Quotes by અશ્વિન રાઠોડ - સ્વયમભુ in Bitesapp read free

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

@ashwinrathod6053

"સફેદ કોટ પાછળનો ઈશ્વર"

એ સ્ટેથોસ્કોપ નથી પહેરતો,
એક આખી રાત જાગવાનું વ્રત પહેરે છે.

એના સફેદ કોટ પર,
દવાના ડાઘ નથી હોતા,
કેટલાય લોકોની પ્રાર્થનાઓના નિશાન હોય છે.

એ કોઈ ભગવાન નથી,
પણ જ્યારે શ્વાસ અટકી જાય છે,
ત્યારે એના હાથ જ પહેલા ભગવાન બનીને પહોંચે છે.

એ થાકે છે, હા.
એના ઘરે પણ કોઈ રાહ જુએ છે,
પણ હોસ્પિટલના વોર્ડમાં રણકતી ઘંટડી,
એના માટે પોતાના બાળકના રુદનથી પણ મોટી હોય છે.

એ દવા નથી આપતો ફક્ત,
એક હૂંફાળો શબ્દ આપે છે,
"ચિંતા ન કરો, હું છું ને."
અને એટલા જ શબ્દથી અડધી બીમારી ઓગળી જાય છે.

આજે ડૉક્ટર દિવસે,
એના ડિગ્રીના નામ નથી ગણવા,
એના હાથમાં સચવાયેલા જીવો ગણવા છે.

સલામ છે, એ સફેદ કોટ વાળા "સ્વયમ્'ભૂ" માણસને,
જે પોતાની ઊંઘ વેચીને,
આપણને જીવન આપી જાય છે.

અશ્વિન રાઠોડ— "સ્વયમ્'ભૂ',"

Read More

ગઝલ : મેહફીલનો તમાશો

મારી મેહફીલનો તમાશો હજુ એ જોવે છે,
જનાજો મારો જ્યારે કબ્રસ્તાનને દ્વારા ઊભો છે.

કહે છે લોક, 'સૂઈ ગયો નિરાંતે', પણ હકીકત,
આંખમાંથી આંસુનું સરનામું ખોવે છે.

જીવતાં જેને કદી પૂછ્યું નહીં ખબર-અંતર,
આજ એ બધા ખભે લઈને મને રોવે છે.

વફાના નામે આપી મેં જિંદગી આખી,
હવે ઈલ્ઝામની માળા કોઈ પરોવે છે.

હતું અંધારું જ્યાં, ત્યાં દીપ હું મૂકી ગયો,
મારા ગયા પછી એ દીપ કોણ જોવે છે?

ચૂકવીને કર્જ દુનિયાનું બધું ગયો હું,
છતાં કોઈના દિલનું દ્વાર હજુ મને જુવે છે.

નામ મારું ભૂંસવા બેઠા હતા બધા એક દરવાજે,
એ જ લોકો આજે મારા જનાજા પર રોવે છે.

હિસાબો પ્રેમના બાકી રહ્યા, "સ્વયમ્'ભૂ,"
એટલે તો આત્મા હજુ દ્વારે દ્વારે રોવે છે.

અશ્વિન રાઠોડ— "સ્વયમ્'ભૂ"

Read More

"આસ્થાની અજોડ તાકાત"

આસ્થા એટલે શું..?

આસ્થા એટલે દેખાતા વિના માનવું, મુશ્કેલીમાં પણ ડગ્યા વિના ટકી રહેવું. તે કોઈ ધર્મ, મંદિર કે મૂર્તિ પૂરતી મર્યાદિત નથી — આસ્થા એ મનની એવી સ્થિતિ છે જે અંધારામાં પણ દીવો પેટાવે છે.

1. મનોબળનું મૂળ
જ્યારે ડોક્ટરો હાથ ઊંચા કરી દે ત્યારે દર્દીને સાજા થવાની આસ્થા જ નવજીવન આપે છે. પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી "હું કરી શકીશ" એ આસ્થાથી ફરી મહેનત કરીને ટોપર બને છે. આસ્થા નિષ્ફળતાને અંત નહીં, નવી શરૂઆત બનાવી દે છે.

2. સંકટમાં સંગાથ
તોફાન વખતે વહાણને દીવાદાંડીનો પ્રકાશ જેમ દિશા આપે, તેમ જીવનના તોફાનમાં આસ્થા દિશા આપે છે. ધંધામાં ખોટ, સંબંધોમાં તિરાડ કે બીમારી — જ્યારે બધા દરવાજા બંધ લાગે ત્યારે આસ્થા એક બારી ખોલી આપે છે. એ કહે છે: "હજુ રમત પૂરી નથી થઈ."

3. વિજ્ઞાન પણ સ્વીકારે છે
આજે મનોવિજ્ઞાન કહે છે કે 'પ્લેસિબો ઇફેક્ટ' એ આસ્થાનું જ બીજું નામ છે. સાદી સાકરની ગોળી પણ એટલા માટે અસર કરે છે કારણ કે દર્દીને દવામાં આસ્થા હોય છે. ખેલાડી મેદાનમાં ઉતરે તે પહેલા જીતની આસ્થા રાખે તો શરીરમાં એડ્રેનાલિન વધે અને પ્રદર્શન સુધરે.

4. આસ્થા એટલે કર્મનો સાથીદાર
યાદ રાખો, આસ્થા આળસનો પરવાનો નથી. ખેડૂત બીજ વાવીને ભગવાન ભરોસે બેસી ન રહે, તેને પાણી પણ પાવું પડે. આસ્થા કહે છે "તું મહેનત કર, પરિણામ મારા પર છોડ." સાચી આસ્થા માણસને નિર્ભય બનાવે છે, નિષ્ક્રિય નહીં.

અંતે
પહાડ ખસેડવાની તાકાત હાથમાં નથી હોતી, મનમાં હોય છે. અને મનને એ તાકાત આસ્થા આપે છે. સંજોગો ગમે તેટલા કપરા હોય, જો આસ્થાનો દીવો અંદર સળગતો હોય તો માણસ કદી હારતો નથી — કાં તો જીતે છે, કાં તો શીખે છે.

તમારી આસ્થા શેના પર છે? કોમેન્ટમાં જરૂર કહેજો.

અશ્વિન રાઠોડ— "સ્વયમ્'ભૂ"

Read More

"અંતરનો આલાપ"

​ચરણોમાં તારા શીશ ઝુકાવી, અહંકાર મારો ઓગાળી દઉં,
હે નાથ! તારા જ પ્રેમરંગે, આ આખા જગતને રગાળી દઉં.

​નથી જોઈતી મારે મુક્તિની માયા, ન કોઈ વૈકુંઠનું ધામ,
મારા હૃદયના ધબકારે બસ, ગુંજ્યા કરે તારું નામ.

તું જ મારો દીવડો ને તું જ મારો પ્રકાશ,
તારા જ ભરોસે જીવી રહ્યો છે આ શ્વાસ.

​સંસારના આ સાગરમાં જ્યારે મોજાંઓ મુંઝવે છે,
ત્યારે તારી ભક્તિની નાવ જ મને કિનારો સુજવે છે.

પાત્ર નથી હું કોઈ મોટો, નથી કોઈ જ્ઞાની ધ્યાની,
બસ સ્વીકારી લેજે પ્રભુ, આ અબુધની દીવાની.

​ભીતરમાં બેઠો જે તારો જ અંશ છે,
એ જ તો આ સૃષ્ટિનો ખરો વંશ છે.

છેલ્લે વિરામ આપજે તારા જ ચરણોમાં,
જ્યારે આ આયુષ્યનો સૂરજ આથમે"સ્વયમ્'ભૂ"તારા શરણોમાં.

​અશ્વિનરાઠોડ— "સ્વયમ્'ભૂ'"

Read More

"હાર અને જીત ના બે પાસા" (અછાંદસ કાવ્ય)

સમયના ચોપાટ પર,
જિંદગી રોજ એક નવો દાવ રમે છે,
હાથમાં પકડેલા નસીબના એ બે પાસા,
જેને આપણે 'હાર' અને 'જીત' કહીએ છીએ.

ક્યારેક પાસો સવળો પડે,
તો જીતનો ગુલાલ હવામાં ઊડે છે,
મન હરખાય છે, અહંકાર મલકાય છે,
પણ એ જીત...
માત્ર એક ક્ષણનો વિરામ છે, અંત નથી.

અને ક્યારેક પાસો અવળો પડે,
ત્યારે હારનો અંધકાર ઘેરી વળે છે,
પણ એ હાર...
કોઈ કાયમી શિલાલેખ નથી,
એ તો બસ, ફરીથી બેઠા થવાની એક નવી શરૂઆત છે.

ખરેખર જો કહું ને તો,
જીત આપણને દુનિયા ઓળખાવે છે,
પણ હાર આપણને આપણી પોતાની ઓળખ કરાવે છે.
બંને પાસા એક જ સિક્કાની બે બાજુ છે,
એક વિના બીજાનું કોઈ અસ્તિત્વ જ ક્યાં છે?

ખરા ખેલાડી તો એ જ છે,
જે જીતના ગર્વમાં અંજાતા નથી,
અને હારના શોકમાં ભાંગી પડતા નથી.
બંને પાસાને જે સ્મિત સાથે સ્વીકારે,
એ જ સાચો સિકંદર!

જ્યાં સુધી શ્વાસ છે, ત્યાં સુધી રમત ચાલુ રહેશે,
હારશો તો શીખશો, જીતશો તો જીવશો,
બસ, પાસા ફેંકતા રહો,
કારણ કે જિંદગી જીવવાનો આનંદ જ "'સ્વયમ્'ભૂ'," એની અનિશ્ચિતતામાં છે.

અશ્વિનરાઠોડ__ "'સ્વયમ્'ભૂ',"

Read More

"બે સ્તંભ ખેડૂત અને શિક્ષક" (અછાંદસ કાવ્ય)

એક ધરતીનો ધબકારો છે,
બીજો ભવિષ્યનો ઘડનારો છે.
પણ આજની વ્યવસ્થાના ચોપડે,
બંને માત્ર કાગળિયાનોભારો છે!

એક કાળી મજૂરી કરીને લોહીનું પાણી કરે છે,
ત્યારે માંડ અનાજનો દાણો પાકે છે.
પણ જ્યારે હકનો ભાવ માંગવા જાય,
ત્યારે લાઠીઓ અને બદલામાં 'નવા નિયમો' પામે છે.
ખેડૂત... જે જગતનો તાત છે,
આજે પોતાની જ જમીન પર લાચાર સાબિત થાય છે.

બીજો અક્ષરજ્ઞાનના દીવડા પ્રગટાવે છે,
દેશની પેઢીને માણસ બનાવે છે.
પણ વર્ગખંડ છોડી એને બિન-શૈક્ષણિક કામોમાં જોતરાય છે,
ગણતરીઓ, સર્વે અને એપના ડેટામાં એનો સમય ચણાય છે.
શિક્ષક... જે રાષ્ટ્રનો નિર્માતા છે,
આજે ક્લાર્ક બનીને ફોર્મ ભરવામાં જ હાંફી જાય છે.

એકને કુદરત મારે છે ને બીજો નીતિઓનો ભોગ બને છે,
સરકારના કાયદાઓ બંનેની પીઠ પર કોરડા બનીને વીંઝાય છે.
સબસિડીના નામે માત્ર વાયદાઓનો ખેલ ખેલાય છે.
અને બદલીઓ-નિયમોના નામે માનસિક જેલની યાતનાઓ કરાવાયા છે.

બંને મૂંગા મોઢે બધું સહન કરે છે,
કારણ કે એકને પેટનો ખાડો પૂરવો છે,
અને બીજાને ફરજનો અરીસો ચોખ્ખો રાખવો છે.

દેશના આ બે મજબૂત સ્તંભો,
આજે દમનની ચક્કીમાં પીસાતા જાય છે.
જો "સ્વયમ્'ભૂ'," આ બે હારી જશે,
તો, વિચારો..આ આખો દેશ ક્યાંય ખોવાઈ જાશે.

અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ',"

Read More

દીકરી... મારા હ્રદયનો ધબકાર...

દીકરી તો મારા આંગણે ઊગેલો અજવાસ છે,
દીકરી તો મારા જીવતરનો મીઠો વિશ્વાસ છે.

દીકરી હસે તો હેતનો દરિયો છલકાય,
દીકરને જોઈને આંખમાં મોતી ઝળહળ થાય,

દીકરી તું બોલે તો કાનમાં વાંસળી વાગે,
જાણે મારું સૂનું મન હરખથી જાગે.

દીકરી થકી મારું આંગણું તીર્થ બન્યું,
દીકરી સાસરે જતા જ ઘર વેરાણ બન્યું.

દીકરી તું રડે તો કાળજું કટકા થઈ જાય,
બાપના નયણે આંસુ ધોધમાર વહિજાય.

દીકરી તું હસે તો ભાગ્યના દીવા પ્રગટી જાય,
મારા અંધારા દિવસો સોનેરી થઈ જાય.

દીકરી તું કરુણાની કૂંપળ, ને લાગણીની લતા છો,
ને હેતના હિંડોળે ઝૂલતી તું મારી દુહિતા છો.

દીકરી માથા પર તારા, સદાય સુખનો હાથ રહે,
જીવનભર તારા હોઠે મીઠી વાત રહે.

દીકરી તું જ મારી પૂજા, તું જ પરમ પ્રાર્થના,
તું જ મારી શ્વાસની નિર્મળ આરાધના.

દીકરી, તું જ હૈયાનો ધબકાર છો,
બાપના આશીર્વાદનો આધાર છો.

દીકરી તું સૌરાષ્ટ્રની માટી જેવી સોળે કળાએ ખીલજે,
કુળનું નામ ને માન સદા ઊંચું રાખીને જીવજે.

દીકરી તું "સ્વયમ્'ભૂ',"બાપના કાળજાનો ટુકડો નહીં,
પણ એ કાળજું ધબકતું રાખનાર જીવતું કારણ છો.

અશ્વિન રાઠોડ___"સ્વયમ્'ભૂ"

Read More

"ભરોસો ભોળાનાથનો" (અછાંદસ કાવ્ય)

એકલો ચાલી પડ્યો છું આ અજાણ્યા રસ્તા પર,
હાથમાં કોઈનો સાથ નથી, બસ એક તમારો વિશ્વાસ છે.
ચારેય તરફ નજર માંડીને બેઠા છે લોકો,
મારી એક હારની પ્રતીક્ષામાં,
પણ એમને ક્યાં ખબર છે કે મારો રક્ષક કોણ છે?

મને હારવા ન દેતા, હે મહાદેવ!
કારણ કે આ લડાઈ હવે માત્ર મારી નથી,
એ દરેક આંસુની છે જે મેં છાનામાના વહાવ્યા છે.
મારું જીતવું બહુ જરૂરી છે,
એ અહંકારી ચહેરાઓને જવાબ આપવા માટે,
જેઓ મારી ક્ષમતા પર સવાલ ઉઠાવે છે.

દુનિયા ભલે મારી એકલતા પર હસે,
પણ ભીતરમાં એક ગુંજન સંભળાય છે.

"તું એકલો ક્યાં છે? હું બેઠો છું ને!"
મને પાક્કી ખબર છે, શંભુ,
તમે મારો હાથ ક્યારેય છોડશો નહીં,
તમે મને ક્યારેય હારવા દેશો નહીં.
જ્યાં સુધી તમારૂ ત્રિશૂળ ઓથ બનીને ઊભૂ છે,
ત્યાં સુધી આ 'સ્વયમ્'ભૂ',' ક્યારેય અટકશે નહીં,
જીત મારી નિશ્ચિત છે, કારણ કે તમે મારી સાથે છો.

અશ્વિન રાઠોડ___"સ્વયમ્'ભૂ',"

Read More

**"સ્ત્રી એક બહુ મુખી પ્રતિભા"**

સૃષ્ટિનું સુંદર સર્જન છે સ્ત્રી,
અમૃતનું જાણે ઝરણું છે સ્ત્રી.

ક્યારેક પુત્રી બનીને એ હરખાવે,
તો ક્યારેક વહુ બની એ ઘર સજાવે.

તો માતા બનીને એ વહાલ વરસાવે,
ને બહેન બનીને એ રાખડી બંધાવે.

ઘરની શોભાની એ લક્ષ્મી કહેવાય,
સંકટ સમયે એ દુર્ગા બની જાય.

રસોડામાં અન્નપૂર્ણાનું એ રૂપ છે,
તો જીવનના રણમાં મીઠો એ ધૂપ છે.

ઘરની સાથે એ ઓફિસનું કામ સંભાળે,
ધરતીથી આભ સુધી ડગલાં એ માંડે.

ધીરજ અને પ્રેમની એ છે મુરત,
ઈશ્વરે ઘડી આ કેવી સૂરત!

સહનશીલતાનો "સ્વયમ્'ભૂ'," એ સાચો પર્યાય,
એના વિના સૃષ્ટિ આખી એ થંભી જાય.

અશ્વિન રાઠોડ___"સ્વયમ્'ભૂ',"

Read More

"કાગળના પાંદડા અને પ્લાસ્ટિકના જંગલો" (અછાંદસ કાવ્ય)

આજે ફરી તારીખ પાંચમી જૂન આવી છે,
કેલેન્ડરના પાના પર 'લીલો રંગ' લઈને આવી છે!
આજે ફરી ભાષણોની નદીઓ વહેશે,
અને ફેસબુકના વોલ પર 'ગ્રીન' સ્ટેટસ ચમકશે.

પણ...
એ સ્ટેટસ અપલોડ કરતી આંગળીઓ,
એસી ના રૂમમાં બેસીને ઠંડી હવા માણે છે,
જ્યારે બહાર રસ્તા પર ઊભેલું છેલ્લું ઝાડ
તડકામાં તરફડીને દમ તોડે છે!

આપણે કેવા બુદ્ધિજીવીઓ છીએ ને?
વિકાસના નામે વિનાશનો નકશો દોરીએ છીએ,
કોંક્રિટના ઊંચા જંગલો બનાવીને,
એક કુંડામાં તુલસી વાવીને 'પર્યાવરણ પ્રેમી' બનીએ છીએ!

નદીઓને ગટર બનાવી દીધી,
હવાને ઝેરથી સજાવી દીધી,
પક્ષીઓના ટહુકાઓને ટ્રાફિકના ઘોંઘાટમાં ડૂબાડી દીધા,
અને પછી આપણે પૂછીએ છીએ: "આ ગરમી કેમ વધી ગઈ?"

આંખ આડા કાન કરવાની આ રમત,
હવે બહુ લાંબી નહીં ચાલે.
યાદ રાખજો, કુદરત ક્યારેય 'લોન' માફ નથી કરતી,
તે વ્યાજ સાથે હિસાબ વસૂલ કરે છે!

માત્ર એક દિવસ છોડ વાવીને સેલ્ફી લેવાથી કંઈ નહીં થાય,
વિચારોને આચરણમાં વાવવા પડશે.
કપાતા ગયેલા જંગલો આપણી પ્રગતિ નથી, આપણી બરબાદી છે,
જો શ્વાસ જ નહીં બચે, તો આ વૈભવ ક્યા કામનો?

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ત્યારે જ સાચી ગણાશે,
જ્યારે પૃથ્વીનો દરેક શ્વાસ પ્લાસ્ટિકમુક્ત અને શુદ્ધ બનશે.
આવો, માત્ર કેલેન્ડરના પાના નહીં,
આપણી આદતો અને આપણું આચરણ બદલીએ!

અશ્વિન રાઠોડ___"સ્વયમ્'ભૂ',"

મર્મ:- પ્રકૃતિ વિના આપણું કોઈ અસ્તિત્વ નથી. જો આજે આપણે પર્યાવરણ સામે આંખ આડા કાન કરીશું, તો આવતીકાલ આપણી સામે જોવાનું પણ છોડી દેશે. ઉજવણી માત્ર શબ્દોમાં નહીં, સક્રિય આચરણમાં પણ હોવી જોઈએ.... અસ્તુ

Read More