સમી સાંજનો સંગાથ :
રોજીંદા જીવનમાં કામકાજમાં દોડતા લોકોને સમય જ મળતો નથી. ત્યાં પ્રણય અને પ્રિતી ઘણા સમયથી કયાંય ફરવાનું વિચારી રહ્યા હતા. ને આજે સમય અને ફુરસદ બંને હતી. બંને શહેરના જાહેર બગીચામાં ફરવા ગયા. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. તેઓને ખબર હતી કે ટૂંક સમયમાં જ વરસાદ પડશે અને એ જ રોમાંચ સાથે તેઓ બગીચામાં પ્રવેશ્યા. બગીચાનું વાતાવારણ એટલું સરસ હતું કે મન જ મોહી લે. ખુશનુમા વાતાવરણથી બગીચાની હરીયાળી થોડી વધારે ઘટ્ટ લીલા રંગની દેખાતી હતી. ફૂલો પણ મોતીના હાર પહેરીને ઝૂમી રહ્યા હતા. પ્રકૃતિની આ સુંદરતા જોઈને મન શાંત અને પ્રફુલ્લિત થઈ ગયું હતું.
પ્રણય અને પ્રિતી એકદમ એકાંતમાં સરસ મજાના બાંકડા પર જઇને બેસી ગયા. જ્યાં તેમને કોઇ ખલેલ પહોંચાડવા ન આવી શકે. બંને થોડા હળવાસના મૂડમાં હતા. વાતચીતો ચાલતી હતી. આસપાસ ફકત ને ફકત કપલ જ દેખાતા હતા. જે પોતાનામાં મસ્ત હતા. અચાનક જ પ્રિતીની નજર સામે બેઠેલ એક કપલ પર ગઇ. તે તરત જ પ્રણયને ખભે હાથથી થપથપાવે છે અને સામે જોવાનું કહે છે. પ્રણય ફકત પ્રિતીને જ જોઇ રહે છે.
‘‘તેરે થોડે વકત કે લીયે, બહોત સારા ઇંતઝાર કરતે હૈ હમ’’
પ્રણય : બોલ.... શું કહે છે ?
પ્રિતી : સામે જોયા તમે પેલા બંનેને ?
પ્રણય : હા જોયા..... બંને વાતો કરે છે....
પ્રિતી : હા વાતો તો કરે છે. પણ પેલી છોકરી કંઇક અલગ મૂડમાં છે.
પ્રણય : અરે એ બંનેને એમનું કામ કરવા દે. બંને શાંતિથી વાત જ કરે છે.
એટલી વારમાં એ સામેનં કપલ ઉભું થઇ જાય છે અને રમત રમવા માંડે છે. છોકરો છોકરીને પકડવાની કોશીશ કરે છે અને છોકરી તેનાથી દૂર ભાગીને તેને લલચાવે છે. પ્રિતી એ જોવામાં મસ્ત હતી. તેનો હાથ બાંકડા પર હતો. ત્યારે જ પ્રણય તેના હાથ પર હાથ મૂકી છે. પ્રિતી પણ તેનો હાથ પકડી રાખે છે બંનેની આંગળીઓ હવે એકમેકમાં હતી. બંને એકબીજાની સામે જોતા ન હતા. પણ જે કંઇ બની રહ્યું છે તેને ફકત ને ફકત તેઓ માણી રહ્યા હતા. બંનેના હાથ હવે એકબીજાની જકડનમાં જ રહેવા માંગતા હતા. અલગ થવાની તેમની કોઇ ઇચ્છા હતી જ નહીં. પ્રિતીના ધબકારા હવે તેની કાબૂમાં નહોતા. જેના પર હવે પ્રણયનું આધીપત્ય થઇ ગયું હતું. પ્રિતી પ્રણયની સામે જોવે છે. ને જાણે નજરોથી કહેતી હોય કે,
‘‘સુકૂન મિલતા હૈૂ તુમ્હે દેખકર, યૂ હી તરસતે હમ એક ઝલક કે લીયે’’
પ્રિતી : (પ્રણયની સામે પ્રેમભરી નજરથી) જોયું.... પેલો છોકરો જે ઇચ્છે છે તે માટે છોકરી પણ તૈયાર છે.
પ્રણય : અરે એવું નથી. તું બરાબર જો.... બંને મસ્તી કરે છે. થોડી વારમાં શાંત થઇ જશે.
પ્રિતી : એવું નથી. તમે જોવો. છોકરો તેની નજીક જવાનો પ્રયત્ન કરે છે.
પ્રણય : પછી ?
ત્યાં જ પેલું કપલ એકબીજાની એકદમ નજદીક આવી જાય છે. છોકરો તો છોકરીના દુપટ્ટાથી તેને પકડી નજીક લાવી દે છે. બંનેના ધબકારા એક થવા માંડ્યા હતા ને કદાચ તે બંને તે સાંભળી પણ શકતા હતા. હવે બંને વચ્ચે અંતર રહયું ન હતું. ફકત એકબીજાના શ્વાસ એકબીજામાં જઇ રહ્યા હતા અને પછી તેઓ એકબીજામાં ખોવાઇ ગયા. તે દ્રશ્ય જોઇને પ્રિતી અને પ્રણય એકબીજાની સામે ન જોઇ શરમાઇને નીચે જોવા લાગ્યા.
પ્રિતી : (શરમાઇને) પ્રણય, હવે તમારું શું કહેવં છે ?
પ્રણય : હમમમમ.... સાચી વાત છે. તારું જજમેન્ટ તો સાચું પડયું. એ બંને નજીક આવી રહ્યા છે.
પ્રિતી : (તે કપલની સામે જોઇને) તમને ખબર છે પ્રણય !!!! છોકરીની ઇચ્છા હતી કે તે તેની નજીક આવે. પણ થોડું તડપાવવા માંગતી હતી. એ જોવા માંગતી હતી કે પેલો તેના માટે કેટલા પ્રયત્નો કરે છે અને આમ પણ છોકરાને કીસ કરવી હતી ને છોકરી તૈયાર જ હતી. પણ અમુક મૂડ લાવવો પડે, થોડું નજીક આવવું પડે..... થોડી વાતો થોડી મસ્તી...... પછી જ તો એકબીજામાં ખોવાઇ જવાની મજા પડે.
પ્રણય : હમમમ. સાચી વાત છે.
પ્રિતી : (પ્રણયની સામે જોઇને) તમે સમજયા ને કે હું શું કહેવા માંગું છું ?
પ્રણય : (મલકાઇને) હા હું સમજી ગયો છું.
ને પ્રણય પ્રિતીની ખભેથી પકડીને તેની સામે બેસાડે છે અને બે હાથથી તેના ચહેરાને પકડીને તેને નજીક લાવે છે અને પ્રિતીના કાનમાં કહે છે,‘‘ તે જે સમજાવ્યું એ હું સમજી ચૂકયો છું. બસ એ કહે કે આપણા બંનેના ધબકારા અને શ્વાસ એકમેકમાં ભળી જવા માટે હું તલપાપડ છું તો શું હું તને મારામાં સમાઇ લઉં ?’’ પ્રિતી ફકત પ્રણયની આંખમાં જોઇને પ્રણયના ખભા પર પોતાને અને પોતાની પ્રેમભરી નજરને છુપાવી લે છે...........
‘‘અનંત પ્રેમ હૈ તુમસે, પર મેરે પાસ મેરે અલાવા ઇસ બાત કા કોઇ સબૂત નહીં’’
- પાયલ ચાવડા પાલોદરા