ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 62
શિર્ષક:- જળડોડી
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 62. "જળડોડી"
બિહારના આરા જિલ્લાના એક ગામના એક મહંતજી કાશીમાં આવ્યા. તેમના ગુરુજી મરણપથારીએ હતા એટલે તેમની ઇચ્છા મરતાં મરતાં ભાગવત સાંભળવાની હતી. પોતાના વૃદ્ધ અને મુમુક્ષુ ગુરુને ભાગવત સંભળાવે તેવા કોઈ સંતની તેઓ શોધ કરતા હતા. કોઈએ મારું નામ આપી દીધું. તેઓ મારી પાસે આવ્યા અને બધી વાત કરી. તેઓ કૉંગ્રેસી કાર્યકર્તા હતા અને થોડા સમયથી સાધુ થયા હતા. પંચાવનેક વર્ષની ઉંમર, બેઠી દડીનું ભારે શરીર, પાકો વાન, ભારોભાર સજ્જનતા, નિખાલસતા અને આત્મીયતાના ગુણોથી માન થઈ જાય તેવું વ્યક્તિત્વ. જાડી ખાદીનાં તેમનાં જાડાં અને સ્વચ્છ વસ્ત્રો તેમની સાધુતાને વધુ દીપાવતાં હતાં. (મને પ્રતિદિનનાં વસ્ત્રો સાબુથી ધોઈ નાખવાની ટેવ હોવાથી, બિહાર-યુ.પી.માં કેટલીક જગ્યાએ મારી ટીકા થતી. લોકો કહેતા કે ‘બડા શૌકીન_’ઘણા શૌખીન છે. સાધુતાને દીપાવવા સ્વચ્છતા, લઘરવઘરપણું તથા કેટલીક જગ્યાએ અવ્યવસ્થા પણ દેશ પ્રમાણે જરૂરી હશે!)
મેં તેમના ગામ જવાનું સ્વીકાર્યું. તેઓ વ્યવસ્થા કરવા ગયા. બેત્રણ દિવસ પછી હું ગયો. શહેરથી દૂર... કોઈ ગામડામાં તેમના મઠે પહોંચ્યો ત્યારે ખબર પડી કે ગુરુજી દેવ થઈ ગયા. બિચારા ભાગવત્ સાંભળ્યા વિના જ દેવ થઈ ગયા. હવે મારે અહીં રહેવાનો કશો અર્થ ન હતો, પણ મહંતજીનો આગ્રહ હતો એટલે બે-ચાર દિવસ રોકાઈ ગયો.
મેં તેમના ગામ જવાનું સ્વીકાર્યું. તેઓ વ્યવસ્થા કરવા ગયા. બેત્રણ દિવસ પછી હું ગયો. શહેરથી દૂર... કોઈ ગામડામાં તેમના મઠે પહોંચ્યો ત્યારે ખબર પડી કે ગુરુજી દેવ થઈ ગયા. બિચારા ભાગવત્ સાંભળ્યા વિના જ દેવ થઈ ગયા. હવે મારે અહીં રહેવાનો કશો અર્થ ન હતો, પણ મહંતજીનો આગ્રહ હતો એટલે બે-ચાર દિવસ રોકાઈ ગયો.
આખું ગામ તેમનું અનુયાયી. બ્રાહ્મણો, રાજપૂતો વગેરેની વસ્તી મુખ્ય. બિહારમાં કોમવાદ ઘણો. એક કોમ બીજી કોમનાં માથાં ફોડતાં વિચાર ન કરે.
એક રાત્રે મઠ બહાર આવેલા તળાવના કિનારે પથ્થર ઉપર હું એકલો બેઠો હતો. મહંતજી તથા બીજા ઘણા માણસો જોરજોરથી શોરબકોર કરી રહ્યા હતા. રાતના દશ વાગ્યા સુધી આ ધમાલ ચાલતી રહી. મઠનાં કામ કરનાર ભાઈને મેં પૂછ્યું કે આ શાની ધમાલ હતી ? મારા આશ્ચર્ય વચ્ચે તેણે કહ્યું કે “આ તળાવ મઠની માલિકીનું છે, તેને સાફ કરવાનું થયું હોવાથી મહંતજીએ બધી માછલીઓ પકડાવીને અનુયાયીઓમાં વેચી હતી. શેર બશેર- પાંચ શેર પ્રમાણે લોકો લઈ ગયેલા. તેમની પાસેથી પૈસા વસૂલ કરવાના હતા. એટલે સૌને બોલાવેલા. તે લોકોયે એવા છે કે બશેર લઈ ગયા હોય તે શેરની વાત કરે એટલે ઘોંઘાટ થતો હતો. ત્રીસ મણ માછલાં નીકળ્યાં હતાં, પણ વીસ મણના માંડ પૈસા આવશે. લોકોની દાનત સારી નથી.
બહુ ઠાવકાઈથી તે સહજ ભાવે કહી રહ્યો હતો. હું દિગ્મૂઢ થઈને બધું સાંભળી રહ્યો હતો.
મારી પૂછવાની હિંમત ના ચાલી કે એ જળડોડીનો પ્રસાદ કોઈ મઠના રસોડે તો નથી થતો ને?”
એક મઠપતિ સંન્યાસી પોતાના તળાવનાં માછલાંનો વ્યાપાર પોતાના જ અનુયાયી વર્ગ સાથે કરીને પણ ધર્મભ્રષ્ટ કે સંસ્કૃતિ-ભ્રષ્ટ થયો નથી તેની મને ત્યાં પ્રતીતિ થઈ. ધર્મ અને સંસ્કૃતિની શી વ્યાખ્યા કરીશું ? મને આ કાર્ય સારું ન લાગ્યું કારણ કે મારો ઉછેર ગુજરાતમાં વિશેષ વાતાવરણમાં થયો હતો. પણ જો હું એ જ ભાગમાં જન્મ્યો હોત તો ? મને કશો આઘાત ન લાગત.
સાંજની આરતીમાં મહંતજી તથા ભક્તો તલ્લીન થઈને આરતી-ભજન- કીર્તન કરતા. કોઈના ચહેરા ઉપર કશો જ આઘાત ન હતો. હું જ માત્ર સૌથી જુદો પડતો હતો.
વાંચવા બદલ આભાર
સ્નેહલ જાની