Sister shraddha in Gujarati Women Focused by Mehul Joshi books and stories PDF | સિસ્ટર શ્રદ્ધા

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

સિસ્ટર શ્રદ્ધા

વાંચો મારી એક તદ્દન નવી વાર્તા...

સિસ્ટર શ્રદ્ધા
     "સિસ્ટર આજે સ્પેશિયલ રૂમ 402 વાળા પેશન્ટ ને ડિસ્ચાર્જ આપવાનું છે? એની  ડિસ્ચાર્જ સમરી ભરી દવ? ફાઇલ તૈયાર કરવાની છે સવારે રાઉન્ડ માં સર આવ્યા ત્યારે કહ્યું છે. આઈશિયુ ના બંને પેશન્ટ ની ડ્રિપ શરૂ છે ઇન્જેક્શન અપાઈ ગયા છે 401 ના પેશન્ટ ની વીગો કાઢી નાખી છે એના સગા પૈસા ની વ્યવસ્થા કરી નાખે એટલે સાંજે એને પણ ડિસ્ચાર્જ મળી જશે.આસિસ્ટન્ટ નર્સ દિવ્યા એ આવતા વેત સિસ્ટર શ્રદ્ધા ને રિપોર્ટ આપી દીધો.સિસ્ટર શ્રદ્ધા મુંબઇ ની જાણીતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે જોબ કરતા હતા. સિસ્ટર શ્રદ્ધા એટલે દરેક શિફ્ટ ની બધીજ નર્સ માટે રોલ મૉડેલ. બાસઠ વર્ષ ની વયે પણ ચહેરા પર એક અનોખું તેજ, આકર્ષક વ્યક્તિત્વ, અને આજે પણ એક યુવતી જેટલીજ સ્ફૂર્તિ થી કામ કરવાની ક્ષમતા. સરળ સ્વભાવ  દરેક દર્દી સાથે પ્રેમ થી, આત્મીયતા થી વાત કરવાની એમની આવડત, આવા અનેક ગુણો ના કારણે સિસ્ટર શ્રદ્ધા હોસ્પિટલ ના દરેક સ્ટાફ ની સાથોસાથ દર્દીઓ માટે એક સન્માનીય વ્યક્તિત્વ હતું. ડોક્ટર્સ ટીમ પણ એમને અલગ માન સન્માન આપતી. આટલી મોટી હોસ્પિટલ માં હેડ નર્સ ઉંચો પગાર સાથોસાથ જવાબદારીઓ પણ એટલીજ. મોટાભાગે સ્ટાફ મેનેજ કરવાનું કામ સિસ્ટર શ્રદ્ધા જ કરતા. કોઈ નર્સ ને આકસ્મિક કોઈ કામ આવે શિફ્ટ બદલવી હોય ત્યારે ડૉક્ટર ની જગ્યાએ તે શ્રદ્ધા સિસ્ટર  પાસે રજા લેવા જતાં અને સિસ્ટર પાસે જાય એટલે એમના પ્રશ્ન નું સોલ્યુશન પણ થઈ જાય.
    આજે શ્રદ્ધા સિસ્ટર આવ્યા દિવ્યા સિસ્ટર પાસેથી બધી માહિતી મેળવી રાઉન્ડ અપ કરી આવ્યા પરંતુ આજે એમનો ચેહરો ઉદાસ જણાતો હતો. એમના તેજસ્વી મુખ પર આજે એ તેજ નોહતું જણાતું. નાઈટ શિફ્ટ કરી હોય છતાં દિવસે ઉજાગરો ના દેખાય એ શ્રદ્ધા સિસ્ટર આજે દિવસે પણ થાકેલા હોય એવા લાગતા હતાં. ક્યાંય એમનું મન નોહતું લાગતું, સુમન સિસ્ટરે પૂછ્યું પણ ખરૂ કેમ સિસ્ટર આજે મૂડઆઉટ છો? છેલ્લા કેટલાય વર્ષો થી તમને આવા ઉદાસ ક્યારેય નથી જોયા! અને છેલ્લા પંદર દિવસ થી તમે મનોમન કંઈક દુઃખી લાગો છો, સુ કઈ પ્રોબ્લેમ છે? સુમન સિસ્ટર પણ છેલ્લા વિસ વર્ષ થી આજ હોસ્પિટલ માં હતા. અને વાત પણ સાચી હતી શ્રદ્ધા સિસ્ટર ને ક્યારેય કોઈએ આટલા વર્ષોથી ઉદાસ જોયાજ નોહતા. જે એમને જાણતું હતું એ એમને આનંદી, હસમુખા, સરળ અને નિખાલસ વ્યક્તિત્વ થી જ જાણતુ હતું. આખા સ્ટાફ ને આશ્ચર્ય હતું કે છેલ્લા કેટલાય દિવસ થી શ્રદ્ધા સિસ્ટર કેમ ઉદાસ હશે? પરંતુ કોઈ એમને કાઈ પૂછી શકતું નોહતું.

             શ્રદ્ધા સિસ્ટર અને સુમન સિસ્ટર  આઇસીયુ માં એમના ટેબલ પર બેઠા હતા અને શ્રદ્ધા સિસ્ટર પેહલા તો રડી પડ્યા અને પછી આસું લૂછતાં બોલ્યા " સુમન વાત છે આજ થી લગભગ ચાળીસ એક વર્ષ પહેલાં ની ત્યારે હું નર્સિંગ ના અભ્યાસક્રમ માં અમદાવાદ હતી અને મારી ઇન્ટરશીપ પણ વાડીલાલ હોસ્પિટલમાં ચાલતી હતી.

           ઇન્ટરશીપ પુરી થતા જ હું જીવનજયોત લાઈફ કેર હોસ્પિટલ માં ઇન્ટરવ્યૂ માટે ગઈ ત્યાં મારૂ સિલેક્શન થઈ ગયું સેલેરી પેકેજ એ જમાના પ્રમાણે માં ખૂબ સારૂ ઓફર થયું હતું અને હું મિડલકલાસ ફેમિલી માંથી આવું એટલે બસ મારે જોઇનિંગ જ કરવાનું હતું. બીજે દિવસ થી જોઇનિંગ કરવાની વાત હતી પરંતુ હું ત્રણ દિવસ પછી સાંઈબાબા ના દર્શન કરી ગુરૂવાર થી જોબ પર હાજર થઈ. શરૂ શરૂ ના દસ જ દિવસ માં આખી હોસ્પિટલ ના સંચાલન ની સમગ્ર જાણકારી મેં મેળવી લીધી. હોસ્પિટલ માં  દરેક જગ્યાએ પ્રોફેશનલી જ વાતાવરણ, કોઈ પણ પેશન્ટ એડમિટ થાય એટલે એના સગા ઓ ને સંપૂર્ણ મેથડ સમજાવી દેવાની ઓપરેશન ચાર્જ, રૂમ ભાડું, આઇસીયુ ચાર્જ, પેશન્ટ સાથે એકજ વ્યક્તિ રોકાઈ શકે, આટલા કડક નિયમો અને મોંઘી ફી હોવા છતાં હોસ્પિટલમાં લોકો દુરદુર થી ડૉ આલોક ના નામ થી આવતા હતા.

        ડૉ આલોક અમદાવાદ નું તબીબ ક્ષેત્ર નું મોટું જાણીતું નામ હતું. ડૉ આલોક ઓપરેશન કરે એટલે એ સો ટકા સફળ જ હોય, આવી એમની ખ્યાતિ જનરલ સર્જન તરીકે મોટી નામના ધરાવતા ડૉ આલોકે જ્યારે મને એક દિવસ એમના કેબીન માં બોલાવી ત્યારે એમના રંગીન મિજાજ ની મને ખબર પડી, એમણે મને કહ્યું શ્રદ્ધા હું તારાથી ખૂબ પ્રભાવિત છું, તારા આકર્ષક વ્યક્તિત્વ અને સૌંદર્ય નો હું દિવાનો થઈ ગયો છું, અને આ બધા માટે હું તારી સેલેરી ડબલ કરી દવ તને આખા સ્ટાફ ની હેડ બનાવી દવ, તારે વિચારવું હોય તો બે દિવસ પછી વિચારી ને જવાબ આપજે પરંતુ તારી એક હા તને ક્યાંય થી કયાંય પોહચાડી દેશે, અને મારી સામુ જોઈ ખંધુ હસ્યો.
મને એ દિવસે રાત્રે ઊંઘ ના આવી હું ડૉ આલોક વિશે વધુ કાઈ જાણતી ન હતી, અવનવા વિચારો આવતા આવી રીતે કેટલી નર્સ નું શોષણ કર્યું હશે? આવા વિચારો આવતા બીજા દિવસે મેં ઓફ લીધી અને પછી ત્રીજા દિવસે હું જયારે પાછી ડ્યુટી પર ગઈ ત્યારે જેવું ઓપીડી પૂર્ણ થયું કે મને ચેમ્બર માં બોલાવી એટલીજ લુચ્ચાઈ થી બોલ્યો હા તો શ્રદ્ધા મારી ઓફર વિશે શું વિચાર્યું?
મેં તરત જ મોઢા પર જવાબ આપી દીધો મને મારી સેલેરી થી સંતોષ છે, મને ડબલ પગાર ની કોઈ લાલચ નથી ફરી ક્યારે આવી વાત કરી તો જાહેરમાં તમારો ફજેતો કરીશ, મને બીજી બધી જેવી માનવાની ભૂલ ફરી ના કરતા, અને હું ત્યાંથી નીકળી ગઈ.  પરંતુ તે દિવસ થી એ હંમેશા મારી સામે ગંદી નજર થી જ જોતો પરંતુ હું જોબ છોડી શકું એમ નોહતી ત્રણ વર્ષ નો હોસ્પિટલ સાથે કરાર કરેલો હતો. એટલે હું ચૂપચાપ મારી રીતે જોબ કરતી હતી. 

               ત્યાં અચાનક બન્યું એવું કે મારા પિતાજી એક દિવસ ઘરે બેઠા બેઠા જ પડી ગયા અને તરત હોસ્પિટલાઇજ કર્યા રિપોર્ટ્સ અને એમારઆઈ કરાવતા જણાયું કે એમને બ્રેઇન ટ્યુમર હતી. અને ડૉ એ એમને જીવનજયોત માં રીફર કરવાની સલાહ આપી અને કહ્યું ત્યાં ઓપરેશન કરાવી લ્યો,  બચી જશે. મારા પિતાજી ને અમે જીવનજયોત માં લઇ ને આવ્યા જ્યાં હું જોબ કરતી હતી, ડૉ આલોકે બધા રિપોર્ટ્સ જોયા અને કહ્યું ઓપરેશન કરવું પડશે અને અઢી લાખ રૂ જેટલો ખર્ચ થશે. ત્યાં એક કર્મચારી ના સગા તરીકે નઇ પરંતુ એક પેશન્ટ તરીકે જ વાત કરી.

         અમે એ વખતે અઢીલાખ રૂ ખર્ચ કરી શકીએ એવી પરિસ્થિતિ માં  નોહતા મારો ભાઈ એ વખતે નવમા ધોરણ માં અને બહેન બારમાં ધોરણ માં હતી માં ના ઘરેણાં વેચી બધી બેન્ક ની બચત ઉપાડી તો માંડ પચાસ હજાર રૂ થયા પપ્પા ની ઓફીસ માંથી દસ હજાર ની મદદ મળી રહી પરંતુ જીવનજ્યોત હોસ્પિટલ ના તંત્ર થી હું પરિચિત હતી. એ જમાના માં અઢીલાખ ખુબજ મોટી રકમ હતી. પચાસ હજાર જમા કરાવતા ઓપરેશન તો થઈ ગયું પણ અમને આગળ ની રકમ માટે ચિંતા હતી ત્યારે ડૉ આલોકે ફરી મને એમની ચેમ્બર માં બોલાવી અને કહ્યું શ્રદ્ધા હું તારી કોઈ મજબૂરી નો લાભ ઉઠાવવા માંગતો નથી પરંતુ જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો મારે આગળ નું બીલ નથી જોઈતું. એ વખતે ડૉ આલોક ના લગ્ન ના પ્રસ્તાવ નો હું અસ્વીકાર કરી શકી નહીં અને મેં લગ્ન માટે એમને હા કહી. અલબત્ત એમના વિશે હું કંઈજ જાણતી નોહતી.
             પપ્પા ને રજા મળી ગઈ બધા ખુશ હતા પછી મેં ઘર માં વાત કરી પપ્પા થોડા નારાજ થયા એ મારા થી પંદર વર્ષ મોટા વ્યક્તિ સાથે મારૂ લગ્ન થાય એવું નોહતા ઇચ્છતા પરંતુ એમને મનાવી લીધા અને અમે એક મંદિરે ફુલહાર કર્યા. ડૉ એ મને એક અલગ ફ્લેટ અપાવ્યો પરંતુ એ મારી સાથે નોહતા રહેતા હવે હું સમજી ગઈ હતી કે ડૉ આલોકે મારી સાથે ફક્ત કહેવાખાતર જ લગ્ન કર્યા હતા અને પછી મને એ પણ ખબર પડી કે એ પહેલેથી જ પરણિત હતા અને એમને એક દીકરી પણ હતી. પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું ચાર માસ થી એમનો અંશ મારી કોખ માં હતો મેં એને એ વાત કરી તો મને એબોર્શન કરાવવાની વાત કરી મેં ડિવોર્સ માંગ્યા તો મને કહ્યું તું આઝાદ જ છે મેં ક્યાં તારી સાથે સત્તાવાર લગ્ન કર્યા છે? હું તો મંદિર માં ફેરાફર્યો તો એને લગ્ન ન કહેવાય અને આપણા લગ્ન ની કોઈ નોંધણી કે પુરાવા નથી કે મારે તને છૂટાછેડા આપવા પડે!! અને હા તારે એબોર્શન ના કરાવવું હોય તો મારો ફ્લેટ ખાલી કરી નાખજે! નીચતા ની પણ હદ હોય સુમન! કહેતા શ્રદ્ધા સિસ્ટર ફરી થી રડી પડ્યા.
                 પછી તો હું મારા પપ્પા ને ત્યાં જઈ આ બધું જણાવી એમને દુઃખી કરવા માંગતી નોહતી એટલે મુંબઇ માં મારી મિત્ર નયના જે અહીંયા  જસલોક  માં હતી એને ત્યાં આવી ગઈ એણે મારી ખુબજ સંભાળ રાખી અને મારે ત્યાં અવિનાશ નો જન્મ થયો. અવિનાશ ના જન્મ પછી છ મહિના માં જ મને લીલાવતી માં જોબ મળી ગઈ હું અને નયના અલગ અલગ શિફ્ટ માં જોબ કરતા, હું જોબ પર હોવ ત્યારે નયના અવિનાશ ને સાચવે હું આવું ત્યારે એ જોબ પર જાય, અવિનાશ ત્રણ વર્ષ નો થયો ત્યારે નયના એ લગ્ન કર્યા હવે હું અલગ રહેતી અને અવિનાશ ને બેબી કેર હોમ માં મૂકી ને જોબ કરતી. બસ મારૂ એકજ લક્ષ હતું કે અવિનાશ ને બેસ્ટ સર્જન ડૉ બનાવવો છે, અવિનાશ જ્યારે બાર સાયન્સ માં મુંબઇ ફર્સ્ટ આવ્યો ત્યારે અમને બંને ને ટીવી ના ઇન્ટરવ્યૂ માં જોઈ ડૉ આલોક મુંબઇ સુધી આવ્યા મને મળ્યા એમને દીકરો જોઈતો હતો જે એમની અસલી પત્નિ એમને ક્યારેય આપી શકી નોહતી.
અવિનાશે જ્યારે એના બાપ વિશે પૂછ્યું ત્યારે મેં એને કહી દીધું હતું કે બેટા તું મારી કોખ માં હતો ત્યારે જ તારા પિતા નું અવસાન થયું તું અને હું મુંબઇ આવી ગઈ હતી. અને પછી તો ડૉ આલોક ત્રણ ચાર વખત મુંબઇ આવ્યા મને મળ્યા પણ મેં ક્યારેય એમને અવિનાશ ને મળવા દીધા નથી. એમણે એમની ફેમિલી ની વાતો કરી જણાવ્યું કે એમની દીકરી એ કોઈક રખડેલ છોકરા સાથે ભાગી ને લગ્ન કરી લીધા છે અને એ અમને બંને ને સાથે લઈજવા માંગે છે અને એજ જીવનજયોત હોસ્પિટલ અવિનાશ ના હાથ માં સોંપવા માંગે છે. પણ મારી ખુદદારી એ મને આમ કરતા રોકી, જ્યારે મારા દીકરા ને બાપ ની જરૂર હતી ત્યારે બાપ ક્યાં હતો??? અને આજે એજ મારો દીકરો ડૉ અવિનાશ મુંબઇ નો શ્રેષ્ઠ સર્જન છે એને ક્યાં જીવનજ્યોત ની જરૂર છે? બસ સુમન હુતો એટલા માટે રડતી હતી કે સ્પેશિયલ રૂમ 402 નું પેશન્ટ બીજું કોઈ નહીં ડૉ આલોક છે... અને એના મગજ ની કોમ્પ્લિકેટેડ સફળ સર્જરી કરનાર ડૉ અવિનાશ છે.
હું તો એવું માનું છું સુમન કે મારા પિતાજી નો જીવ બચાવનાર ડૉ આલોક નો..જીવ મારા પુત્ર ડૉ અવિનાશે બચાવ્યો. આ પેશન્ટ એડમિટ થયું ત્યારથી બેચેની અકળાટ અને આંસુ ઓ નું બસ આજ કારણ હતું.
લેખક:- મેહુલ જોષી
લીલીયા, અમરેલી, ગુજરાત
વતન: બોરવાઈ , મહીસાગર