ઓ રોમિયો
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘ઓ રોમિયો’ (2026) થી શાહિદનું પુનરાગમન થયું કહી શકાય? આ સવાલનો જવાબ થોડો જટિલ છે. જો વ્યાપારી દ્રષ્ટિએ જોઈએ તો શાહિદ ક્યારેય સંપૂર્ણપણે ગાયબ થયો જ નહોતો પરંતુ તેની છેલ્લી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નહોતી. ‘ઓ રોમિયો’ તેને ફરીથી લોકપ્રિયતાના શિખરે લાવી રહી છે. તેના પાત્રમાં એક એવી માસૂમિયત સાથેનો આક્રમક મિજાજ છે જે યુવા પેઢીને ખૂબ આકર્ષે છે. તે માત્ર એક અભિનેતા તરીકે જ નહીં એક સ્ટાર તરીકે પણ અહીં પૂરેપૂરો ખીલ્યો છે. તેથી તેનું શાનદાર ફોર્મમાં પરત ફરવું જરૂર કહી શકાય. શાહિદ માટે ‘ઓ રોમિયો’ બીજી ઇનિંગનો એક મજબૂત પાયો સાબિત થઈ શકે છે. વિશાલ ભારદ્વાજના નિર્દેશનની ખામીઓ કે ફિલ્મની લંબાઈ વિશેની ટીકાઓ છતાં વેલેન્ટાઈન ડેનો લાભ મળ્યો છે.
શાહિદની મહેનત સ્ક્રીન પર સ્પષ્ટ દેખાય છે. તેણે જે રીતે પોતાને પાત્રમાં ઢાળ્યો છે તે જોતા લાગે છે કે તેણે પુનરાગમન તો કર્યું જ છે એ સાથે એક ચેતવણી પણ આપી છે કે તે હજુ રેસમાં ઘણો આગળ છે. શાહિદ એવા પાત્રમાં છે જે તેની કારકિર્દીના અગાઉના ચોકલેટી બોય અને પછીના ઈન્ટેન્સ એક્ટર વચ્ચેના સેતુ જેવું છે. શાહિદને યોગ્ય સ્ક્રિપ્ટ અને પાત્ર મળે ત્યારે તે પડદા પર જાદુ કરી શકે છે. તેની શારીરિક ભાષા, ડાન્સ મૂવ્સ અને ખાસ કરીને સંવાદોની અદાયગીમાં એક પ્રકારની પરિપક્વતા દેખાય છે. જે ‘કબીર સિંહ’ કે ‘ફરઝી’ પછી વધુ ધારદાર બની છે.
‘ઓ રોમિયો’ બોલિવૂડના જૂના મસાલા અને આધુનિક સંવેદનાઓનું અનોખું મિશ્રણ રજૂ કરે છે. ફિલ્મ શરૂઆતથી જ પ્રેક્ષકોને એક રંગીન અને ઉર્જાથી ભરપૂર દુનિયામાં લઈ જાય છે. પ્લોટની દ્રષ્ટિએ ફિલ્મ કદાચ બહુ નવી લાગતી નથી પણ તેની માવજત અને શાહિદની હાજરી તેને સરેરાશથી ઉપર લઈ જાય છે. વાર્તા એક એવા યુવાનની આસપાસ ફરે છે જે સામાજિક બંધનો અને પારિવારિક અપેક્ષાઓ વચ્ચે પોતાના સપનાઓને જીવંત રાખવા માંગે છે. અહીં રોમિયો એ માત્ર પ્રેમી નથી પણ એક બળવાખોર છે. જેની રગરગમાં જુસ્સો છે. નિર્દેશકે કથાના પ્રવાહને જાળવી રાખવા માટે મનોરંજનના તમામ પાસાઓનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. જેમાં કોમેડીની હળવી લહેરખી અને એક્શનના દમદાર ડોઝ સામેલ છે. ફિલ્મનું સંગીત તેની કરોડરજ્જુ સમાન છે. ગીતો એટલા કર્ણપ્રિય છે કે ફિલ્મ જોયા પછી મનમાં ગુંજતા રહે છે. ખાસ કરીને બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મના ઈમોશનલ દ્રશ્યોમાં પ્રાણ પૂરે છે.
ફિલ્મમાં કેટલીક ખામીઓ પણ નજરઅંદાજ કરી શકાય તેવી નથી. મધ્યાંતર પછી ફિલ્મની ગતિ ધીમી પડે છે અને વાર્તા થોડી અનુમાનિત બની જાય છે. ક્લાઈમેક્સમાં જે રીતે ઉકેલ લાવવામાં આવ્યો છે તે થોડો ફિલ્મી લાગે છે. તે વાસ્તવિકતાના પ્રેમીઓને કદાચ નિરાશ કરી શકે. છતાં શાહિદની ઊર્જા અને સહ-કલાકારોનો સાથ ફિલ્મને ડૂબવા દેતા નથી. ઘણીવાર એવું બને છે કે ફિલ્મનું ટાઈટલ મોટે ભાગે હીરોના નામ પર હોય પણ જ્યારે પડદા પર વાર્તા ખુલતી જાય ત્યારે ખબર પડે કે ફિલ્મનો અસલી જીવ તો ‘જુલિયટ’ એટલે કે સ્ત્રી પાત્રમાં જ છે. તૃપ્તિ ડિમરીએ ‘ઓ રોમિયો’ માં જે ઊંડાણ અને ઠરેલપણું બતાવ્યું છે તે શાહિદની એનર્જી સામે એક મજબૂત સંતુલન ઊભું કરે છે. જે રીતે તેણે પાત્રની લાચારી, પ્રેમ અને મક્કમતાને પોતાની આંખોથી વ્યક્ત કરી છે તે જોતા ખરેખર લાગે કે આ વાર્તા તેના દૃષ્ટિકોણથી કહેવી જોઈતી હતી. જો ફિલ્મનું નામ ‘ઓ જુલિયટ’ હોત તો કદાચ સ્ક્રિપ્ટમાં તેના સંઘર્ષને વધુ જગ્યા મળી હોત.
હીરો પ્રધાન માર્કેટિંગના ચક્કરમાં ઘણીવાર મજબૂત સ્ત્રી પાત્રોને ટાઈટલ કે ક્રેડિટમાં એ સ્થાન નથી મળતું જેના માટે તે હકદાર હોય છે. જો આ ફિલ્મ સ્ત્રી-પ્રધાન ટાઈટલ સાથે આવી હોત તો એક અલગ છાપ છોડી શકી હોત. હવે પ્રેક્ષકો માત્ર સુપરસ્ટારને જોવા નથી જતા પણ પાત્રની ઊંડાઈ અને વાર્તાના તર્કને પણ એટલું જ મહત્વ આપે છે. તૃપ્તિનું આ પર્ફોર્મન્સ આવનારા સમયમાં તેને એક મોટી સ્ટાર તરીકે સ્થાપિત કરશે એમાં શંકા નથી. ફિલ્મનો પહેલો ભાગ એક અલગ મૂડ સેટ કરે છે પણ જેવો ઇન્ટરવલ પડે છે અને વાર્તા આગળ વધે છે ત્યારે તે અચાનક ‘દેવદાસ’ મોડમાં જતી રહે છે. એ જ દારૂ, વિરહ અને જૂની કરુણાનો અતિરેક છે.
પ્રેક્ષક તરીકે પ્રશ્ન થાય કે શું નિર્દેશક વિશાલ ભારદ્વાજ ખરેખર કંઈક નવું કહેવા માંગતા હતા કે પછી તેમની જૂની ફિલ્મોના જ પડઘા અહીં સંભળાઈ રહ્યા છે? એડિટિંગ ટેબલ પર 3 કલાક લાંબી ફિલ્મ પર જો થોડી કાતર ચાલી હોત તો વાર્તાને વધુ કરકરી બનાવી શક્યા હોત. અને જે અસર અત્યારે છે તેના કરતા અનેકગણી વધી ગઈ હોત. ક્યારેક નિર્દેશક પોતાની વિઝ્યુઅલ સ્ટાઈલ બતાવવામાં મૂળ વાર્તાની ગતિ ભૂલી જતા હોય છે. દર્શકો નથી ઈચ્છતા કે મકબૂલ, ઓમકારા અને ‘હૈદર’ જેવી માસ્ટરપીસ આપનાર નિર્દેશક સરેરાશ ફિલ્મોના પ્રવાહમાં વહી જાય. કેમકે તેમની પાસેથી અપેક્ષાઓ હંમેશા ઊંચી રહેવાની જ છે.