Island - 50 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 50

Featured Books
  • Wisps of Smoke - 43

    Wisps of Smoke (A love, romantic, psychological and paranorm...

  • Topography of Bali

    The island of Bali, Indonesia can be small, yet its topograp...

  • World Teachers Day

    The Teacher: The Light of Knowledge, Character and Civilizat...

  • THE GHOST BIKE - PART 3

    PROLOGUE — 2017It was a rainy night in 2017.In a small town...

  • ak adhuri mulakat

    एक अधूरी मुलाकातशहर के एक छोटे से कॉलेज में आरव पढ़ाई करता थ...

Categories
Share

આઇલેન્ડ - 50

પ્રકરણ-૫૦.

પ્રવીણ પીઠડીયા.

વેટલેન્ડ જહાજ ક્યારેય ડૂબ્યું જ નહોતું એ જાણીને માનસા સ્તબ્ધતામાં સરી પડી હતી. ભૂતકાળની એક કહાની… જેને સત્ય માનીને તે ઉછરી હતી એ કહાની મૂળથી જ ખોટી હતી એ પચાવતાં તેને થોડો સમય લાગ્યો.

“એ જહાજનું શું થયું હતું ડેડી…?” માનસાએ પૂછયું. એ પ્રશ્ન ઉપર શ્રેયાંશ જાગીરદાર, એટલે કે તેનો ડેડી હસ્યો હતો. એ જોઈને માનસા થથરી ગઈ. એ હાસ્યનો મતલબ સમજતાં તેને થોડી વાર જરૂર લાગી પરંતુ જ્યારે સમજાયું ત્યારે ભયાનક આશ્વર્યથી તેની આંખો વિસ્ફારીત બની, છાતીમાં ધડકતું હદય ઉછળીને તેના ગળા સુધી આવી ગયું, ઘડીક તો લાગ્યું જાણે તેને ચક્કર આવી રહ્યાં છે. તેની નજરો સમક્ષ એકાએક અંધકાર છવાયો હોય એમ બધું ધૂંધળું બની ગયું. “ઓહ, માયગોડ..” બસ, એટલા જ શબ્દો નિકળી શકયા તેના ગળામાંથી. તેના હાથ આપોઆપ પલંગની ધારે મજબૂતીથી ભિંસાયા. મતલબ કે… ઓહ…! એ સત્ય કેવી રીતે હોય શકે..? શું એ જહાજ વેટલેન્ડનાં કિનારે આવ્યું હતું…? કે પછી એ જહાજનાં કારણે જ આ આઈલેન્ડનું નામ વેટલેન્ડ રખાયું હશે..?

“તું યોગ્ય દિશામાં વિચારી રહી છે માય પ્રિંસેસ.” શ્રેયાંશ બોલ્યો. તેને ગર્વ થયો કે વગર જણાવ્યે જ માનસા ઘણું સમજી ગઈ હતી. “એ જહાજને રઘુ આ આઈલેન્ડ સુધી લઈ આવ્યો હતો. એ સમયે આ આઈલેન્ડ સાવ વેરાન અને ઉજ્જડ હતો. તેના વિશે કોઈને જાણ પણ નહોતી. ઓલીવરે જ તેને આ ઠેકાણું ચિંધ્યું હતું જેથી જહાજને દુનિયાની નજરોથી સંતાડીને અહી લાંગરી શકાય. થયું પણ એવું જ. વેટલેન્ડ એ પછી ક્યારેય કોઈની નજરે ચડયું નહોતું. વેટલેન્ડ જહાજની શોધખોળ ઘણાં લાંબા સમય સુધી ચાલી હતી અને જ્યારે એ મામલો ઠંડો પડયો, લોકો વેટલેન્ડને ભૂલી ગયા ત્યારે ઓલીવર અહી આવ્યો હતો અને જે અપાર સંપત્તી તેના હાથે લાગી હતી એનાથી તેણે આ આઈલેન્ડને વિકસાવવાનું કામ શરૂ કર્યું હતું. એ અરસામાં જ તેણે બ્રિટિશ સેનામાંથી પણ રાજીનામું આપ્યું હતું અને કાયમ માટે આઈલેન્ડ ઉપર રહેવા આવી ગયો હતો. રઘુ અને તેના માણસોને તેણે યોગ્ય બદલો આપીને પોતાની સાથે જ આઈલેન્ડ ઉપર વસાવ્યાં હતા. પરંતુ થોડા વર્ષો પછી એ લોકો પણ ગાયબ થઈ ગયા હતા. રાતોરાત એ લોકો ક્યાં ગયા એ કોઈ નહોતું જાણી શક્યું. મારું અનુમાન છે કે ઓલીવરે તેમને ખતમ કરીને આઈલેન્ડમાં જ ક્યાંક દફનાવી દીધા હોવા જોઈએ. સત્તા, સંપત્તી, શરાબ અને શબાબનો અતીરેક હંમેશા તેની પાછળ તબાહી લઈને આવે છે એ અફર સત્ય યુગો-યુગોથી ક્યારેય બદલાયું નથી અને ક્યારેય બદલાશે નહી. એ પછી… વર્ષોનાં વહાણા વિત્યાં હતા. ઓલીવરે પોતાનું સંપૂર્ણ ધ્યાન આઈલેન્ડને વિકસાવવામાં આપ્યું હતું. એ સમય દરમ્યાન જેમ્સ કાર્ટરે વેટલેન્ડને શોધવામાં કોઈ કચાશ છોડી નહોતી પરંતુ તે ક્યારેય જાણી શક્યો નહોતો કે વેટલેન્ડનું શું થયું હતું. તે નાસીપાસ થતો જતો હતો. તેણે ચિક્કાર શરાબ ઢિંચવાનું શરૂ કર્યું હતું જેના લીધે તેની તબીયત બગડતી ગઈ હતી. માર્ગારિટા એટલે કે તેની પત્નિનાં કાને એ સમાચાર પહોંચ્યા હતા અને તેણે યેનકેન પ્રકારે જેમ્સને ઈંગ્લેન્ડ તેડાવી લીધો હતો. ખરેખર તો વેટલેન્ડ જહાજની કહાની અહી સમાપ્ત થઈ જવી જોઈતી હતી.” શ્રેયાંશ એકાએક ખામોશ થયો.

“મને નથી લાગતું કે એ કહાની ક્યારેય ખતમ થઈ હોય ડેડી. જો એમ હોત તો તમારા કમરામાં કોઈ છૂપી તિજોરી ન હોત. અને તેની અંદર પેલી બૂક, નકશો કે આપણા ખાનદાનની વંશવાળી લખાયેલી ન હોત.”

“ઘેર યુ આર, એટલે જ મને તારા પર ગર્વ છે. યસ, એ કહાની ત્યારે સમાપ્ત નહોતી થઈ. ઈવન આજે પણ સમાપ્ત નથી થઈ. જેમ્સ કાર્ટરનો એક સાથીદાર હતો… પીટર એન્ડરસન. કાર્ટરે તેને વિજયગઢનો હવાલો સોંપ્યો હતો. તેની પાસે પણ એક રહસ્ય હતું, વિજયગઢનાં મંદિરનું રહસ્ય. જે રાત્રે વિજયગઢ અંગ્રેજોનાં કબજામાં આવ્યું એ રાત્રે એ મંદિરમાં કશીક ભેદી હલચલ થઈ હતી. એ શું હતું એ જાણવા એન્ડરસન તેની પાછળ પડી ગયો હતો. કાર્ટરની જેમ ઘણા વર્ષો સુધી તેના હાથે પણ કશું લાગ્યું નહોતું પરંતુ એક દિવસ તેનો વફાદાર આદમી વજાખાન એક મહત્વનાં સમાચાર લઈને તેની પાસે આવ્યો હતો. એ સમાચારે એન્ડરસનને ખળભળાવી મૂક્યો હતો. વજાખાન મંદિરનું રહસ્ય જાણીને આવ્યો હતો અને…” શ્રેયાંશ ફરી રોકાયો.

“અને શું ડેડી…?” કંઈક અજુગતું સાંભળવાની આશંકામાં માનસાનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.

“તેની એક અલગ કહાની છે. પહેલા તને આપણાં ખાનદાનની હિસ્ટ્રી જણાવી દઉં એટલે તું અટવાય નહી. ઓલીવર વિલિયમ્સનો દિકરો ડેનીયલ વિલિયમ્સ, અને તેનો દિકરો બેન્જામિન વિલિયમ્સ. આ ડેનિયલ વિલિયમ્સે બે લગ્ન કર્યા હતા. એક બ્રિટિશ ઓરત મેગી સાથે અને એક ભારતિય સ્ત્રી સુહાની સાથે. સુહાનીથી તેને એક પૂત્ર થયો હતો જેનું નામ હતું દેવદત્ત. દેવદત્ત જાગીરદાર. જાગીરદાર એટલા માટે કે તેની માં સુહાનીની સરનેમ જાગીરદાર હતી જે તેણે ક્યારેય બદલી નહોતી.”

“દેવદત્ત જાગીરદાર એટલે…!” ભયંકર આશ્વર્યથી માનસા એકાએક ઉભી થઈ ગઈ. તેનું મગજ ફાટફાટ થવા લાગ્યું. એક ન સમજાય એવી લાગણી તેને ઘેરી વળી.

“યસ, તું બરાબર સમજી. પરંતુ કહાની હજું ખતમ નથી થઈ. તું બેઘડી શાંતીથી સાંભળ એટલે બધું સમજાય જશે.” શ્રેયાંશને ખ્યાલ હતો જ કે દેવદત્તનું નામ આવતાં જ માનસા ચોંકી ઉઠશે. બન્યું પણ એવું જ પરંતુ અત્યારે તેનું ખામોશ રહેવું જરૂરી હતું. “ ડેનિયલનાં મેગી સાથેનાં સહવાસને કારણે બેન્જામિન જનમ્યો હતો. હવે બહું ધ્યાનથી સાંભળજે માનસા… બેન્જામિન અને દેવદત્તની માં અલગ-અલગ હતી પરંતુ તે બન્નેનો બાપ ડેનિયલ હતો. મતલબ કે તે બન્ને ઓરમાયા ભાઈઓ હતાં. સમય જતાં તેઓ મોટા થયા અને દરેક ખાનદાનમાં બને છે એમ વિલિયમ્સ કુટુંબમાં પણ સંપત્તીને લઈને ડખા શરૂ થયા હતા કારણ કે એક છત નીચે બે ઓરતો ક્યારેય સુખેથી રહી શકતી નથી એ સનાતન સત્ય અહી ભજવાયું હતું. ડેનિયલે એ ડખાથી ત્રાસીને પોતાના ભાગે આવેલી સંપત્તીનાં બે ભાગ પાડયા હતા અને બન્ને ભાઈઓમાં સરખે ભાગે વેહેંચી દીધા હતા. પરંતુ અગાઉ થયેલા ઝઘડાઓનાં કારણે બેન્જામિનનાં મનમાં કડવાશ પેદા થઈ હતી અને એ તેનાં ભાગની સંપત્તી દેવદત્તને વેચીને ઈંગ્લેન્ડ જતો રહ્યો હતો. એટલે આ આઈલેન્ડ હવે સંપૂર્ણપણે દેવદત્ત અને તેની માં સુહાનીની માલીકી હેઠળ આવ્યો હતો. તને તિજોરીમાંથી જે કાગળીયા મળ્યાં તેમાં બેન્જામિન વિલિયમ્સ સુધીનો જ ઈતિહાસ લખેલો છે કારણ કે એ વંશવાળી ખૂદ બેન્જામિને તૈયાર કરી હતી જે તેના ગયા પછી દેવદત્તે સાચવી રાખી હતી. એ દેવદત્ત એટલે મારાં પિતા અને તારા દાદા.” શ્રેયાંશે એકદમ શાંતીથી કહ્યું અને ઉભો થઇ માનસાની સમીપ પહોંચ્યો. “તું જે સમજી હતી એ અફર સત્ય છે. આપણે દેવદત્ત જાગીરદારનાં વારસો છીએ. ૧૯૯૧ માં તેમનું મૃત્યું થયું હતુ ત્યારે તારો જન્મ પણ નહોતો થયો અને એ ઈતીહાસથી તને અળગી રાખવા માટે જ આજ પહેલા ક્યારેય તને આ વાત કહી નહોતી.”

માનસા શું બોલે…? તે એકદમ સ્તબ્ધ ખામોશીમાં સરી પડી હતી.

---------

શ્રેયાંશ જાગીરદાર માનસાને એક પછી એક ઝટકા આપી રહ્યો હતો અને કહાની તો હજું બાકી હતી.

“રુદ્રદેવનાં મંદિરમાં તે રાત્રે શું થયું હતું એ વજાખાન જાણીને આવ્યો હતો અને એ વાત તેણે એન્ડરસનને કહી હતી. એન્ડરસને તુરંત એ ખજાનાની પાછળ પડયો હતો પરંતુ… ખજાનો શંકર જેવા વિજયગઢને વફાદાર શખ્સે  છૂપાવ્યો હતો. એ એટલી આસાનીથી ક્યારેય તેના હાથમાં આવવાનો નહોતો.”

“કોણ શંકર..?”

એ સવાલનો જવાબ આપવામાં શ્રેયાંશ ખચકાયો. શંકર કોણ હતો અને તેણે શું કર્યું હતુ એ તો જે તેની નજીક હતા એ લોકો જ જાણતાં હતા. અને…

(ક્રમશઃ)