Once Upon a Time - 147 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 147

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 147

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 147

આઈએસઆઈના કહેવાથી દાઉદ અને છોટા શકીલે મુંબઈમાં ફરી એક વાર શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ કરવાનું ષડ્યંત્ર ઘડ્યું હતું, પણ મુંબઈગરાઓના સદ્દનસીબે દાઉદ-શકીલની એ શેતાની યોજના પાર પડે એ પહેલાં 10 ઓકટોબર, 2001ના દિવસે શકીલના છ ગુંડાઓ મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા. મુંબઈ પોલીસની આગવી ઢબની પૂછપરછ દરમિયાન શકીલના એ ગુંડાઓએ વટાણા વેરી દીધા. તેમણે પોલીસ અધિકારીઓ સમક્ષ કબૂલ્યું કે આઈએસઆઈ અને દાઉદ ગેંગ દ્વારા ભારતના ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની હત્યાની યોજના ઘડાઈ હતી.

મુંબઈ પોલીસે શકીલના છ ગુંડાની ધરપકડ કરીને મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટનું કાવતરું ખુલ્લું પાડ્યું એ પછી ચાર દિવસ બાદ ફરી એક વાર મુંબઈ પોલીસ અંડરવર્લ્ડ પર ત્રાટકી. 14 ઓકટોબર, 2001ની વહેલીસવારે અબુ સાલેમ ગેંગના ચાર શૂટર ફિલ્મ સ્ટાર આમિરખાન અને આમિરની અભિનેતા - નિર્માતા તરીકે સુપર હિટ સાબિત થયેલી ‘લગાન’ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરની હત્યા માટે મુંબઈના વાંદરા ઉપનગરના પશ્વિમ વિસ્તારમાં ભેગા થયા ત્યારે ત્યાં અગાઉથી ગોઠવાઈ ગયેલી પોલીસ ટીમે તેમને ઘેરી લીધા. વાંદરા પશ્વિમમાં પટવર્ધન ગાર્ડનની સામે સેન્ટ ટેરેસા ચર્ચની બાજુમાં અબુ સાલેમ ગેંગના ચાર શૂટર આવવાના છે એવી માહિતી મુંબઈ પોલીસને મળી ગઈ હતી. પોલીસે 22 થી 24 વર્ષના એ ચારેય ગુંડાઓને શરણે આવવાની તાકીદ કરી, પણ તેમણે પોલીસ ટીમ તરફ ગોળીબાર કર્યો. એ વખતે પોલીસ ટીમ વળતો ગોળીબાર કરીને એ ચારેય શૂટર્સને ઢાળી દીધા.

આમિર ખાન અને આશુતોષ ગોવારીકરે અબુ સાલેમને ખંડણી ચૂકવવાની નનૈયો ભણી દીધો હતો એટલે ઉશ્કેરાયેલા સાલેમે તેમને મારી નાખવાનો આદેશ તેના શટર્સને આપ્યો હતો.

એ ઘટનાને કારણે અંડરવર્લ્ડની બોલીવુડ પરની ધાક ઓછી થઈ. એ ઘટનાના થોડા દિવસ પછી, ભાઈલોગને સામેથી કુર્નિશ બજાવવા જતા બોલીવુડના ચમચાઓ પણ ગભરાઈ જાય એવી અન્ય એક ઘટના બની.

1989માં મુંબઈમાં દાઉદની એક પાર્ટીમાં દાઉદ અને તેના મિત્રોનું મનોરંજન કરવા માટે રાષ્ટ્રગીતનું અપનાર કરનારા કોમેડિયન જ્હોની લીવરને મુંબઈની મેટ્રેપિલિટન કોર્ટે સાત દિવસની સજા ફટકારી અને રૂપિયા એક હજારનો દંડ કર્યો. 1989માં દાઉદના ભાઈ અનીસના પુત્રના બર્થ ડે નિમિત્તે યોજાયેલી પાર્ટીમાં જ્હોની લીવરની મિમિક્રીનો કાર્યક્રમ રખાયો હતો. એ કાર્યક્રમમાં જોન રાવ પ્રકાશરાવ જાનુ મુલ્લા એટલે કે જ્હોની લીવરે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હતુ. દુબઈની ‘રિજન્સી’ હોટેલમાં ફરાહ તથા અન્ય ફિલ્મસ્ટાર્સ પણ હાજર હતા. મહારાષ્ટ્ર સરકારે 18 માર્ચ, 1998ના દિવસે મુંબઈ પોલીસને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને છેવટે જ્હોની લીવર સામે કેસ ચાલ્યા બાદ 8 ડિસેમ્બર, 2001ના દિવસે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે.એચ. હોળબે પાટિલે રાષ્ટ્રગીતના અપમાન માટે જોની લીવરને સજા ફટકારી હતી.

2001ના વર્ષના અંતમાં અંડરવર્લ્ડ માટે છેલ્લી મહત્વની કહેવાય એવી ઘટના મુંબઈના ભૂતપૂર્વ મેયર મિલિન્દ વૈદ્યની હત્યાના પ્રયાસની હતી. 17 ડિસેમ્બર, 2001ની સવારે 9.15 કલાકે છોટા શકીલના શૂટરોએ ફરી _એકવાર મિલિન્દ વૈદ્યની_ હત્યાનો પ્રયાસ કર્યો. શકીલ ગેંગનો એ ત્રીજો હુમલો હતો. વૈદ્ય વાંદરા રેક્લેશન સ્થિત તેમના ઘરેથી તેમના જૂના ઘરે જવા માટે તેમની ગ્રે કલરની એમએચ-0-700 નંબરની ટાટા સફારી કારમાં નીકળ્યા એ વખતે છોટા શકીલના શૂટરોએ તેમનો પીછો કર્યો. તેમની કાર માહિમ ફ્લાયઓવર પાસેની સિગ્નલ પર બાંદરા ફાયર બ્રિગેડ સામે ઊભી રહી એ સાથે તેમના પર ગોળીબાર થયો, મિલિન્દ વૈદ્યના ગળામાં ગોળી વાગી. બીજી ક્ષણે તેમના પર ગોળીબાર કરનારા હુમલાખોરો નાસી છૂટ્યા. જો કે વૈદ્યને તેમના સશસ્ત્ર બોડીગાર્ડ રમેશ લાવંદે તાત્કાલિક હિન્દુજા હોસ્પિટલમાં પહોંચાડ્યા, જ્યા ડોક્ટરોએ વૈદ્યને બચાવી લીધા.

આ દરમિયાન અમેરિકાએ અફઘાનિસ્તાનને ધમરોળી નાખ્યું હતું અને આંતકવાદને સમર્થન આપતી તાલીબાન સરકારને સત્તા પરથી ઊતારીને નવી સરકાર બનાવી હતી. અફઘાનિસ્તાનમાંથી તાલીબાન સરકારને અમેરિકાએ ફંગોળી દીધી એ સાથે ઓસામા બિન લાદેન અને એની સાથે સંકળાયેલા દાઉદ ઈબ્રાહિમ સહિતના ભાંગફોડિયા તત્વોનો જુસ્સો થોડો ઘટી ગયો. બીજી બાજુ આઈએસઆઈએ દાઉદ પર નિયંત્રણ લાદીને નજરકેદી બનાવી દીધો હતો તો બીજી બાજુ ભારતમાં ભાંગફોડ કરાવવા માટે તેની ગેંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. દાઉદ પર નિયંત્રણ લદાઈ ગયા છતાં ભારતમાં ઘણા ઉદ્યોગપતિઓ કે બિઝનેસમેન કે બિલ્ડર્સ વચ્ચે ઝઘડા થાય ત્યારે કરાંચીમાં દાઉદના ‘દરબાર’ સુધી મામલો પહોંચી જતો હતો અને દાઉદ બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન કરાવી આપતો હતો. જો કે, ‘સમાધાન’ કરાવવાના બદલામાં તે કરોડો રૂપિયા વસૂલતો હતો એ જુદી વાત હતી.

******

અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યની હાજરીને કારણે દાઉદનું ડ્રગ્સ કારોબારનું નેટવર્ક નબળું પડ્યું હતું. પણ એમ છતાં દાઉદ ગેંગની ડ્રગ્સ સ્મગલિંગ પ્રવૃત્તિ ચાલુ રહી હતી. 2002ની શરૂઆતમાં અફઘાનિસ્તાન પર અમેરિકાના આક્રમણની વાત વિશ્વભરમાં ચર્ચાઈ રહી હતી ત્યારે મુંબઈમાં એક નાનકડી ઘટના બની હતી જેની નોંધ સિવાયના બીજા ભારતીય શહેરોમાં અખબારોએ ભાગ્યે જ લીધી, 2 ફેબ્રુઆરી, 2002ના રોજ અંડરવર્લ્ડના સૌપ્રથમ ડૉન કરીમલાલાએ બિમારીને કારણે 92 વર્ષની ઉંમરે છેલ્લો શ્વાસ લીધો. મુંબઈના ગ્રાન્ડ રોડ વિસ્તારની ‘તહેર મંઝિલ’ ઈમારતમાં રહેલા કરીમલાલાના જીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું એ સમાચાર દાઉદને માટે માત્ર એક માહિતી સમાન હતા.

અફઘાનિસ્તાનથી યુવાન વયે મુંબઈમાં કપડાંનો વેપાર કરતા કાકાને ત્યાં આવીને મુમ્બૈયા અંડરવર્લ્ડનો પાયો નાખનારા કરીમલાલાની પઠાણ ગેંગ સાથે દુશ્મની વહોરીને કરીમલાલાના ભત્રીજા સમદ ખાન, ભાઈ રહીમ ખાન તથા વિશ્વાસુ સાથીદારો આલમઝેબ અને અમીરઝાદા સહિત કરીમલાલાની નિકટની અનેક વ્યક્તિઓને ખતમ કરીને દાઉદે કરીમલાલાની તાકાત છીનવી લીધી હતી. જો કે અફઘાનિસ્તાનથી ભારત આવેલા કરીમલાલા જિંદગીનાં છેલ્લાં વર્ષો દરમિયાન અંડરવર્લ્ડનો પડછાયાથી દૂર રહીને શાંતિથી જીવવાનું પંસદ કર્યું હતું. પણ ભારતથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી પહોંચેલો દાઉદ અત્યંત પાવરફૂલ બની ગયો હોવા છતાં પાંગળા માણસ જેવી દશામાં મૂકાઈ ગયો હતો.

મુમ્બૈયા અંડરવર્લ્ડના જન્મદાતા કરીમલાલાની અંતિમ એક્ઝિટની ખાસ કોઈ નોંધ લેવાઈ નહીં, પણ એ પછી ગણતરીના દિવસો બાદ કરીમલાલાના ચેલા દાઉદના ચેલા છોટા શકીલની એક ચેલી મુમ્બૈયા અખબારને જબરદસ્ત મસાલો પૂરો પાડ્યો.

(ક્રમશ:)