gazals - 2 in Gujarati Poems by Parmar Bhavesh books and stories PDF | છાંદસ્થ ગઝલ - 2

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

છાંદસ્થ ગઝલ - 2

1. મન તું બોલમાં

ગાલગા ગાલગા ગાલગા ગાલગા

ફળ જે પાક્યાં નથી એને તું તોડમાં,
અંતરે રાખ શબ્દો તું વાગોળમાં.

કિંમતી શબ્દ તું સાચવી લે જરા,
વેંચશે એને સંસાર ભાગોળમાં.

જીભ તારી છુપાવી દે તું દાંતમાં,
ચૂપ રે બોલમાં મન, તું મોં ખોલમાં.

નાથવા કોઈ ક્રિષ્ના તને આવશે,
કાલિયા નાગની જેમ તું ડોલમાં.

વાતને સાંભળે એવું કોઈ નથી,
એકલી દીવાલો સંગ તું બોલમાં.

"આર્યમ્"


2. પ્રેમનું એલાન

નથી પતઝડ નો કોઈ ડર ફરે છે મન બહારોમાં,
અને ચાહી રહ્યો છું એમને લાખો હજારોમાં.

કરું છું પ્રેમનું એલાન હું તો આ જગત સામે,
ભલે દેતી ચણી દુનિયા મને આજે દિવારો માં.

ફરક પણ શું પડે કે જો અમારી થાય બદનામી,
મેં દિલ આપી બગાડ્યું નામ છે આજે બજારોમાં.

હવે ક્યાં આવડે છે પાઠ કોઈ પ્રેમને છોડી,
અને એથી જ મારું નામ આવે છે ગવારોમાં.

ખુદા પણ કાન ધરશે આ કહાની પ્રેમની "આર્યમ્",
ભરોસો એટલો તો છે મને મારી પુકારોમાં.

"આર્યમ્"


3.વાત નાની નથી


ગાલગાગા ગાલગાગા ગાલગા

વાત છે મોટી જરા, નાની નથી,
છે બધાંની ! એકલી મારી નથી.

આંસુઓ પણ કાયમી ઉશ્કેરતાં,
હું છુપાવું વાત! પણ છાની નથી.

બંધ તાળાંમાં ખુશીઓ છે બધી
શોધવા મથ્યો મળી ચાવી નથી.

જિંદગી પણ આ ગઝલથી કમ નથી,
મેં મઠારી લાખ, પણ સારી નથી.

કાનમાં "આર્યમ્" કહી ગ્યું કોઈ ત્યાં,
"દોસ્ત મારા! તેં મને જાણી નથી"

"આર્યમ્"

4. જાગે છે.

ગાલગા ગાલગા ગાગા ગાગા

આંખ પણ એકધારી જાગે છે,
સ્વપ્ન કાજે બિચારી જાગે છે.

ભીંત ને તો ફરક ક્યાં છે કોઈ!
વાટ જોવા જો બારી જાગે છે.

આંસુઓ ને વહાવી થાકેલી,
આંખ નીચે અટારી જાગે છે.

રાત જાણે વિજોગણ કામિની,
એકલી એ નઠારી જાગે છે.

પાંપણો પર વજન છે શામાટે?
નીંદ પણ એ વિચારી જાગે છે.

હું ઉલેચું છું મદિરાલય આજે,
રાહમાં ઘેર પ્યારી જાગે છે.

પિયુની વાટે નિરખવા માટે જ,
ઘૂંમટા ની કિનારી જાગે છે.

ભાવેશ પરમાર "આર્યમ્"
(તરહી)

5. નથી કરવી.


નથી કરવી..!

હવે આ પ્રેમના સોદામાં સહિયારી નથી કરવી,
અમૂલી રાતને વ્હેંચીને નાદારી નથી કરવી.

નહીં ફાવે અમોને તો નફા નુકશાન ધંધામાં,
માટે દિલનાં બજારે કોઇ વ્યાપારી નથી કરવી.

મેં જોયા છે ઘણા મજનું અને રાંઝા ને ખોવાતાં,
અમારે પણ આ રાહો એમ અંધારી નથી કરવી.

ઉપજશે પણ નહીં મારું અમસ્તું બોલવાથી તો,
વજન હો તો જ કરશું,વાત નોંધારી નથી કરવી.

બકે મન તો ભલે બકતું રહે એ કાયમી અમથું,
બધી વાતે કહી ને "હા!" સમજદારી નથી કરવી.

ભલે પટકાઇ પડતો આસમાનેથી ધરા માથે,
કલંકિત પાત્ર ને કરતી કલાકારી નથી કરવી.

ઘટે છે કંઇક તો અજવાળવા તારાં ઘરે "આર્યમ્"
છતાં પણ જાતને બાળીને અગિયારી નથી કરવી.

ભાવેશ પરમાર "આર્યમ્"

6. શોધી રાખજો.

નામ બદલવું છે અમારે, નામ શોધી રાખજો
સાવ નવરાઓ કરે, એ કામ શોધી રાખજો.

કસ વગરની આ મદિરાઓ મને ના ફાવશે;
એમના હોંઠે અડેલો જામ શોધી રાખજો.

છું હું તત્પર આજ પીવા વિષ બધાં સંસારનાં,
પણ તમે 'નીલકંઠ' જેવું નામ શોધી રાખજો.

જ્યાં અમારા જેવા પાગલ ને તમે રાખી શકો,
એ નગર મળશે, નહીં તો ગામ શોધી રાખજો.

આવશે સતયુગ પાછો જો તમે એ ચાહશો,
પણ, ફરી વનવાસ માટે રામ શોધી રાખજો.

એટલી સહેલી નથી મારી ગઝલ ને વાંચવી,
જો દુખે માથું તમારું, બામ શોધી રાખજો.

"આર્યમ્"

હજુ સિખાઉં સ્ટેજ પર છું, તો એ રીતે મૂલ્યાંકન કરવું. સૂચનો આવકાર્ય છે.