Safar vismaybhari - 2 in Gujarati Travel stories by Dr Mukur Petrolwala books and stories PDF | સફર વિસ્મયભરી-2

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

સફર વિસ્મયભરી-2

બેન્ફ

કેલ્ગેરીથી તદ્દન નજીક એવું બેન્ફ અમે છેલ્લે જોવાનું રાખેલું. જાસ્પર નો રસ્તો બુશફાયર ને લીધે થોડા વખત માટે માટે બંધ હતો એટલે અમારે એ જવાનું હતું નહીં. બેંફ શહેર એક નાનકડા ટનલ પર્વતની આસપાસ વસેલું છે. અને તેની આજુ બાજુ ચાર પાંચ પર્વતો છે. તેમાં મુખ્ય છે સલ્ફર માઉંટન. એમાં ગરમ પાણીના ઝરણાં છે. પણ તેની લોકપ્રિયતાનું કારણ છે એની ગોન્ડોલા. એ રોપ વે માં બેસી ઉપર જતા હતા ત્યારે અત્યાર સુધીની જીંદગીનું સૌથી અદભૂત મેઘધનુષ જોવા મળ્યું. લગભગ અર્ધ ગોળાકારથી પણ વધુ, પર્વત, લેક અને આકાશમાં ફેલાયેલું મેઘધનુષ, ગોન્ડોલામાંથી જોઈએ એટલે થોડું ઉપર, થોડું નીચે લાગે. એ જોઇને હું જાણે પાછો પેલો નાનો ટાબરિયો હોઉં એટલો ઉત્સાહિત થઇ ગયો. ગોન્ડોલાની સફરની બીજી ખાસિયત છે, એનું લોકેશન. આસપાસનું સૃષ્ટિ સૌન્દર્ય પણ એટલું સરસ છે કે ઉપરનું સ્ટેશન આવી જાય તો દુખ થાય કે આટલી ટૂંકી રાઈડ હતી!

આવી જગ્યાઓ ઉપર હોય છે એમ ઉપર ઉતરો એટલે બહાર રેસ્ટોરન્ટ અને થોડું શોપીંગ હોય. પણ પહેલા તો બહાર જઈ બધું જોવાનું હતું. ત્યાં પણ એક બોર્ડવોક બનાવેલું હતું જેના પરથી બીજા પીક પર ચઢીને જવાય. પણ તે પહેલા નજીકમાં જ સરસ વ્યુ પોઈન્ટ હતો, ઉપરથી બાંફ અને આસપાસના રોકીઝ ભવ્ય લાગે છે. અને આખા ફલકમાં રંગોની જે જમાવટ થાય એ જોઈ ઉપરવાળા ચિત્રકારને સલામ કાર્ય વગર રહી શકાય નહીં. મેં જોયેલી તમામ જગ્યાઓમાં આને હું ટોપ પાંચમાં મૂકું! ઘણા ફોટા પાડીને પછી અમે બોર્ડ વોક પર ચાલવા નીકળ્યા. ઘણું સરળ અને આરામદાયી હોવા છતાં, છેલ્લે થાક્યા. અને ત્યાં પહોચી એમ લાગ્યું કે વ્યુ તો પહેલી જગ્યા પર જ વધારે સરસ હતો. એટલે ત્યાં જઈ ફરી ઉભા રહ્યા. કંઈક સારું ખાવાનું મળી જાય ત્યારે વધારે ખાઈ લઇયે એમ, કોન્ક્રીટ જંગલમાં રહેનારા આપણા જેવાને, આવી જગ્યાએથી ખસવાનું મન ન થાય!

તે દિવસે ત્યાં લોંગ વીકેન્ડ શરુ થયેલો એટલે જોરદાર ટ્રાફિક હતો.પણ ટ્રાફિક એટલે એક લાઈનમાં 2-3 માઈલ સુધી ગાડીઓ ઉભેલી હોય. કોઈ ખોટી રીતે સામેની લેનમાં ઘૂસીને બીજી લાઈન ન બનાવે. અદભૂત કુદરતી સૌન્દર્યની સાથે અમને સૌથી વધુ ઈમ્પ્રેસ કર્યા હોય તો આ શિસ્ત એ. આપણે તો તરત આખો રોડ ભરી દઈએ અને જલ્દી પહોંચવાની લાયમાં બધાને વધુ મોડું થાય! સદભાગ્યે અમારે બીજી એક જગ્યા જોવાની હતી, જેનો વળાંક તરત આવી ગયો અને અમે બો ફોલ્સ જોવા પહોંચ્યા.

બો ફોલ્સ ને ટીપીકલ ફોલ્સ ના કહી શકાય. બો નદીના વહેણમાં એક નાનો કૂદકો હોય એવું લાગે. જાણે કોઈ રિસોર્ટમાં જાતે બનાવ્યો ન હોય! આ નાનકડો ધોધ હોવાથી એને નીચેથી, સમાંતર અને ઉપરથી જોઈ શકાય છે. પણ પાણી ઘણું હોવાથી અને સ્ફટિક જેવું સ્વચ્છ હોવાને કારણે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એમ થાય કે આપણા એપાર્ટમેન્ટ ની બહાર પણ આવું કઈ હોય તો સાંજે ઘરે આવીએ તો થાક તરત ઉતરી જાય!

છેલ્લો દિવસ પાયલ, સંદીપકુમાર, તનય, કેયુર, વેવાઈ યોગેશભાઈ-પ્રીતીબેન અને જૂના મિત્રો કુંદન-વ્યોમેશ સાથે આનંદથી પસાર કર્યો. સાંજે એક નવો પ્રયોગ કરવાના હતા. પહેલી વાર બસમાં અને તે પણ રાતની બસમાં વાનકૂવર જવાનું હતું. વિમાન કે આપણી શ્રીનાથજીની બસ કરતાં ઘણી વધારે લેગ સ્પેસ એટલે મુસાફરી બિલકુલ ભારે ન લાગી. બાર કલાકની સફરમાં 2 વાર તો ડ્રાઈવર બદલાય એટલે એ ઝોકું ખાઈ જશે એવો ડર પણ ઓછો રહે. સવારે વાનકૂવર પહોંચ્યા. બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન સાથે હતું અને કોઈ એરપોર્ટ હોય એવી જ સગવડ. બપોરે તો અલાસ્કા ક્રૂઝ માટે શીપ પર પહોંચવાનું હતું. એટલે ત્રણેક કલાક નજીકના સ્ટેન્લી પાર્કમાં પસાર કરવાનું નક્કી કર્યું.

ફ્રેશ થઈને બહાર નીકળ્યા અને અમને લેવા આવેલા યુવાન પ્રતિક માટે ઝાટકો તૈયાર હતો. પોલીસ એની ગાડી પર દંડની ટિકિટ ચોટાડી રહ્યો હતો. એને પૂછ્યું કે અહીં તો આટલી બધી ગાડી પાર્ક થયેલી છે. એટલે પેલા એ બતાવ્યું કે ત્યાં ફાયર હાઈદ્રંટ હતું. એટલે ઈમર્જન્સીમાં ફાયર એન્જીન આવીને ત્યાં પાઈપ હોઝ લગાવી શકે. એટલે એ જગ્યા ફરજીયાત ખાલી રાખવી પડે! આપણે ત્યાં કેટલું સારું – ડબલ કે ટ્રિપલ પાર્ક કરીએ તો પણ કોઈ જફા નહીં !!

ટ્રીપ એડવાઈઝર નામની વેબ સાઈટ પર સ્ટેન્લી પાર્કને દુનિયાનો પહેલા નંબર નો પાર્ક ઘોષિત કરવામાં આવ્યો છે. વાનકૂવર ડાઉન ટાઉન ને અડીને આવેલો આ પાર્ક એક હજાર એકરમાં ફેલાયેલો છે. અને એની આસપાસ પ્રશાંત મહાસાગર ના પાણી છે. આ પાર્ક કોઈ લેન્ડસ્કેપ ડિઝાઈનર દ્વારા નથી બનાવાયો પણ કુદરતે આપેલ વનવગડાની દેન છે. મોટા ભાગનો બાગ હજુ પણ ગીચ જંગલ છે જેને પાર્કમાં તબદીલ કરાયું છે અને વચ્ચે હાઈકિંગ અને સાયકલીંગ માટે કેડીઓ બનાવી છે. બાગના દરિયાકિનારે બનાવેલી સી વોલ પર ચાલવામાં અને તેના જુદા જુદા ફૂલો અને વૃક્ષો જોવામાં સમય ક્યાં પસાર થઇ ગયો તે ખબર પડી નહીં. ત્યાં એક ટોય ટ્રેઈન પણ છે પણ સમય નહોતો એટલે અમે પછી ક્રૂઝ ટર્મિનસ પહોચી જવાનું નક્કી કર્યું.


અલાસ્કા ક્રૂઝ

હમણાં જ એક સર્વેમાં આવ્યું કે વેકેશનથી વંચિત રહી જનારા લોકોમાં ભારતનો નંબર ચોથો છે. પણ, મોટા ભાગના લોકોના મનમાં ક્યાંક જવાની ઈચ્છા દબાયેલી જરૂર હોય છે. સંજોગો અનુકૂળ હોય તો અને ત્યારે પૂરી થાય. ઘણા વર્ષો થી મારી આવી ઇચ્છા હતી, અલાસ્કા જવાની. લગભગ એક દાયકા પહેલાં, સિંગાપોર થી એક નાનકડી ક્રૂઝ કરેલી. ત્યારે વિચાર કરેલો કે અલાસ્કા લક્ઝરી જહાજની ક્રૂઝ મા જવાય તો મજા પડી જાય. અને આ વર્ષે આ મોકો મળી ગયો. આખરે અમે સાત દિવસ માટે અલાસ્કાની ક્રૂઝમાં જવાના હતા. આવી સફર 3-4 મુખ્ય કંપની દ્વારા કરી શકાય છે. એમાં મુખ્ય પ્રકાર છે રાઉન્ડ ટ્રીપ અને વન વે. થોડા પ્રવાસીઓ સાથે વાત કરી અને થોડું નેટ સર્ચ કરી અમે નોર્થ બાઉન્ડ વન વે લીધેલી. એટલે, વેનકૂવરથી શરુ કરી ઉપર અલાસ્કામાં એન્કરેજ ખાતે 7 દિવસ પછી ઉતરી જવાનું. અમારા શીપનું નામ હતું નોર્વેજિયન સન.

વેનકૂવર બહુ ઓછો સમય હતો એટલે થોડો સમય સ્ટેન્લી પાર્ક ફરી અમે બપોરે એક વાગ્યે ક્રૂઝ પોર્ટ (બંદર) પર પહોંચી ગયા. બેઝમેન્ટ પાર્કિંગ થી જ એ લોકોએ કાર્યદક્ષતાનો પૂરાવો આપવા માંડ્યો. બેગ ઉપર અમારા રૂમ નંબર સાથે નો ટેગ મારી દીધો અને ત્યાં પોર્ટર ને આપી દીધી એટલે સામાનની જવાબદારી એમની થઇ ગઈ! વેનકૂવર કેનેડામાં અને અલાસ્કા યુએસએ માં, એટલે ઈમિગ્રેશન અને કસ્ટમ ની પ્રક્રિયામાંથી ફરી પસાર થવું પડે. એ પતાવી આગળ ગયા એટલે આવ્યું જહાજનું ચેક ઇન કાઉન્ટર. ત્યાં અમારી રૂમના બે ચાવી કાર્ડ અને જહાજ વિશેની સામાન્ય માહિતી આપી. રૂમનો કી કાર્ડ જ આઈ ડી કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તરીકે કામ કરે. એટલે, કોઈ પણ જગ્યાએ કેશ પૈસા કે ડોલરની જરૂર નહિ પડે. દરેક ખર્ચો એ કાર્ડ પર ચઢી જાય. એ જ કાર્ડથી આપણા રૂમ પર બીલ બની જાય, જે છેલ્લે દિવસે ચેક કરીને આપી દેવાનું. શીપ પરથી બહાર જતી વખતે અને પાછા આવતી વખતે પણ એ જ કાર્ડ બતાવવાનું.

એ પતાવીને શીપ પર જવાનું હતું. ઉપર જતા પહેલા બહાર ફોટોગ્રાફર તૈયાર. દરેક પેસેન્જરના ફોટા પાડે. અમને થયું કે હજુ ફ્રેશ તો થયા નથી ને ફોટા ક્યાં પડાવવાના! પણ પડાવવાનો કોઈ ચાર્જ નથી હોતો. એ તો દરેક વખત બહાર જતી વખતે, કોઈ વાર સારો વ્યુ હોય ત્યાં આગળ કે પછી આમ જ સાંજે તૈયાર થઈને ગમે એટલા ફોટા પડાવાય. ફોટોગ્રાફર તો તૈયાર જ હોય. પણ, ગમે તો એની કોપી લેવાની કીમત બહુ વધારે હોય! આગલી સફર પતાવીને જહાજ સવારે જ આવેલું, એટલે રૂમ તૈયાર થઇ રહ્યા હતા. પહેલા થોડું ચક્કર લગાવ્યું. આ તો તરતી ફાઈવ સ્ટાર હોટેલ એટલે ભવ્ય તો લાગવાની જ. ઓડીટોરિયમ, કસીનો, શોપિંગ, પ્લે એરિયા, લાઈબ્રેરી, હેલ્થ ક્લબ વગેરે પર અછડતી નજર નાખી અમે અગિયારમે માળે પહોંચ્યા. ત્યાં મોટો ઓપન એર સ્વીમીંગ પુલ, લાઉન્જ, સ્પા, અને બાર સહીત ચાર પાંચ રેસ્ટોરન્ટ. આખો દિવસ ક્યાંક તો ખાવાનું મળી જ રહે. કુલ બારેક રેસ્ટોરન્ટ હશે. એમાંથી લગભગ પાંચમાં કોઈ વધારાનો ચાર્જ નહીં। બાકીની સ્પેશિયાલીટી રેસ્ટોરન્ટ, એટલે એમાં એ દેશનું ક્યુઝીન મળે. સૌથી વધુ ભીડ જાપાનીસ રેસ્ટોરન્ટમાં. કમનસીબે કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ નહીં, મુખ્ય શેફ ઇન્ડિયન હોવા છતાં! જો કે મુખ્ય રેસ્ટોરન્ટમાં એક-બે ઇન્ડિયન વાનગી મળી રહે. અમે શરૂઆત પીઝા – પાસ્તા થી કરી. પછી બાર અને તેરમે માળે ચક્કર લગાવ્યું. બધે સરસ ઓબ્ઝર્વેશન ડેક હતા. અમે, અહીંથી વેનકૂવરની સ્કાય લાઈનની મજા લીધી.

ત્યાં સુધીમાં રૂમ તૈયાર થઇ ગયા હોવાની જાહેરાત થઇ એટલે અમે અમારા દસમા માળના રૂમમાં પહોંચ્યા. સિંગાપોર ની ક્રૂઝ કરતા રૂમ ઘણો મોટો હતો. સગવડ બધી ફાઈવ સ્ટાર હોટેલ જેવી – મોટો ડબલ બેડ, એક સોફા-કમ-બેડ, સાઈડ ટેબલ,ટેબલ-ખુરશી ટીવી, ફ્રીઝ, તિજોરી અને કબાટો. ખાલી બાથ રૂમ બહુ નાનો, પણ તેમાં પણ સગવડ બધી જ. ટીવી પર એક ચેનલ પર શીપના ન્યુઝ જ આવે. એની સગવડો, ખાસ કાર્યક્રમો અને આસપાસ કંઈ જોવા જેવું હોય એની વાત હોય. ચાર વાગે જહાજ ઉપડવાનો સમય હતો તે પહેલા 11મે માળે ઓપન એર ડેક પર વેલકમ પ્રોગ્રામ હતો. શીપ ના ટુર ડિરેક્ટર અને થોડા સ્ટાફના સભ્યોએ સરસ કાર્યક્રમ રજુ કર્યો. મોટા ભાગના લોકો એ જોવામાં એટલા મશગુલ હતા કે શીપ ચાલુ થઇ ગયું છે એવો ખ્યાલ પણ તરત ન આવ્યો. પછી વેનકૂવરને ગુડ બાય કરી અમે પાછા રૂમમાં ફ્રેશ થવા પહોંચ્યા.

એવો પણ ડર હતો કે સી સિકનેસ ન થઈ જાય. પણ એક તો આવા લક્ઝરી જહાજની બનાવટ અને બીજો એનો રૂટ – ઇનસાઇડ પેસેજ – એટલે એકદમ તોફાની દરિયો નડે નહીં – આ બે કારણોને લીધે હાલક ડોલક થતા હોય એવું તો ક્યારે ય ન લાગ્યું. હા, અમુક સમયે થોડો મુવમેન્ટ નો ખ્યાલ આવે. બીજું અમને લોકોએ કહેલું કે તમે બે એકલા જાઓ છો તો બોર થઇ જશો! એમાં એક વાત હતી કે ક્રૂઝ્ના કાર્યક્રમ પ્રમાણે પહેલા બે દિવસ અને છેલ્લા બે દિવસ શીપ પર કાઢવાના હતા.વચ્ચેના ત્રણ દિવસ એક એક બંદર પર ઉતારવાનું હતું. એટલે વાત થોડી સાચી લાગતી હતી.આમ, અમે એકલા પણ ઘણું ફર્યા છીએ.અને એવું વિચારેલું કે થોડું વાંચીશું, થોડું લખીશું અને આરામ કરીશું! પણ, સાચું પૂછો તો આમાંનું કશું જ થયું નહીં અને સમય ક્યાં પસાર થઇ ગયો તે ખબર પણ નહિ પડી ! રૂમમાં ચાર પાનાનું છાપું રોજ આવે. અને તેમાં આખા દિવસ નો કાર્યક્રમ આપેલો હોય. એટલી બધી એક્ટીવીટી હોય કે ખાવા પીવાનું છોડી દો તો પણ બધી તો ન કરી શકાય. એટલે આગલી રાત્રે બેસીને નક્કી કરવાનું કે આપણને શેમાં રસ પડે એવું છે. એ મુજબ જમવાનો સમય નક્કી કરવાનો.

બીજા દિવસે સાંજે એક જગ્યા પર માર્ટિની ટેસ્ટ કરવાનો કાર્યક્રમ હતો. એટલે એમા છ જાતની જુદી જુદી માર્ટીની ચાખવા આપે માર્ટિની એક કોકટેઇલ પીણું છે જેને વિશે જેમ્સ બોન્ડ ના ચાહકો જાણતા હશે. બોન્ડનો “શેકન, નોટ સ્ટર્ડ! ” ડાયલોગ ઘણો પ્રસિદ્ધ થયેલો છે. આ સેશનમાં ઈન્ડિયન બાર ટેન્ડર હતો. એણે ટાઇમ પાસ કરવા એક પ્રશ્ન પૂછ્યો કે દુનિયામાં એવી કઈ જગ્યા છે જ્યાં લગ્ન પહેલાં છૂટાછેડા મળે ! વોટ્સએપની મહેરબાની થી મને એ જવાબ આવડ્યો. એને કારણે ઘણા મિત્રો બન્યા અને ઇનામ મળ્યું તે નફામાં!

આગલા એપિસોડમાં, આપણે અલાસ્કાની સફરની શરૂઆત કરી અને થોડી વાતો એના જહાજ વિષે કરી. એમાં અંતમાં મેં એક પ્રશ્નની વાત કરી હતી કે એવી કઈ જગ્યા છે જ્યાં મેરેજ પહેલા ડિવોર્સ હોય? એના જવાબ માટે મને થોડા ફોન આવ્યા હતા તો તે જણાવી દઉં કે એ જગ્યા છે ડીક્ષનરી! ફક્ત અહી જ, ડિવોર્સ મેરેજ પહેલા આવે! એવું જ ગુજરાતીમાં પણ – શબ્દકોશમાં જ, છૂટાછેડા લગ્ન પહેલા આવે.

સફરનો બીજો દિવસ શીપ પર જ હતો. આખો દિવસ કોઈ ને કોઈ એક્ટીવીટી તો હોય જ, જેને કારણે બધાને મજા આવે. અમે એવા એક ચા ચા ચા ના ડાન્સ ક્લાસમાં પહોંચી ગયા. આમ ડાન્સ આપણો વિષય નહીં, પણ ક્રૂઝ્નું વાતાવરણ જ એવું કે કઈ નવું જોખમ લેવાનું મન થાય! ક્રૂઝ ડીરેક્ટર રીચાર્ડ એવું સરસ શીખવાડતો હતો કે અડધા કલાકમાં એવું લાગ્યું કે, એનીબડી કેન ડાન્સ! હવે આ ડાન્સ તો આવડી જ ગયો! તે અસર પૂરા ચોવીસ કલાક રહેલી! સાંજે કેપ્ટન અને તેના ઓફિસર ને મળવાનો કાર્યક્રમ હતો. એટલે બધા સરસ તૈયાર થઈને પહોંચ્યા। ઘણા શીપ પર ડ્રેસ કોડ હોય છે. ખાસ ડીનર માટે જેકેટ કે સુટ . પણ અમારી ક્રૂઝ ફ્રી સ્ટાઈલ હતી એટલે સભ્યતાની મર્યાદામાં રહીને જે પહેરો તે ચાલે. પણ તે દિવસે મોટા ભાગના પુરુષોએ જેકેટ અને મહિલાઓએ ઇવનિંગ ગાઉન પહેરેલો. શીપની મધ્યમાં 6-7 માળ પર સરસ એટ્રીયમ અને ફિલ્મી ટાઈપનો દાદર। એટલે ત્યાં ઉભા રહી બધા ઓફિસરને મળાય અને ફોટા પડાવાય.

પછીના ત્રણ દિવસ એક એક બંદર પર ઉતરવાનું હતું. આ સ્વૈચ્છિક હોય છે. અમુક પ્રવાસીઓ એકથી વધુ વખત આવતા હોય તો એ લોકો શીપમાં રહીને આરામ પણ કરી શકે. દરેક પોર્ટ પર ચાર પાંચ જાતની ટૂર લઇ શકાય અને એના પૈસા વધારાના લાગે। એટલે પહેલેથી નક્કી કરવું પડે કે આ પોર્ટમાં આપણે કઈ ટૂર લેશું। એનું ચોપાનિયું તૈયાર હોય એટલે એનો અભ્યાસ કરીને, શિપના ટ્રાવેલ ડેસ્ક ના સભ્યો સાથે વાત કરી નક્કી કરી શકાય. પણ પહેલેથી થોડું હોમ વર્ક કર્યું હોય તો સારું પડે. એટલે અમે નેટ પરથી થોડું જોઈ રાખેલું. સંબંધી ગીરાબેને, એમના કુટુંબી જાગૃતિ ફડીયાની અલાસ્કાના સંસ્મરણોની સરસ બુક આપેલી તે પણ વાંચી કાઢેલી। એટલે શું કરવું છે તેના કરતા શું નથી કરવું, એ નક્કી કરી રાખેલું!

પહેલું સ્ટોપ હતું કેચીકન (Ketchikan ). અલાસ્કાના દક્ષિણ માં આવેલું આ નાનકડું શહેર ક્રૂઝમાં પહેલું આવે એટલે ફર્સ્ટ સીટી તરીકે પણ ઓળખાય છે. માત્ર આઠ હજારની વસ્તી વાળા શહેરના ડાઉન ટાઉન માં માંડ 4-5 શેરીઓ હશે. ટુરીઝમ પર નભતા આ શહેરની લગભગ બધી દુકાનો આટલામાં આવી જાય. પણ એમાં ચાર પાંચ મોટા જહાજો લાંગરી શકે. શીપમાંથી બહાર નીકળો એટલે સીધા ફ્રન્ટ સ્ટ્રીટ માં! સામે જ બહુ બધી દુકાનો. અમે તે પછી જોવાનું નક્કી કરેલું, કારણકે અમારી ટુર પહેલા હતી. અહીની જોવા જેવી ટુરમાં ફ્યોર્ડ ની ટુર કહી શકાય પણ અમે થોડા સમય પહેલા જ ન્યુઝીલેન્ડમાં એ કરેલી એટલે અમારે એ નહોતી કરવી. આમ થોડી ટુર પર ચોકડી મારી એટલે અમને લાગ્યું કે જીપ સફારી અને કેનો ટુર સારી રહેશે। એક વાનમાં અમારી ટુર વાળા ને ભેગા કરી એના ડેપો પર લઇ ગયા. આમ તો એક જીપમાં ચાર જણને બેસાડે એટલે અમને લાગ્યું કે બીજા એક કપલ સાથે અમારે બેસવું પડશે પણ તે દિવસે એના ઘરાક ઓછા હતા એટલે ગાઈડે મને પૂછ્યું કે તમે ચલાવશો? મેં હા પાડી એટલે બધાને અલગ જીપ આપી દીધી. પહેલા બધા પાસે લખાવી લીધું કે અમે અમારા જોખમે જઈએ છીએ! પછી જીપના કંટ્રોલ – ખાસ કરીને ફોર-વ્હીલ ડ્રાઈવ માટેના બતાવી દીધા. આપણે જરા વધારે ધ્યાન આપવું પડે કારણકે લેફ્ટ-હેન્ડ ડ્રાઈવ વાળી ગાડી હોય એટલે આપણાથી બધું ઉલટું। બધી ગાડીઓમાં વોકી-ટોકી એટલે પાઈલટ કાર નો ડ્રાઈવર બધા સાથે વાત કરી માહિતી અને સૂચના આપી શકે.

પહેલા પાઈલટ જીપ, પછી અમે, ત્યાર બાદ બીજી ત્રણ જીપ અને છેલ્લે બીજા એક ગાઈડ ની જીપ -એટલે કોઈ પ્રવાસી અટવાય એવો ડરનહીં- એમ અમારો કાફલો નીકળ્યો. થોડો વખત શહેરી રસ્તા પર ચલાવી, અમે જંગલ તરફ વટ્યા. ગ્રેવલ વાળો રસ્તો પણ એકદમ સપાટ! ગાઈડે અમને રસ્તામાં આવતા સાઈન બોર્ડ જોવા કહ્યું. દરેક બોર્ડમાં અસંખ્ય કાણા! એ કહે કે અહીંના લોકોને ગુસ્સો આવે કે આમ જ મજા કરવા માટે, પોતાની રાઈફલ કે પિસ્તોલ લઈને નીકળી પડે અને આવા બોર્ડનો ટાર્ગેટ પ્રેક્ટીસ માટે ઉપયોગ કરે! અમેરિકાના ઘણા રાજ્યોની જેમ અહીં રહીશો ગન રાખી શકે છે. જંગલમાં વધારે અંદર ગયા એટલે એક બાજુ એક નાનકડી કેડી દેખાઈ। ગાઈડે અમને ગાડીને નોર્મલ માંથી ફોર-વ્હીલ ડ્રાઈવ મોડ માં લેવાનું કહ્યું. અને પછી શરુ થઇ એક રોમાંચક ડ્રાઈવ. એકદમ સાંકડી કેડીઓ, ઉપર નીચે જતો ટેકરી વાળો રસ્તો, પાણીના ઝરણા અને ખાબોચિયા અને ગીચ જંગલ! આસપાસ આવા ફરવાના રસ્તાઓ હોય તો આપણે પણ એસયુવી લેવી પડે! એકાદ સરસ ઝરણા પાસે ઉભા રહી ત્યાંથી પાછા ફરી બહાર આવ્યા. થોડી આગળ જ બીજી કેડી – તે પહેલા ગાઈડે કહ્યું કે જીપમાં કોઈ બીજાને પણ ડ્રાઈવ કરવું હોય તો અહી જગ્યા બદલી કાઢો. પછી બીજી કેડી પર. આમાં થોડા નાના ખડકો પણ હતા. એટલે આગળ પેલો બતાવતો જાય કે ક્યાં એનાથી બચવાનું છે. થોડા મોટા પાણીના વહેણ પણ હતા. એ બધામાં ડ્રાઈવનો એક અનોખો રોમાંચ છે! થોડે દૂર એક ગોળાકાર જગ્યા હતી જ્યાં થી ગાડી વાળી શકાય. ત્યાં ઉભા રહ્યા અને એની વનસ્પતિ વિષે થોડું જાણ્યું કે જે તરત ભૂલાઈ પણ ગયું!
એ જ રસ્તે પાછા ફર્યા અને જીપ સફારી એડવેન્ચર પૂરું થયું. હું આનંદમાં અને પત્નીના મોઢા પર ‘મેન એન્ડ ધેર ટોય્ઝ’ વાળું એક્ષ્પ્રેશન! ત્યાંથી આગળ જઈ એક લેક પાસે પહોંચ્યા. એના કિનારા પર કેનો બોટ તૈયાર હતી. એમાં ગોઠવાયા. બધાએ હલેસા મારવાના હતા. અમે પણ થોડો દેખાડો કરી લીધો! લેકની વચ્ચેથી સરસ ઇકો – પડઘા પડતા હતા. સામે કાંઠે સ્વાગત સમિતિ હાજર હતી – જ્યુસ, બ્લેક કોફી અને સૂકવેલી સાલ્મન માછલીના ટુકડા સાથે. અહીંની સાલ્મન માછલી ઘણી પ્રખ્યાત છે અને બધે નિકાસ થાય છે. એ કિનારા પર પણ સરસ જંગલ હતું. એક ઝાડના થડમાં તો એવી સરસ બખોલ હતી કે આરામથી એક માણસ અંદર સૂઈ શકે! કલાકેક ત્યાં પસાર કરી પાછા કેનોમાં અને જીપમાં થઇ ડાઉન ટાઉન પહોંચી ગયા. પછી એના સ્ટોર્સમાં ફરવા નીકળ્યા। બધા સ્ટોરમાં લગભગ એક સરખી વસ્તુઓ મળે અને લગભગ એક સરખો ભાવ. પ્રમાણમાં સસ્તું ! સ્મૃતિભેટ લેવાની હોય તો અહીંથી લઇ શકાય.

કેચીકનનો લમ્બરજેક શો પણ પ્રખ્યાત છે. અસલના કઠિયારા ના ઈતિહાસ ને જીવંત રાખવાનો સરસ પ્રયત્ન. આ બધી જગ્યાઓ પર આવા શો જોઈએ ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવે એ તેમની હ્યુમર। આપણા દેશમાં ફોક ડાન્સ વગેરેના કાર્યક્રમ પ્રમાણમાં ઘણા ગંભીર હોય છે. જ્યારે આ લોકો, બધાને ખૂબ મજા આવે અને ઘણી વાર પેટ પકડીને હસવું આવે એ રીતે પહેલાની જીવન શૈલી બતાવે. થોડી વારમાં તો નાનકડું કેચીકન ફરી લીધું અને જહાજ સામે જ ઉભેલું હતું એટલે તેના અખંડ રસોડાઓનો લાભ લેવા ઉપર ચઢી ગયા!

પહેલા બે દિવસ શીપ પર અને ત્રીજે દિવસે કેચીકનમાં ખૂબ મજા કરી. પણ, અંદરથી કઈ ખૂટતું હોય એવું લાગતું હતું! મનમાં એનું કારણ ખબર હતું. જે સ્વપ્નનું અલાસ્કા વિચારેલું તેમાં આજુ બાજુ બરફ, પાણી અને ગ્લેશિયર જોયેલા, વ્હેઈલ અને ડોલ્ફિન વિચારેલી. એની સરખામણીમાં સુંદર નાનકડું કેચીકન, આપણા કોઈ પણ હિલ સ્ટેશન જેવું જ હતું. સાંજે શીપ પર પહોંચી, બીજે દિવસ માટેનો પ્લાન વિચાર્યો. બીજે દિવસે અમારે અલાસ્કાની રાજધાની જૂનો (juneau ) ઉતરવાનું હતું. એવું કઈ કરવું હતું કે જે અલાસ્કા ની સિગ્નેચર ટૂર કહી શકાય. અમે મેન્ડેનહોલ ગ્લેશિયર ની વોક સાથેની હેલીકોપ્ટર ટૂર પસંદ કરી.

જૂનો, પ્રમાણમાં મોટું શહેર. બંદર પણ બે – અમારું શીપ શહેરથી લગભગ 1 કિમી દૂર ઊતર્યું. પણ એમાં લોકોને કઈ તકલીફ નહિ. ત્યાં પણ બસ તૈયાર જ હોય, જે સીટી સેન્ટર સુધી લઇ જાય. જો કે અમારે તો હેલીકોપ્ટર ટૂર વાળા ની બસ માં જવાનું હતું. બપોરે બારની આસપાસ એવું વાદળિયું વાતાવરણ હતું કે અમને થોડો ડર લાગ્યો કે જવાશે કે નહિ. ન્યુઝીલેન્ડમાં ફ્રાન્ઝ જોસેફ ખાસ આના માટે ગયા હતા, ને ફેરો માથે પડેલો! એટલે, બસ જેવી અમને હેલી પોર્ટ પર લઇ ગઈ કે તરત ઓફિસ માં જઈ પહેલો સવાલ એ પૂછ્યો કે જવાશે? જવાબ મળ્યો કે આરામથી, એટલે શાંતિ થઇ! કદાચ અહીંના ચોપર વધારે સારા હશે કે પાઈલટ વધુ અનુભવી હશે. અમે અમારા શૂઝ પર જ ગમ બૂટ પહેરીને તૈયાર થઇ ગયા.

હેલીકોપ્ટરમાં બેસવાનો રોમાંચ તો હોય જ, પણ જૂનોથી મેન્ડેનહોલ ગ્લેશિયર ની સફર તો એકદમ આહલાદક કહી શકાય. પાઈલટ ની બાજુમાં જ બેસવા મળ્યું એટલે વ્યુ તો એકદમ સરસ જ! ઉપડ્યા કેતરત જ નદી દેખાવા માંડી. અને આપણે ત્યાં નીચે શેરીમાં જોઈએ અને લાઈનસર ગાડીઓ પાર્ક થયેલી હોય તેમ નદીમાં લાઈનસર સી-પ્લેઈન પાર્ક થયેલા હતા. આજુબાજુ હિમ આચ્છાદિત પહાડો! થોડું આગળ વધ્યા એટલે મેન્ડેનહોલ લેક દેખાયું, અને આસપાસ બીજા ગ્લેશિયર પણ. જૂનો ની ઉપરના પર્વતોમાં જૂનો આઈસ ફિલ્ડ છે જેમાં લગભગ ત્રીસ જેટલા ગ્લેશિયર છે. થોડા સમયમાં જ મેન્ડેનહોલ ગ્લેશિયર દેખાયું. આપણામાંથી ઘણાએ બરફ જોયો હશે. એ એકદમ સફેદ હોય છે સિવાય કે, શિયાળાના અંતમાં થોડો ગંદો થયો હોય. આછા ભૂરા રંગને કારણે, આસપાસના બરફથીસહેલાઈથી જુદું તરી આવે એવું ગ્લેશિયર, કાંટાની પથારી કે બરફની બાણશૈયા હોય એવું દૂરથી લાગે। એમ થાય કે આમાં ઉતરશું કેવી રીતે? પણ વધુ નજીક પહોંચ્યા એટલે સપાટ ક્લીયરીંગ દેખાયું. જાણે હેલીપેડ બનાવ્યું ન હોય! તેમાં એક નાનકડો તંબુ પણ ઉભો કરેલો હતો. ચોપર નીચે ઉતર્યું અને અમે બહાર નીકળ્યા એટલે પહેલો તો સરસ ઠંડીનો ચમકારો શરીરને સ્પર્શી ગયો. એક વીસેક વર્ષની છોકરી ગાઈડ તરીકે સત્કારવા આવી ગઈ. ત્યાં સુધીમાં બીજું ચોપર પણ આવી ગયું એટલે બધા પ્રવાસીઓને ભેગા કરી ગાઈડે થોડું સામાન્ય જ્ઞાન આપ્યું।

આપણે મોટા ભાગના હિલ સ્ટેશન પર જે બરફ જોઈએ છીએ તે તરતનો પડેલો કે થોડા વર્ષોથી ભેગો થયેલો હોય છે. ગ્લેશિયર નો બરફ સદીઓથી જામેલો બરફ છે. એમાં થોડા હવાના પરપોટા પણ ફસાયેલા હોય છે. એમાંથી લાલ રંગની લાઈટનું પરાવર્તન થતું નથી એટલે તે ભૂરો લાગે છે. પોતાના વજનને કારણે અને ગ્રેવિટી ને લીધે ગ્લેશિયર નીચેની તરફ ખસે છે અને એના રસ્તામાં આવતા ખડકોનો પણ ચૂરો કરતુ જાય છે. એટલે નજીકથી થોડું માટીવાળું લાગે. ગ્રીન હાઉસ ઈફેક્ટ ને કારણે બધા ગ્લેશિયર ઘટી રહ્યા છે. મેન્ડેનહોલ ગ્લેશિયર પણ થોડું પાછળ ખસ્યું છે. પણ હજુ પણ એની વિશાળતા ભવ્ય છે. અમે થોડું ગ્લેશિયર પર ચાલ્યા. ગાઈડે બતાવેલું કે આટલા વિસ્તારમાં જ ફરજો નહીં તો અંદર જતા રહ્યા તો ક્યાં, કયા રૂપમાં અને કઈ સદીમાં બહાર નીકળશો, તે કહેવાય નહીં ! ત્યાં એક નાનકડું ઝરણું વહેતું હતું તેમાંથી પાણી પીધું. કોઈ પણ મિનરલ વોટર કરતા સ્વચ્છ અને ત્યાં કોઈ પણ ધર્મસ્થાન નહોતું તો પણ, ઈશ્વરની યાદ અપાવે એવું પવિત્ર! આખી ટ્રીપનો સૌથી સારો અને જિંદગીના ટોપ લીસ્ટ માં સ્થાન પામે એવો એક કલાક ત્યાં પસાર કર્યો।

આખું અલાસ્કા સીઝન પર નભે છે – છ મહિના ઉનાળાના અહી ટ્રાફિક હોય.એટલે ત્યાં કામ કરવા વાળા લોકો પણ એટલો સમય પૂરતું જ ત્યાં હોય. ગાઈડને પૂછ્યું કે એ ગ્લેશિયર પર શું કરે આખો દિવસ? એ બે-ત્રણ લોકો હોય. સિઝનમાં દર અડધા કલાકે ફ્લાઈટ આવ્યા કરે એટલે જુદા જુદા પ્રવાસીઓ સાથે વાતો કરે. રોજ સવારે ત્યાં પહોચી જવાનું અને સાંજે પાછા. કહે કે અહી ગ્લેશિયર પર શાંતિ લાગે, જૂનોમાં તો ચાળીસ હજાર માણસો એટલે બહુ ગીર્દી લાગે! મેં એને કહ્યું કે અમારા શહેરની વસ્તી જૂનો કરતા સો ગણી છે! તો કહે કે કેવી રીતે રહેવાય! એ હોય તો ગૂંગળાઈ જાય! એટલે તો એ આવી નોકરી કરે છે! મને થયું કે આપણે ત્યાં તો મા-બાપ ભાગ્યે જ કોઈ છોકરાને આટલે દૂર મોકલવા તૈયાર થાય, છોકરીની તો વાત જ શું!

લગભગ જવાનો સમય થયો અને ઝરમર બરફ પડવા માંડ્યો, કદાચ આવી જગ્યા છોડવાનું દુઃખ ન થાય એને માટે જ હશે! ફટાફટ પોતાના ચોપરમાં બેસી ગયા. થોડી વખતમાં બેઝ સ્ટેશન પહોંચી ગયા અને બ્લેક કોફીથી ઠંડી ઉડાડી. પછી જૂનો શહેર પહોંચ્યા. અલાસ્કાની રાજધાની એટલે થોડી સગવડો વધારે। જૂનો કરતાં બે શહેર અલાસ્કામાં મોટા છે – એન્કરેજ અને ફેરબેંક્સ. બેઉ શહેરને રાજધાની બનવું હતું પણ બે બિલાડીની લડાઈમાં જૂનો ફાવી ગયું! ડાઉન ટાઉન વિસ્તારમાં ફરવાનું ગમ્યું. શોપિંગ કેચીકન કરતાં મોંઘુ, જોકે અમારે તો ખાલી જોવામાં જ રસ હતો! સેન્ટ્રલ લાઈબ્રેરી માં જઈ તેની વાઈ ફાઈ સેવાનો ઉપયોગ કર્યો. સાંજ ઢળવા માંડી એટલે પાછા શીપ પર!

સ્કેગ્વે

જુલાઈ મહિનાની, અલાસ્કાની યાદગાર સફરની વાતોમાં, હવે વારો છે સ્કેગ્વેનો. સ્કેગ્વે - અમારી સફરનું ત્રીજું પોર્ટ, જે એક સમયે, આશરે સો વર્ષ પહેલા, ગોલ્ડ રશ દરમિયાન ખૂબ અગત્યતા ધરાવતું હતું અને ખૂબ બદનામ પણ થયેલું! ઓગણીસમી સદીના અંતમાં, સ્કેગ્વેની ઉત્તરે આવેલા કેનેડાના યુકોન વિસ્તારમાં, સોનું મળી આવેલું. એટલે, હજારોની સંખ્યામાં ત્યાં લોકો ઉમટી પડેલા. થોડાને સોનું મળ્યું, ઘણાએ કદાચ પોતાની મિલકત પણ ગુમાવી હશે. યુકોનના ક્લોન્ડીકે ગોલ્ડ રશમાં જવા માટે બધાને સ્કેગ્વે માંથી પસાર થવું પડતું. યુકોન નો શિયાળો ઘણો કપરો એટલે ત્યાં ઠંડીમાં તૈયારી વગર ગયેલા લોકો મરી જતા. પછી સરકારે કાયદો કર્યો કે અમુક કપડા, સાધનો અને છ મહિનાનું રાશન હોય - જેનું વજન લગભગ હજાર કિલો થાય- તે જ આગળ જઈ શકે. હવે આ બધું પૂરું પાડી શકે એવા લોકો ત્યાં વસવા માંડ્યા. બધા નવા લોકો અને સોનાની માયાજાળ, એટલે આ શહેર ગેરકાનૂની જંગલ બની ગયું! ચોરો, ગુંડાઓ, વેશ્યાઓ માટે અડ્ડો! આજે આ શહેર એકદમ ડાહ્યું ડમરું લાગે છે - અત્યારે એને જોઇને એમ લાગે કે આપણા દેશના થોડા ગેરકાનૂની જંગલ પણ સુધરી શકે! જોકે સ્કેગ્વેને ફાયદો એ છે કે, ત્યાં વસ્તી માંડ આઠસો લોકોની છે!

અહી થોડી ટૂર એવી ખાલી થઇ ગયેલી સોનાની ખાણ બતાવે, જ્યાં તમે પાનીંગ- પાણી,રેતી,માટીમાં સોનું શોધવાનો પ્રયત્ન કરી શકો. એવું ઘર ઘર રમવાનો અમને કોઈ શોખ હતો નહીં. એટલે અમે યુકોનની સાઈટ સીઈંગ ટૂર લીધી, જેમાં એક વાર ટ્રેઈનમાં જવાનું અને બસમાં પાછા આવવાનું. શિપમાંથી બહાર ઉતર્યા એટલે ટ્રાવેલ એજન્સી વાળા કહે કે ટ્રેઈન બંધ છે અને બેઉ વખત બસમાં જ જવું પડશે. થોડી નિરાશા થઇ પણ પછી ખબર પડી કે બરાબર બે દિવસ પહેલા જ ટ્રેઈન પાટા પરથી ઉથલી પડેલી અને થોડા પ્રવાસીઓને ઈજા પણ થયેલી. હજુ સુધી એ ચાલુ નથી થઇ! એટલે આમ તો અમે બચ્યા! અમારી બસમાં બેઠા એટલે એનો ડ્રાઈવર આવ્યો. કહે કે તમને ટ્રેઈન નો અફસોસ હશે પણ તમે નસીબદાર છો કે તમને અલાસ્કાનો ડ્રાઈવર નંબર વન મળ્યો છે! આવું દરેક વ્યક્તિ કહે - પોતાના કામ માટે ગર્વ લેવો એ કેવી સરસ વાત. પછી પોતાની વાત કરતા કહે કે એ એમબીએ નો વિદ્યાર્થી છે અને છ મહિના જ બાકી છે. પણ, એણે બ્રેક લીધો કે જિંદગીની ઘરેડમાં પડતા પહેલા એને માણી લે! મેન્ડેનહોલ ગ્લેશિયર વાળી ગાઈડ છોકરી કે આ ડ્રાઈવર છોકરાને સાંભળીયે તો આપણને ઘણી નવાઈ લાગે અને એવું પણ લાગે કે આપણે કદાચ જીવનને વધુ પડતું ગંભીર રીતે લઈએ છીએ!

બસ પર્વતોના વ્હાઈટ પાસ માં થઇ ક્લોન્ડીકે હાઈવે પર યુકોન તરફ ચાલી. આમ અમેરિકા-કેનેડા બોર્ડર પર કઈ ટેન્શન નહીં, પણ ઈમિગ્રેશન ના અધિકારીઓ બસમાં આવી અછડતી નજર નાખી જાય. આ બે દેશ વચ્ચે છેલ્લી લડાઈ 200 વર્ષ પહેલા થયેલી. ત્યાં એવું બોર્ડ પણ મૂક્યું છે કે કેવા બસો વર્ષથી એ લોકો મિત્રતાથી રહે છે! હમણાં સાર્કનું અધિવેશન જોઈએ તો એવું થાય કે પાડોશીની બાબતમાં પણ આપણે છેક ક્યાં છીએ! બોર્ડર ની બે બાજુ સમય નો એક કલાક નો ફેર.

કારક્રોસ નામનું ગામ વટાવી અમે કરીબુ ક્રોસિંગ પહોંચ્યા. કરીબુ, એ ઠંડા પ્રદેશોમાં મળતું એક પ્રકારનું હરણ છે. એના નામ પરથી ચાલતી આ પ્રાઈવેટ સંસ્થા કરીબુ ક્રોસિંગ માં, એક છત નીચે ઘણી વસ્તુઓ ભેગી કરી છે. એક તો અહી સરસ વાઈલ્ડ લાઈફ મ્યુઝીયમ છે. જંગલી જાનવરોના શરીરને સ્ટફ કરી આબેહુબ સાચવ્યા છે. દુનિયાનું સૌથી મોટું પોલર બેર (સફેદ રીંછ) અહી જોવા મળ્યું। તે ઉપરાંત, બ્લેક અને બ્રાઉન રીંછ, પહાડી બકરીઓ, વુલી મેમ્મથ (હાથીની એક નામશેષ થઇ ગયેલી જાતિ ), જુદા જુદા હરણો, ખૂબ જ કલાત્મક રીતે રાખ્યા છે, જાણે જીવતા ન હો! બીજું છે જીવતા કૂતરાઓનું કલેક્શન. આ કૂતરાઓ અહીની ઘણી રેસમાં વિજેતા થયા હોય છે. દસ બાર કૂતરાઓ બગી સાથે જોડી, એમાં પ્રવાસીને બેસાડી ફેરવી શકે. અમને તો આટલું જોરથી ભસતા વિકરાળ કૂતરા જોઈ, રેબીઝના ઇન્જેક્શન જ દેખાય, એટલે દૂરથી જ સલામ કરી દીધી! ત્રીજું, ત્યાં ઘણા પાલતુ જનાવરો છે, જેવા કે સસલા, બકરી, નાના ઘોડા, ડુક્કર વગેરે. એમની પાસે બેસીને કે એમને હાથમાં પકડીને, એમની સાથે રમી શકાય કે ફોટા પડાવી શકાય. ત્યાં ગોલ્ડ પાનીંગ નો અનુભવ લઇ શકાય એવી સગવડ પણ છે. લંચ પણ ત્યાં જ લેવાનું હતું. હોલમાં ટેબલ ખુરશી પર કે બહાર ગાડામાં બેસીને ભોજન લેવાય એવી વ્યવસ્થા હતી. એ પતાવી ત્યાંથી આગળ નીકળ્યા.

થોડે દૂર જ અહીંનું એમેરલ્ડ લેક હતું. રસ્તો ઊંચાઈ પર હોવાથી તેની ભવ્યતાનું વિહંગાવલોકન થઇ શક્યું. કેનેડિયન રોકીઝ્ની વાત કરતી વખતે, ત્યાના એમેરલ્ડ લેક વિષે ઘણી ચર્ચા કરેલી, એટલે પાછી એ વાત નહિ કરું. પાછા ફરતાં, દુનિયાનું સૌથી નાનું રણ- કારક્રોસ ડેઝર્ટ જોયું. ફક્ત એક ચોરસ માઈલ એનો વિસ્તાર! બહુ બધી રણ ની રેતી લાવીને, ઢગલો કરી દીધો હોય એવું લાગે. અને હકીકતમાં, છેલ્લા હિમ યુગના અંત પછી એક તળાવ સુકાઈ ગયું અને તેના કાંપ માંથી જ બન્યું છે આ રણ. અહીના રહીશો, એનો ઉપયોગ સેન્ડ બોર્ડીંગ જેવી રમતો માટે કરે છે. એ જોઈ કારક્રોસ ગામમાં ગયા. ત્રણ શેરી, એક શોપિંગ સેન્ટર અને ત્રણસો માણસની વસ્તીનું આ ગામ, પણ જરૂરી સગવડ બધી! થોડું રખડીને પાછા જવા નીકળ્યા. એમાં રસ્તામાં એક બ્રાઉન રીંછ જોવા મળ્યું. દૂરથી એણે આરામથી અમારી સામે જોયા કર્યું - જાણે ફોટા પડાવવા જ ન ઉભું હોય! પછી ફરીને ઝાડીઓમાં જતું રહ્યું.

બોર્ડર પર બેઉ બાજુ ઉભા રહ્યા. 'વેલકમ તો યુકોન' અને 'વેલકમ તો અલાસ્કા'ના બોર્ડ સાથે બધાએ ફોટા પડાવ્યા. ત્યાંથી બોવ આઈલેન્ડ બહુ જ સરસ દેખાય છે. આખો વ્યુ માણવાની મજા પડી ગઈ. પછી ઝરમર વરસાદ શરુ થયો અને અમે સ્કેગ્વે પાછા પહોંચ્યા. જઈને જે સ્ટેશન અને ટ્રેઈન નો લાભ નહિ મળેલો ત્યાં પહોંચ્યા. એ જૂના એન્જીન સાથે ફોટા પાડ્યા. અને પછી અમારા શીપ પર પહોંચી ગયા.

ગ્લેશિયર બે

કેચીકન, જૂનો અને સ્કેગ્વે - ત્રણ દિવસ એક એક પોર્ટ ફરી લીધા પછી, વીક એન્ડ શીપ પર હતા. નક્કી કર્યું કે શીપ પર જે જોવાનું બાકી હતું તે પૂરું કરીશું. જે શીપ રાઉન્ડ ટ્રીપ કરતુ હોય તે અહીંથી પાછું ફરે. અમારે એન્કરેજ જવાનું હતું અને વચ્ચે, ગ્લેશિયર બે (હિમનદી નો અખાત) માં ફરવાનું બાકી હતું. શનિવારે સવારે હેલ્થ કલબની મુલાકાત લીધી. ટ્રેડ મિલ પર લાગેલા ટીવી મોનીટર પર સમાચાર જોતા જોતા અડધો કલાક ઝડપથી ચાલી લીધું, જેથી પછીથી પેસ્ટ્રી ખાતી વખતે ગીલ્ટ ફીલિંગ ન થાય! તે પછી એક મેઈન ડાઈનીંગ રૂમમાં બેસી શાંતિથી બ્રેકફાસ્ટ પતાવ્યો. પછી પાછા કેલરી બાળવા ડાન્સ ટ્રેઈનીંગ માં પહોંચ્યા. તે દિવસે વોલ્ટઝ ડાન્સ શિખવાડવાના હતા. આ યુરોપિયન ડાન્સ, સાઉંડ ઓફ મ્યુઝિક નામની જૂની ફિલ્મમાં ઘણો લોકપ્રિય થયો હતો. આ કપલ ડાન્સ શીખવાની મજા આવી અને આગળ ચાચાચા ના ક્લાસમાં થયું હતું તેમ, તે દિવસે તો એવું જ લાગેલું કે હવે આ આવડી ગયું!

ઘણી હોટેલોમાં રાત્રે વેઈટર ટુવાલને સરસ રીતે વાળીને એમાંથી જુદા જુદા પ્રાણી બનાવીને બેડ પર મૂકી જતા હોય છે. આ શીપ પર પણ અમારો ફિલિપિનો વેઈટર ચેકો રોજ આવા હાથી, સસલા, વાંદરા,વગેરે બનાવતો. તે દિવસે આ ટોવેલ ફોલ્ડીંગ નો ડેમો ક્લાસ હતો. એમાં થોડા વધારે પ્રાણીઓ જેવા કે કિસ કરતા બતકો પણ બનાવવાનું બતાવ્યું. એવો જ એક ફ્રૂટ કટિંગ નો પણ ડેમો હતો.. આવડત હોય તો સાદી વસ્તુઓ પણ કેવી કલાત્મક બનાવી શકાય! આટલું બધું શીખ્યા એટલે પાછો લંચ નો સમય થઇ ગયો! જે દિવસે શીપ પર હોઈએ તે દિવસે ખાવાનું વધી જાય. પણ, અહી અલાસ્કા જવાનું વિચારતા લોકો માટે ફરી ચોખવટ કરી લઉં. ફક્ત 'આપણું ખાવાનું' જોઈએ એવો આગ્રહ હોય તો આ ક્રૂઝમાં તકલીફ પડે! વેજ ખાવાનું જોઈએ એટલું મળી રહે. ફ્રૂટ્સ અને આઈસ ક્રીમ પણ ઢગલાબંધ હોય. પણ ભારતીય વાનગીઓ માંડ એક બે અને ગુજરાતી એક પણ નહિ. પહેલેથી કહી રાખો તો થોડું વધારે મળી શકે. પણ એને માટે થોડું વધારે પ્લાનિંગ કરવું પડે. અમારી ક્રૂઝમાં સત્તાવાર આંકડા પ્રમાણે બે હજારમાંથી પચાસ ભારતીયો હતા. પણ આમ એન આર આઈ સાથે સો થી વધારે. ઘણા બધા ગુજરાતી. એમાંના ઘણા પોતાનો ખૂબ નાસ્તો લઈને આવેલા.

લંચ પતાવીને ઓડીટોરીયમ - સ્ટાર ડસ્ટ લાઉન્જમાં ગયા. આમ રોજ સાંજે ત્યાં એક પ્રોગ્રામ હોય અને તેના બે શો હોય એટલે તમે ડીનર પહેલા કે પછી તેને જોઈ શકો. ડાન્સ, મ્યુઝીક, કોમેડી, વગેરે. એક જગલીંગ એકરોબાટ નો શો બહુ સરસ હતો. તે દિવસે બપોરે, ગ્લેશિયર બે ના રેન્જર્સ આવવાના હતા. આ નેશનલ પાર્ક છે એટલે એના ઓફિસરોએ આવીને શું જોવાનું છે તેની વાતો કરી. જુદી જુદી સિઝનમાં જગ્યા કેવી લાગે તેની સ્લાઈડ બતાવી. સાથે સાથે શું કરવું અને શું ન કરવું તે વિષે પણ કહ્યું. તે પછી અમે લાઈબ્રેરીમાં ગયા. ઘણી ચોપડીઓ હતી પણ વાંચવાનો સમય નહોતો, એટલે ચોપડી કે ડીવીડી લેવાનો સવાલ નહોતો. ત્યાંથી આર્ટ ગેલેરી ગયા. ત્યાં તે દિવસે ઓક્શન હતું। થોડી વાર બેઠા પણ પેઈન્ટીન્ગ બાબતે અમે બેઉ ઔરન્ગઝેબ એટલે બોલી લગાવવાની હતી નહીં! પણ બીજા બધા પણ અમારા જેવા જ નીકળ્યા! એટલે બિચારા લોકોનો ફ્લોપ શો થઇ ગયો! રોજ બારમા માળે સ્વીમીંગ પુલ અને જાકુઝી પાસેથી પસાર થઈએ ત્યારે વિચારું કે એક દિવસ આનો લાભ લેવો પડશે પણ પહેલા બે દિવસ પછી તો ઠંડી જ એવી હતી કે એવી કોઈ હિંમત કરી નહીં! સાંજે ડ્યુટી ફ્રી શોપમાં ફર્યા.

રવિવારની સવાર ફરી એક વાર, દિલ દિમાગ ને ખુશ કરી દે એવો આનંદ લઈને આવી. સવારે સાત વાગ્યે જહાજ માર્જોરી ગ્લેશિયર પહોંચવાનું હતું. અમે સાડા છ થી ઓબ્ઝર્વેશન લાઉન્જમાં ગોઠવાઈ ગયા. એક માઈલ પહોળું આ ગ્લેશિયર નજીક આવ્યું અને એનું અપ્રતિમ સૌન્દર્ય જોઈ, સવારની ઠંડી અને આછી વરસાદની બૂન્દોની પરવા કર્યા વગર બધા ડેક પર પહોંચી ગયા. આજુબાજુ સફેદ બરફના પહાડો, વચ્ચે લીલાશ પડતું પાણી અને સામે ભૂરાશ પડતું ગ્લેશિયર! ગ્લેશીયરનું ટર્મિનસ (નીચેનો અંતિમ ભાગ) પાણી પર છે અને તેમાં થોડો ભાગ તો લટકતો હોય એવો છે. વાદળિયા હવામાનને કારણે એવું લાગતું હતું કે ગ્લેશિયરે પણ શરમનો રૂપાળો પારદર્શક નકાબ ઓઢી લીધો હતો! અને પછી થોડા અમૂલ્ય રત્નો આજુબાજુ વિખેર્યા હોય તેમ બરફના ચોસલા પાણીમાં ફરતા હતા! માર્જોરી ગ્લેશિયર પાણીથી અઢીસો ફૂટ ઉપર છે અને સો ફૂટ અંદર। આમ 350 ફૂટની ઊંચાઈ ધરાવતું માર્જોરી ગ્લેશિયર સ્ટેચ્યુ ઓફ લીબર્ટી કરતા પણ ઊંચું છે. જોકે આપણું સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છસો ફૂટ નું બનવાનું છે! આગળના લેખોમાં ગ્લેશિયર (હિમનદી) વિષે ઘણું લખ્યું છે એટલે આજે એટલું જ કહીશ કે આ ગ્લેશિયર એક એવું છે કે જે પાછળ નથી ખસી રહ્યું. 21 માઈલ લાંબુ માર્જોરી ગ્લેશિયર પર્યાવરણની ખરાબ અસરો સામે બાથ ભીડવામાં હજુ સુધી સક્ષમતાથી ટકી રહ્યું છે. અહીં ઘણા ફોટા પાડ્યા અને શીપના પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે પણ પડાવ્યા. એ વખતે જ કેપ્ટનની જાહેરાત થઇ કે એક પેસેન્જર બીમાર છે અને એને શહેરની હોસ્પીટલમાં ખસેડવાનો હોવાથી ગ્લેશિયર બે ની મુલાકાત ટૂંકાવવામાં આવશે. આવા સૃષ્ટિ સૌન્દર્ય વચ્ચે બીમાર પડનાર દર્દીની મનમાં દયા આવી પણ આ ઈમર્જન્સીમાં અમારે કઈ નથી કરવાનું તેની રાહત પણ હતી! શીપમાં ત્રીજે માળે મેડીકલ સેન્ટર હતું, પણ વેકેશનની લાગણી એવી તીવ્ર હતી કે કૂતુહલવશ પણ એ જોવાની તસ્દી લીધી નહોતી! તો પણ માર્જોરી ગ્લેશિયર પાસે અમે લગભગ એક કલાક રહ્યા। કેપ્ટને ચારે બાજુ શિપને એવી રીતે ફેરવ્યું કે પોતાની રૂમમાંથી જ જેને પ્રકૃતિ માણવી હોય તેને પણ વાંધો ન આવે. આમ તો ગ્લેશિયર બેમાં દસ પંદર ગ્લેશિયર છે. કદાચ બીજું એકાદ ગ્લેશિયર અમે જોઈ ન શક્યા, પણ કુદરતનો એટલો પાડ માન્યો કે માર્જોરી ગ્લેશિયરનું સૌન્દર્ય માણવા મળ્યું! જૂનો ના મેન્ડેનહોલ અને અહીના માર્જોરી ને જુદી જુદી રીતે માણીને, હું ગ્લેશિયરો નો કાયમી ફેન બની ગયો છું!

લગભગ સાડા છ દિવસ અને સાત રાતો અમારે શીપ પર કાઢવાની હતી, કોઈ કંપની વગર. પણ સાચું પૂછો તો સમય એટલો ઝડપથી પસાર થઇ ગયો કે છેલ્લી રાત આવી પહોંચી ને પાછા જવાનો સમય થઇ ગયો! એકલા ભારે તો નહિ લાગે ને એવી ચિંતા થોડી હતી તેને બદલે આટલો સરસ સમય પતી ગયો તેનો જરાક રંજ હતો. જોકે તેનાથી વધુ એક દુખદ કામ બાકી હતું, બીલ ભરવાનું! આખી સફર દરમિયાન તો ખાલી રૂમ નું કી-કાર્ડ જ બતાવવાનું હતું. પણ એટલું વ્યવસ્થિત રીતે બીલ તૈયાર કરેલું કે ફટાફટ કામ થઇ ગયું.

થોડા વાચકોનો એ પ્રશ્ન હતો કે ક્રૂઝ કઈ રીતે નક્કી કરેલી? સાત દિવસ ની ઓછામાં ઓછી ક્રૂઝ હોય એટલે અલાસ્કા માટે એટલા દિવસ તો જોઈએ જ. વન વે ક્રૂઝમાં 'ગ્લેશિયર બે' - જોવાનો વધારાનો લાભ મળે અને એક શહેર- એન્કરેજ જોવા મળે. એટલે પાછા ત્યાં જ જવું એવું કોઈ કારણ ન હોય તો રાઉન્ડ ટ્રીપ ન લેવી. અને સૌન્દર્ય નીચેથી ઉપર, ઉત્તર તરફ જતા વધતું જાય એટલે એ વધારે સારું. એ રીતે, અમે વાનકૂવર થી નોર્થ બાઉન્ડ ટ્રીપ નક્કી કરેલી. પછી અમે અમારી પસંદની તારીખોમાં કઈ ક્રૂઝ મળે છે તે જોયું. બે-ત્રણ કંપનીની ક્રૂઝ મળતી હતી એમાંથી અમને નોર્વેજિયન સારી લાગી. એક તો ફ્રી સ્ટાઈલ એટલે સુટ ને ગાઉન જેવા કપડાની ઝંઝટ નહીં. ને થોડા મિત્રોનો અભિપ્રાય પણ સારો હતો. શીપ પર બીજા વેટરન પ્રવાસીઓ, જેમણે એકથી વધુ ક્રૂઝ કરી હોય, તેમની સાથે પણ વાતચીત થઇ. તેમના પ્રમાણે નોર્વેજિયન સન (અમારું શીપ) કરતા બીજા થોડા શીપ વધારે નવા અને સારા છે. પણ, નોર્વેજિયનની સર્વિસ વધારે સારી. સ્ટાફ બહુ જ સરસ છે. કોઈ પણ જગ્યાએ તમને તકલીફ ન પડે.

બીજે દિવસે સવારે સાત વાગ્યે શીપ વ્હીટ્ટીયર પહોંચવાનું હતું. એટલે આગલે દિવસે એન્કરેજ પહોંચવાની બસ નક્કી કરી. એવું પૂછી લીધેલું કે એન્કરેજથી ફ્લાઈટ કેટલા વાગે છે. એ પ્રમાણે, કોણે શીપ પરથી કયા સમયે ઉતરવાનું એ નક્કી કરીને, બધાને જુદા રંગના ટેગ આપી દીધેલા. એ ટેગ સામાન પર મારીને મોડી રાત્રે કેબીન બહાર મૂકી દેવાનો એટલે આપણી જવાબદારી પૂરી! એ સીધો એરપોર્ટ પરથી જ લેવાનો. સવારે નાસ્તો કરીને બહાર નીકળ્યા. વ્હીટ્ટીયર તો નાનકડું ગામડું જ છે. પણ, ત્યાં પણ દુનિયાના સૌથી શક્તિશાળી દેશનું શિસ્ત નજરમાં આવે. પોર્ટમાં થી આગળ જાઓ એટલે એક વન વે ટનલ છે, જેની પહોળાઈ માંડ એક બસ કે ટ્રક પસાર થઇ શકે એટલી છે. એમાં દાખલ થવા માટે પણ જુદી જુદી લેન - બસ, ટ્રક, કાર, ઈમરજન્સી વાહનો વગેરે માટે જુદી. અને પોતાની બાજુનો વારો આવે ત્યારે એક પછી એક લેન ને જ જવા દે. કાર હોય એટલે વચ્ચે ઘૂસી ન જવાય! ટનલની પેલે પાર જઈ થોડા આગળ ગયા એટલે આ ટ્રીપનું છેલ્લું ગ્લેશિયર જોવા મળ્યું. દુનિયાના મોટા ભાગના ગ્લેશીયરોની જેમ આ પણ ઘણું પાછળ ખસી રહ્યું છે. એક કપલે પોતાના હનીમૂન અને લગ્નની સિલ્વર જુબિલી વખતના આ જ ગ્લેશિયર ના ફોટા મૂક્યા છે. એમાં તફાવત એટલો બધો છે કે એવું લાગે કે કદાચ તેમની ગોલ્ડન જ્યુબીલી પર આવે તો તે વખતે આ ગ્લેશિયર દેખાય પણ નહિ!

થોડા વખતમાં એન્કરેજ સીટી સેન્ટર પહોંચ્યા। અમારી ફ્લાઈટ બપોર અમારી પાસે -પાંચ છ કલાક હતા શહેરમાં ફરવા માટે। ત્યાં કન્વેન્શન સેન્ટરમાં ક્રૂઝ વાળા એ જગ્યા રાખેલી। એટલે ક્યાં ફરી શકાય એની સમજ આપી. અમે જે હાથમાં કેરી-ઓન બેગ રાખેલી એ પણ ત્યાં મૂકી દીધી। અલાસ્કાનું સૌથી મોટું શહેર એન્કરેજ ખરેખર ખૂબ સુંદર છે. દરેક રસ્તા પર સુંદર રંગબેરંગી ફૂલો ઉગાડ્યાં છે. આ શહેરના લોકોએ એને રાજધાની બનાવવા ઘણા પ્રયત્નો કર્યા - બે વખત લોકમત પણ લેવાયો। પણ બીજું મોટું શહેર ફેરબેંક્સ અને હાલની રાજધાની જુનો ના લોકોએ એમને ફાવવા દીધા નહીં!

અમે પહેલાં એક અલાસ્કન ફિલ્મ શો જોવા ગયા. ક્રૂઝમાં જોયેલું ઉનાળાનું અલાસ્કા, તો ફક્ત દક્ષિણ નો થોડો ભાગ હતો. બાકીની ઋતુઓનું અલાસ્કા, તેના પ્રાણીઓ વગેરે જોવા માટે આ ફિલ્મ જોવા ગયેલા. એક નાનકડા સ્ટોરની પાછળના ભાગમાં એક નાનકડું ઓડીટોરિયમ। અમારા બે સિવાય બસ એક બીજું કપલ। પણ એક નવી વસ્તુ જાણવા મળી - નોર્ધર્ન લાઈટ્સ. આ વિષે પહેલા કઈ સાંભળ્યું નહોતું અને અહીં તો એની ખાસ ફિલ્મ! ચુંબકીય ઉત્તર અને દક્ષીણ ધ્રુવ પાસે, સૂર્યમાંથી નીકળેલા અમુક કણો, પૃથ્વીના થોડા કણો સાથે અથડાય ત્યારે ધરતીથી લગભગ સો માઈલ ઉપર, આ ખૂબસૂરત નજારો જોવા મળે છે. લીલા, પીળા, લાલ અને અને બીજા અસંખ્ય રંગોની કુદરતી આતશબાજી! શિયાળામાં, ખુલ્લું આકાશ હોય તો આ સંધ્યાકાળે જોવા મળે. અલાસ્કા, કેનેડા અને નોર્વે માં આ જોવા મળી શકે. ફિલ્મ આટલી અદભૂત હતી તો લાઈવ કેટલી મજા આવતી હશે! એને જોવા માટે વધારે દિવસ એટલી ઠંડીમાં ત્યાં રહેવાની તૈયારી રાખવી પડે. આ ફિલ્મના ફોટોગ્રાફરે પોતે કેવી રીતે મહિનાઓ રહ્યો હતો એ પણ બતાવ્યું હતું। એટલે આ ફિલ્મ જોઈ લીધી એ બસ છે અને શિયાળામાં નહીં આવશું તો ચાલશે એવું નક્કી કર્યું! પણ કુદરત ના શોખીન સાહસિકો આ ટૂરનો પ્લાન જરૂર બનાવી શકે.

તે પછી અમે ઝુ જોવા ગયા. અહી બધે હોય છે એમ ઝુ ની વાન દર કલાકે સીટી સેન્ટર પરથી તમને લઇ જાય અને મૂકી જાય. ઝુ ની એન્ટ્રન્સ ટીકીટમાં આવવા જવાનું ફ્રી। ત્યાં પોલર બેર, માઉન્ટન ગોટ, શાહુડી, ભેંસ જેવા ત્યાના ખાસ પ્રાણીઓ જોયા। બહુ વર્ષો પછી ઝુ જોવાનો ચાન્સ મળ્યો! પોલર બેર- સફેદ રીંછ - જોવાનું ગમ્યું। બ્રાઉન અને બ્લેક રીંછ પણ હતા. ખુલ્લામાં ફરતા હો અને રીંછ સામે આવી જાય તો શું કરવું, ક્યારે રીંછ એટેક કરશે અને ક્યારે નહીં કરે, એવી બધી માહિતી સાથેના બોર્ડ બધે હોય. અમને પેલો જોક યાદ આવી ગયો કે આપણને તો આવડી ગયું કે આવી પરિસ્થિતિમાં રીંછ એટેક નહિ કરે પણ શું રીંછને ખબર છે કે એણે એટેક નહિ કરવાનું?! ઝુ માં પણ બને એટલું કુદરતી વાતાવરણ આપવાનો પ્રયત્ન કરેલો, એ જોઈ દૂરથી આનંદ માણી લીધો. બે કલાક ત્યાં પસાર કરી અમે પાછા સીટી સેન્ટર આવ્યા અને પછી ત્યાંથી એરપોર્ટ. એક મોટા રૂમમાં શીપના પેસેન્જર નો સામાન રાખેલો, તેમાંથી અમારો સામાન લઇ સીયાટલ થઇ શિકાગો જવા નીકળ્યા।

સાંજનો સમય હતો અને સ્વચ્છ આકાશ હતું, એટલે પ્લેનમાંથી નીચે અદભૂત રોકી પર્વતમાળા બહુ સરસ રીતે દેખાતી હતી. ઉપરથી સમુદ્ર કિનારે વસેલું સીયાટલ શહેર પણ બહુ જ સુંદર લાગ્યું।અને આમ અલાસ્કાની યાત્રા સરસ રીતે પૂરી થઇ!