The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આભે વીજળી ચમક ચમક. વાદળ તું હવે તો વરસ વરસ. છીપાવ ધરાની તરસ તરસ. ને સુધરે સહુનું વરસ વરસ. નેવાં ઘરના રખે ટપક ટપક. સાંબેલાધારે એ હરખ હરખ. ટાઢક અવનીની પરખ પરખ. માનવ ચહેરાઓ મરક મરક. વહ્યાં વારિ કેવાં તરત તરત. ના રાખી મેઘે કશી શરત શરત. દીધું સમદર જળ પરત પરત. છે એ તો દાતાર તું વરત વરત. નદીનાળાં ,સરવર ભરત ભરત. ના રહી જળકેરી અછત અછત. - ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
મહિનામાં એકાદ દિન એવો ખાસ રાખીએ. એ દિવસે સૌ મોબાઇલનો ઉપવાસ રાખીએ. સવારથી સાંજ અને રાત્રિ લગી છે જોડીદાર, ભૂલી જઈ એકાદ દિ' જીવન પ્રવાસ રાખીએ. કોઈ બાબતનો અતિરેક આફત નોતરે જરુર, મોબાઇલ પૂર્ણિમા મેલી રખેને અમાસ રાખીએ. કોણ કોના માટે છે એ નક્કી કરવું મુશ્કેલ લાગે, માણીએ નિસર્ગને પ્રકૃતિનો સહવાસ રાખીએ. મર્યાદિત ઉપયોગ જરૂરી છે એની ના નહિ ખેર! મોબાઈલને મળે છુટ્ટી એક દિ' એવો માસ રાખીએ. - ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.
હે ભોળાનાથ ભક્તભયહારી, શરણાગતને સ્વીકારોને. આવ્યા દ્વારે દીન બનીને, આશરો એક તમારોને....1 જગની આંટીઘૂંટીમાં ભૂલ્યા, ચપટી પામી કેટકેટલા ફૂલ્યા. ના સ્મરણ સદાશિવનું કીધું, ના જીવનભાથું બાંધી લીધું. અંતર્યામી હે અવિનાશી રાહ ભૂલેલાને સંભાળોને...2 ભૂલો અમારી પારાવાર પ્રભુ, દોષો અમારા છે હજાર શંભુ. હેત હૈયાનું હરજી નિરખજો, ક્ષમા શિવશંકર આપજો રે. આરઝૂ અંતરની લઈ ધ્યાને, ભવજળ પાર ઊતારોને....3 તારણહાર છો કૈંકને તાર્યા, અધમ પાપીનેય ઉધાર્યા રે એક શું ભારી નાથ તમને, એક આશા તમારી અમને. હે શશિશેખર હે દયાનિધિ, ભક્તિ અનપાયિની આપોને..4 - ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.
એકાદ કુટેવ તો છોડી જાણો. બહુ થયું બાકીની આયુ માણો. નાના મોટા કૈંક મળ્યા રસ્તામાં, હોય જે હમદર્દી એનું તો તાણો. ખૂબ સાંભળ્યા કથાને કીર્તન, શું કરીએ ઘડો જ છે સાવ કાણો. ના પ્રગટી જો શ્રદ્ધા ઈશ્વરમાં, મંદિરે મંદિરે પૂજાતો પ્હાણો. ના થયું અનુસંધાન પરમેશથી, તો પછી શું ગોળને શું ધાણો? - ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.
કવિતાની કુંજગલીમાં જઈને અમે પેઠા. જીવનની પાનખરને કવિતા લખવા બેઠા. આખ્ખી જિંદગીનો અનુભવ સ્કંધે ગ્રહી, શબ્દોની શતરંજમાં નથી ભણાવવા ઊઠાં. લડી લેવું બસ એક જ નિર્ધાર અમારો છે, એથી જ હથિયાર નથી મૂકવા કદીએ હેઠાં. જે સ્ફુર્યુ તે કીધું શબ્દબદ્ધ કવિતા નામ દીધું, વાત કરી અંતરની નથી પીરસતા કદીએ એઠાં. ઘૂંટાઈ ક્યાંક વેદના તો ક્યાંક વળી હશે વિનોદ, નિજાનંદને પામવાને ચતુર નથી કોઈ કહે ઠોઠા. ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.
માનવમાત્રને થયો હાશકારો, વર્ષાના આગમને. હળવા જળતંગીના પડકારો, વર્ષાના આગમને. ગયો સૂરજ સંતાઈ ઘટાટોપ ઘન ભાળી આકાશે, માટીની સુગંધના સૌ ઉદગારો, વર્ષાના આગમને. રીમઝીમધારે આગમન એનું સજીવમાત્રને રુચિકર, જાણે આભેથી વરસી અમીધારો,વર્ષાના આગમને. વહ્યાં ખળખળ વારિ રોડ રસ્તાને નદીનાળાંમાં કેવાં, ખુશીથી ઝૂમી ઊઠ્યા કૃષિકારો, વર્ષાના આગમને. રીઝયા દેવ પર્જન્યને જેણે જળરૂપી જીવન આપ્યું, હોડી તરાવતા શિશુના કિલકારો, વર્ષાના આગમને. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
તારી વાંસળીના સૂરે હું જાગું કનૈયા. ને જાગ્યા પછી દર્શન હું માંગું કનૈયા. છે ઘનઘોર ઘટા આભે તારા રૂપ જેવી, ને ચમકારો વીજનો દૂધમાં સાકર કેવી..! વગાડે તું વાસળીને લાગે હું આખી વાગું...1 રીમઝીમ ધારે વરસતો જાય મેહુલિયો, કૃપા વરસાવતો જાણે આવે સાંવરિયો, હું તો દશા દિલની આવી નિતનિત ચાહું...2 જળમાં વર્ષાના બુંદ થકી થાય પરપોટા, રખેને માધવ ઉપરથી પાડે રાધાના ફોટા, રમ્ય દ્રશ્ય મનમાં ભરવા આવતું બગાસું....3 - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
દર્દીને સાચી સલાહ આપનાર ડોક્ટરને સલામ. પરિસ્થિતિ રોગીની પરખનાર ડોક્ટરને સલામ. આવે છે માણસો પીડાતા મજબૂર બનીને કદી, એની વેદનાને હળવી કરનાર ડોક્ટરને સલામ. દવા આપીને દુઆ મેળવો છો એવો વ્યવસાય, દર્દીને હિંમત આપી સમજનાર ડોક્ટરને સલામ. જતી કરી હશે ફી જેણે કેટલીયવાર સંજોગોમાં, ઊલટાની મફતમાં દવા દેનાર ડોકટરને સલામ. " દર્દી દેવો ભવઃ" નું સૂત્ર ચરિતાર્થ કર્યું છે જીવનમાં, એવા મનુષ્યાવતારે દેવ ગણાનાર ડોક્ટરને સલામ. - ચૈતન્ય જોષી. " દિપક " પોરબંદર.
દશા દેખી મલકનીને વારિ વરસાવો મેઘરાજા. શીદને હજુએ તમે આટલા તરસાવો મેઘરાજા. તપી રહી છે ધરા સૂરના તાપે રખરખતી જાણે, એને અમીશાં શીળાં વારિ તો અપાવો મેઘરાજા. ઉનાળાની પરાકાષ્ઠા સહુ કોઈને અકળાવી દેતી, રીમઝીમ ધારે વરસી ઉરઅગનને ઠારો મેઘરાજા. મૂક પશુપંખી પણ નજર આભે માંડીને બેઠાં કેવાં, એની તૃષાવેદના છે અપાર એ છીપાવો મેઘરાજા. જગનો તાત ઝંખે છેને વલખી રહ્યો છે વૃષ્ટિ કાજે, અનરાધારે વરસી જળરાશિ છલકાવો મેઘરાજા. - ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.
આવીને અઢળક વરસી જાણે તો માનું. જળ સમદર તણું ખર્ચી જાણે તો માનું. દાતારનું બિરુદ અપાયું છે મેઘ તુજને, સાંબેલાધારે તું ખાબકી જાણે તો માનું. દશા જો પશુપંખીની તરસ્યાં વલોપાતે, ભરીને નદીનાળાં છીપાવી જાણે તો માનું. જગનો તાત બેઠો છે આભે મીટ માંડીને, એની પ્રતિક્ષા પૂરી કરી જાણે તો માનું. જોને અકળાઈ ઊઠી ધરા ગ્રીષ્મના તાપે, એનો ઊકળાટ તું શમાવી જાણે તો માનું. - ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Nichetech.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser