English Lyrics in Gujarati Spiritual Stories by Mrugzal books and stories PDF | અંગ્રેજી બીટ

The Author
Featured Books
Categories
Share

અંગ્રેજી બીટ

. || વિચારોનું વૃંદાવન || 
        
                  || અંગ્રેજી બીટ ||

               આખી દુનિયામાં કદાચ હું એકમાત્ર એવો વ્યક્તિ હોઈશ કે જેને ખાલી મોબાઇલ જ સાચવવા એક માણસ રાખ્યો હોય. વોટ્સએપ સિવાય તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટથી દૂરી બનાવી લીધી છે. વોટ્સએપને પણ વિદાય આપવાની ઈચ્છા અવતરી હતી પણ હમણાં બદલીના વાવડ છે તો તેની પીડીએફ પ્રગટ થાય તો હૃદયના પવિત્ર ભાવથી તેના દર્શનનો લાભ મળે એ આશાએ તેને હમણાં થોડો સમય અકબંધ રહેવા દીધું. હવે એવું લાગે છે કે મોંઘો લાગતો મોબાઈલ પણ મગજ વગરનો થઈ ગયો છે. બસ ડાયલ પેડ, જીમેલ અને વોટ્સએપના સહારે જીવન જીવે છે. હવે હાથ પણ હળવા રહેવા મંડ્યા છે. નમી ગયેલું માથું ઊંચું થયું અને દોડભાગવાળી દુનિયા હવે નરી આંખેથી સ્પષ્ટ જોઈ શકાય છે. ચાર્જરને તો અઢળક શાંતિ છે સાથે બેટરીની ટકાવારી પણ ફર્સ્ટ ક્લાસ ઉપરના ગ્રેડ પ્રાપ્ત કરે છે. ક્યાંક ક્યાંક છૂટતા જતા જૂના સંબંધો તરફ પાછું મન વળી રહ્યું છે. કી-બોર્ડનું ટક ટક મંદ પડી રહ્યું છે અને અંગૂઠાને તો ઉઠક બેઠકમાં ઘણી રાહત છે. ક્યારેક આ કોલ લૉગવાળો કંટાળો છે પણ સામેની વ્યક્તિને મારાથી સંતોષ જરૂર છે. કંપનીવાળા તો ૫૦%,૯૦% અને ૧૦૦% ડેટા વપરાશના મેસેજ મોકલવા તડપી રહ્યા છે. હદ તો ત્યારે થઈ કે ડેટાનો ભારે ઘટાડો જોઈ મારો બાયોડેટા નાસાને મોકલી આપ્યો. બસ હવે મંગળ પર ન જવાનું થાય તે માટે ટ્રમ્પ કાર્ડ શોધુ છું. બધાની ગેર હાજરી વચ્ચે યુટ્યુબે પોતાનું થોડુંક અમથું કદ વધારી દીધું છે. ગેલેરી તો એટલી ગાંડી થઈ છે કે હાથે કરીને પોતાનું ઘર ખાલી કરે છે. મેમરીએ ધીરે ધીરે પોતાનું ઘણું બધું કદ વધારી દીધું છે. કામકાજના કાગળ્યાએ તેના કામની ઝડપમાં ઘણો વધારો કરી નાખ્યો છે. આ બધાય વચ્ચે ચિડાઈ જતું મગજ હવે શાંત થઈ ગયું છે. કોઈકને કહેવાય જ જાય છે કે હવે બેસને પાંચ મિનિટ અને અડધી કલાક આશાનીથી નીકળી જાય છે. અગાઉના વ્યસ્તતા ભરેલા સમયમાંથી હવે હું વ્યવસ્થિત થઈ રહ્યો છું. મંદિરના લાગેલા મોહથી અંદરનો આત્મા ખૂબ રાજીપો અનુભવે છે. મારી આસપાસથી પસાર થનારને હાઇ હેલો આસાનીથી કરી શકું છું. ક્યારેક તો એ લોકો સાથે બેસીને ચાયનો સ્વાદ લેવાનો પણ મોકો મળતો થઈ ગયો છે. ઘરની દીવાલોને પણ ઘણા સમય પછી જાણ થઈ કે આ માણસ તો ઘરમાં બહુ કલબલાટ કરે છે. કાયમ અસ્તવ્યસ્ત રહેતી વસ્તુઓ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઠેકાણું શોધી લીધું છે. બાળકોની સાથોસાથ પત્ની સાથે પણ નિકટતા વધી રહી છે. કાન તો એટલા ક્લિયર થઈ ગયા છે કે તેઓએ કહેલી દરેક વાત એક જ વારમાં સાંભળી લે છે.

ક્યારેક તો મનમાં કાયદેસરનો એવો ડર લાગે છે કે આવુ થવું એ વાઇરસ નહીં હોય ને??? ખરેખર જો આ વાઇરસ નહીં હોયને તો હું જીવતો એ જીવનમાં નક્કી વાઇરસ હશે !!!! હવે ધીરેધીરે સમજાય છે કે મારી પડતી જતી આદત એ એન્ટિક વાઇરસ નહીં પણ એન્ટી વાઇરસ છે. 

     અંતમાં સાચું કહુંને તો ખબર જ નથી પડતી હું બદલાણો છું કે દુનિયા બદલાણી છે. પરંતુ એટલું જરૂર કહીશ કે પડેલી આદતથી હૃદય બહુ જ હરખાણું છે. @ મરુભુમીના_માનવી ~ મૃગજળ

( નોંધ: આ લેખમાં અંગ્રેજી માતાના મેખને કારણે તેમના શબ્દોનો પ્રસાદ તમને ગુજરાતીમાં આપવો પડ્યો તેનો ખેદ છે. સાથે સાથે ગિનીશબુક કે નાસાવાળાને મારું નામઠામ કે સરનામું નહીં આપવાની આપ સૌની અસીમ કૃપા બની રહે.😂 )