૫૭ સેન્ટ્સ — પ્રેમની નાનકડી ભેટ
સને 1884 ની એક રવિવારની સવાર હતી. આકાશના હળવા પીળા પ્રકાશમાં પક્ષીઓનો કલરવ અને ચર્ચની ઘંટડીનો મધુર અવાજ ગામના રસ્તાઓમાં ગુંજી રહ્યો હતો.
ચર્ચમાં આજે બહુ ભીડ હતી. કેમ કે આજે રવિવાર ની પ્રાર્થના નો ખાસ દિવસ હતો. ચર્ચની અંદરથી પ્રાર્થનાઓ સંભળાઇ રહી હતી.
એક નાનકડી બાળકી, કપડાં થોડાં જૂનાં, વિખરાયેલા વાળ અને ચહેરા પર ગરીબીની છાયા સાથે આ નાનાં ચર્ચ પાસે ઊભી હતી, તેની નાનકડી આંખોમાં આંસુ હતાં કેમ કે આ નાનકડી બાળકી માટે અંદર જગ્યા નહોતી.
એ જ સમયે એક પાદરી ત્યાંથી પસાર થયા.
બાળકી તેમને જોઈને રડી પડી
“પાદરી સાહેબ, મને કોઈ અંદર જવા નથી દેતું.” આ શબ્દો ફરિયાદ નહોતા…
એ તો માત્ર તૂટી ગયેલી આશાનો નાનો અવાજ હતો.
પાદરી થોભી ગયા. તેમણે તેની આંખોમાં જોયું. અને ધીમેથી પૂછ્યું—
“કેમ દીકરી?”
બાળકીનું ગળું ભરાઈ ગયું—
“ભીડ બહુ છે…
અને… અને મને કહ્યું કે જગ્યા નથી…”
પાદરીએ બાળકી તરફ જોયું. તેની ગરીબી, તેની અવ્યવસ્થિત હાલત… બધું જોઈને તેમને સમજાઈ ગયું કે કારણ શું હશે?
પાદરીએ એક લાંબો શ્વાસ લીધો. જાણે અંદરથી કંઈક દુઃખ્યું હોય.
“જગ્યા નથી… એ કેવી રીતે શક્ય છે કે ઈશ્વરના ઘરમાં કોઈ બાળક માટે જગ્યા ન હોય!”
અને તેમણે બાળકી ને આંગળી આપી. એ આંગળી પકડી ને એ બાળકી ચર્ચ માં પ્રવેશી.
ચર્ચ ખરેખર ભરેલું હતું.
પણ પાદરીએ કહ્યું—
“દીકરી, તું રડીશ નહીં કે ગભરાઈશ નહીં.”
ચર્ચની અંદર જગ્યા ઓછી હતી. પણ હૃદયમાં જગ્યા અનંત હતી એટલે ભીડમાં પણ તેમણે જગ્યા શોધી કાઢી.
એક ખૂણામાં, એક નાની બેઠક જાણે આ બાળકીની રાહ જોઈ રહી હતી.
“અહીં બેસ દીકરી, આજે અહીંથી આપણે પ્રાર્થના કરીએ”
ને બાળકીનું મન ભરાઈ આવ્યું.
તે ધીમેથી બોલી—
“પાદરી સાહેબ…
તમારો ખૂબ આભાર કે તમે મને અંદર લઈ આવ્યા…”
“દીકરી, તું બહાર રહી જાય, એ તો ચર્ચ માટે શરમની વાત છે.” પાદરી ની આંખો માં કરુણા વર્ષી રહી હતી.
બાળકીની આંખોમાં ચમક આવી.
એ રાત્રે બાળકી ની આંખો માં ઊંધ નહોતી, મન આખી રાત જાગતું રહ્યું.
તે વિચારી રહી હતી.
“જેમ આજે હું પ્રાર્થના કર્યા વગર બહાર રહી જાત,
તેમ મારી જેવા કેટલાય બાળકો રોજ પ્રાર્થના કર્યા વગર બહાર રહેતા હશે!”
બાળકીના મનમાં
એક નાનો વિચાર જન્મ્યો—
“જો ચર્ચ મોટું હોય ને તો કોઈ બાળક બહાર ન રહે અને બધા બાળકો પ્રાર્થના કરી શકે.”
એ રાત્રે એ દીકરીનું નાનકડું હૃદય એક મોટું સ્વપ્ન જોઈ રહ્યું હતું, પણ તે તો ગરીબ હતી.
સમય પસાર થયો.
2 વર્ષ બાદ આજ આશા સાથે એક દિવસ…
એક ગરીબના ઝૂંપડામાં…આ બાળકીનું જીવન સમાપ્ત થઈ ગયું.
દીકરી ના માતા-પિતા રડી રહ્યા હતા અને દીકરી ની અંતિમવિધિ માં તેમણે પાદરીને બોલાવ્યા. એ પાદરી જેણે આ દીકરી પર પોતાની દીકરી જેવુ જ સ્નેહ અને હેત વર્ષાવ્યું હતું.
પાદરી આવ્યા અને મૃત દીકરીની આ નાનકડી કાયાને જ્યારે અંતિમવિધિ ઊંચકી તો એના ફ્રૉક માંથી એક ચીંથરાયેલુ અને જુનું પર્સ નીચે પડ્યું.
પાદરીએ ધીમેથી પર્સ ખોલ્યું. અંદર હતા—
૫૭ સેન્ટ્સ.
અને એક ચિઠ્ઠી, જેમાં એ બાળકીએ પોતાના બાળસહજ અક્ષરોમાં લખ્યું હતું,
“ચર્ચને મોટું બનાવજો…
જેથી મારા જેવા બધા જ બાળકો પ્રાર્થના કરી શકે.”
પાદરીના હાથ કાંપ્યા. તેમણે આંખ બંધ કરી ને અશ્રુ એ આંખ ના કિનારે થી પોતાનો રસ્તો શોધી લીધો.
આંસુ શબ્દ બની ગયા.
“દીકરી…તું તો બે વર્ષથી બચત કરતી રહી!
કોઈ રમકડું નહીં,..કોઈ મીઠાઈ નહીં…
માત્ર એક સ્વપ્ન—બીજાં બાળકો માટે ચર્ચ માં જગ્યા.”
“અમને ખબર પણ નહોતી…” બાળકી ની માતા પણ આંખ માં અશ્રુ સાથે પોતાની વ્હાલી દીકરી ની અંતિમ ચિઠ્ઠી જોઈ રહી હતી.
બીજા દિવસે સવારે પાદરીએ આ દીકરી ની અંતિમ ચિઠ્ઠી ચર્ચમાં વાંચી.
ચર્ચમાં મૌન છવાઈ ગયું.
પાદરી બોલ્યા—
“આ ૫૭ સેન્ટ્સ નથી…
આ એક દીકરી ની 2 વર્ષ ની બચત સાથેનું એક નાનકડા હ્રદયનું સપનું.
જો એક દીકરી એટલું વિચારી શકે…
તો આપણે કેમ નહીં?”
તેમણે સૌને કહ્યું—
“ચાલો, આપણે આ ચર્ચને મોટું બનાવીએ.”
અખબાર માં આ વાત વાયુ વેગે પ્રસરી.
એક જમીનદારે આ વાંચ્યું.
તેણે ચર્ચને પોતાના લાખો ડોલર ની જમીન આપવાની વાત કરી.
ચર્ચે કહ્યું: “પણ અમે જમીન ની કિંમત ચૂકવવા સમર્થ નથી…”
જમીનદારે ધીમે થી કહ્યું. “જમીન ની કિંમત છે, ફક્ત ૫૭ સેન્ટ્સ...”
દૂર દૂરથી ચેક આવવા લાગ્યા.
પાંચ વર્ષમાં…
એ બાળકીની નાનકડી ભેટ થી શરૂ થયેલું અભિયાન ૨,૫૦,૦૦૦ ડોલર સુધી પહોંચી ગયું અને ૩,૩૦૦ લોકો બેસી શકે તેવા ચર્ચ નું નિર્માણ થઈ ગયું. હવે બધા જ બાળકો માટે ચર્ચ માં જગ્યા છે અને બધા જ બાળકો પ્રાર્થના કરી શકે છે.
એક નાનકડા ત્યાગે એક મોટો ઇતિહાસ રચ્યો.
ફિલાડેલ્ફિયા શહેરનું ટેમ્પલ બાપિસ્ટ ચર્ચ (Temple Baptist Church) આજેય આ વાત નું સાક્ષી બની ને જીવંત ઊભું છે. સાથે સાથે ત્યાં Temple University માં હજારો ગરીબ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
ત્યાં બાજુ માં જ Good Samaritan Hospital માં ગરીબ બાળકો ની વિના મૂલ્યે સારવાર થઈ રહી છે. જેથી આ નાનકડી બાળકી ને જેમ કોઈ નો જીવનદીપ નાની આયુ માં બુઝાઇ ના જાય.
આજેય એ બિલ્ડિંગમાં
એક રૂમમાં,
મીઠા સ્મિત સાથે બાળકીનું ચિત્ર છે. જેનું નામ હતું, “ હેટી મે વિયાટ” (Hattie May Wiatt) જેણે આ સપનું જોયું હતું અને બાજુમાં છે, તે દયાળુ પાદરીનું ચિત્ર—
જેમનું નામ હતું, રસેલ એચ. કોનવેલ. ( Russel H. Conwell)
ક્યારેક ઈશ્વર પાસે પહોંચવાનો રસ્તો
મોટાં દાનથી નથી બનતો…
એ તો બને છે—
એક નાનકડા હૃદયના ત્યાગથી.
૫૭ સેન્ટ્સ…
એક રકમ નહીં…
એક યુગનું પ્રતીક બની ગઈ.
(એક સત્યઘટના, ટેમ્પલ યુનિવર્સિટિ ની લાઇબ્રેરિ માંથી)
“નીલ”
ડૉ.નિલેષ ઠાકોર
પ્રોફેસર, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર