Takshshila - 37 in Gujarati Thriller by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 37

Featured Books
Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 37

તક્ષશિલાના આકાશમાં સંધ્યાકાળનો લાલ રંગ ફેલાયેલો હતો, જે જાણે આવનારા રક્તપાતનો સંકેત આપી રહ્યો હતો. આચાર્ય ચાણક્યના કક્ષમાં તેલનો દીવો મંદ પ્રજ્વલિત હતો, જેની જ્યોત હવામાં સ્થિર હતી, બિલકુલ આચાર્યના મનની જેમ. ચંદ્રપ્રકાશ હજુ પણ હાર્ફી રહ્યો હતો, તેના શરીરમાં થાક હતો પણ મનમાં વિજયની અદમ્ય આકાંક્ષા હતી.

ચાણક્યએ નકશા પરથી નજર હટાવી અને ચંદ્રપ્રકાશની આંખોમાં જોયું. "ચંદ્ર, તક્ષશિલા આવે છે એનો અર્થ એ છે કે ધનનંદને પોતાની વિષારી શક્તિ પર અત્યંત ગર્વ છે. તે માને છે કે પહાડોના સાંકડા રસ્તાઓમાં તે આપણને ઘેરી લેશે. પણ તે ભૂલી રહ્યો છે કે પહાડ જ્યારે વળતો પ્રહાર કરે છે ત્યારે સાગરનું મોજું પણ પાછું પડે છે."

ચંદ્રપ્રકાશે પૂછ્યું, "આચાર્ય, મગધ પાસે હાથીઓની સેના છે જે પહાડોમાં રસ્તો બનાવી શકે છે. રુદ્રમણિ પોતે પણ પહાડી યુદ્ધકળાથી વાકેફ છે. આપણી યોજના શું છે?"

ચાણક્ય સહેજ મરક્યા. "આપણું સૈન્ય હિમવંત પર્વતની પેલી બાજુ છુપાયેલું છે. સુવર્ણા અને પર્વતક રાજાના સૈનિકોએ પહેલેથી જ પહાડોની ઉપરના ભાગમાં પથ્થરો અને તેલના મોટા પાત્રો ગોઠવી દીધા છે. પણ ચંદ્ર, આ યુદ્ધ માત્ર પથ્થરોથી નહીં જીતાય. આપણે મગધના એ વિષારી શસ્ત્રોનો નાશ કરવો પડશે જે તેઓ લાવ્યા છે. જો એ શસ્ત્રો આપણા સૈનિકો સુધી પહોંચ્યા, તો આપણો પરાજય નિશ્ચિત છે."

ચંદ્રપ્રકાશે મક્કમતાથી પોતાની તલવારની મૂઠ પકડી. "આચાર્ય, મને આજ્ઞા આપો. હું રાત્રિના અંધકારમાં મગધની છાવણીમાં ફરીથી પ્રવેશીશ અને એ વિષારી ભંડારને આગ લગાવી દઈશ."

"ના," ચાણક્યએ મક્કમ અવાજે કહ્યું. "હવે તારે છૂપાવાની જરૂર નથી. હવે તારે એક સેનાપતિ તરીકે રણમેદાનમાં ઉતરવાનું છે. તક્ષશિલાના તમામ બ્રહ્મચારીઓ અને યોદ્ધાઓ તારા સંકેતની પ્રતીક્ષા કરી રહ્યા છે. યાદ રાખજે, યુદ્ધમાં હાર અને જીત શસ્ત્રોથી નહીં, પણ ક્ષણિક નિર્ણયથી નક્કી થાય છે."

બીજી તરફ, મગધની સેના પર્વતીય માર્ગોમાં પ્રવેશી ચૂકી હતી. રુદ્રમણિ હાથી પર સવાર થઈને સૌથી આગળ હતો. તેની પાછળ હજારો મશાલોની હારમાળા હતી જે રાત્રિના અંધકારમાં કોઈ મહાકાય નાગ જેવી દેખાતી હતી. કાલકેતુ તેના ઘોડા પર સવાર થઈને બાજુમાં ચાલી રહ્યો હતો.

"સેનાપતિ," કાલકેતુએ આસપાસના ઊંચા પહાડો તરફ જોતા કહ્યું, "આ રસ્તો અત્યંત સાંકડો છે. જો અહીંથી કોઈ હુમલો થાય તો આપણો બચાવ કરવો મુશ્કેલ છે. મહારાજ ધનનંદ રથમાં પાછળ છે, તેમની સુરક્ષા વધારવી જોઈએ."

રુદ્રમણિએ અટ્ટહાસ્ય કર્યું. "કાલકેતુ, તું વધુ પડતો ચિંતિત છે. ચાણક્ય પાસે એટલું સૈન્ય જ નથી કે તે આ પહાડોમાં આપણો સામનો કરી શકે. તે અત્યારે તક્ષશિલાના પુસ્તકાલયમાં બેસીને કોઈ પોથી વાંચતા હશે. આપણી પાસે વિષારી તીરો છે, જેનો એક જ સ્પર્શ દુશ્મનને યમલોક પહોંચાડી દેશે."

પરંતુ રુદ્રમણિને ખબર નહોતી કે પહાડોની એ જ ઊંચાઈ પર સુવર્ણા પોતાના ધનુર્ધારીઓ સાથે શ્વાસ રોકીને બેઠી હતી. ચંદ્રપ્રકાશના જીવિત હોવાના સમાચારથી તેનામાં નવું જોમ આવ્યું હતું. તે માત્ર તેના પ્રેમ માટે નહીં, પણ તેના રાષ્ટ્ર માટે લડવા તૈયાર હતી.

રાત્રિના બીજા પ્રહરે, જ્યારે મગધની સેના એક સાંકડી ખીણમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક આકાશમાં એક અગનતીર દેખાયો. તે ચંદ્રપ્રકાશનો સંકેત હતો.

"આક્રમણ!" સુવર્ણાની ગર્જના આખા પહાડોમાં ગુંજી ઉઠી.
તે જ ક્ષણે પહાડોની ટોચ પરથી વિશાળ શિલાઓ નીચે પડવા લાગી. મગધના હાથીઓ ગભરાઈને આમતેમ દોડવા લાગ્યા. હાથીઓની ચીસો અને પથ્થરોના તૂટવાનો અવાજ ભયાનક હતો. કાલકેતુએ બૂમ પાડી, "સાવધાન! ઢાલ બનાવી લો! ઉપર જુઓ!"

પણ ઢાલ બનાવવાનો સમય જ ક્યાં હતો? શિલાઓની પાછળ સળગતા તેલના પાત્રો નીચે ફેંકવામાં આવ્યા. નીચે રહેલું મગધનું સૈન્ય અગ્નિની જવાળાઓમાં ઘેરાઈ ગયું. રુદ્રમણિએ જોયું કે તેના સૈનિકોમાં નાસભાગ મચી ગઈ હતી.

"પાછા ન હટો! ઉપર ચઢો અને એ જાસૂસોને પકડો!" તેણે આદેશ આપ્યો, પણ પહાડી ઢોળાવ એટલો સીધો હતો કે સૈનિકો ઉપર ચઢવા જતાં લપસી પડતા હતા.

બરાબર એ જ સમયે, ખીણના બીજા છેડેથી તક્ષશિલાના ઘોડેસવારોનું સૈન્ય પ્રગટ થયું. સૌથી આગળ ચંદ્રપ્રકાશ હતો, તેના હાથમાં ચમકતી તલવાર અને ચહેરા પર અદમ્ય તેજ હતું. તેણે પોતાના ઘોડાને મગધના સૈન્યની મધ્યમાં દોડાવ્યો.

ચંદ્રપ્રકાશ અને રુદ્રમણિની નજર એકબીજા સાથે ટકરાઈ. રુદ્રમણિના ચહેરા પર ક્રોધ અને આશ્ચર્યના મિશ્રિત ભાવો હતા. "ચંદ્રપ્રકાશ! તું હજુ પણ મર્યો નથી?"

"હું ત્યાં સુધી નહીં મરું, રુદ્રમણિ, જ્યાં સુધી આ પવિત્ર ધરતી પરથી તારા જેવા ગદ્દારોનો અંત ન થાય!" ચંદ્રપ્રકાશે ગર્જના કરી અને પોતાની તલવારથી રુદ્રમણિના અંગરક્ષકોને કાપવાનું શરૂ કર્યું.

યુદ્ધ અત્યંત ભયાનક બની રહ્યું હતું. એક તરફ પહાડો પરથી પથ્થરમારો ચાલુ હતો અને બીજી તરફ ચંદ્રપ્રકાશનું સૈન્ય જમીન પર મગધની સેનાને કાપી રહ્યું હતું. કાલકેતુએ પોતાના ધનુર્ધારીઓને આદેશ આપ્યો, "વિષારી તીરો કાઢો! એ ચંદ્રપ્રકાશને વીંધી નાખો!"

સેંકડો વિષારી તીરો હવામાં ગુંજ્યા. ચંદ્રપ્રકાશે જોયું કે તેના સૈનિકો પર ખતરો વધી રહ્યો છે. તેણે બુદ્ધિ વાપરી અને મગધના જ અનાજ ભરેલા રથોની પાછળ આશરો લીધો. વિષારી તીરો અનાજની ગુણીઓમાં ખૂંપી ગયા.
આચાર્ય ચાણક્ય દૂર એક ટેકરી પર ઊભા રહીને આ બધું નિહાળી રહ્યા હતા. તેમની બાજુમાં આચાર્ય વરુણ હતા.

"આચાર્ય, આપણી યોજના સફળ થઈ રહી છે. મગધની સેના વિખરાઈ ગઈ છે."

ચાણક્યએ ગંભીરતાથી કહ્યું, "હજુ તો શરૂઆત છે, વરુણ. ધનનંદ હજુ પાછળ છે. તેની પાસે તેની અંગત 'નંદ શક્તિ' છે જે અત્યાર સુધી મેદાનમાં નથી ઉતરી. અને રુદ્રમણિ હજુ જીવતો છે. જ્યાં સુધી શત્રુનું મસ્તક ધડથી અલગ ન થાય, ત્યાં સુધી વિજયનો ઉત્સવ ન મનાવવો જોઈએ."

રણભૂમિ પર ચંદ્રપ્રકાશ રુદ્રમણિની એકદમ નજીક પહોંચી ગયો હતો. બંને વચ્ચે તલવારોના તેજસ્વી પ્રહારો શરૂ થયા. રુદ્રમણિનો પ્રહાર વજ્ર જેવો ભારે હતો, પણ ચંદ્રપ્રકાશની ગતિ પવન જેવી ચપળ હતી. રુદ્રમણિએ એક જોરદાર ઝાટકો માર્યો જે ચંદ્રપ્રકાશની ઢાલને તોડી નાખ્યો.

"હવે તારી રક્ષા કોણ કરશે, રાજકુમાર?" રુદ્રમણિએ હીન હાસ્ય કર્યું.

ચંદ્રપ્રકાશે પોતાની બીજી કટાર કાઢી અને અત્યંત ઝડપથી રુદ્રમણિના ઘોડાના પગ પર વાર કર્યો. ઘોડો બેસી પડ્યો અને રુદ્રમણિ જમીન પર પટકાયો. ચંદ્રપ્રકાશે તેની ગરદન પર તલવાર ટેકવી દીધી.

બરાબર એ જ ક્ષણે, દૂરથી હાથીઓના એક વિશાળ ઝુંડનો અવાજ આવ્યો. તે ધનનંદનું અંગત સૈન્ય હતું. હાથીઓના પગના ધબકારાથી જમીન ધ્રૂજી રહી હતી. તેમની સૂંઢમાં મોટી લોખંડની સાંકળો બાંધેલી હતી જેના પર ઝેર લગાડવામાં આવ્યું હતું. આ નવો ખતરો જોઈને ચંદ્રપ્રકાશના સૈનિકોમાં ભય ફેલાયો.

"ચંદ્ર! પાછળ હટો!" સુવર્ણાએ ઉપરથી બૂમ પાડી.

ધનનંદ પોતે એક સુવર્ણ જડિત હાથી પર સવાર થઈને રણમેદાનમાં પ્રવેશ્યો. તેના ચહેરા પર રાક્ષસી હાસ્ય હતું.

"મારા રાજ્યના દ્રોહીઓ! તમે શું માન્યું હતું કે પથ્થરો ફેંકીને મગધના સમ્રાટને હરાવી શકશો? જુઓ આ કાળનો રસ્તો!"
ધનનંદના આદેશ સાથે હાથીઓએ સાંકળો વીંઝવાનું શરૂ કર્યું. જે પણ સૈનિક તેની અડફેટે આવતો, તે હવામાં ફંગોળાઈ જતો. ચંદ્રપ્રકાશે જોયું કે તેની સેના પાછી પડી રહી હતી. રુદ્રમણિ આ તકનો લાભ લઈને અંધારામાં ભાગી છૂટ્યો.
ચાણક્યએ જોયું કે હવે સમય આવી ગયો છે તેમની સૌથી ગુપ્ત ચાલ ચાલવાનો. તેમણે વરુણ તરફ જોયું અને માત્ર એટલું જ કહ્યું, "અગ્નિ-મુખ ખોલો!"

વરુણે પહાડની ગુપ્ત સુરંગોમાં છુપાયેલા મોટા નગારા વગાડ્યા. અચાનક પહાડોની વચ્ચેથી ગરમ વરાળ અને કાળો ધુમાડો નીકળવા લાગ્યો. આ કોઈ કુદરતી ઘટના નહોતી, પણ ચાણક્યએ પહાડોમાં દબાવી રાખેલા જ્વલનશીલ પદાર્થો અને ગંધકનું મિશ્રણ હતું.

હાથીઓ આ ધુમાડા અને અવાજથી ભડક્યા. તેઓ પોતાના જ સૈનિકોને કચડવા લાગ્યા. ધનનંદનો હાથી પણ કાબૂ બહાર જવા લાગ્યો. રણભૂમિમાં હાહાકાર મચી ગયો. અંધારામાં કોણ કોને મારી રહ્યું છે તે સમજવું મુશ્કેલ હતું.

ચંદ્રપ્રકાશે જોયું કે આ જ તક છે ધનનંદ સુધી પહોંચવાની. તેણે એક લાંબો દોરડો લીધો અને નજીકના ઝાડ પરથી ઝૂલીને સીધો ધનનંદના હાથી પર છલાંગ લગાવી. હાથીની અંબારી પર ધનનંદ અને ચંદ્રપ્રકાશ સામસામે હતા.

"તું?" ધનનંદની આંખોમાં લોહી ઉતરી આવ્યું.

"હા, હું જ તારો કાળ છું ધનનંદ!" ચંદ્રપ્રકાશે પોતાની તલવાર હવામાં વીંઝી.

પરંતુ ધનનંદ પાસે એક ગુપ્ત શસ્ત્ર હતું. તેણે પોતાની કમરમાંથી એક નાની નળી કાઢી અને તેમાંથી ચંદ્રપ્રકાશની આંખોમાં વિષારી ધૂળ ફૂંકી. ચંદ્રપ્રકાશને ક્ષણભર માટે કંઈ દેખાયું નહીં અને તે હાથી પરથી નીચે ફેંકાયો.

નીચે પડતા જ તેને ચારે બાજુથી મગધના સૈનિકોએ ઘેરી લીધો.