The son was caught between his mother and daughter-in-law. in Gujarati Short Stories by ચિરાગ રાણપરીયા books and stories PDF | મા અને વહુ વચ્ચે ફસાતો હતો દીકરો

Featured Books
Categories
Share

મા અને વહુ વચ્ચે ફસાતો હતો દીકરો

ગામના એક શાંત મહોલ્લામાં મોહિત નામનો યુવક રહેતો હતો. શિક્ષિત, સંવેદનશીલ અને જવાબદારીભાવથી ભરેલો. મોહિત ના બાળપણ માં પિતાનું અવસાન થયું હતું.  ઘરમાં તેની મા શાંતા બેન અને પત્ની કાવ્યા— બંને તેને બહુ પ્રેમ કરતા, પણ એ પ્રેમ ધીમે ધીમે દબાણ બની ગયો હતો. 

શાંતા બેન વર્ષોથી ઘર સંભાળતી આવી હતી. ઘર ઘર ના કામ કરી એકના એક  દીકરા મોહિત ને ભણાવ્યો અને લગ્ન કરાવ્યા . પતિના અવસાન પછી મોહિત જ તેનો આધાર. “દીકરો એટલે દીવો,” એમ કહી તે ગર્વ અનુભવે, પણ સાથે એક અજાણી અસુરક્ષા પણ. તેને લાગતું કે લગ્ન પછી દીકરો દૂર થઈ જશે. કાવ્યા શહેરમાં ભણેલી, સ્વતંત્ર વિચાર ધરાવતી. લગ્ન પછી તે ઘરમાં નવી રીતો લાવતી—રસોડામાં સ્વચ્છતા, ખર્ચમાં આયોજન, અને મોહિતને પોતાની કારકિર્દી વિશે પ્રોત્સાહન.

શરૂઆતમાં બધું સારું હતું. પણ નાના મુદ્દાઓ પરથી વાતો વધવા લાગી. શાંતા બેન કહે, “અમારા સમયમાં આવું ન થતું.” કાવ્યા નમ્રતાથી જવાબ આપે, “સમય બદલાયો છે, મા.” આ બે વાક્યો વચ્ચે મોહિત ફસાઈ જતો.

દરેક દિવસે કોઈને કોઈ ફરિયાદ. ક્યારેક મા કહે, “આ વહુએ દીકરો બદલી નાખ્યો.” તો ક્યારેક કાવ્યા કહે, “હું કંઈ બોલું તો તમની મા દુઃખી થાય છે.” મોહિત બંનેને ખુશ રાખવા પ્રયત્ન કરતો, પણ એ પ્રયત્ન જ તેનું શોષણ બનતું ગયું. તે પોતાની પસંદગી, પોતાની લાગણીઓ દબાવી દેતો.

એક દિવસ ઓફિસમાં તેની કામગીરી ઘટી ગઈ. મન અશાંત. મિત્રએ પૂછ્યું, “શું થયું?” મોહિત હસીને ટાળી દેતો. ઘરમાં તેની વાત સાંભળે એવો કોઈ નહોતો — બંને તરફથી તે ‘સમાધાન કરનાર’ બની ગયો હતો.

એક સાંજે, દીપાવળીની તૈયારી ચાલી રહી હતી. શાંતા બેને  કહ્યું, “પહેલાં મંદિરે જઈ આવીએ.” કાવ્યાએ કહ્યું, “પહેલાં દીવો તૈયાર કરી લઈએ.” વાત ગરમાઈ. બંનેએ એકસાથે મોહિત તરફ જોયું—જાણે નિર્ણય એની જવાબદારી.
એ ક્ષણે મોહિતે ઊંડો શ્વાસ લીધો. ધીમે પરંતુ સ્થિર અવાજે બોલ્યો, “મા, કાવ્યા તમને બંનેને કંઈ કહેવું છે.” ઘરમાં શાંતિ છવાઈ ગઈ. “ મમ્મી હું તમારો દીકરો છું અને કાવ્યા તારો પતિ , પરંતુ પહેલાં માણસ છું. દરરોજ હું બે પ્રેમ વચ્ચે દબાઈ જાઉં છું. તમારી ફરિયાદો હું સાંભળું છું, પણ મારી વાત કોણ સાંભળશે?”

શાંતા બેન ની આંખોમાં પાણી આવી ગયું. કાવ્યા નિઃશબ્દ થઈ ગઈ. મોહિત આગળ બોલ્યો, “પ્રેમ જો દબાણ બને, તો એ શોષણ છે — જાણતા-અજાણતા. મને પસંદગી કરવાની ફરજ ન પાડો. સાથે મળીને ઉકેલ શોધીએ.”
થોડી ક્ષણ પછી શાંતા બેન બોલ્યા , “મને ભય હતો કે તું તારા લગ્ન પછી મારાથી  થઈ જઈશ તારા દૂર થયા પછી મારો કોણ આધાર , ગઢપણ મા મારું કોણ ?.” અને પછી  કાવ્યાએ કહ્યું, “મને લાગતું હતું કે હું અહીં અજાણી છું, હું પારકા ઘરની છું અહીં મારું કોણ ? મને કોણ સમજશે .” ત્યાર બાદ મોહિતે કહ્યું " તમે બંને મારા ઘરની લક્ષ્મી છો.. તમે બંને કાયમ માટે ઘર માં કકળાટ કરતા રહેશો તો આપણા ઘરમાં લક્ષ્મી કેવી રીતે આવશે? લક્ષ્મી નહીં હોય તો તમારા બંને ના સપના કઈ રીતે પૂરા કરીશ "  એ સાંજે પહેલી વાર ત્રણેયે ખુલ્લેઆમ વાત કરી.

આગલા દિવસોથી નક્કી થયું—દરેકની વાત સાંભળવામાં આવશે, નિર્ણય એકલા મોહિત પર નહીં મૂકાય. શાંતા બેનને સમજાયું કે દીકરો ગુમાવવાનો ભય પ્રેમથી નહીં, વિશ્વાસથી દૂર થાય છે. કાવ્યાએ સમજ્યું કે પરિવારમાં બદલાવ ધીરજથી આવે છે.

મોહિત માટે એ દિવસ દીપાવળી બની ગયો—કારણ કે ઘરમાં દીવો માત્ર તેલથી નહીં, સમજણથી પ્રગટ્યો હતો.

આ વાર્તા કહે છે કે મા અને વહુ વચ્ચે દીકરો ઘણી વખત અજાણતા શોષણનો ભોગ બને છે; ઉકેલ એક જ—ખુલ્લી વાત, પરસ્પર આદર અને જવાબદારી વહેંચવી.