Ramayan - 3 in Gujarati Mythological Stories by Divyesh Labkamana books and stories PDF | રામાયણ - ભાગ ૩

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

રામાયણ - ભાગ ૩



આ રામાયણ જેમ છે તેમ અહીં લખું છું આનો ઉદ્દેશ કોઈને લાગણીને હાની પહોંચાડવાનો કે કોઈના કોપીરાઇટ લેવાનો નથી આ ફક્ત જે રેગ્યુલર માતૃ ભારતી વાંચે છે તેના માટે છે આ રામાયણ વાલ્મિકી રચિત છે મારી કોઈ માલિકી આ વાર્તા પર નથી




આ રામાયણ નો ત્રીજો ભાગ છે


ભગવાન કહે છે કે-હું સદાકાળ ભક્ત ને આધીન છું.ભક્ત ની રક્ષા કાજે,રામ તરીકે ધનુષ્યબાણ લઈને ખડો છું,શ્રીકૃષ્ણ તરીકે સુદર્શન ચક્ર લઈને ખડો છું,અને શંકર તરીકે ત્રિશુળ લઈને ઉભો છું,મારા ભક્ત ને ભય નથી,મારા ભક્ત ને નાશ નથી.

સંસાર એ તો ખોટ નો ધંધો છે.અનેક જન્મો ગયા પણ ભવની ચક્કી માંથી છૂટાયું નથી.એકવાર ખોટ નો ધંધો કર્યો,બેવાર કર્યો,દશવાર કર્યો-તો યે શાન આવતી નથી.જે ડાહ્યો મનુષ્ય હોય તે ખોટનો ધંધો ના કરે.પણ રામ નામ નો વેપાર કરે,કે એ ધંધો એવો છે કે તેમાં નફો જ નફો છે.જેની પ્રાપ્તિ થી બધું જ પ્રાપ્ત થઇ જાય તેવો નફો છે.પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી.એ ધંધાનો આનંદ એ ધંધા નું માધુર્ય એવું છે કે-એ આનંદ નો કોઈ જોટો નથી અને તે માધુર્ય નો કોઈ અંત નથી.

શ્રી હરિ ના માધુર્ય નો જેણે એકવાર સ્વાદ લીધો તે ફરી ફરી તેની જ માગણી કરે છે.
ભાગવત માં પૃથુરાજા પર ભગવાન પ્રસન્ન થઇ ને કહે છે કે-માગ માગે તે આપું.
રાજા કહે છે કે-પ્રભુ હું શું માગું?મોક્ષ માગું તો ત્યાં પછી ભક્તો ના મુખે થી આપની કથા સાંભળવાનો
લાભ ક્યાંથી પામું?એટલે મને દશ હજાર કાન આપો,કે જેથી હું આપની લીલાનું અને કથાનું ગાન
નિરાંતે સાંભળ્યા જ કરું.મને તે સિવાય તૃપ્તિ થતી નથી.

પૃથુરાજા ને બે કાનથી પ્રભુના ગાન સાંભળવામાં તૃપ્તિ થતી નથી,એને દશ હજાર કાન જોઈએ છે,
જયારે રાવણ ને વીસ કાન હતા,તો યે એ રામનો એકે ગુણ ગ્રહણ કરી શક્યો નહિ.
જેને સાંભળવું હોય તો બે કાન પણ પૂરતા છે પણ અહીં આગળ પૃથુરાજા ની પ્રભુનામ ની પ્રીતિ બતાવે છે.
રાજાએ દશ હજાર કાનની માગણી કરી તો બીજા એક સંત પુરુષે પોતાના બે કાન અને આંખો લઇ લેવાની
પ્રભુ ને પ્રાર્થના કરી.તેઓ કહે છે કે-હે પ્રભુ મને આંધળો કરી દે કે જેથી તારા સિવાય હું બીજું કંઈ જોવા ના પામું, મને બહેરો કરી દે કે જેથી તારા નામ સિવાય બીજું સાંભળવાની પીડા માંથી છૂટી જાઉં.

ભક્ત ની ઝંખના ઇન્દ્રિયો સહિત સમસ્ત મન અને બુદ્ધિ,અહમ ને પણ પ્રભુ ચરણ માં ધરી દેવાની છે.
અને તે મન ને જયારે પ્રભુ ને અર્પણ કરે છે ત્યારે કહે છે કે-
પ્રભુ તમે તો રત્નાકર માં પોઢનારા,લક્ષ્મી તમારાં ચરણ ની સેવા કરે,તમે તો બ્રહ્માંડ ના સ્વામી જગદીશ્વર,
તમને તો શાની ખોટ હોય? હા, પણ,એક વાતની તમને ખોટ છે,પેલી નટખટ ગોપીઓએ તમારા મન ને હરી લીધું છે,એટલે તમારે મન ની જરૂર છે,તેથી હું મારું મન તમને અર્પણ કરું છું,કૃપા કરી તેનો સ્વીકાર કરો.

અને ભક્ત ના મન નો સ્વીકાર કરી ને પ્રભુ કહે છે કે-હવે હું કૃતાર્થ થયો.!!
ભગવાન કાયમ માટે પછી ભક્ત ના ઋણી થઇ ને રહે છે.

એક વાર નારદજી ફરતા ફરતા મહર્ષિ વાલ્મીકિ ના આશ્રમ માં આવી ચડ્યા.ત્યારે મહર્ષિએ નારદજી ને પ્રશ્ન કર્યો કે-હે મુનિવર, આ ભૂમંડળ પર એવો પુરુષ છે ખરો કે જે-સત્યપ્રતિજ્ઞ હોય,દૃઢવ્રત હોય,ધર્મ ના રહસ્ય ને જાણનારો હોય,આપત્તિ માં પણ નિયમ નો ત્યાગ નહિ કરનાર હોય,ઉત્તમ ચરિત્ર વાળો હોય,પ્રાણીમાત્ર નું હિત કરનારો હોય,આત્મ-અનાત્મ ને જાણનારો હોય,પ્રજા નું રંજન કરવામાં સમર્થ હોય,કામ-ક્રોધ ને જીતનારો હોય,મહા સંયમી અને તેજસ્વી હોય,દેવો અને અસુરો પણ જેનાથી યુદ્ધ કરતાં બીવે તેવો
મહાપરાક્રમી,ધીર,વીર અને ઉદ્દાત હોય?

મુનિ નારદે આ સાંભળી ને કહ્યું કે-હે મહર્ષિ જેના નામ નું રટણ કરી ને તમે આ મહર્ષિ પદ પામ્યા છે,તે શ્રીરામ એવા પુરુષ છે. ઐશ્વર્ય,વીર્ય,યશ,શ્રી,જ્ઞાન અને વૈરાગ્ય –એ છ યે ગુણ એમનામાં મૂર્તિમંત છે.
વાલ્મીકિ એ કહ્યું કે- મુનિવર મને શ્રીરામ નું ચરિત્ર કહો.

તે પછી મુનિ નારદે વાલ્મીકિ ને શ્રીરામ ના ચરિત્ર ની કથા કહી.
દુર્લભ એવા,નારદજી જેવા વક્તા અને વાલ્મીકિ જેવા શ્રોતા,મળે એટલે કથામાં શું બાકી રહે?
રસ નો સાગર ઠલવાયો,આનંદ નો ધોધ વહી આવ્યો.


શ્રીરામ ચરિત્ર ની કથા સંભળાવી, પુરી કરી ને નારદજી તેમના પંથે ગયા,
તે પછી મહર્ષિ વાલ્મીકિ મધ્યાહ્ન કર્મ કરવા માટે,તમસા નદીને કિનારે ગયા,ત્યાં તેમની નજર એક ક્રૌંચ પક્ષીના જોડા પર પડી,અને એ જ વખતે પારધી ના તીર થી નર પંખી ની હત્યા થતી જોઈ,ક્રૌંચ તરફડી ને નીચે પડ્યો, ક્રૌંચી કરુણ સ્વરે વિલાપ કરવા લાગી,એની આવી દયાજનક હાલત જોઈ,મહર્ષિ ના ચિત્તને અત્યંત દુઃખ થયું,અને તેમના મુખ થી બોલાઈ ગયું,
મા નિષાદ,પ્રતિષ્ઠા ત્વમગમઃશાશ્વતી સમાઃ યત્ક્રૌંચમિથુનાદેકમવધી: કામ મોહિતમ.
(હે,નિષાદ (પારધી) તેં કામશક્ત ક્રૌંચ ને મારી ને તેમની જોડી ને તોડી ને મહાપાપ કર્યું છે,માટે
તુ પણ લાંબો કાળ પૃથ્વી પર નહિ રહે,(તુ લાંબુ જીવશે નહિ)

વાલ્મીકિ ના મુખમાંથી આ પહેલો જ અનુષ્ટુપ છંદ બોલાયો,
મુનિ ને થયું કે આઠ અક્ષરવાળા ચાર ચરણ થી રચાયેલો છંદ –વીણા,મૃદંગ-વગેરે સાથે ગાવા યોગ્ય છે,
પણ પંખીના શોક ની પીડા થી મારા મુખમાંથી આ કેવું વચન નીકળી ગયું? અરે રે ..મોટો અપજશ
આપે તેવું કાર્ય મારાથી થઇ ગયું.મારા તપ નો નાશ કરે એવું મારાથી આ શું બોલાઈ ગયું?

મહર્ષિ ના શોક નો પાર રહ્યો નહિ.તપસ્વી મનુષ્ય પળે પળે કેવો જાગૃત હોય છે અને પોતાની પળેપળ નો કેવો હિસાબ રાખતો હોય છે,તેનું આ દ્રષ્ટાંત છે.
ગીતામાં કહ્યું છે કે-બીજાઓ જયારે ઊંઘતા હોય છે ત્યારે તપસ્વી યોગી જાગતો હોય છે.
એનો અર્થ એવો પણ કરી શકાય કે યોગી કાયમ માટે જાગતો હોય છે,એક પળ પણ અજાગૃત હોતો નથી.

મહર્ષિ વાલ્મીકિ પણ આવા પળેપળ ના જાગૃત છે,એમને પશ્ચાતાપ કરવાનો પ્રશ્ન થતો જ નથી,પણ,
જગતના જીવોના ઉદ્ધાર અને સુખ માટે પ્રભુ એમની પાસે કોઈ મહાન કાર્ય કરાવવા માગતા હશે એનો
આ પ્રારંભ છે.તમસા નદીમાં સ્નાન કરી મધ્યાહ્ન કર્મ પતાવી,વાલ્મીકિ આશ્રમ માં આવ્યા,
હવે તેમના મનમાં વિચારો ઘોળાય છે કે શાપ દેવા માટે બોલાયેલો અને અપયશ આપનારો આ શ્લોક
યશ દેનારો કેવી રીતે બને?

એટલામાં બ્રહ્માજી નું ત્યાં આગમન થયું,મહર્ષિએ તેમનો સત્કાર કર્યો,અને પોતાની મનોવ્યથા કહી.
બ્રહ્માજી એ કહ્યું,કે-હે,મહર્ષિ,આ શ્લોક તમને યશ દેનારો જ થશે,એ વિષે શંકા નથી,તમે નારદજી ના
મુખે થી જે શ્રી રામ નું ચરિત્ર સાંભળ્યું છે,એ ચરિત્ર નું તમે કાવ્ય માં વર્ણન કરો.
તમે સત્ય ના હામી છો,તમારી વાણી અસત્ય થશે નહિ,આ પૃથ્વી પર જ્યાં સુધી નદીઓ અને પહાડો રહેશે
ત્યાં સુધી તમારી રચેલી રામકથા લોકો માં પ્રચાર પામશે.

આટલું કહી બ્રહ્માજી ચાલી ગયા,વાલ્મીકિ જી એ મન માં સંકલ્પ કર્યો કે-
આ અનુષ્ટુપ છંદ માં જ હું આખું રામાયણ રચીશ.
આવો વિચાર કરી ને મહર્ષિ પૂર્વ દિશાતરફ મુખ કરી દર્ભાસન પર બેઠા અને પોતાના યોગ-સામર્થ્ય વડે
શ્રીરામચંદ્ર ના ગુપ્ત તેમજ પ્રગટ ચરિત્ર નો વિચાર કરવા લાગ્યા.એમણે સમાધિમાં જ શ્રીરામનાં બધાં
ચરિત્રો દેખાયાં અને રામાયણ નું સર્જન થયું.
વાલ્મીકિ એ રચેલા આ રામાયણ માં ચોવીશ હજાર શ્લોકો,પાંચસો સર્ગ છે,અને સાત કાંડ છે.
(રામજી ના પ્રાગટ્ય પહેલાં રામાયણ ની રચના થઇ છે!!)

રામાયણ ની કથા કરુણરસ પ્રધાન છે,બાલકાંડ સિવાય ના બધા કાંડો કરુણરસ પ્રધાન છે.
ક્રૌંચપંખી ના વધનો કરુણ પ્રસંગ સમગ્ર રામાયણ ના કરુણરસ નો પ્રતિક બની ગયો.
વાલ્મીકિ જી ને પોતાને પણ આ કરુણરસ ની અસર થઇ છે,એટલે પછીથી તેમણે “આનંદ-રામાયણ” ની
રચના કરી છે,કે જેમાં પ્રત્યેક કાંડ ની જુદી જુદી ફલશ્રુતિ આપી છે.
શ્રી રામાયણ એ શ્રી રામનું નામ-સ્વરૂપ છે.
રામાયણ ના એક એક કાંડ એ રામજી નું એક એક અંગ (અંગ નું નામ) છે.
બાલકાંડ શ્રીરામનાં ચરણ છે,અયોધ્યાકાંડ શ્રીરામના સાથળ છે,અરણ્યકાંડ એ શ્રીરામનું ઉદર છે,
કિષ્કિંધાકાંડ એ શ્રીરામનું હૃદય છે,સુંદરકાંડ એ શ્રીરામનો કંઠ છે,લંકાકાંડ એ શ્રીરામનું મુખ છે,અને

ઉત્તરકાંડ એ શ્રીરામનું મસ્તક છે.

શ્રી રામાયણ એ રામજી નું નામ-સ્વ-રૂપ હોઈ,જીવ માત્ર નો તે ઉદ્ધાર કરે છે,રામજીએ તો અમુક જીવો નો ઉદ્ધાર કરેલો પણ રામાયણે તો ગણ્યા ગણાય નહિ એટલા જીવો નું કલ્યાણ કર્યું છે,કરે છે અને કરશે.
તેથી જ રામાયણ એ શ્રેષ્ઠ છે એમ કહેવાય છે.

રામાયણ ના સાત કાંડ ને તુલસીદાસજી એ સાત સોપાન કહ્યા છે.સોપાન એટલે પગથિયું.માનવ જીવનનાં આ સાત પગથિયાં છે.
એક પછી એક પગથિયું ચડાવી ને જીવ ને તે પ્રભુ ચરણ માં લઇ જાય છે.

એકનાથ મહારાજ કહે છે સાત કાંડ નાં નામ મૂકવામાં પણ રહસ્ય છે.
બાલકાંડ કહે છે કે-બાળક જેવા બનો,બાળક નું મન નિર્મળ,નિરદંભ,અને સરળ હોય છે.
સંસાર ની અનેક ભૂલભૂલામણી માં ભટકતા મનને બાળક જેવા બનાવ્યા વગર શાંતિ મળવાની નથી.
ઉંમર વધે,ધન વધે,લોક માં પ્રતિષ્ઠા થાય એટલે માણસમાં અહંકાર,દંભ આવે છે અને પ્રભુ થી દૂર જાય છે.તેવે વખતે જો એ મન ને બાળક જેવું નિર્દોષ-નિર્મળ રાખી શકે તો જ તે પ્રભુ તરફ આગળ વધી શકે.

અયોધ્યાકાંડ કહે છે કે-જ્યાં યુદ્ધ નથી,વેરઝેર નથી,હિંસા નથી,કલહ નથી,પ્રપંચ નથી,તે અયોધ્યા.
કુટુંબ અને સમાજ માં દરેક નાનાં-મોટા જોડે પ્રેમ થી વર્તવાનું તે શીખવે છે.દરેક માં આત્મા રૂપે રહેલા
પરમાત્મા ને વંદન કરવાનું અને માન આપવાનું શીખવે છે.મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા
કંઈ જલ્દી આવતા નથી,તેમનામાં સહુ પ્રથમ પ્રયત્ન પૂર્વક ભગવદભાવ સ્થિર કરવો પડે છે.
પણ જો મનુષ્ય હાલતા-ચાલતા-બોલતા –આત્માઓ માં ભગવદભાવ સ્થિર ના કરી શકતો હોય તો તે
મૂર્તિ માં તો ક્યાંથી ભગવદભાવ સ્થિર કરી શકવાનો??

સૃષ્ટિ રચ્યા પછી એક એક પદાર્થ માં ભગવાને પ્રવેશ કર્યો છે.સર્વ માં ઈશ્વર સમાયેલો છે.
શ્રી રામે આ અલૌકિક આદર્શ આપણ ને બતાવ્યો છે.ભાઈના સુખ માટે હસતા હસતા વનમાં ગયા છે.
શ્રીરામજી કહે છે કે –ભરત ને સુખ થતું હોય તો ચૌદ વર્ષ શું હું આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું.
ભરત કહે છે કે-રાજ્ય મોટાભાઈ નું છે,હું તો એમનો સેવક છું.
જ્યાં આવી ભાવના હોય ત્યાં કાયમનું અયોધ્યા છે.
જે ઘરમાં કલેશ નથી,કલહ નથી,ઝગડો નથી તે ઘર તીર્થસ્થળ છે,તે અયોધ્યા છે.

અયોધ્યા સરયુ નદીને કિનારે છે.સરયુ એટલે ભક્તિ. ભક્તિ નો પ્રવાહ સતત વહેતો રહેવો જોઈએ.
ભક્તિ ના કિનારા થી ખસાય નહિ.ભક્તિ નું સતત સેવન કરવું પડે.
ઘડપણ માં ગોવિંદ ગાશું. એ વાત ખોટી છે.જે આજે કરી શકતા નથી તે ઘડપણ માં થઇ શકવાનું નથી.
અને અંતકાળ માં તો થઇ જ શકવાનું નથી,એટલે જ અંતકાળ ને સુધારવો હોય તો,
સતત ભક્તિના કિનારે રહેવાનું છે.

રામાયણ માં અયોધ્યાકાંડ સિવાય બીજા બધા કાંડ માં યુદ્ધ આવે છે,બાલકાંડ માં પણ રાક્ષસો નું રામજી સાથે યુદ્ધ થાય છે. જયારે માત્ર અયોધ્યાકાંડ માં કોઈ યુદ્ધ નથી.

અરણ્યકાંડ –નિર્વાસન (વાસના વગરના) થવાનો આદેશ આપે છે.
અરણ્યકાંડ કહે છે કે-વાસનાનો ક્ષય કરો, અને સંયમ નું સેવન કરો.નિર્વૈર થયા પછી પણ મનુષ્ય ને વાસના ત્રાસ આપે છે.વાસના ને ઓળખી તેની સામે લડવાનું છે,ખરી શૂરવીરતા એમાં જ છે.
તપ વગર વાસના દબાતી નથી,તપ વગર જીવન નથી,તપ વગર જીવન માં દિવ્યતા આવતી નથી.
શ્રીરામને પણ વનમાં જઈ ને તપશ્ચર્યા કરવી પડી હતી.

તપ એટલે સંયમ.પહેલો સંયમ જીભ પર રાખવાનો છે.રામાયણ અને મહાભારત જીભ માંથી ઉભાં થયા છે.ને આજે પણ ઘેર ઘેર રામાયણ જીભમાંથી જ ઉભાં થાય છે.એ જીભ ને જરા વધારે લૂલી કરી કે આવી બન્યું!! દ્રૌપદી એ “આંધળા નાં છોકરાં આંધળા” એમ કહ્યું અને મહાભારત રચાયું.

રામજી સીતાજી ને લઇ ને વનમાં રહ્યા છે,પણ વનવાસ દરમિયાન પૂર્ણ સંયમથી રહ્યા છે.
વનવાસ દરમિયાન તેમણે અન્ન લીધું નથી,માત્ર કંદમૂળ અને ફળાહાર લઇ ની તપ કરે છે.
સન્યાસી ની માફક જ કોઈ ધાતુ ના પાત્ર ને સ્પર્શ પણ કરતા નથી,નારિયેલ ની કાછલી માં પાણી પીએ છે.

મહાપુરુષો પણ અરણ્ય માં રહેતા હતા.મહાપ્રભુજીએ ઉઘાડા પગે આખા ભારતવર્ષ ની પ્રદિક્ષણા કરી છે.
તેઓ સાથમાં બે વસ્ત્ર થી વધારે કશું રાખતા નહોતા.તેઓ ભગવાન ની કથા કરતા તો તે પણ વસ્તી માં નહિ પણ વસ્તી થી દૂર એકાંતમાં કરતા.
જીવન માં તપશ્ચર્યા હશે - તો જ રાવણ એટલે કે કામ મરે.

રામજી ને અરણ્ય માં શૂર્પણખા અને શબરી મળે છે.શૂર્પણખા એટલે મોહ.મોહ ની સામે ભગવાન જોતા નથી,પણ શબરી ની સામું જુએ છે.શબરી શુદ્ધ ભક્તિ છે.
એટલેજ કહે છે કે-મોહ નાં નાક-કાન કાપી નાખો અને શુદ્ધ ભક્તિ ને અપનાવો


અરણ્યકાંડ પછી આવે છે
કિષ્કિંધાકાંડ.અરણ્યકાંડ માં વાસનાનો વિનાશ કર્યો.પછી કિષ્કિંધાકાંડ માં સુગ્રીવ-રામ ની મૈત્રી થાય છે.કામ ની દોસ્તી જ્યાં સુધી મનુષ્ય છોડે નહિ ત્યાં સુધી રામની દોસ્તી થતી નથી.સુગ્રીવ અને રામની મૈત્રી ની (જીવ અને ઈશ્વર ના મિલન ની) કથા આ કાંડમાં છે.

સુગ્રીવ એ જીવાત્મા અને રામજી એ પરમાત્મા. જીવ અને ઈશ્વર નું મિલન ત્યારે થાય કે હનુમાનજી (બ્રહ્મચર્ય) મધ્યસ્થી બને.હનુમાનજી ટેકો કરે.હનુમાનજી બ્રહ્મચર્ય નું પ્રતિક છે.સુગ્રીવ એટલે કે જેનો કંઠ (ગ્રીવા) સારો છે તે. કંઠ ની શોભા આભૂષણો થી નથી,પણ,બ્રહ્મચર્ય થી અને રામનામ થી છે.

જીવ- શિવ (ઈશ્વર) ની મૈત્રી તો જાણે પછી ની વાત છે,પણ વાસનાઓ નો ક્ષય ના થાય ત્યાં સુધી
ચિત્તમાં હનુમાનજી (બ્રહ્મચર્ય) પણ આવતા નથી.અને જો એકવાર હનુમાનજી પધારે તો
રામજી (ઈશ્વર) પધારે,હનુમાનજી ના આવે ત્યાં સુધી જીવનમાં પ્રભુ પધારતા નથી.
(પ્રભુ ની મૈત્રી શક્ય થતી નથી-એવો કહેવાનો આશય છે.)

કિષ્કિંધાકાંડ પછી આવે છે
સુંદર કાંડ.જીવ અને શિવ ની મૈત્રી થતા જીવન સુંદર બને છે.સુંદરકાંડ ની સુંદરતા એ જીવન ની સુંદરતા છે.તેમાં રામભક્ત હનુમાન ની કથા આવે છે.
ભાગવતમાં જેમ દશમ સ્કંધ છે તેમ રામાયણ માં સુંદર કાંડ છે.
સુંદરકાંડ માં હનુમાનજી ને સીતાજી નાં દર્શન થાય છે.સીતાજી એ પરાભક્તિ છે.
જેનું જીવન સુંદર હોય તેને જ પરાભક્તિ નાં દર્શન થાય છે.

વચ્ચે અફાટ સમુદ્ર છે,એ પાર કરવાનો છે,બ્રહ્મચર્ય અને રામ-નામ ના પ્રતાપ થી હનુમાનજી માં
શક્તિ આવી છે અને તેના પ્રતાપે તે દરિયો ઓળંગી શકે છે અને પરાભક્તિ ના દર્શન કરી શકે છે.
સંસાર-રૂપી સમુદ્ર ઓળંગતા ને પરાભક્તિ ના દર્શન કરવા જતાં રસ્તામાં સુરસા રાક્ષસી ત્રાસ આપે છે.
સુરસા એટલે સારા સારા રસો. રોજ નવા નવા રસો લેનારી જીભ એ સુરસા.
સુરસા હનુંમાનજી ને રોકવા મથે છે.ત્યારે હનુમાનજી તેને મારે છે.
જેને સંસાર રૂપી દરિયો ઓળંગવો છે તેણે જીભ ને મારવી જ પડે છે,જીભ ને વશ કરવી જ પડે છે.

હનુમાનજી સીતાજી ને અશોકવનમાં મળે છે.અશોક એટલે જ્યાં શોક નથી તે.
પરાભક્તિ જ્યાં બિરાજમાન હોય ત્યાં શોક રહી શકે નહિ.બ્રહ્મ-દૃષ્ટિ થયા પછી શોક રહેતો નથી.
પરાભક્તિ થી ઈશ્વર જીવને અપનાવી લે પછી શોક કેવો?

જીવન ભક્તિમય થાય ત્યારે સુંદર બને છે.હનુમાનજી સીતાજી ના દર્શન કરે છે,તે પછી લંકાને બાળે છે.
જીવન ભક્તિમય થાય,પરાશક્તિનાં (ભક્તિ મહારાણી નાં) દર્શન થાય એટલે જીવન સુંદર બને,અને
પછી રાવણ ની લંકા બાળવાની તાકાત (શક્તિ) આવે છે.
લંકા ને ઉલટાવવામાં આવે “કાલમ” એટલેકે કાળ થાય છે.કામ ને મારી શકે તે કાળ ને મારી શકે.
એટલે હનુમાનજી લંકા ને બાળે છે,કાળ ને મારે છે,
કાળ સર્વ ને મારે પણ હનુમાનજી આગળ તેનું કશું ચાલતું નથી,હનુમાનજી તેને (કાળ ને) મારે છે.
હનુમાનજી ને પરાશક્તિ નો આશ્રય છે,પરાશક્તિ ના દર્શન નું તે ફળ છે.

સીતાજી ના સમાચાર લઇ આવી ને રામજી નું મોટું કામ હનુમાનજી એ કર્યું અને રામજી ને ઋણી બનાવ્યા છે.
અને રામજી "સન્મુખ ના હો શકત મન મોરા"કહે છે.
જગતના માલિક ની નજર નીચી બને છે,અને "પ્રતિ ઉપકાર કરું કા તોરા" કહે છે,
તે સુંદરકાંડ ની ઉત્કૃષ્ટતા છે."ક્લાઇમેક્ષ્" છે.

સુંદરકાંડ પછી આવે છે લંકાકાંડ.
સુંદરકાંડ માં જીવન સુંદર બન્યું,હવે રાક્ષસો ને હણવાના છે.
કામ,ક્રોધ,લોભ.મદ મત્સર-આ બધા રાક્ષસો છે.જે જીવન ને નષ્ટ-ભ્રષ્ટ કરવા રાતદિવસ પ્રયત્ન કરે છે.
એ સર્વે ને હણવાના છે,જીવનમાં મનુષ્યે કરવાનો આ સહુથી મોટો પુરુષાર્થ છે,પળેપળે લડાઈ છે અને
પળેપળે તેના પર વિજય કરવાનો છે.

કુંભકર્ણ એ “પ્રમાદ” નું રૂપ છે,ઇન્દ્રજીત એ “મોહ” નું રૂપ છે,અને રાવણ “કામ” નું રૂપ છે.
જીવન માં સહુ પ્રથમ પ્રમાદ (કુંભકર્ણ) ને હણવાનો છે પછી મોહ (ઇન્દ્રજીત) ને હણવાનો છે,
મોહ હણાયા પછી જ કામ (રાવણ) હણાય છે અને પછી ભક્તિ નું રૂપ પ્રગટ થાય છે.

લંકાકાંડ પછી આવે છે ઉત્તરકાંડ.
પૂર્વાર્ધ માં (યૌવન માં) કામ (રાવણ) ને મારે તેનો ઉત્તરકાંડ (ઉત્તરાવસ્થા) સુંદર બને.અને તે
અયોધ્યા નો અધિપતિ થાય. માટે જીવન સુધારવાનો પ્રયત્ન યુવાવસ્થા માં જ કરવો જોઈએ.



ક્રમશ: