part -42 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 42

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 42

(દૃષ્ટ દૈત્યો એ પ્રેમ ને રોમાંચ નું રૂપ આપી, મહા વિનાશની શરૂઆત કરી દીધી હતી. પૃથ્વી અને સમુદ્રક વચ્ચેનો પ્રેમ જેમ જેમ પાંગરવા લાગ્યો એમ  પ્રકૃતિના વિનાશ થવા લાગ્યો હતો.)

પૃથ્વી ધીમા કંપતા સ્વરે બોલી,

“તું એક વખત વિચાર તો કર, જે થઈ રહ્યું છે, શું એને ભૂલવું તારા માટે શક્ય છે? આ અગ્નિને રોકવી હવે મારા માટે પણ મુશ્કેલ બની ગઈ છે. શું તું આ પ્રેમને ભૂલી શકીશ? તું તો મારા માટે જ સર્જાયો છે. આ વિરાટ પહાડો ચીરી મારી અંદરની ધગધગતી આગને શાંત કરવાની શક્તિ માત્ર તારામાં જ છે. દેવતાઓમાં તું જ એક એવો દેવ છે, જે મારા દુઃખને સમજી શકે છે. મનુષ્યોએ મને જે પીડા આપી છે, એ પીડાથી મારા અંતરમાં લાવા ઉકળે છે અને એ લાવાને શાંત કરવાની ક્ષમતા ફક્ત તારી પાસે જ છે.”

સમુદ્રકે એની આંખોમાં ઊંડે સુધી જોયું. એ નજરોમાં પ્રેમ પણ હતો અને ભય પણ.

“હું તારી લાગણી સમજી ગયો છું, પરંતુ આપણાં પ્રેમને કોઈ દેવતા સ્વીકારશે નહીં. વિરુદ્ધ તત્વોના દેવતાઓનું મિલન નિયમો વિરુદ્ધ છે. આ સંબંધને દેવલોક ક્યારેય માન્યતા નહીં આપે. આ માર્ગ પ્રેમનો નહીં. વિનાશનો માર્ગ બની શકે છે.”

પરંતુ પૃથ્વી તો સમજી ગઈ હતી સમુદ્રકનાં દરેક શબ્દોમાં છુપાયેલો પ્રેમ. એ હળવેથી સ્મિત કરી બોલી,

“આવાં પ્રેમભર્યા નામથી મને ક્યારેય કોઈએ સંબોધી નથી.‌ મનુષ્યોએ તો આજ સુધી મારી પીડા સમજવાનો પ્રયત્ન પણ કર્યો નથી. હું મારી સીમા જાણું છું. મને ખબર છે કે આ એક સપનું છે. એવું સપનું, જે વાસ્તવિકતાથી જોજનો દૂર છે. અને કદાચ ક્યારેય પૂર્ણ પણ નહીં થાય.”

એ ક્ષણે જ અચાનક વરસાદ વરસવા લાગ્યો.

સમુદ્રક પોતાનો પ્રેમ વરસાદ રુપે વરસાવી રહ્યો હતો, અને પૃથ્વીનું દુઃખ ધોઈ પોતાનામાં સમાવી રહ્યો હતો. એટલે જ તો સમુદ્ર ધીમે ધીમે ખારો બનતો ગયો.

પૃથ્વી આ પ્રેમમાં ડૂબી રહી હતી, પરંતુ એ પોતાનું અસ્તિત્વ ગુમાવવા માંગતી નહોતી. એ આ પ્રેમને સંપૂર્ણ હોશમાં રહીને જીવવા ઈચ્છતી હતી.

બીજી તરફ, સમુદ્રક પણ અજાણી ખેંચાણથી પૃથ્વી તરફ ખેંચાતો જતો હતો. હવે પાછું વળવું એના માટે પણ અશક્ય બનતું જઈ રહ્યું હતું.

પૃથ્વીના હૃદયમાં સમુદ્રની છાંટ વરસી રહી હતી. હૃદયવનનાં ફૂલો એની અંદર ખીલી ઊઠ્યાં હતાં. પવનની દરેક લહેર જાણે સમુદ્રકનો કોમળ સ્પર્શ બની એની આસપાસ ફરી રહી હતી એ આનંદમાં ઝૂમી રહી હતી.

પરંતુ આ બધું જોઈ રહેલા એનાં પિતા ધૃણનું હૃદય ભયથી કંપી ઊઠ્યું. એ બોલી ઉઠ્યા,

“પુત્રી... તું જે સપનાને પામવા દોડી રહી છે, એ સાકાર થશે તો આખું જગત ડૂબી જશે. તારો આ પ્રેમ માત્ર દુનિયાને નહીં, અમને તારા માતા-પિતાને પણ ડૂબાડી દેશે. તું યાદ કર, જે પીઠ પર બેસીને તું બાળપણમાં રમતી હતી, એક દિવસ એ જ પીઠ તારા વિનાશનો ભાર સહન કરશે.”

પરંતુ પૃથ્વીની અંદર વર્ષોથી સળગતો ક્રોધ હવે શબ્દોમાં વહેવા લાગ્યો.

“મનુષ્યોએ મને જીવવા જેવી જ રાખી નથી. પાપ, યુદ્ધ, લોભ, ખૂન અને અધર્મથી એ દરરોજ મને ઘાયલ કરે છે. હું જ એમનું અસ્તિત્વ છું. પણ આજે એ પોતાનું અસ્તિત્વ જ મારી સામે ઊભું રાખે છે. હવે હું એમને સમજાવીને જ રહીશ કે, પૃથ્વી વગર મનુષ્યનું કોઈ અસ્તિત્વ નથી.”

ધૃણની આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યાં.

“તું માણસોને સબક શીખવવા જઈ રહી નથી પુત્રી, તું પોતાને જ અગ્નિમાં ધકેલી રહી છે. તું જગતને ડૂબાડીને તરવાની વાત કરે છે. પણ જ્યારે આ પ્રેમનો નશો ઉતરશે, ત્યારે તારા ઉપર દુઃખનાં ડુંગર તૂટી પડશે...”

પણ હવે પૃથ્વીને કંઈ સંભળાતું નહોતું. એની અંદર પ્રેમનો વંટોળિયો ફાટી નીકળ્યો હતો. એ જાણતી હતી કે આગળ ખાડો છે છતાં પણ એ એ જ દિશામાં પગલું ભરી રહી હતી. કારણ કે હવે પ્રેમ એના માટે વિચાર નહોતો, નશો બની ગયો હતો.

અને આ બાજુ, સમુદ્રક પણ પ્રેમમાં એટલો ડૂબી ગયો હતો કે એને એ વાતનું ભાન જ રહ્યું નહોતું કે, એમનાં મિલનથી આખી સૃષ્ટિ વિનાશ તરફ વધી રહી હતી.

ત્યારે જ નારદજી સમુદ્રક પાસે પ્રગટ થયા.

“પ્રભુ, તમે જે રંગીન સ્વપ્ન રચી રહ્યા છો, શું એને  પ્રેમ કહેવાય? હું ઘણા સમયથી જોઈ રહ્યો છું તમે વરસાદ દ્વારા તમારો પ્રેમ સંદેશ પૃથ્વી સુધી પહોંચાડો છો. પરંતુ તમે પ્રેમમાં એટલા આંધળા બની ગયાં છો કે તમને દેખાતું જ નથી આ પ્રેમ પાછળ દૈત્યો પોતાનો વિનાશનો ખેલ રમી રહ્યા છે. તમારી મંઝિલ પૃથ્વી નથી, સમુદ્ર દેવતા! અને જો હશે પણ, તો એ સુધી પહોંચવા માટે અસંખ્ય જીવોનાં બલિદાન પડશે. તમે પ્રેમની શૈયા નહીં. મોતની પથારી સજાવી રહ્યા છો.

જો હજુ પણ નહીં સમજો તો વિનાશ અવશ્ય થશે.”

(ક્રમશ:)

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️