લાયન સફારી, દેવળીયા
સાસણ સિંહ દર્શન કરવા જવું હતું પણ બુકિંગ ખૂલતાં જ સાસણ નું તો જાન્યુઆરીની જોઈતી તારીખોનું ફૂલ મળ્યું. આખરે નજીક દેવળીયા માં લાયન સફારી અને રાત રહેવા નજીકના આંબેર રિસોર્ટ માં નું બુકિંગ કર્યું.
15.1 ના જૂનાગઢ વહેલી સવારે સાડા છ વાગે પહોંચી ગયા. ત્યાં લોકર વાળા અને બધું આઠેક વાગે ખુલે. રિક્ષાવાળો એક રેસ્ટોરાં લઈ ગયો. ત્યાં ચા પાણી કરવા સાથે બેગને 20 રૂ. માં રાખી.
અગાઉથી બુક કરેલ રેંટ એ કાર લીધી. ત્યાં દિવસ દરમ્યાન ગિરનાર રોપ વે , ઉપરકોટ જોઈ નમતા પહોરે દેવળીયા જવા નીકળી ગયાં. જૂનાગઢથી સાસણ કે દેવળિયા માંડ દોઢ કલાકનો રસ્તો છે. એ રસ્તો જંગલમાંથી પસાર થતો સિંગલ ટ્રેક રોડ છે છતાં ડામરનો, પૂરતો સ્મૂધ હતો, એક બે જગ્યા સિવાય બહુ તુટેલો ન હતો.
રિસોર્ટમાં જ પાછળ સરસ આંબાવાડીયું હતું. અત્યારે શિયાળો હતો, આંબે મોર ઝૂમતા હતા પણ ઉનાળામાં કેરીની સુગંધ વાતાવરણ ભરી દેતી હશે.
રિસોર્ટ આસપાસ કોઈ જ વાહન વ્યવહાર ન હોઈ આકાશ સંપૂર્ણ સ્વચ્છ હતું. તેઓ નું ચાંદરણું કે મોતી ભરેલું આકાશ લોકગીતો અને લોકવાર્તાઓમાં કોને કહેવાય છે એ ખ્યાલ આવ્યો. અનેક તારાઓ, આકાશગંગા પણ સ્પષ્ટ જોઈ શકાય.
પાછળ જ હુક.. હુક.. અવાજ આવતાં જોવા ગયા. એકદમ ઘોર અંધારામાં મોબાઇલ ટોર્ચ જેવી ભૂરી તગતગતી બે આંખોની અનેક પેર દેખાઈ. સહેજ જ નજીક જતાં ખ્યાલ આવ્યો કે એ શિયાળો નું ઝુંડ હતું. એમ જ ઘુવડ અને રાત્રિ પક્ષીઓ જોયાં. થોડે જ દૂર સિંહની પ્રચંડ ડણક સંભળાઈ.
રિસોર્ટમાં બેસવા કાથી વાળા ખાટલાઓ અને ઝાડ સાથે બાંધેલ હીંચકા હતા. એ લોકો તાપણું કરી ગયા. વધુ લોકો હોય તો કેમ્પ ફાયર કરી બધા ગીતો, ગરબા વગેરે કરે છે. આજે તો અમે એકલું કુટુંબ જ હતાં. થોડી વારે એક મીની બસ આવી. એમણે બુક કરેલ એ રિસોર્ટમાં અંદર કોઈ લાઇટ, સેનીટેશન ની યોગ્ય વ્યવસ્થા ન હોઈ અને સાથે સ્ત્રીઓ હોઈ તેઓ ત્યાંનું બુકિંગ કેન્સલ કરી અહીં આવી ચડેલા. અમને એમના અવાજોએ અને એમને અમારી સાથેના બાળકોની કિલકારીઓએ સધિયારો આપ્યો.
વહેલી સવારે હજી અંધારામાં દેવળીયા આ રિસોર્ટથી નીકળી સિંહ સદન સાસણ ખાતે 7 વાગે રિપોર્ટ કરવાનો હોય છે તેથી સાડા છ વાગે જ નીકળી ગયા. ત્યાંથી જ જંગલખાતા ની જીપમાં 6 લોકોને એક સાથે લઈ જાય છે. બસ સફારી પણ છે જે દેવળીયા ગામના ગેટ પાસે, આશરે દસ કિમી દૂરથી ઊપડે છે. જીપ 2500 માં 6 વ્યક્તિ એક સાથે લઈ જવા, ગાઇડ અને ડ્રાઈવર સાથે કિંમત હતી.
સાસણ ની સફારી 3 કલાકની છે જ્યારે આ દેવળિયાની અર્ધો કલાકની છે પણ સાસણ દેવળીયા વચ્ચે સાતેક કિમી જેવું જ અંતર છે એટલે એ મોટી સફારી માં બુકિંગ ન મળે તો આ ચાલે.
ભળુંભાંખળું કહે છે એવું ભૂરું અજવાળું થતાં જંગલમાં સંચાર થવા લાગ્યા. એક ઝાડ પર કથ્થાઈ રંગનાં મોટાં દેશી ગીધ જોવા મળ્યાં. ક્યાંક લક્ક્ડખોદ , બુલબુલ જેવાં અને બધાં નામ ખબર ન હોય એવાં પક્ષીઓ સાંભળવા તેમ જ જોવા મળ્યાં.
લોકોને મારી નાખ્યાં હોય ને પકડ્યા હોય એવાં દિપડા કે દીપડી ઓપન મોટ માં રાખેલ. એ મોટમાં એક પણ ઊંચું ઝાડ ન રાખે જેથી દીપડો ઝાડ પર ચડી ભાગી જાય નહીં. એનાં દર્શન સારાં થાય છે.
એ ઉપરાંત નીલગાય, સાબર, ટપકાં વાળાં હરણો, બ્લેક બક કે કાળિયાર હરણો પણ જોવા મળ્યાં.
કેસરી કેશવાળી સાથે કેસરી કે ભૂખરાં, પ્રચંડ શરીર વાળા વનરાજ, સિંહણ, ક્યાંક વનરાજ બાળ જોયાં. કોઈ સિંહ મોટેથી બગાસું ખાતો હતો, કોઈ ડણક દેતો હતો. આ બધી સૃષ્ટિ વહેલી સવારે અને સૂર્ય થોડો ઉપર જાય ત્યાં સુધી જ દેખાય છે.
મૂળ તો ત્યાં પથરાયેલાં ખારી પડેલ લાલ કેસરી સૂકાં પાન વચ્ચે સિંહ કેમોફ્લેજ થઈ જાય છે, રંગમાં ભળી જાય છે એટલે દિવસ વધુ ચડ્યા પછી દેખાવો મુશ્કેલ.
ગાઈડ બહેને કહ્યા મુજબ સિંહ ક્યારેય માણસને મારી શિકાર કરતો નથી. ભેંસ કે હરણ જેવું મારણ પણ અઠવાડિયે એક વાર જ કરે, એ આખું પચી જાય પછી જ બીજો શિકાર શોધે છે. જ્યારે ચિત્તા, દીપડા ની પ્રકૃતિ અલગ છે. એ માણસ મળે કે પશુ, ગળે થી પકડી દાંત ભરાવી મારી નાખે છે.
એક જગ્યાએ બે સિંહ મિત્રોની જેમ બાજુબાજુમાં શાંતિથી બેઠા હતા તો એ વિસ્તાર ફરતે કોટ બનાવ્યો છે એની દિવાલ પર જ એક સિંહણ પાછળ પૂંછડું લટકાવી આગળ રસ્તો તરફ જોતી બેઠેલી. એને સફારી જીપ કે માણસોની પડી ન હતી.
એ આશરે 11 ચો. કિમી. વિસ્તારમાં વચ્ચેવચ્ચે સિંહો અને જંગલી પ્રાણીઓને પીવા કૃત્રિમ નદી જેવાં જળાશયો પણ બનાવ્યાં છે.
એ જંગલમાં રસ્તાઓ ડામરના નહીં પણ કાચા છતાં જીપ જઈ શકે એવા હતા. બેય બાજુ સૂકાં ઝાડો હતાં જેથી સિંહ સૂકી જમીન પર વેરાયેલાં પાંદડાં પર આરામ લઈ શકે, બેસી શકે. અહીં સાપ પણ મોટા અને ઝેરી નીકળે છે. જીપ બધું તારવી લઈ જાય. સિંહ વચ્ચોવચ્ચ બેઠો હોય તો થોડું ઊભી જાય.
આશરે નવ સાડાનવે તો રિસોર્ટ પાછા. દેશી બ્રેકફાસ્ટ રોટલો, માખણ જેવો સરસ હતો. ડિનર માં પણ સેવ ટમેટાં નું શાક, ઓળો રોલ કે રોટલી, દહીં તિખારી, છાશ બધું સરસ હતું. બહાર નીકળો તો પણ નજીકમાં એક કિમી સુધીમાં જ બીજા ઢાબાઓ સારા છે. પરપ્રાંતીય લોકો જેને રોટલા વગેરે માં ખબર ન પડે તેઓ બહાર જ જમવા જાય છે એટલે જ રિસોર્ટ વાળાઓ પૂછીને જમવાનું બનાવે છે.
બહાર થોડે જ દૂર ઢાબા જેવાં રેસ્ટોરાંઓ ની હાર છે જ્યાં ઓરિજિનલ દેશી ખાવાનું સરસ મળે છે.
સફારી રાઇડ પતતાં સિંહસદનની બહાર નીકળતાં જ મેગી, ઢોકળાં , ઈડલી, બટાકાપૌઆ જેવા નાસ્તાઓ પણ મળે છે!
તરત જ પોતાની રેન્ટેડ કાર લઈ જૂનાગઢ પરત.
આમ દેવળીયા અને સાસણ વચ્ચે માંડ વીસેક મિનિટનું અને સાતેક કિલોમીટર નું અંતર છે. સાસણ જાઓ કે દેવળિયા, ખાસ ફરક પડતો નથી. નજીક મેંદરડા થી પણ વાહનો મળી રહે છે. એમ તો એક ચાર રસ્તે પ્રાઇવેટ જીપ વાળાઓ પણ સિંહ દર્શન માટે લઈ જવા ઉભેલ. એમનો ચાર્જ વધુ હશે. બતાવવાનું કેવું હશે એ ખબર નહીં.
અમારી તો ટ્રિપ વસુલ થઈ ગઈ. જીવનમાં એક વાર અગાઉથી બુકિંગ કરી આવવા જેવું.