Our mentality in Gujarati Moral Stories by Hitesh books and stories PDF | આપણી માનસિકતા

The Author
Featured Books
Categories
Share

આપણી માનસિકતા

આપણી માનસિકતા

આપણે આજે એક વાતથી આજની શરૂવાત કરીએ,

એકવાર હું એક ડોક્ટરના ક્લિનિક ઉપર ગયો. ક્લિનિકના રિસેપ્શન પાછળ એક નોટિસ લખેલી હતી, એમાં લખું હતું, 'આજથી અને અત્યારથી દર ગુરુવારે જે પંદર ગરીબ દર્દીઓને ફ્રી ચેકઅપનું રાખેલું હતું એ બંધ કરવામાં આવે છે અને હવે અહીંયા કોઈ ફ્રીની સુવિધા આપવામાં આવતી નથી,’ આ નોટિસ સાંભળી હું વિચારતો થઈ ગયો. હું વિચારતો હતો ત્યાં મારા નામની બૂમ સંભળાઈ અને હું ડોકટરની કેબિનમાં ગયો. ડોકટરની કેબિનમાં ગયો ત્યારે મારા મનમાં પેલી નોટિસ ઘૂમતી હતી એટલે મેં ડોક્ટરની સામે બેઠક લેતા તરત પૂછ્યું, “સાહેબ બહાર એક નોટિસ વાંચી, આવી સરસ લોક ઉપયોગી ફ્રી સેવા કેમ બંધ કરી દીધી?” સાહેબ સાથે ફક્ત આંખોની ઓળખાણ હતી અને અમારો સંબધ ફક્ત એક દર્દી અને ડોક્ટરનો જ હતો, છતાં કઈ સંકોચ વગર ડોક્ટર બોલ્યા, “આપણા લોકોની મફતનું લેવાની મેન્ટાલિટીને કારણે આવું કરવું પડ્યું, જે લોકોને ખરેખર જરૂર છે એના કરતા જે લોકો ગરીબ નથી એ ખોટું બોલી વધારે આવતા હતા અને જ્યારે પકડાઈ જતા હતા ત્યારે નાહકની દલીલો કરતા હતા અને વાદવિવાદ કરતા હતા, દર ગુરુવારે માથાકૂટ થતી હતી અને ક્યારેક ઉગ્ર પણ થઈ જતી હતી, ફ્રી સેવા આપવા જતા મારુ રક્તચાપ વધી જતું હતું, એટલે આ ફ્રીની સર્વિસ બંધ કરવી પડી.”

આ ડોક્ટર જે કરતા હતા એ સારું કરતા હતા પરંતુ ડૉક્ટર સાથે આપણો કહેવાતો સભ્ય અને સંપન મનુષ્ય કરતો હતો એ યોગ્ય હતું? આપણે આવા કેમ છીએ? આપણા સ્વાર્થ માટે, આપણા માટે આપણે કોઈનું ખરાબ કરવાનું છોડતા નથી કે કોઈના હક્કનું લેવાનું પણ છોડતા નથી. આપણા લોકોને નિયમો તોડવા, એનું ગૌરવ લેવું તથા કોઈ પણ જગ્યાએ શિસ્તમાં ન રહેવું એનું અભિમાન થઈ ગયું છે. અરે સામાન્ય જગ્યાએ તો ઠીક છે પરંતુ જ્યાં અત્યંત સંવેદનશીલ જગ્યાઓ છે ત્યાં પણ આપણે શિસ્તમાં રહેતા નથી.

હમણાં મારે મારા એક સંબંધીને આઈસીયુમાં એડમિટ કર્યા ત્યારે હોસ્પિટલમાં રાત રોકાવાનું થયું, મારી સાથે કોઈ બીજા ફેમિલીના સગા પણ આઈસીયુમાં હતા. રાત્રે બાર વાગ્યે આ ફૅમિલીના લોકોએ online ઓર્ડર આપ્યો હશે કે એનો કોઈ માણસ બહાર જઈને પિઝા લઈને આવ્યો હશે, એ લોકો લગભગ ચાર થી પાંચ હતા. આઈસીયુની બહાર રાત્રે બાર વાગ્યે આ ફેમિલીએ પાર્ટી કરી. પિઝા તો ખાતા હતા સાથે મોટે મોટેથી વાતો પણ કરતા હતા. આવી આપણી અને આપણા શિસ્તની હાલત છે.

આપણે લોકો કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ જગ્યાનો ખ્યાલ કે માન રહ્યા વિના વર્તન કરતા હોઈએ છીએ, એમાં પણ જેમ સમૂહ મોટો એમ આપણું વર્તન વિચિત્ર થઈ જાય છે. લોકોને જોઈ આપણે લોકો વધારે ભૂરાયાં થઈએ છીએ. જ્યાં લોકોની સંખ્યા વધારે ત્યાં આપણે નિયમોનું વધારે ઉલ્લંઘન કરીએ છીએ અને છાતી ફુલાવીને ફરીએ છીએ. આપણે બહારના દેશના શિસ્ત પાલનની અને ત્યાંના સિસ્ટમની ખૂબ સરાહના કરીએ છીએ, ખૂબ વખાણ કરીએ છીએ અને સાથે આપણા દેશને અને આપણી સિસ્ટમને ગાળો આપીએ છીએ, પરંતુ ક્યારેય આપણે આપણા શિસ્ત પાલનની અને બહારના દેશના શિસ્ત પાલનની કમ્પેરિઝન કરતા નથી. આપણે ત્યાં હેલ્મેટનો કાયદો સરકાર ફરજિયાત કરવાનો પ્રયત્ન કરે ત્યાં એનો વિરોધ ચાલુ થઈ જાય છે. જે દેશની સિસ્ટમ આપણાથી આગળ છે એ દેશના નિયમો અને દંડની પરિભાષા જોઈએ લેજો સાથે ત્યાંની પ્રજાને જોઈ લેજો, એ આવા કાયદાનો ક્યારેય વિરોધ કરતા નથી.
આપણું વિચારવાનું, આપણું વર્તન કરવાનું ફક્ત આપણી આજુબાજુ પૂરતું જ સીમિત છે, એટલે જ આપણે ફક્ત આપણો સ્વાર્થ જોઈને જ બધું વિચારતા હોઈએ છીએ અને બીજાનું અહિત કરવાનું પણ ચૂકતા હોત નથી. બહારના દેશોના લોકોમાં પણ સ્વાર્થ વૃતિ હશે જ. જ્યાં મનુષ્ય પ્રજાતિ વસે છે ત્યાં સ્વાર્થવૃતિ રહેવાની જ, એ લોકોમાં સ્વાર્થ તો હશે જ સાથે એ લોકોમાં શિસ્ત પાલન પણ છે.

આપણા વિચારોમાં અને વર્તનમાં “હું” પણું એટલું બધું છે કે એને માટે આપણે ગમે તે કરી બેસીએ છીએ.
આપણી અંદરના આપણા આ "હું" પણાને લીધે આપણે આપણી સફળતાનો શ્રેય બીજાને આપી શકતા નથી. કોઈ પણ માણસ એમને એમ સફળ થતો નથી, એની સફળતા પાછળ કોઈ ને કોઈનો હાથ હોય છે. જ્યારે એ સંઘર્ષ કરતો હોય ત્યારે એને સાથ આપવાવાળાનો સાથ અને સંગાથ બહુ મીઠો અને સારો લાગતો હોય છે, પરંતુ એકવાર એ સફળતાની સીડી ચડી ટોંચે પહોંચે છે ત્યારે એને સાથ આપવાવાળાને ભૂલી જાય છે અને એનો શ્રેય એ એકલો જ લઈ જાય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોઈનો ને કોઈનો ટેકો લઈને કે હાથ પકડીને ઉપર આવ્યા છીએ.

ટ્રાફિક જામ હોય કે માણસોની લાઇન હોય એને તોડીને આગળ નીકળવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર હોઈ એવું આપણે સમજીએ છીએ. હમણાં અમારા શહેરમાં એક જગ્યાએ ટ્રાફિક જામ હતો તો લોકો રોંગ સાઇડ ઉપર જઈને બીજી બાજુ પણ ટ્રાફિક જામ કરતા હતા, શહેરની અંદર ચાર રસ્તા હતા ભરચક વિસ્તાર હતો અને અત્યારે તહેવારનો સમય છે, ખૂબ ભીડ હતી છતાં બીજાનો વિચાર કરતા પહેલા પોતાનો વિચાર કરી રોંગ સાઇડ જઈને ટ્રાફિક જામ કરતા હતા.

આપણી પાસે જેમ પૈસા અને અધુનિતા આવતી ગઈ છે એમ એમ આપણે શિસ્તમાં અને વર્તનમાં એકદમ બેદરકાર અને બિન્દાસ થઈ ગયા છીએ. આપણાથી કોઈને સાચું કહેવાતું નથી કે કોઈને આજકાલ સાચી સલાહ પણ અપાતી નથી. આવું કરવા જઈએ તો આપણે ફસાઈ જઈએ એવો માહોલ અત્યારે થઈ ગયો છે. આપણી જીવન શૈલી જેમ જેમ સુધરતી ગઈ છે, આપણે જેમ જેમ આપણા શરીરના બાહ્ય ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ છીએ એમ એમ આપણે આપણા મનમાં ગંડકી ભરી રહ્યા છીએ.

આપણે આપણી આવનાર પેઢીને શું શીખવાડીશું? આપણા કહેવાતા શિક્ષકો કે જે શિસ્તના પાઠ એના વિધાર્થીઓને શીખવે છે પરંતુ બહાર જઈને શિસ્ત ભૂલી જાય છે. સ્કૂલની બહાર પોતાના જ વિદ્યાર્થીની હાજરીમાં ગમેતેવુ વર્તન કરે છે. અમારી બાજુમાં એક સ્કૂલ છે, ત્યાંના શિક્ષકો થોડો લાંબો ચક્કર લગાવવાને બદલે રોંગ સાઇડ ઉપર ડ્રાઇવ કરીને શોર્ટકટ લે છે. આ જોઈને એના વિદ્યાર્થીઓ શું શીખતા હશે! માં બાપ પણ પોતાના સંતાન સામે ગમે તેવું વર્તન કરતા હોય છે. કહેવાય છે કે દર પેઢીએ વિચારોનું અને વર્તનનું પરિવર્તન આવે છે પરંતુ આપણામાં એક વાતનું પરિવર્તન નહીં આવતું હોય! આપણા વર્તનનું.

અસ્તુ.