Paridhi in Gujarati Women Focused by Priyanka Joshi books and stories PDF | પરિધિ

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

પરિધિ

આજે સવાર કંઈક અલગ રીતે પડી. પો’ ફાટતાં પહેલાં જ એક ઠંડી હવાની લ્હેરખી એ નજાકતથી પાંપણ ઢંઢોળી. અલાર્મના યાંત્રિક અવાજને બદલે મધુરાં ખગરવથી મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું. નિયત સમયથી વહેલી જાગી એટલે ભાગવું પડે એવું ન હતું છતાંય જરા પણ સુસ્તી દાખવ્યા વિના પથારી છોડી બહાર આવી. પ્રથમ પહોરની ગુલાબી ઠંડી મનને પુલકિત કરી ગઈ. બ્રાહ્મમૂહુર્તની વેળાએ સમગ્ર સૃષ્ટિ આરુષનું આહ્વાન કરી રહી. મોં’સુઝણું થયું. રજની એનો ઘેરો શ્યામલ પાલવ સંકેલી રહી.
મારી અતિપ્રિય જગ્યા, હીંચકા પર મેં બેઠક લીધી. યાદ આવ્યું કે પહેલાં તો કેટલાંય કલાકો હીંચકા પર જ નીકળી જતાં!! હીંચકાના આંદોલનોમાં કેટકેટલાં ગીતોને લય મળતો અને કેટલીય વાર્તાઓ પ્રવાસ ખેડતી, કેટકેટલી કવિતાઓ સ્વપ્નો અને દિવાસ્વપ્નોમાં આકાર લેતી હીંચકા પર…
પછી તો એક પછી એક જવાબદારીઓ વધતી ચાલી અને ફુરસદના કલાકો ઘટતા ચાલ્યા …
મનમાં ગૌરવ સાથેના લગ્નજીવનના 10 વર્ષ એક પળમાં પસાર થઈ ગયા. હું નંદિની ગૌરવ મહેતા બની એક ભર્યાં પરિવારનો હિસ્સો બની ગઈ. બધુ જ પરફેક્ટ, પ્રેમાળ, સમજુ અને મિલનસાર પતિ, બે મજાનાં બાળકો, સાસુ-સસરા, ઘર, ગાડી….સુખની વ્યાખ્યાનાં પર્યાય સમો સંપન્ન પરિવાર અને ખુશખુશાલ જીવન. ક્યાંય કશી અધૂરપ નહીં . બીજું સુખી થવા માટે જોઈએ પણ શું?! (આ સવાલ હતો કે મનને મનાવવાની વાત!!) ફરી મન સ્કુલથી વૅનના હોર્ન અને કુકરની સીટીઓથી ભરાઈ ગયું. સમય જોયો, મનને પંપાળ્યું કે હજુ તો વાર છે અને હીંચકાની ઠેસથી બધા અવાજો હટાવ્યા.
સામે એક ગુલમહોરનું વૃક્ષ છે એના કેસરિયાળા પુષ્પો દિવસના તેજમાં પોતાની અગ્નિશિખાઓથી ગગને વિહરતાં સૂર્યનારાયણની અર્ચના કરતાં રહે છે. થોડા દિવસથી ત્યાં રોજ બે પારેવાં આવે છે. માળો નથી બાંધ્યો. બન્ને ઉંઘી રહ્યા છે. સૂકુનભર્યું શાંત વાતાવરણ છે. દિવસનો કોલાહલ હજુ કાને નથી પડતો.
ફરી એક ઠેસથી હીંચકાની ગતિ વધારી. જીવન પણ કોઈ દુર્ગમ ગતિથી દોડ્યું જાય છે. જેમ જેમ પાંખો પર તણખલાંનું વજન વધતું જાય છે, ઉડાન ભરવી વધારે ને વધારે મુશ્કેલ થતી જાય છે. અને છેવટે સાહસ અને રોમાંચ પાંખો સંકેલીને સંતોષના પટારામાં મૂકી દેવી પડે છે,(સ્વેચ્છાએ!! ). અને આંખ સામે પસાર થઈ ગઈ કેટલીક આકાંક્ષાઓ જે ક્યારેય પણ યોજનાબદ્ધ ન થઈ શકી.

Nature reflects our own state of mind. આપણી આસપાસનું વાતાવરણ આપણી મનઃસ્થિતિનું પ્રતિબિંબ આપણી સામે લાવે છે. આજે મેં કંઈક અલગ કરવા ધાર્યું. મનને સ્થિર પાણી જેવું સ્થગિત કરી પ્રકૃતિનું પ્રતિબિંબ ઝીલવાનું શરૂ કર્યું.
પેલાં બન્ને પારેવાંમાંથી એક જાગ્યું. એની આંખો અને પાંખોમાં ચેતન વર્તાયું. એક ડાળ પરથી બીજી ડાળ ફરીને એણે સુસ્તી દૂર કરી. એટલીવારમાં તો બીજું પારેવું પણ જાગ્યું. બન્ને જોડાજોડ બેઠા. પાંખો ફફડાવીને રાત્રિનો સઘળો અંધકાર ખંખેરી રહ્યા અને નવા દિવસની સુગંધિત ટાઢપને પાંખોમાં ભરી રહ્યાં. બાળરવિના હુંફાળાં કિરણો એમનામાં જાણે નૂતન પ્રદીપ્તિ જગાવી રહયાં.
પૂર્વાભિમુખ થઈ બન્નેએ ગગનની વાટ પકડી. કોઈ પણ કેડી, રસ્તા કે નકશા વિનાનું અફાટ આકાશ એની રાહ જોઈ રહ્યું હતું.
ક્યાં ગયા એ… ક્યાં જશે એ… સળીઓ એકઠી કરવા કે ચણવાં…? કે પછી મસ્તીથી મનગમતી સહિયારી ઉડાન ભરવાં…? સાંજે જ્યારે એ પાછા ફરશે ત્યારે શું લાવ્યા હશે… થોડા તણખલાં અને દાણા કે પછી દિવસભરની મોજમસ્તીનો રોમાંચ…? આવી બેબાક ક્ષણોમાં મન કશુંક તીવ્રતાથી ઝંખે છે. એ ઝંખના કઈ છે, શાં માટેની છે એ આંખોના પડદાં પાછળની છાયા જેવું જ અકળ છે.
વિચારોમાં જ ખોવાયેલી હું અલાર્મના મીઠા પણ કૃત્રિમ સંગીતથી રીતસરની બઘવાઈ જ ગઈ. હીંચકાની ગતિ અટકી અને પગલાં ગતિમાન થયા. અંદર આવી મેં અલાર્મ બંધ કર્યો અને દિવસ ચાલુ કર્યો.
– ©પ્રિયંકા જોષી ‘પ્રેમપ્રિયા’