Sanatan Dharmni Vaato - 3 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 3 - ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂરાજકારણનું વિશ્લેષણ

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 3 - ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂરાજકારણનું વિશ્લેષણ

 

યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ 'ધ રણવીર શો' પર તાજેતરમાં પ્રસારિત થયેલો એપિસોડ, જેમાં ઇતિહાસકાર અને ભૂરાજકીય વિશ્લેષક અભિજીત ચાવડા અને લેખિકા-સંસ્કૃત વિદ્વાન અમી ગણાત્રા અતિથિ તરીકે જોડાયા હતા. જેમને ભારતના નેશનલ નરેટીવ પર એક સચોટ અને સમયસરનો પ્રકાશ પાડ્યો હતો. આ ચર્ચાનું કેન્દ્રબિંદુ એક ગહન સવાલ ભારત પ્રત્યેની આટલી નફરત કેમ છે, અને તેના મૂળ ક્યાં છે? તે હતો. આ વાતચીત માત્ર વર્તમાન ટીકાઓ પર નહીં, પરંતુ સદીઓ જૂના ઐતિહાસિક પૂર્વગ્રહો, સાંસ્કૃતિક ગેરસમજો અને વર્તમાન વૈશ્વિક સત્તા સમીકરણો પર પ્રકાશ પાડે છે જે ભારતીય ઓળખ અને તેના મૂળભૂત સિદ્ધાંતો - સનાતન ધર્મ - ને સતત નકારાત્મક રૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કરે છે.

ભારત પ્રત્યેની નકારાત્મકતાનો પાયો તેના ઇતિહાસના વ્યવસ્થિત વિકૃતિમાં રહેલો છે. અભિજીત ચાવડાએ ધ્યાન દોર્યું હતું કે, બ્રિટિશ વસાહતી શાસકોએ ભારતીયોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે હીનતાની ભાવના પેદા કરવા માટે ઇતિહાસનું પુનર્લેખન કર્યું હતું. આ વ્યૂહરચનાનો હેતુ માત્ર ભૌતિક સંપત્તિ પર નિયંત્રણ મેળવવાનો જ નહોતો, પરંતુ શારીરિક ગુલામીની સાથે માનસિક ગુલામી પણ સ્થાપિત કરવાનો હતો, જેથી ભારતીયો સ્વયં પોતાને સંચાલન કરવા માટે અયોગ્ય માને. આ માનસિક ગુલામીનું મુખ્ય શસ્ત્ર લોર્ડ મેકોલેના શૈક્ષણિક મોડેલ દ્વારા આપવામાં આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેકોલેનો હેતુ ભારતીય લોહી અને રંગમાં હોય, પરંતુ રુચિ, મંતવ્યો, નૈતિકતા અને બુદ્ધિમાં સંપૂર્ણપણે અંગ્રેજ હોય તેવા લોકોનો એક વર્ગ તૈયાર કરવાનો હતો. આ નીતિના માધ્યમથી, પ્રાચીન ભારતીય જ્ઞાન પ્રણાલીઓ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનને વ્યવસ્થિત રીતે અંધશ્રદ્ધાળુ અને અવિકસિત તરીકે બદનામ કરાયું, જ્યારે પશ્ચિમી જ્ઞાનને એકમાત્ર સત્ય અને સર્વોચ્ચ ગણાવ્યું. આનાથી ભારતીય યુવાનો એક એવી શિક્ષણ પ્રણાલીમાં મોટા થયા જેણે તેમને તેમના પોતાના વારસાથી દૂર કરી દીધા. વિભાજનકારી આર્યન આક્રમણ સિદ્ધાંતને શિક્ષણ પ્રણાલીમાં મૂળભૂત સત્ય તરીકે સ્થાપિત કરાયો હતો.

બીજી તરફ પોતાનો મત રજૂ કરતા અમી ગણાત્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સિદ્ધાંતે ભારતને બે ભાગોમાં વહેંચ્યું હતું. જેમાં એક આક્રમણકારી આર્ય અને બીજા મૂળ નિવાસી દ્રવિડ હતા. આનાથી સંસ્કૃત ભાષા અને વૈદિક જ્ઞાનને બાહ્ય કહીને તેની ગરિમા ઘટાડવામાં આવી. આ કથા, જે પુરાતત્વીય, આનુવંશિક કે ભાષાકીય પુરાવાઓ દ્વારા સંપૂર્ણપણે નકારાઈ ચૂકી છે, છતાંય વૈશ્વિક શૈક્ષણિક વર્તુળોમાં પ્રબળતાથી પ્રવર્તે છે. આનું મુખ્ય કારણ એ છે કે આ સિદ્ધાંત ભારતીય ઇતિહાસને વિભાજનકારી અને સતત સંઘર્ષનો ઇતિહાસ તરીકે રજૂ કરીને ભારતની રાષ્ટ્રીય એકતા ને નબળી પાડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત પ્રત્યેની નફરતનું બીજું મોટું કારણ પશ્ચિમી દ્રષ્ટિકોણથી સનાતન ધર્મને સમજવાની મૂળભૂત અસમર્થતા છે. ગણાત્રાએ સ્પષ્ટતા કરી હતી કે, સનાતન ધર્મને રિલિજિયન (સંપ્રદાય) તરીકે જોવો એ તુલનાત્મક રીતે ગંભીર ભૂલ છે. રિલિજિયનની વિભાવના એક જ નિયમો અને એક જ જીવનચરિત્ર પર આધારિત હોય છે, જ્યારે ધર્મએ વિશ્વ વ્યવસ્થા, નૈતિક કર્તવ્ય અને જીવન જીવવાની રીત છે, જેને વેદમાં ઋત એટલે કે બ્રહ્માંડનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સનાતન ધર્મએ વિજ્ઞાન, તર્ક, બહુવિધતા અને વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવને મહત્ત્વ આપે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ધર્મને ઘણીવાર પશ્ચિમી લેન્સ દ્વારા બહુદેવવાદ, પથ્થર પૂજા કે અંધશ્રદ્ધા સાથે જોડી દેવામાં આવે છે. પશ્ચિમી સંસ્કૃતિઓ માટે, જ્યાં એકેશ્વરવાદ કેન્દ્રીય છે, ત્યાં સનાતન ધર્મની મૂર્તિ પૂજા અને દેવી-દેવતાઓની વિભાવના સમજવી મુશ્કેલ બને છે. જોકે, ભારતીય ફિલોસોફીમાં આ દેવી-દેવતાઓ એક જ 'બ્રહ્મ'ના વિવિધ સ્વરૂપો છે, જે લોકોને સત્યને સમજવા માટે વિવિધ માર્ગો પૂરા પાડે છે. આ ઉપરાંત, જાતિવાદ અને સતી પ્રથા જેવી સામાજિક કુરિવાજોને ધર્મના મૂળભૂત તત્ત્વ તરીકે રજૂ કરીને તેને વૈશ્વિક સ્તરે અયોગ્ય ઠેરવવામાં આવે છે. જોકે આ કુરિવાજો ધાર્મિક ગ્રંથોમાં નહીં, પરંતુ સમય જતાં આવેલા સામાજિક પતનને કારણે ઊભી થઈ હતી. ભારતમાં જ રાજા રામ મોહન રૉયથી લઈને અન્ય અનેક સમાજ સુધારકોએ આ કુરિવાજો વિરુદ્ધ લડત આપીને તેમને દૂર કર્યા છે. આ રીતે સનાતન ધર્મના સકારાત્મક પાસાઓ જેમ કે યોગ, આયુર્વેદ, પર્યાવરણીય સન્માન અને વસુધૈવ કુટુંબકમ્ ની વૈશ્વિક ફિલોસોફીને અવગણીને, ફક્ત નકારાત્મકતાને જ પ્રકાશિત કરવામાં આવે છે.

અભિજીત ચાવડાએ પોતાના મત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભારત પ્રત્યેની નકારાત્મકતા માત્ર અજ્ઞાનતામાંથી નહીં, પરંતુ એક સુનિયોજિત ભૂરાજકીય રણનીતિનો પણ ભાગ છે. ભારત એક ઉભરતી આર્થિક અને તકનીકી મહાશક્તિ છે. ભારતની આ વૃદ્ધિ કેટલાક સ્થાપિત પશ્ચિમી દેશોના વર્ચસ્વ અને નિયંત્રણને સીધો પડકાર આપે છે. જ્યારે ભારત આર્થિક અને વ્યૂહાત્મક રીતે મજબૂત બને છે, ત્યારે તેની સંસ્કૃતિ અને મૂલ્યોનું આકર્ષણ પણ વધે છે. ભારતની વધતી સોફ્ટ પાવર વૈશ્વિક શક્તિઓના નિયંત્રણને મુશ્કેલ બનાવે છે. આનાથી બચવા માટે, આંતરરાષ્ટ્રીય મીડિયા, શૈક્ષણિક સંસ્થાઓ અને પશ્ચિમી ફંડેડ એનજીઓ દ્વારા ભારતના આંતરિક મુદ્દાઓને સતત ઉછાળીને તેની છબી ખરાબ કરાય છે. જેના થકી એક સંદેશ ફેલાવવામાં આવે છેકે, ભારત એક અસ્થિર, અસહિષ્ણુ અને પછાત દેશ છે, તેથી તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

ભારતની ટેકનોલોજી અને ફાર્મા ક્ષેત્રની સફળતા પશ્ચિમી કંપનીઓના આર્થિક હિતો માટે પણ મોટો પડકાર છે. આર્થિક પ્રતિસ્પર્ધા ઘણીવાર સાંસ્કૃતિક અને રાજકીય હુમલાઓ તરફ દોરી જાય છે, જ્યાં ભારતને નૈતિક રીતે કલંકિત કરીને તેના વ્યાપારિક લાભોને અવરોધિત કરવાનો પ્રયાસ થાય છે. આ નકારાત્મક પ્રચારનો સામનો કરવા માટે, અભિજીત ચાવડા અને અમી ગણાત્રાએ ભારતીય સમુદાયને પોતાની નેશનલ નરેટીવ પરત લેવા માટે આહ્વાન કર્યું. આ હવે ફક્ત 'પ્રતિક્રિયા' આપવાનો સમય નથી, પરંતુ સક્રિયપણે નરેટીવ બિલ્ડીંગ કરવાનો સમય છે.

પ્રથમ પગલું આત્મ-શિક્ષણ અને સંગઠન છે. યુવાનોએ પોતાની સંસ્કૃતિ, ઇતિહાસ અને સનાતન ધર્મના સાચા સિદ્ધાંતોનો અભ્યાસ કરવો જોઈએ. આ જ્ઞાન તેમને બાહ્ય હુમલાઓ સામે બૌદ્ધિક રીતે તૈયાર કરશે. બીજું, ભારતીયોએ આંતરિક વિખવાદોને ભૂલીને, ભારતીય તરીકે વિશ્વ સમક્ષ એક સશક્ત અને સકારાત્મક છબી રજૂ કરવી જોઈએ. ત્રીજું અને સૌથી મહત્વનું, ભારતને આધુનિક મીડિયા, શિક્ષણ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સક્રિયપણે પોતાના સત્યનું પ્રચાર-પ્રસાર કરવું પડશે. ખોટી માહિતીનો મુકાબલો માત્ર ભાવનાઓથી નહીં, પરંતુ તથ્યો, સંશોધન અને આત્મવિશ્વાસ સાથે થવો જોઈએ. આપણી વાર્તા જો આપણે નહીં કહીએ, તો અન્ય લોકો તે કહેશે, અને તેઓ તેને પોતાના એજન્ડા અનુસાર કહેશે.

રણવીર અલ્હાબાદિયાના શોમાં અભિજીત ચાવડા અને અમી ગણાત્રા સાથેની ચર્ચા માત્ર નફરતના કારણોને ઉજાગર કરતી નથી, પરંતુ તે ભારતીયોને આત્મનિરીક્ષણ કરવા અને પોતાની શક્તિને ઓળખવા માટે પણ પ્રેરિત કરે છે. ભારત પ્રત્યેની નફરત એક જટિલ ઘટના છે જે ઐતિહાસિક ખોટી રજૂઆતો, સાંસ્કૃતિક ગેરસમજો અને ભૂરાજકીય હિતોમાંથી ઉદ્ભવે છે. આ નફરતનો સામનો કરવા માટે, ભારતે પોતાની સાચી કથા કહેવી પડશે, પોતાના ઇતિહાસનું રક્ષણ કરવું પડશે અને પોતાના સનાતન મૂલ્યોને ગર્વ સાથે વિશ્વ સમક્ષ રજૂ કરવા પડશે. આ પ્રક્રિયા જ ભારતને નફરત પર વિજય મેળવીને વિશ્વ ગુરુ તરીકેના તેના સાચા સ્થાન પર સ્થાપિત કરશે.