સમુદ્રકનું મસ્તક શરમ અને પીડાથી ઝૂકી ગયું. તેની આંખોમાં વર્ષોનો અફસોસ તરવરી રહ્યો હતો. સમુદ્રક
આપવીતી સંભળાવતા આગળ બોલ્યો,
"ધરા, આજે એક એવું સત્ય તને કહેવાનો સમય આવી ગયો છે, જે મેં હજારો વર્ષોથી મારા હૃદયમાં દબાવી રાખ્યું છે. આ સત્ય જ મારા દુઃખનું કારણ છે અને આ જ મારા અશાંત આત્માનું ભારણ છે.
હજારો વર્ષો પહેલાં જ્યારે આપણે એકબીજાના પ્રેમમાં બંધાયેલા હતા અને આપણે આત્માથી જોડાયેલા એકબીજાથી દૂર રહીને પણ સારી રીતે જીવી રહ્યા હતાં. ને આપણું જીવન સુખ અને આશાથી ભરેલું હતું, ત્યારે પણ દૈત્યોએ આપણા સુખ પર પોતાની કુદૃષ્ટિ નાખી હતી. તેઓ જાણતા હતા કે મારી પાસે દૈવી શક્તિઓ છે અને હું પ્રસન્ન થઈ જાઉં તો કોઈને પણ વરદાન આપી શકું છું.
તેઓએ યુદ્ધ કે બળનો માર્ગ પસંદ કર્યો નહોતો. તેમણે છલ અને કપટનો માર્ગ અપનાવ્યો. પોતાની મીઠી વાતો અને ખોટી ભક્તિથી તેમણે મને પ્રસન્ન કર્યો. હું તેમની અંદરની દુષ્ટતા ઓળખી ન શક્યો. પ્રસન્ન થઈને મેં તેમને વરદાન માંગવા કહ્યું.
એ સમયે તેમણે ધન, રાજ્ય કે અમરત્વ કંઈ માંગ્યું નહીં. તેમણે એવી માંગણી કરી કે જે સાંભળીને પણ કોઈ વિશ્વાસ ન કરે. તેમણે મારી પાસે મારા જ એક પુત્રનું વરદાન માગી લીધું.
તે ક્ષણે હું તેમના કાવતરાનો અર્થ સમજી શક્યો નહોતો. વચન આપ્યા પછી હું બંધાઈ ગયો હતો. દેવો પણ પોતાના વચનથી પાછા ફરી શકતા નથી, તો હું કેવી રીતે ફરી શક્યો હોત?
સમય વીત્યો. પછી તારાં ગર્ભમાંથી આપણા બે જુડવા પુત્રોનો જન્મ થયો. બંને એક જ કોખમાંથી જન્મેલા હતા, પરંતુ તેમના ભાગ્ય અને સ્વભાવ એકબીજાથી વિપરીત હતા.
એક પુત્ર હતો શિવમન્યુ, જેની અંદર કરુણા, સત્ય, ધર્મ અને પ્રકાશનો અંશ હતો. તેના આત્મામાં દેવત્વ વસતું હતું. તે જગતના કલ્યાણ માટે જન્મ્યો હતો.
અને બીજો હતો વિરમન્યુ, જેની અંદર અજાણી, ભયાનક અને અંધકારમય શક્તિઓ સુપ્ત અવસ્થામાં રહેલી હતી. તેના જન્મની પાછળ દૈત્યોના વરદાનનું રહસ્ય છુપાયેલું હતું. તેના આત્મામાં દાનવી શક્તિઓનો અંશ હતો.
આ વાત હું તને ક્યારેય કહી શક્યો નહોતો. એક તરફ વચનનું બંધન હતું અને બીજી તરફ તારા માતૃત્વને દુઃખ પહોંચાડવાનો ભય. હું જાણતો હતો કે એક માતા માટે તેના સંતાનોમાં ભેદ કરવો અસંભવ છે.
શિવમન્યુ અને વિરમન્યુ બંને સમુદ્રકના પુત્રો હતા, પરંતુ બંનેના સ્વભાવમાં આકાશ-પાતાળ જેટલો તફાવત હતો.
શિવમન્યુના હૃદયમાં કરુણા, દયા અને ધર્મનો પ્રકાશ વસતો હતો. તે શક્તિશાળી હોવા છતાં વિનમ્ર હતો. તેને સત્તા, વૈભવ કે વિજયની લાલસા નહોતી. તેના માટે સૃષ્ટિનું કલ્યાણ જ સર્વોચ્ચ હતું.
બીજી તરફ વિરમન્યુ અગ્નિ સમાન ઉગ્ર અને અતિ ક્રોધી હતો. તેના હૃદયમાં સત્તાની તૃષ્ણા ધગધગતી હતી. તે પોતાના પિતા સમુદ્રકની વિરાસતને માત્ર સંભાળવા માંગતો ન હતો, પરંતુ સમગ્ર સૃષ્ટિ પર તેનો વિસ્તાર કરવા ઇચ્છતો હતો. તેનું સ્વપ્ન ભયાનક હતું. તે ધરતીના પર્વતો, વનો, નગરો અને સંસ્કૃતિઓને સમુદ્રના ગર્ભમાં સમાવી દેવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે આખી પૃથ્વી જળમાં ડૂબી જાય અને ચારેબાજુ માત્ર સમુદ્રનું સામ્રાજ્ય રહે. આ યોજના પૂર્ણ કરવા માટે તેને પોતાના ભાઈ શિવમન્યુનો સાથ જોઈતો હતો. પરંતુ શિવમન્યુ માટે આ વિચાર જ અસહ્ય હતો.
"નિર્દોષ મનુષ્યોને વિનાશ તરફ ધકેલવું એ શૌર્ય નથી, પરંતુ અધર્મ છે," શિવમન્યુ એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
વિરમન્યુએ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ, શિવમન્યુ પોતાના ધર્મ પરથી હલ્યો નહીં. શિવમન્યુને મહાદેવ તરફથી અતૂટ દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થઈ હતી. પરંતુ વિરમન્યુ પણ પાછળ રહ્યો નહોતો. તેણે દૈત્યાચાર્યો પાસેથી ગુપ્ત તાંત્રિક અને અસુર વિદ્યાઓનો અભ્યાસ કર્યો હતો. તેણે એવી ભયંકર શક્તિઓ પ્રાપ્ત કરી હતી કે તેના સમક્ષ સામાન્ય દેવતાઓ પણ અસહાય લાગતા હતા.
અંતે વિરમન્યુએ એક નિર્ણય કર્યો.
"હવે હું આખી પૃથ્વી પર પાણી ફેરવી દઈશ. આ ધરતીને સમુદ્રમાં સમાવી દઈશ."
પરંતુ આ કાર્ય માટે તેને એક દિવ્ય શક્તિની જરૂર હતી એ શક્તિ હતી સ્યામંતક મણિ.
આ મણિ સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ નીચે ગુપ્ત રીતે સુરક્ષિત રાખવામાં આવી હતી. વિરમન્યુ ભલે દૈત્યવૃત્તિ ધરાવતો હતો, પરંતુ જન્મથી તે દેવપુત્ર હતો. તેથી દૈવી નિયમો મુજબ તે સ્યામંતક મણિ સુધી પહોંચી શકે એમ હતો.અને આ જ વાતથી દેવલોકમાં ભયનું મોજું ફરી વળ્યું.
કારણ કે સ્યામંતક મણિ સામાન્ય રત્ન નહોતું. તે સર્જન અને સંહાર બંનેનું કેન્દ્ર હતું. તેના સ્થૂળ સ્વરૂપના સ્પર્શથી ધાતુ સોનામાં પરિવર્તિત થઈ શકતી હતી, જ્યારે તેના સૂક્ષ્મ સ્વરૂપમાં એવી વિનાશકારી શક્તિ હતી કે સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વને પડકાર આપી શકે. દેવતાઓ જાણતા હતા કે જો આ મણિ વિરમન્યુના હાથમાં જશે, તો વિનાશ નિશ્ચિત છે. સમુદ્રમાં રહેતા વિરમન્યુની શક્તિઓ અમર્યાદિત હતી. પરંતુ પૃથ્વી પર તેની શક્તિઓનો પ્રભાવ મર્યાદિત થઈ જતો હતો. તેથી પોતાની શક્તિઓને પૃથ્વી પર પણ અપરાજેય બનાવવા માટે તે અવશ્ય સ્યામંતક મણિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. આ ભય સ્વયં મહાદેવને પણ સતાવવા લાગ્યો.
જ્યારે શિવમન્યુને વિરમન્યુના ભયાનક ઇરાદાઓની જાણ થઈ, ત્યારે મહાદેવ શિવમન્યુ સમક્ષ પ્રગટ થયા.
તેમના નેત્રોમાં ચિંતા હતી, પરંતુ અવાજમાં દૃઢતા હતી.
"પુત્ર," મહાદેવ બોલ્યા, "સ્યામંતક મણિ વિનાશકારી છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર સૃષ્ટિના રક્ષકો જ કરી શકે. દેવપુત્ર તરીકે તને તેનો અધિકાર પ્રાપ્ત છે."
શિવમન્યુનું હૃદય ધ્રુજી ઊઠ્યું.
"પ્રભુ... શું આ મણિના ઉપયોગથી મારા પોતાના ભાઈનો અંત આવશે?"
મહાદેવ થોડા ક્ષણ મૌન રહ્યા.
પછી બોલ્યા:
"આ મણિનું સ્વરૂપ દ્વૈત છે. તેમાં સર્જનની શક્તિ પણ છે અને સંહારની પણ. હવે સમય આવી ગયો છે કે તું તેના દ્વારા એવું અસ્ત્ર બનાવે જે વિરમન્યુના અધર્મનો અંત લાવી શકે."
શિવમન્યુના ચહેરા પર વેદના સ્પષ્ટ દેખાતી હતી. એક તરફ ધર્મની રક્ષા હતી. બીજી તરફ પોતાના જ ભાઈનો વિનાશ. દેવતાઓ તેની મૂંઝવણ સમજી રહ્યા હતા. પરંતુ તેઓ પાસે બીજો કોઈ માર્ગ નહોતો. દૈત્યસેનાનું સામર્થ્ય દિવસેને દિવસે વધી રહ્યું હતું. દેવસેનાઓ તેમની સામે નબળી પડી રહી હતી. સમગ્ર દેવલોકની આશા હવે માત્ર શિવમન્યુ પર જ ટકી હતી.
"હું યુદ્ધથી ડરતો નથી," શિવમન્યુ ધીમે બોલ્યો, "પરંતુ મારા જ ભાઈ સામે અસ્ત્ર ઉઠાવવું મારા માટે સહેલું નથી."
મહાદેવ તેની નજીક આવ્યા.
"પુત્ર, તારી ભાવુકતા જ તારી મહાનતા છે, પરંતુ આજે તારે ધર્મને વ્યક્તિગત લાગણીઓથી ઉપર રાખવો પડશે."
"વિચાર કર, તું ભાઈ સામે નથી લડી રહ્યો, તું અધર્મ સામે લડી રહ્યો છે."
"જો વિરમન્યુ સફળ થશે, તો પૃથ્વી નર્ક બની જશે. મનુષ્યોનો વિશ્વાસ તૂટી જશે. દેવતાઓએ હજારો વર્ષોથી જે વ્યવસ્થા ઊભી કરી છે, તે ક્ષણોમાં નાશ પામશે."
"તું તેને ભાઈ સમજીને નહીં, પરંતુ સૃષ્ટિના શત્રુ તરીકે જો."
"જે પોતાની ઇન્દ્રિયો, લાલસા અને અહંકારનો ગુલામ બની જાય છે, તે અંતે પોતાનો જ વિનાશ કરે છે. પરંતુ જે પોતાની લાગણીઓ પર વિજય મેળવે છે, તે જ સાચો દેવ બને છે."
મહાદેવના શબ્દોએ શિવમન્યુના હૃદયમાં ધર્મની જ્યોત વધુ પ્રજ્વલિત કરી. થોડા સમય પછી મહાદેવ અને વિષ્ણુ પૃથ્વી પર આવ્યાં. તેમણે સોમનાથના જ્યોતિર્લિંગ નીચે રહેલી સ્યામંતક મણિને પ્રગટ કરી. મણિના દિવ્ય તેજથી સમગ્ર દિશાઓ ઝગમગી ઊઠી. તે પછી શિવમન્યુએ મણિના સૂક્ષ્મ તત્ત્વનો ઉપયોગ કરીને એક મહાદેવની આજ્ઞાથી અદ્વિતીય દિવ્ય અસ્ત્રનું નિર્માણ કર્યું. આ અસ્ત્ર માત્ર એક શસ્ત્ર નહોતું; તે ધર્મની રક્ષા માટે સર્જાયેલ સંહારનું પ્રતીક હતું.
હવે સમય નજીક હતો. એક તરફ અહંકાર, લાલસા અને વિનાશનું પ્રતિનિધિત્વ કરતો વિરમન્યુ હતો. અને બીજી તરફ કરુણા, ધર્મ અને સૃષ્ટિની રક્ષા માટે ઊભેલો શિવમન્યુ. બંને ભાઈઓ વચ્ચેનું આ યુદ્ધ માત્ર સિંહાસન કે શક્તિ માટેનું યુદ્ધ નહોતું. તે પ્રકાશ અને અંધકાર વચ્ચેનો અંતિમ સંઘર્ષ બનવાનો હતો, જેના પરિણામ પર સમગ્ર પૃથ્વીનું ભવિષ્ય નિર્ભર હતું.
શિવમન્યુએ અંતે ભારે હૃદયે સ્યામંતક મણિથી નિર્મિત દિવ્ય અગ્નેઅસ્ત્ર પોતાના ભાઈ વિરમન્યુ તરફ ચલાવ્યું.
ક્ષણમાત્રમાં આકાશ ધ્રુજી ઊઠ્યું.
અસ્ત્રમાંથી પ્રગટ થયેલી દિવ્ય અગ્નિજ્વાળાઓ સામાન્ય અગ્નિ જેવી નહોતી. તેમાં મહાદેવની સંહારશક્તિ, વિષ્ણુનું સંતુલન અને સ્યામંતક મણિનું રહસ્યમય તેજ સમાયેલું હતું. અસ્ત્ર વિરમન્યુને સ્પર્શ્યું અને તરત જ તેના ચારે તરફ અગ્નિનું અદૃશ્ય બંધન રચાઈ ગયું.
વિરમન્યુ ગર્જના કરવા લાગ્યો. તેની અસુર શક્તિઓ ઉગ્ર બની ઊઠી. તેણે મુક્ત થવા માટે પોતાના સમગ્ર સામર્થ્યનો ઉપયોગ કર્યો. સમુદ્રના મોજાં આકાશ સુધી ઊછળવા લાગ્યા. જળચરો ભયથી ભાગવા લાગ્યા. ધરતીના ગર્ભ સુધી કંપન પ્રસરી ગયું. પરંતુ એ અસ્ત્ર સામે વિરમન્યુની કોઈ શક્તિ કામ કરી શકી નહીં. ધીમે ધીમે તેનું શરીર સમુદ્રના તળ તરફ ખેંચાવા લાગ્યું.
જેમ જેમ તે નીચે જતો ગયો, તેમ તેમ સમુદ્રની ગહનતા વધતી ગઈ. સૌપ્રથમ તે પ્રકાશથી દૂર ગયો. પછી જળના અંધકારમાં વિલીન થવા લાગ્યો. અને અંતે એવો ક્ષણ આવ્યો કે જ્યાં દેવતાઓની દૃષ્ટિ પણ તેને અનુસરી શકી નહીં. વિરમન્યુ સમુદ્રના એવા ગર્ભમાં પહોંચી ગયો જ્યાં સુધી કોઈ દેવ, દૈત્ય કે મનુષ્યની પહોંચ નહોતી.
થોડી જ ક્ષણોમાં તેનો આકાર અંધકારમાં ઓગળી ગયો.
અને પછી, તે અલોપ થઈ ગયો. કોઈને ખબર ન પડી કે તે સમુદ્રના કયા સ્તરે કેદ થયો હતો. કોઈને ખબર ન પડી કે તે જીવિત હતો કે મૃત!
પરંતુ એક વાત નિશ્ચિત હતી. શિવમન્યુએ પોતાના જ ભાઈનો અંત કરીને પૃથ્વીને વિનાશમાંથી બચાવી લીધી હતી. દેવલોકમાં આનંદ છવાઈ ગયો. પૃથ્વી પર જીવન ફરી સામાન્ય બનવા લાગ્યું. પરંતુ આ વિજય સંપૂર્ણ ન હતો. કારણ કે સ્યામંતક મણિથી બનેલા અગ્નેઅસ્ત્રની એક મર્યાદા હતી. મહાદેવે પહેલેથી જ ચેતવણી આપી હતી કે આ અસ્ત્રની અસર સદાકાળ રહેશે નહીં.
તે માત્ર પાંચ હજાર વર્ષ સુધી જ વિરમન્યુને બંધનમાં રાખી શકશે.
તે પછી, સમયનું ચક્ર ફરી ફરશે. પાંચ હજાર વર્ષ પૂર્ણ થતાં જ અગ્નેઅસ્ત્રની શક્તિ ધીમે ધીમે ક્ષીણ થવા લાગશે. વિરમન્યુ જ્યાં કેદ હતો તે અજ્ઞાત ગ્રહસમાન ગહન જળલોકમાં સુતેલી મૃત શક્તિઓ ફરી જાગવા લાગશે. અને એક દિવસ વિરમન્યુ ફરી ઉઠશે. આ વાત માત્ર મહાદેવ, વિષ્ણુ અને બીજા દેવતાઓ જ જાણતા હતા. તેથી પાંચ હજાર વર્ષ સુધી દેવતાઓ રાહ જોતા રહ્યા. સમય યુગોમાં બદલાતો ગયો. સંસ્કૃતિઓ જન્મી અને નાશ પામી. રાજાઓ આવ્યા અને ઇતિહાસ બની ગયા. પરંતુ હવે, એ પાંચ હજાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં હતાં. વિરમન્યુના પુનર્જાગરણનો સમય નજીક આવી રહ્યો હતો.
સમુદ્રકના ચહેરા પર ગાઢ વેદના છવાઈ ગઈ.
તે ધીમા સ્વરે બોલ્યો,
"ધરા... શિવમન્યુએ વિરમન્યુનો અંત કર્યો હતો, પરંતુ તે પોતે પણ અમર નહોતો."
"જ્યારે શિવમન્યુએ તારા ગર્ભમાં જન્મ લીધો હતો, ત્યારે દેવનિયમ મુજબ તેનું આયુષ્ય માત્ર એક હજાર વર્ષનું જ હતું. એટલા માટે જ્યારે તેણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું, વિરમન્યુનો નાશ કર્યો. રેતમહેલનું નિર્માણ કર્યું અને પૃથ્વીને સુરક્ષિત બનાવી, પછી તેનો આત્મા ધીમે ધીમે પોતાની રચનામાં જ વિલીન થઈ ગયો. એનું કાર્ય પૂર્ણ થતાં શિવમન્યુ ફરી એ દૈવી તત્ત્વમાં સમાઈ ગયો."
સમુદ્રકની આંખો ભીની થઈ ગઈ. આગળ એ હજુ કહેવા લાગ્યો,
"પરંતુ વિરમન્યુ સાથે એવું ન હતું. દૈત્યોએ જન્મ પહેલાં જ તેની આયુષ્ય દસ હજાર વર્ષની ગોઠવી હતી. એટલે અગ્નેઅસ્ત્રે તેના શરીરને ભસ્મ કર્યું હશે, પરંતુ તેના અસ્તિત્વને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શક્યું નહીં. તે હજુ ક્યાંક અસ્તિત્વમાં છે. અને હવે તે ફરી જાગવા તૈયાર થઈ રહ્યો છે."
ધરા મૌન બની સાંભળતી રહી. સમુદ્રક આગળ બોલ્યો,
"સૃષ્ટિનો એક અખંડ નિયમ છે. દેવના અંશનો અંત માત્ર દેવના અંશ દ્વારા જ થઈ શકે. વિરમન્યુમાં આપણો અંશ છે. એટલે તેના વિનાશ માટે પણ આપણો જ અંશ જરૂરી હતો."
એ જ કારણ છે કે પરમાત્માએ ફરી એક વ્યવસ્થા રચી છે. આપણો અંશ ફરી પૃથ્વી પર અવતર્યો છે. એ જ અંશ આજે નિલક્રિષ્ના સ્વરૂપે જીવંત છે. નિલક્રિષ્ના માત્ર એક સામાન્ય કન્યા નથી. તે સૃષ્ટિના સંતુલનની અંતિમ આશા છે. તેના જન્મનો હેતુ માત્ર જીવવું નથી. પરંતુ વિરમન્યુના અધૂરા અધર્મનો અંત લાવવાનો છે. જે દિવસે નિલક્રિષ્ના પોતાના સાચા સ્વરૂપને ઓળખશે, તે દિવસે હજારો વર્ષ જૂનું આ અધૂરું યુદ્ધ ફરી શરૂ થશે."
અને એ જ દિવસે આ પાપ, અહંકાર અને અંધકારથી ભરેલી દુનિયાના એક યુગનો અંત આવશે."
સમુદ્રક થોડો થંભ્યો.
પછી તેણે ધરાની આંખોમાં સીધી નજર કરી. તેના હોઠ ધીમે ધીમે હલ્યા.
"ધરા!"
"એક સત્ય હજુ બાકી છે. નિલક્રિષ્ના માત્ર સૃષ્ટિની રક્ષક નથી."
"નિલક્રિષ્ના!"
"આપણી પુત્રી છે."
આ શબ્દો સાંભળતાં જ ધરાના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. તે સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. હૃદયના ધબકારા વધી ગયા. ક્ષણભર માટે સમય થંભી ગયો. કારણ કે જે સત્ય હજારો વર્ષોથી અજાણ્યું હતું, તે આજે તેના સમક્ષ પ્રગટ થયું હતું.
સમુદ્રક ધીમા સ્વરે ફરી બોલ્યો:
"હું જ્યાં છુપાયેલો હતો, તે સ્થાન એટલું ગુપ્ત અને અજાણ્યું હતું કે વૃજા પણ મને શોધી શકે એમ નહોતી. તે સમય દરમિયાન હું સતત યોગ્ય ક્ષણની રાહ જોતો રહ્યો, કારણ કે મને વિશ્વાસ હતો કે એક દિવસ આપણો મિલન ફરીથી થશે. પરંતુ સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું રહ્યું.
જ્યારે તું ફરી અવતાર ધારણ કરીને ધરા સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થઈ, ત્યારે પણ હું તારા સુધી પહોંચી શક્યો નહીં. અનેક વખત મેં પ્રયત્નો કર્યા, તારી નજીક આવવાના માર્ગો શોધ્યા, પરંતુ દરેક વખત કોઈ ને કોઈ અદૃશ્ય શક્તિ મારી રાહમાં અવરોધ બની ઊભી રહી. જાણે નિયતિ જ આપણને મળવાથી રોકવા માંગતી હોય.
પછી નિલક્રિષ્નાનો જન્મ થયો. એ માત્ર એક સામાન્ય બાળકનો જન્મ નહોતો; તેની સાથે અનેક રહસ્યો, ભવિષ્યવાણીઓ અને અદૃશ્ય શક્તિઓ પણ જોડાયેલી હતી. મહાદેવે તેના ઉછેર અને રક્ષણની જવાબદારી હેત્શિવાને સોંપી હતી, કારણ કે તેઓ જાણતા હતા કે નિલક્રિષ્નાનું અસ્તિત્વ ભવિષ્યમાં સમગ્ર સૃષ્ટિના ભાગ્યને બદલી શકે છે.
નિલક્રિષ્નાના જન્મ પછી વૃજાને ભય થવા લાગ્યો કે જો હું નિલક્રિષ્ના પાસે પહોંચી જઈશ, તો તેના દ્વારા રચાયેલ તમામ યોજનાઓ નિષ્ફળ થઈ જશે. એ જ કારણથી તેણે મારી સામે યુદ્ધ છેડ્યું. એ યુદ્ધ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સંઘર્ષ નહોતો; એ પ્રકાશ અને અંધકાર, સત્ય અને ભ્રમ વચ્ચેનો ભયંકર ટકરાવ હતો.
યુદ્ધ દરમિયાન વૃજાએ પોતાની અતિ પ્રાચીન અને ભયાનક કાળી વિદ્યાઓનો ઉપયોગ કર્યો. હજારો વર્ષોની સાધના અને તપશ્ચર્યાથી તેણે એવી શક્તિઓ પ્રાપ્ત કરી હતી કે જેના દ્વારા તે મનુષ્યના મન, વિચારો અને આત્માને પણ પોતાના વશમાં કરી શકતી હતી. અંતે તેણે મને પોતાની જાદુઈ શક્તિઓના બંધનમાં બાંધી લીધો અને મારા પર એક એવો આવરણ ચડાવી દીધો કે હું મારી સાચી ઓળખ જ ભૂલી ગયો. હું જીવતો હતો, શ્વાસ લેતો હતો, પરંતુ મારી ઇચ્છા અને ચેતના પર તેનો કાબૂ હતો.
વૃજાને લાગતું હતું કે તેની કાળી વિદ્યા સર્વશક્તિમાન છે, અને દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તેના પ્રભાવને તોડી શકે. પરંતુ એક સત્ય એ ભૂલી ગઈ હતી, પ્રેમની શક્તિ. સાચો પ્રેમ કોઈ મંત્ર, તંત્ર કે માયાજાળથી બંધાઈ શકતો નથી. પ્રેમ આત્માનો પ્રકાશ છે, અને જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર લાંબો સમય ટકી શકતો નથી.
એટલે જ જ્યારે વર્ષો પછી મારી નજર તારા પર પડી, ત્યારે મારા પર ચડાવાયેલો ભ્રમનો પડદો ધીમે ધીમે તૂટવા લાગ્યો. તારી આંખોમાં રહેલા એ જ ઓળખીતા પ્રેમે મારી અંદર દબાયેલી સ્મૃતિઓને જાગૃત કરી. જે ઓળખ હજારો વર્ષોથી કાળી શક્તિઓએ છીનવી લીધી હતી, તે એક પળમાં પાછી આવી ગઈ.
તને જોતા જ મને યાદ આવી ગયું કે હું કોણ છું, તું કોણ છે, અને આપણા આત્માઓ વચ્ચેનો સંબંધ કેટલો પ્રાચીન છે. વૃજાની હજારો વર્ષોની સાધના, તેની કાળી વિદ્યા અને તેના બધા માયાજાળ એ ક્ષણે નિષ્ફળ સાબિત થયા, કારણ કે સાચા પ્રેમ સામે એ બધું શૂન્ય હતું. પ્રેમે એ કરી બતાવ્યું જે હજારો વર્ષોની કાળી શક્તિઓ પણ ન કરી શકી. મને મારી જાત સાથે ફરીથી મિલાવી દીધો.
પરંતુ સત્યને સદાકાળ છુપાવી શકાય નહીં.
વિરમન્યુ માત્ર એક બાળક નહોતો. તેના અંદર એવી શક્તિઓ સુપ્ત હતી કે જો તે સંપૂર્ણ રીતે જાગૃત થઈ જાય તો સમગ્ર માનવજાત માટે વિનાશનું કારણ બની શકે. તેથી જ દેવો અને ઋષિઓના નિર્ણયથી તેને દરિયાના ગર્ભમાં દબાવી દેવામાં આવ્યો હતો, જેથી તેનો પ્રકોપ જગત સુધી ન પહોંચે. પણ આજે સમય ફરી એ જ વળાંક પર આવીને ઊભો છે. જો દરિયાની ઊંડાઈમાં સુતેલો વિરમન્યુ જાગી જશે, તો માત્ર એક રાજ્ય કે એક યુગ નહીં, સમગ્ર માનવજાતનું સંતુલન હચમચી જશે. જ્યાં તે પગ મૂકશે ત્યાં ભય જન્મશે. જ્યાં તેની દૃષ્ટિ પડશે ત્યાં વિનાશનું બીજ વાવાશે. અને આ વિચાર જ મને અંદરથી તોડી નાખે છે. કારણ કે વિરમન્યુને આ જગતમાં લાવનાર કોઈ બીજું નહીં, હું પોતે છું.
દૈત્યોને આપેલું મારું વરદાન, મારી ભૂલ, મારી અજ્ઞાનતા અને મારું વચન, આ બધાનું પરિણામ વિરમન્યુ છે.
એક પિતા તરીકે મેં પોતાના સંતાનને જન્મ આપ્યો, પરંતુ એક રક્ષક તરીકે હું જાણું છું કે તેનો અસ્તિત્વ સમગ્ર જગત માટે જોખમ બની શકે છે. આ જ મારા જીવનનો સૌથી મોટો વિરોધાભાસ છે. ઘણી વાર મને એવું લાગે છે કે કાશ, વિરમન્યુનો જન્મ જ ન થયો હોત. કદાચ ત્યારે અસંખ્ય જીવોનાં ભવિષ્ય પર આ ભયનું વાદળ ન હોત.
આ પાપ માટે મને કોઈ પણ જન્મમાં સંપૂર્ણ માફી મળી શકે તેમ નથી. હું જાણું છું કે મારા આ કર્મનો ભાર મારી આત્મા પર સદાકાળ રહેશે. જ્યાં સુધી આ ભૂલનું પ્રાયશ્ચિત પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી મને શાંતિ પણ નહીં મળે.
પરંતુ પરમાત્મા માત્ર દંડ આપતા નથી; તેઓ પ્રાયશ્ચિતનો માર્ગ પણ આપે છે.
કદાચ એ જ કારણ છે કે ભગવાને મને એક દિવ્ય ફળ આપ્યું છે. એ ફળ માત્ર આશીર્વાદ નથી, પરંતુ મારા પાપના પ્રાયશ્ચિતનો માર્ગ છે. કદાચ એ જ એક સાધન છે જેના દ્વારા હું મારા અપરાધનો થોડોક ભાર હળવો કરી શકું.
વિરમન્યુ મારા પાપનું પરિણામ છે. પરંતુ નિલક્રિષ્ના મારા પ્રાયશ્ચિતની છેલ્લી આશા છે. અને જ્યાં સુધી મારા અંતિમ શ્વાસ ચાલશે, ત્યાં સુધી હું એ આશાને છોડવાનો નથી.
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️