કારણ કે, બીજાના દુઃખમાં પોતે સુખી થવું એ માનવીય નહીં પણ પશુતાનો ગુણ છે. જેમ કે, એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી માટે ઈર્ષ્યા થાય, પત્નીને પતિના મિત્રો માટે ઈર્ષ્યા થાય, નોકરીમાં સહાધ્યાયીને જેના ઉપર બોસ ખુશ હોય એવા બીજા સહાધ્યાયી સાથે ઈર્ષ્યા થાય, ધંધાદારીને પોતાનાથી સફળ બિઝનેસમેન માટે સ્પર્ધા થાય, અથવા પોતાનાથી વધુ દેખાવડી કે વધુ પૈસાવાળી વ્યક્તિ માટે ઈર્ષ્યા થાય. 
ઘણીવાર ઈર્ષ્યામાં દેખીતી રીતે દ્વેષ વ્યક્ત નથી થતો. સામસામે એકબીજાને હરાવવાના કે ઊતારી પાડવાના પ્રયત્નો નથી થતા. આમ વ્યક્તિના મોઢે તો બધું સારું-સારું રાખતા હોય, પણ પાછલા બારણે એવા પ્રયત્નો થતા હોય, જેનાથી સામો પ્રગતિ જ ના કરી શકે અને પોતાનાથી આગળ જ ના નીકળી શકે. સંસારમાં આવી કૂટનીતિ ચાલ્યા જ કરતી હોય છે. મનુષ્યોને ભાન નથી કે જાણતા-અજાણતા આવી રીતે ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં પોતાના ભાવ બગાડીને, મનુષ્ય સામાની પ્રગતિમાં નહીં, પણ પોતાની જ પ્રગતિમાં ભયંકર અવરોધ નાખે છે. 
ઈર્ષ્યાનું ધોરી મૂળ છે અહંકારનો ભય અને અસલામતી! અહંકારનો સ્વભાવ છે કે સંસારમાં નજીકની વ્યક્તિઓ, સંસારી ચીજવસ્તુઓ, કામ કે કારકિર્દીની સફળતા, માન-મોભો-કીર્તિ વગેરેના આધારે પોતાનું અસ્તિત્વ સ્થાપન કરે છે, અને તેને જ પોતાનો જીવવાનો સર્વસ્વ આધાર માને છે. કોઈ બીજી વ્યક્તિ પોતાના એ આધાર ઉપર તરાપ મારશે, અથવા કોઈના નિમિત્તે પોતાનો એ આધાર હાલી જશે, એવી અસલામતીનો ભય જયારે પેદા થાય છે, ત્યારે ઈર્ષ્યા જન્મે છે. પછી એ નિમિત્તને પોતાના અવલંબન રૂપી વસ્તુ કે વ્યક્તિથી દૂર રાખવાના પ્રયત્નો સહેજે થાય છે. એમાં જો પોતે સફળ ના થાય તો સામા નિમિત્ત પ્રત્યે અત્યંત દ્વેષ ઊભો થાય છે, જે વધીને વેર સુધી પણ પહોંચે છે.
ઈર્ષ્યાના અંધાપામાં મનુષ્યને એ નથી સમજાતું, કે આ બધા સંસારના આધાર બરફ જેવા ક્ષણભંગુર છે. ક્યારે બરફ ઓગળી જશે, આધાર જતો રહેશે એનો ભરોસો નથી. પણ એ બરફને સાચવવા અત્યાર સુધી જે ખટપટ કરી, લોકોને ખસેડ્યા, દ્વેષ કર્યા, વેર બાંધ્યા એ બધું કર્મરૂપે આપણી સાથે ને સાથે જ રહેશે.