Chakravyuh - 16 in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 16

Featured Books
Categories
Share

ચક્રવ્યૂહ - સત્તાનો ખેલ - 16

એમ્બ્યુલન્સનું એન્જિન બંધ થયું અને આસપાસ એક ભેંકાર શાંતિ છવાઈ ગઈ. દિલ્હીના હાઈવેથી દૂર, આ એક એવો જૂનો ગોદામ હતો જે કદાચ દાયકાઓથી વપરાયો નહોતો. અભિમન્યુએ ધીમેથી દરવાજો ખોલ્યો. એના હાથ હજુ પણ ધ્રૂજતા હતા.

"માયા, જલ્દી..." અભિમન્યુએ ધીમા અવાજે સાદ પાડ્યો.

માયા ગાડીમાંથી ઉતરી ત્યારે એનો ચહેરો સાવ સફેદ પડી ગયો હતો. એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એની ડિજિટલ દુનિયામાંથી બહાર નીકળીને એને આવી રીતે લોહી અને ગન વચ્ચે ભાગવું પડશે. એણે પાછળ ફરીને જોયું, દેવદત્ત કાકા એમ્બ્યુલન્સના સ્ટ્રેચર પર અર્ધબેભાન અવસ્થામાં હતા.

"અભિમન્યુ, આપણે આ ગાડી અહીં જ છોડવી પડશે," માયાએ એના મોબાઈલમાં કંઈક જોતા કહ્યું. "આમાં પ્રાઈવેટ જીપીએસ છે. ભલે બલરાજે પોલીસને હજુ કશું ના કીધું હોય, પણ એના પર્સનલ શૂટર્સ ગમે ત્યારે આ લોકેશન પર પહોંચી શકે છે."

અભિમન્યુએ માથું હલાવ્યું. એણે દેવદત્ત કાકાને ખભે ટેકો આપીને નીચે ઉતાર્યા. "કાકા, હિંમત રાખજો. બસ થોડુંક જ ચાલવાનું છે."

તેઓ ગોદામની પાછળના રસ્તેથી 'પલિયા વસ્તી' ની ગલીઓમાં પ્રવેશ્યા. આ વસ્તી એટલે જાણે દિલ્હીનું એક અલગ જ જગત. અહીં રસ્તાઓ એટલા સાંકડા હતા કે બે માણસો પણ માંડ પસાર થઈ શકે. ગટરોની ગંધ, કાદવ અને ઠેર-ઠેર પડેલા ભંગારના ઢગલાઓ વચ્ચે આ ગલીઓ કોઈ ચક્રવ્યૂહ જેવી હતી. પણ અભિમન્યુ માટે આ ગંદકી અત્યારે દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થળ હતું, કારણ કે અહીં કોઈ સીસીટીવી કેમેરા નહોતા અને કોઈ મોંઘી ગાડી અહીં અંદર આવી શકે તેમ નહોતી.

ગલીઓના છેલ્લા છેડે, એક એવી જગ્યા આવી જ્યાં લોખંડના મોટા-મોટા પતરાઓ અને જૂની ગાડીઓના એન્જિનોનો ઢગલો હતો. ત્યાં એક નાની ઝૂંપડી જેવું મકાન હતું, જે બહારથી સાવ તૂટેલું લાગતું હતું પણ એનો દરવાજો મજબૂત લાકડાનો હતો.

અભિમન્યુએ દરવાજા પર ત્રણ વાર ટકોરા માર્યા. થોડી સેકન્ડ પછી અંદરથી કોઈના ચાલવાનો અવાજ આવ્યો. એક નાની બારી ખુલી અને એક વૃદ્ધ આંખે બહાર જોયું.

"કોણ?" અવાજમાં સખતાઈ હતી.

"કાકા, હું અભિમન્યુ... પૃથ્વીરાજ મેહતાનો દીકરો," અભિમન્યુનો અવાજ ભીનો થઈ ગયો.

તાત્કાલિક દરવાજો ખુલ્યો. સામે ઉભો હતો રામુ કાકા. સફેદ દાઢી, આંખોમાં ચશ્મા અને શરીર પર તેલના ડાઘાવાળા કપડાં. રામુ કાકા ક્યારેય પૃથ્વીરાજ મેહતાના સૌથી વફાદાર ડ્રાઈવર અને અંગરક્ષક હતા. ૨૫ વર્ષ પહેલાં જ્યારે બલરાજે મિલમાં આગ લગાડી, ત્યારે રામુ કાકાએ જ અભિમન્યુની માતાને ત્યાંથી બચાવીને બહાર કાઢ્યા હતા, અને એ બદલામાં બલરાજના ગુંડાઓએ એમનો એક પગ ભાંગી નાખ્યો હતો. ત્યારથી દુનિયા માટે રામુ કાકા 'મૃત' હતા.

"બેટા! તું અહીં?" રામુ કાકાએ અભિમન્યુને બાથમાં ભરી લીધો. એમની નજર પાછળ રહેલા દેવદત્ત પર પડી. "દેવદત્ત! તું જીવિત છે!". બંને મિત્રો એક બીજાને વર્ષો પછી ભેટી પડ્યા અને અભિમન્યુ અને માયા ને આ દ્રશ્ય જોઈને આંખમાં આંસુ આવી ગયા.

રામુ કાકાએ ફટાફટ ત્રણેયને અંદર લીધા અને દરવાજો અંદરથી સાંકળ ચડાવી દીધી. અંદરનું દ્રશ્ય બહારથી સાવ અલગ હતું. ઓરડામાં એક બાજુ જૂની ફાઈલોનો ઢગલો હતો, બીજી બાજુ કેટલાક વાયરલેસ સેટ્સ અને ટ્રાન્સમિટર્સ હતા. રામુ કાકાએ દુનિયા પર નજર રાખવાનું છોડ્યું નહોતું.

માયાએ દેવદત્ત કાકાને એક ખાટલા પર સુવડાવ્યા અને એમના ઘા પર પાટો બાંધવા માંડી. રામુ કાકાએ અભિમન્યુને પાણીનો ગ્લાસ આપ્યો.

"અભિમન્યુ, મેં હમણાં જ સમાચાર સાંભળ્યા," રામુ કાકાએ ગંભીરતાથી કહ્યું. "બલરાજ બહુ ગંદી રમત રમી રહ્યો છે. એણે પોલીસને કીધું છે કે તારું 'અપહરણ' થયું છે."

અભિમન્યુ સ્તબ્ધ થઈ ગયો. "અપહરણ? પણ કેમ?"

રામુ કાકાએ એક જૂનો રેડિયો ચાલુ કર્યો જેમાં સમાચાર આવી રહ્યા હતા. "...બલરાજ ચૌહાણે જાહેરાત કરી છે કે અભિમન્યુ મેહતા ગુમ છે અને કોઈ પ્રોફેશનલ ગેંગે એને પકડી રાખ્યો છે. પોલીસ દરેક નાકાબંધી પર તપાસ કરી રહી છે."

માયાએ ગુસ્સામાં ટેબ્લેટ પછાડ્યું. "સમજાય છે અભિમન્યુ? આનો મતલબ એ કે હવે જો પોલીસ આપણને પકડે ને, તો એ લોકો એમ જ સમજશે કે તેઓ તને 'રેસ્ક્યુ' કરી રહ્યા છે. તેઓ તારી એક પણ વાત સાંભળ્યા વગર તને સીધો બલરાજને સોંપી દેશે.

અભિમન્યુને અત્યારે પોતાની અસહાયતા નો અહેસાસ થયો. બલરાજે એનો અવાજ જ છીનવી લીધો હતો. એણે એને ગુનેગાર ના બનાવ્યો, પણ એને એક 'પીડિત' બનાવી દીધો જેની વાત કોઈ ગંભીરતાથી ના લે.

દેવદત્ત કાકાએ ધીમેથી બેઠા થવાની કોશિશ કરી. માયાએ એમને ટેકો આપ્યો. "રામુ... આ છોકરાને એ બતાવ જે આપણે ૨૫ વર્ષથી છુપાવીને રાખ્યું છે."

રામુ કાકાએ ડાયરીના છેલ્લા પાના પરથી એક નાની મેમરી ચિપ જેવી વસ્તુ કાઢી. "અભિમન્યુ, બલરાજને લાગે છે કે હોસ્પિટલમાં જે ડેટા હતો એ જ બધું છે. પણ સત્ય એ છે કે મેહતા એમ્પાયરના અસલી દસ્તાવેજો, જેમાં બલરાજની સહી છે અને પૃથ્વીરાજ ભાઈના ખૂનનું પ્લાનિંગ છે, એ આ ચિપમાં છે. આ ચિપ તારા પિતાએ જતાં પહેલાં મને આપી હતી."

અભિમન્યુની આંખોમાં નવી ચમક આવી. "આમાં શું છે કાકા?"

"આમાં એ રાતનો વિડિયો છે જ્યારે બલરાજે પૃથ્વીરાજ ભાઈને ઓફિસમાં કેદ કરીને પેપર પર સહી કરાવી હતી. પણ આ ચિપ અત્યારે અધૂરી છે. આને ખોલવા માટે એક પાસવર્ડ જોઈએ, જે માત્ર તારી પાસે જ હોઈ શકે," રામુ કાકાએ ચિપ અભિમન્યુના હાથમાં મૂકી.

"મારી પાસે? પણ મને તો કશું જ ખબર નથી," અભિમન્યુ મૂંઝવણમાં હતો.

"તારા પિતાએ તને બાળપણમાં જે લોકેટ આપ્યું હતું, એ યાદ છે?" દેવદત્તે યાદ અપાવ્યું.

અભિમન્યુએ પોતાના ગળામાં રહેલું જૂનું ચાંદીનું લોકેટ જોયું. એને હંમેશા લાગતું હતું કે આ એની મમ્મીની નિશાની છે. એણે લોકેટ ખોલ્યું, તો અંદર એક નાનો અંક લખેલો હતો: 1998.

બહાર વરસાદ શરૂ થયો હતો. વસ્તીની છત પર પડતા ટીપાંનો અવાજ રણશિંગા જેવો લાગતો હતો. અભિમન્યુ, માયા, દેવદત્ત અને રામુ કાકા—આ ચાર વ્યક્તિઓ અત્યારે એક એવી જગ્યાએ હતા જ્યાં બલરાજની સત્તાનો સૂરજ ક્યારેય ઉગતો નહોતો.

"હવે શું કરીશું?" માયાએ પૂછ્યું. "આપણે અહીં કાયમ તો નહીં છુપાઈ શકીએ."

અભિમન્યુએ ચિપ મજબૂતીથી પકડી. એનો ચહેરો હવે બદલાઈ ગયો હતો. અત્યાર સુધી એ એક ભાગેડુ હતો, પણ હવે એ એક શિકારી હતો.

"આપણે ભાગવાનું બંધ કરીશું, માયા," અભિમન્યુએ મક્કમતાથી કહ્યું. "બલરાજને લાગે છે કે હું એની જાળમાં ફસાઈ ગયો છું. એણે આખા શહેરને કીધું છે ને કે મારું અપહરણ થયું છે? તો ભલે, હવે હું એક પડછાયો બનીને જ એના પર હુમલો કરીશ. આપણે અહીં જ રહીશું. આ વસ્તી હવે આપણું હેડક્વાર્ટર છે. રામુ કાકા, તમારી પાસે હથિયારો અને ટેકનોલોજી કેટલી છે?"

રામુ કાકાએ સ્મિત કર્યું અને એક પડદો હટાવ્યો. પાછળ રશિયન બનાવટની ગન અને કેટલાક એડવાન્સ લેપટોપ્સ હતા. "બેટા, ૨૫ વર્ષથી હું આ જ દિવસની રાહ જોતો હતો. બલરાજને એમ છે કે ભંગાર વેચનારો રામુ મરી ગયો છે, પણ એને ખબર નથી કે આ ભંગારમાંથી જ એનું પતન શરૂ થશે."

અભિમન્યુએ માયા સામે જોયું. "માયા, તારે તારી ડિજિટલ સ્કીલ્સનો ઉપયોગ કરવાનો છે. આપણે બલરાજના એ સર્વરને હેક કરવાનું છે જે એણે દુનિયાથી છુપાવીને રાખ્યું છે. અને દેવદત્ત કાકા, તમારે એ જૂના મિત્રોને શોધવાના છે જે હજુ પણ પૃથ્વીરાજ મેહતાના વફાદાર છે."

અભિમન્યુએ લોકેટમાં રહેલો આંકડો માયા ને આપ્યો એ પાસવર્ડ ચીપમાં એન્ટર કરતા ચિપ ખુલી ગયી.

રાતના બે વાગ્યા હતા. વસ્તીમાં બધે અંધારું હતું, પણ રામુ કાકાના ગોદામમાં એક નાની લાઈટ સળગતી હતી. ત્યાં કોઈ ડર નહોતો, કોઈ અસહાયતા નહોતી. ત્યાં માત્ર એક જ જીદ હતી—ન્યાય.

અભિમન્યુએ બારીની બહાર જોયું. દૂર શહેરની લાઈટો ચમકતી હતી, જ્યાં બલરાજ ચૌહાણ અત્યારે પોતાની જીતની ખુશી મનાવતો હશે. એને અંદાજ પણ નહોતો કે જે છોકરાને એણે પાગલ કે અપહૃત સાબિત કર્યો છે, એ હવે એના સામ્રાજ્યના પાયા હલાવવા માટે તૈયાર થઈ રહ્યો છે.

"બલરાજ ચૌહાણ..." અભિમન્યુએ ધીમેથી બબડ્યું, "તારા ચક્રવ્યૂહમાં તેં મને તો ફસાવી દીધો, પણ હવે એ ચક્રવ્યૂહમાં આગ હું લગાડીશ."

માયાએ લેપટોપ ખોલ્યું અને કોડિંગ શરૂ કર્યું. દેવદત્ત કાકાએ જૂની ડાયરીમાંથી કેટલાક નંબરો કાઢ્યા. અને રામુ કાકાએ પોતાની ગન સાફ કરી. આ એક નવી સેના હતી—પડછાયાઓની સેના.