Quotes by Asha Modi in Bitesapp read free

Asha Modi

Asha Modi

@ashachiragmodi1221
(11.3k)

એકાંત...!!

થાક્યો છું, હવે વિસામો શોધું છું,
મળે બે ઘડી, તો હવે એકાંત શોધું છું !

હાર્યો છું, હવે નવો રસ્તો શોધું છું,
મળે બે ક્ષણ, તો થોડી હિંમત શોધું છું !

ભૂલ્યો છું, હવે જવાબો શોધું છું,
મળે બે પળ, તો થોડું સત્ય શોધું છું !

રડ્યો છું, હવે સવાલો શોધું છું,
મળે બે ઘડી, તો એ લાગણી શોધું છું !

અચળ છું, હવે રહસ્યો શોધું છું,
મળે બે પહોર, તો થોડો સંયમ શોધું છું !

આ ભાગદોડ ભરી દુનિયામાં
હવે એકાંત શોધું છું !!

Read More

માન ક્યાંથી મળત... !!


બધું જ શબ્દોથી જો વર્ણાતું હોત,
તો મૌનને માન ક્યાંથી મળત...!

બધું જ આંસુથી જો સ્પષ્ટ થઈ જતું હોત,
તો વેદનાને માન ક્યાંથી મળત...!

બધું જ હૃદય જો સમાવી લેતું હોત,
તો કોઈના સંગાથને માન ક્યાંથી મળત...!

બધું જ યાદ જો રહી જતું હોત,
તો વિસરવાને માન ક્યાંથી મળત...!

બધું જ સુખ માં જો છલકાતું હોત,
તો દુઃખ ને માન ક્યાંથી મળત...!

બધું જ ધાર્યું જો થતું હોત,
તો ઈશ્વરને માન ક્યાંથી મળત...!



લિ.
આશા મોદી

Read More

આવી શકે તો આવજે
બહું તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું

ભડકે ભલે બળી જતું
ઈચ્છાઓનું શહેર
તારી ગલીમાં આવીને રમખાણ નહિ કરું

ધરતી ઉપર છું
ત્યાં સુઘી જોઈશ હું રાહ
પણ ઈશ્વરને કરગરી વધુ રોકાણ નહિ કરું

જે છે દિવાલ તારા તરફથી
તું તોડજે તલભાર
મારી બાજુથી હું ભંગાણ નહિ કરું

કિસ્સો હૃદયનો છે
તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું

આવી શકે તો આવજે
બહું તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું



લિ.
આશા મોદી

Read More

કળીયુગનું મહાભારત...!!

પાંચ પતિની પાંચાલીને વીર રમતમાં હારે,
કેશ ખેંચી દુઃશાસન ભરી સભામાં લાવે

ધૃતરાષ્ટ્રની આંધળી દ્રષ્ટિ ઝુકાવી દૃશ્ય જોવે,
આર્તનાદનો પુકાર સૌ બહેરા બનીને સાંભળે

કૃષ્ણ! કૃષ્ણ! સ્મરણ કરતાં ગોવિંદ લાજ બચાવે,
નારીના પ્રશ્નાર્થે સભા લજ્જિત મૌન ધરે

આ તો થયું સતયુગનું, કળિયુગનુ મહાભારત તો બાકી !

નારી તું નારાયણી થયું નિબંધમાં કેદ,
નર અને નારીમાં શાને આટલો ભેદ ?

સ્વતંત્રતાની દોરી બાંધી રાખી હાથમાં,
ચાંદ પર જા પણ રસોઈ બનાવીને જા

સતયુગમાં તો ભાર્યાને દાવમાં હારતાં જ જોયું,
કળીયુગમાં તો ચિરતા પણ જોયું !!

સ્ત્રી સશક્તિકરણ છે માત્ર ગુગલ, ફેશબુક, ઈન્સ્ટામા,
ચાર દિવાલોના બંધનમાં તો તું છે નારી અબળા

ટૂંકા વસ્ત્ર પહેરતા સમાજ આંગળી ઉઠાવે,
દ્રૌપદીના વસ્ત્રને કેમ કોઈ ન જાણે !!

એક સ્ત્રીનું અપમાન ને અઢાર દિવસનું યુદ્ધ,
આજે રસ્તા પર નીકળતા ઠેર ઠેર દુઃશાસન મળે

ચીર પૂરી નારીની રક્ષા કરી જાણે એ મારો કૃષ્ણ,
અફસોસ! કૃષ્ણ, કાનો, કેશવ નામ તો આજેય છે

પણ હાલ તે મોબાઈલમાં વ્યસ્ત છે,
દ્રૌપદી ! હવે તારી રક્ષા તારે સ્વયં કરવી પડશે

કળીયુગનો કાનો, કેશવ અને માધવ આવશે,
પણ વિડિયો બનાવવા આવશે !!


લિ.
આશા ચિરાગ મોદી

Read More

નદી ભળી સાગરમાં, સાગરનું પાણી ગાગરમાં
પૂછું હું પ્રશ્ન માધવ, મારું કોણ આ દુનિયામાં
હોઠ પર આછેરૂં સ્મિત, હસીને બોલ્યા માધવ

ગાગર પણ હું ને સાગર પણ હું જ છું
નદી પણ હું ને પાણી પણ હું જ છું
ન પામ્યો હું રાધાને કે ન પામ્યો હું મીરાંને

રુકમીને હરાવી યુધ્ધમાં પામ્યો હું રુક્મિણીને
ગોકુળ છોડ્યું, મથુરા છોડ્યું, થયો હું દ્વારિકાનો રાજા
ધર્મને સમજાવવા હું જ વિષ્ણુમાંથી કૃષ્ણ બન્યો

હું જ અર્જુનનો સારથી, હું જ ગીતાનો સાર
હું જ કુરુક્ષેત્રની માટી, હું જ શંખનો ગુંજતો નાદ
હું જ અનાથનો નાથ, તો તું શાને મુંઝાય માનવી

ના રાખ તું મોહ, ના કર તું અભિમાન
ના રાખ તું ફળની આશા, ના કર તું સ્વાર્થ
હું જ મહાભારત રચનાર, હું જ મુરલી વગાડનાર

તું ધર્મનો સાથ દે, બાકી બધું મારી પર છોડી દે
હું જ તારો કૃષ્ણ ને હું જ તારો માધવ ....!!

Read More

વરસવું છે મારે...!!

વાદલડી વરસે કે ન વરસે
કુદરતની કરામતમાં વરસવું છે મારે...

તારા પ્રેમના વરસાદમાં ભીંજાઈને
તારી રાધા બનવું છે મારે...

મોરલીયાને પણ કહી દો આજે
મન મૂકીને નાચીલે આજે...

વીજળીના ચમકારે ચમકારે
થનગનવુ છે આજે મારે...

સરોવરના સથવારે સથવારે
હૈયાની હેલ રેલાવી છે આજે...

માવઠાની આ મોસમમાં
તારી કિનારી બનવું છે મારે...

વાદલડી વરસે કે ન વરસે
કુદરતની કરામતમાં વરસવું છે મારે...

Read More

આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂચ્યુ..!

"આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂચ્યુ,
ને આમ તેમ જોઈ આંખને ખૂણે સાવ ઓચિંતું
આવેલું પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું."

પોતાની હથેળીની રેખાઓ તપાસી,
રોકી બહુ તોય ધસી આવી ઉદાસી.‌..!

"શાને મારે રોજ તારવા ને મારવા,
શાને મારે રોજ દાવ માંડવા ને હારવા"

કોણ હું ?, કેમ હું ?, કયા મારા કામ છે,
લાખો છે રૂપ મારા કરોડો નામ છે...!

"કોને પૂછું હું, શાને હું જીવતો ?,
ટેભા લઈને સપનાં હું સીવતો."

માણસને મારામાં શ્રદ્ધા - વિશ્વાસ છે,
મારી સિલકમા તો ઢગલો નિશ્વાસ છે...!

"કોની આંખોમાં હું મારી ભિનાસ જોઉં,
કોના ચરણ શોધું જ્યાં જઈ મારા પાપ ધોવું."

કોણ મને પૂછે, ને કોને જવાબ દઉ,
કયા વહીખાતા પાસે મારો હિસાબ લઉ...!

"માણસ તો માંગે ને ઈશ્વરને સોંપે,
આશાનું બિજ એ મંદિરમાં રોપે."

મારે તો આપવાનાં કેટલાં જવાબ છે,
માણસની સામે મારો કેટલો રૂઆબ છે...!

"પણ મંદિરનાં બંધ દ્વાર, ઢગલાબંધ ફૂલહાર,
પ્રભુતાનો ખૂબ આભાર... આભાર..."

હોવાની તેજ ધાર, રોજ મારી આરપાર,
સણસણતો ખાલીપો મારે છે રોજ માર...!

"મારે બસ એકવાર પૂછવું છે કોઈને, ધ્રૂસકાભર રોઈને,
કે આ ઈશ્વર બનાવવાનું કોને રે સૂજ્યુ...?

"આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂચ્યુ,
ને આમ તેમ જોઈ આંખને ખૂણે સાવ ઓચિંતું
આવેલું પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું."


લિ.
આશા મોદી

Read More

પોતાના વિચારોમાં મથતી સ્ત્રી...!!

મારા અંદરની આધુનિક સ્ત્રી,
સ્વાભિમાની સ્ત્રી,
પગભર રહેલી સ્ત્રી,
મને જાતમહેનત કરવા પ્રેરિત કરે છે...!

એક સ્વપ્ન જોનારી,
બિન્દાસ બેજીજક પોતાની વાતો રજૂ કરનારી સ્ત્રી,
જ્યારે નવા સંબંધમાં જોડાતી હશે,
ત્યારે પોતાના આત્મસન્માનને ટકાવવા કેટલી મથામણ કરતી હશે...?

જે પોતાના ખર્ચા પોતે ઉપાડતી હશે,
ઘરની જવાબદારી સંભાળતી હશે,
એ સ્ત્રી જ્યારે પોતાનો ચહેરો અરીસામાં જોતી હશે,
ત્યારે પોતાને કેટલું પંપાળતી હશે...?

અને એવામાં,
જીવનમાં જો અચાનક જ કોઈ આવી જાય,
જે કહીં દે કે,
તું નોકરી નહિં કરે આજથી,
મારા પૈસા એ તારા પૈસા હવેથી,
એ પળે એ સ્ત્રી પોતાના વિશે શું વિચારતી હશે...?

આ બંને વિચારોનાં વચ્ચે
હું કેટલું અચકાવું છું,
કેટલું મૂંઝાવું છું,
એની ખબર કદાચ મને પણ નથી પડતી,
પણ એટલી ખબર છે કે મારા માટે,
મારી મહેનતનો કમાયેલ એક રૂપિયો પણ મારા કામનો,
તારા દિધેલા હજારો રૂપિયા પણ એની સામે નકામા...!

અઘરું હોય છે,
એક વિચારશીલ, સ્વાવલંબી ને સ્વતંત્ર સ્ત્રી માટે,
ફક્ત કોઈની પાછળ પાછળ ચાલ્યા કરવું.
એ પણ પોતાના વિચારો રજૂ કર્યા વગર...!

લિ.
આશા મોદી

Read More

તું કેમ ખુદને ચાહતો નથી....!

તું જેની પાસે રાખે છે આશા,
એ જ તારું ધ્યાન રાખતો નથી..

ક્યારેક તો તારી ભીતર તું જો,
કેમ તું જ ક્યાંય ફાવતો નથી..?

રાત્રે જાગ્યા કરે ને પડખા બદલે,
જીંદગી નો લ્હાવો કેમ આવતો નથી..?

ને રસ જો ઊડી જાય જીવનમાંથી,
તો કોઈ સ્વાદ પણ પછી આવતો નથી..

બધાને પ્રેમથી રાખવાનું તો યાદ રહે છે,
મનુષ્ય પોતાને જ દિલથી ચાહતો નથી..

તારી જ તારે મદદ કરવી પડશે સમજ,
ભલું કરવા ઈશ્વર બધે આવતો નથી..

લોકોની આગળ લાચાર બેસી રહે છે,
તું તારામાં વિશ્વાસ કેમ રાખતો નથી..?

બીજાની પ્રગતિથી બળે છે એટલો કે,
બીજાની ખુશીઓમાં ક્યારેય નાચતો નથી!


- આશા મોદી ✍️

Read More

આજે મારે ફરી બાળક થવું છે...!!

મોટાઓની મોટાઈ જોઈને થાકી,
મારે તો ફરી નાના બનવું છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

જીંદગીની વ્યસ્તતામાં મારી નીંદર સ્વપ્ન બની ગઈ,
આજે મારે ફરી સપનાઓવાળી મીઠી નીંદર માણવી છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

દોસ્તો સાથે પ્રથમ શોમાં ફિલ્મો તો જોવા લાગ્યા,
આજે મારે ફરી પ્રથમ વરસાદમાં દોસ્તો સાથે પલળવું છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

જીંદગીના પાઠ તો સૌ આજે શીખવા લાગ્યા,
પણ આજે મારે ફરી કક્કો - બારાક્ષરી શીખવી છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર સ્ટેટ્સ લગાવતા થઈ ગયા,
પણ આજે મારે ફરી લેશનડાયરી માં લેશન લખવું છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

ટ્રાફિકમાં કાર-બાઈક ચલાવતા થઈ ગયા,
આજે મારે ફરી દોસ્તો સાથે સાઈકલની રેસ લગાવી છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

નથી ખાવા મોંઘી હોટલોના પીઝા - બર્ગર,
પણ આજે મારે ફરી ચોકલેટ માટે જીદ કરવી છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

જીંદગીની પરીક્ષામાં વેકેશન તો ખોવાઈ ગયા,
પણ આજે મારે ફરી પરીક્ષા પછીનું વેકેશન માણવું છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

મોંઘા મોબાઈલ અને કમ્પ્યૂટર તો સૌ વાપરવા લાગ્યા,
પણ આજે મારે ફરી એ જ દડીથી ક્રિકેટ રમવું છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

તહેવારોની શુભેચ્છા માટે ભેટ સૌ આપતા થઈ ગયા,
પણ આજે મારે ફરી પરિવાર અને દોસ્તો સાથે તહેવાર મનાવવા છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

દોસ્તો સાથે મળવાનો પ્લાન બનતા તો મહિનાઓ થવા લાગ્યા,
પણ આજે મારે ફરી એ દોસ્તો સાથે રોજનો નાસ્તો માણવો છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

જીંદગીના સફરમાં સૌ મોટા થઈ જવાબદારીમાં ખોવાઈ ગયા,
પણ આજે મારે ફરી એ કોઈ શાંત એકાંત ખૂણે બેસવું છે.
આજે મારે ફરી બાળક થવું છે.!!

એવા તો બીજા ઘણા કિસ્સાઓ છે જે યાદો બની ગયા,
એ યાદોને ફરી તાજી કરવા આજે મારે ફરી બાળક થવું છે.!!

Read More