જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૫૫
‘ધીરજના ફળ મીઠાં હોય છે.’
આ સુવિચાર આપણે બાળપણથી નિબંધોમાં અને વડીલોના મોઢે સાંભળતા આવ્યા છીએ પણ આજના 'ઈન્સ્ટન્ટ' યુગમાં આ વાત ગળે ઉતારવી થોડી અઘરી લાગે છે. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં આપણને બધું જ 'ઝટપટ' જોઈએ છે. ટુ-મિનિટ નૂડલ્સ, ફાઈવ-જી ઈન્ટરનેટ, એક્સપ્રેસ ડિલિવરી અને રાતોરાત સફળતા. આ આપણી નવી વ્યાખ્યાઓ છે. જો યુટ્યુબ પર વીડિયો બે સેકન્ડ મોડો લોડ થાય તો આપણું બીપી વધી જાય છે. જો કોઈને મેસેજ કરીએ અને બે મિનિટ સુધી રિપ્લાય ન આવે તો આપણને લાગે છે કે સંબંધમાં તિરાડ પડી ગઈ છે.
વાસ્તવમાં આપણે 'ગતિ' ના ચક્કરમાં 'પ્રગતિ' નો અસલી અર્થ ભૂલી ગયા છીએ. જીવનમાં જે કાંઈ પણ કાયમી અને સુંદર છે. તે સમય માંગે છે. જેમ કે, શિલ્પકારને એક પથ્થરમાંથી મૂર્તિ કંડારતા સમય લાગે છે તેમ જીવનને પણ યોગ્ય આકાર આપવા માટે ધીરજની છીણી અને હથોડીની જરૂર પડે છે. કહેવાય છે કે "ઉતાવળે આંબા ન પાકે." પણ આજનો માણસ તો આંબાના ગોટલા રોપીને બીજે દિવસે કેરીની આશા રાખે છે અને જો કેરી ન મળે તો આંબાને જ ઉખેડીને ફેંકી દે છે. આ ઉતાવળ જ માનસિક તણાવનું સૌથી મોટું કારણ છે.
ધીરજ એટલે માત્ર હાથ પર હાથ ધરીને બેસી રહેવું એ નથી. મહેનત કર્યા પછી પરિણામની હકારાત્મક પ્રતીક્ષા કરવી એ છે. આપણે 'પ્રોસેસ' (પ્રક્રિયા) નો આનંદ માણવાને બદલે માત્ર 'પ્રોડક્ટ' (પરિણામ) પાછળ દોડીએ છીએ. કોઈ નવો વ્યવસાય શરૂ કર્યો નથી કે નફાની ગણતરી શરૂ કરી દીધી! કોઈની સાથે મિત્રતા કરી નથી કે વફાદારીની અપેક્ષા રાખી લીધી! આપણે ભૂલી જઈએ છીએ કે કુદરતના દરેક કાર્યમાં એક લય હોય છે. સૂર્ય ચોક્કસ સમયે જ ઉગે છે અને ચોક્કસ સમયે જ આથમે છે. નવ મહિનાની પ્રતીક્ષા પછી જ એક નવું જીવન દુનિયામાં આવે છે.
જો કુદરત આટલી ધીરજ રાખતી હોય તો આપણે માણસ થઈને આટલી ઉતાવળ કેમ કરીએ છીએ? ગુજરાતીમાં સુંદર કહેવત છે કે, ‘ધીરજ ધર્યા વિના સિદ્ધિ મળતી નથી.’ ધીરજ એ કોઈ નબળાઈ નથી. એવી આંતરિક શક્તિ છે જે તમને મુશ્કેલ સમયમાં સ્થિર રાખે છે. જ્યારે તમારી પાસે ધીરજ હોય છે ત્યારે તમે પરિસ્થિતિના ગુલામ બનવાને બદલે તેના માલિક બનો છો.
આ વાતને એક પ્રેરક અને ખૂબ જ સરળ પ્રસંગ દ્વારા સમજીએ. જે આજના 'શોર્ટકટ' શોધતા યુવાનો માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો છે.
એક મોટા શહેરમાં આર્યન નામનો એક અત્યંત મહત્વકાંક્ષી યુવાન રહેતો હતો. તે ભણવામાં તેજસ્વી હતો. તેનામાં એક જ ખામી હતી. તેને બધું જ જલ્દી જોઈતું હતું. તેણે કોલેજ પૂરી કરી અને તરત જ વિચાર્યું કે તે પાંચ વર્ષમાં કરોડપતિ બની જશે. તેણે એક પછી એક ત્રણ સ્ટાર્ટઅપ શરૂ કર્યા. પણ જેવું પહેલા છ મહિનામાં તેને નફો ન દેખાય એટલે તે ધંધો બંધ કરી દેતો અને કહેતો કે ‘આમાં કંઈ દમ નથી.’ તે માની લેતો કે તેનું નસીબ ખરાબ છે અથવા આ સેક્ટરમાં કોઈ ભવિષ્ય નથી.
એક દિવસ તે ખૂબ જ હતાશ થઈને પહાડોમાં ફરવા ગયો. ત્યાં એક ઝૂંપડીમાં એક વૃદ્ધ બુઝુર્ગ રહેતા હતા. જેઓ ખૂબ જ સુંદર બગીચો ધરાવતા હતા. તેમના બગીચામાં દુનિયાભરના વિદેશી ફૂલો અને વિશાળ વૃક્ષો હતા.
આર્યન તેમની પાસે ગયો અને પૂછ્યું, ‘દાદા, મારે જિંદગીમાં બહુ આગળ વધવું છે, પણ મને લાગે છે કે હું બહુ મોડો પડી ગયો છું. તમે આટલો સુંદર બગીચો કેવી રીતે બનાવ્યો? મને પણ કોઈ એવી જાદુઈ રીત શીખવો કે જેથી હું પણ જલ્દી સફળ થઈ શકું.’
દાદા હસ્યા અને આર્યનને બે છોડ પાસે લઈ ગયા. એક છોડ સામાન્ય ફૂલનો હતો જે થોડા દિવસમાં જ ખીલી ગયો હતો અને બીજો છોડ હજુ જમીનમાંથી બહાર પણ નહોતો આવ્યો. દાદાએ કહ્યું, ‘બેટા, આ બીજો છોડ 'ચાઈનીઝ બેમ્બુ' (વાંસ) નો છે. તને ખબર છે આ બીજને વાવ્યા પછી તેને સતત પાંચ વર્ષ સુધી પાણી પાવું પડે છે, ખાતર આપવું પડે છે પણ આખા પાંચ વર્ષ સુધી તે જમીનમાંથી એક ઈંચ પણ બહાર નથી આવતો. પાંચ વર્ષ સુધી બહારથી જોનારને એમ લાગે કે આ બીજ મરી ગયું છે અથવા ખેડૂત મૂર્ખ છે.’
(વધુ હવે પછી)